બિહારના મુઝફ્ફરપુરમાં હૉર્લિક્સ પરના પ્રતિબંધ પાછળની ખરી કહાણી

હૉર્લિક્સ વિટામિન-ડી વિવાદ Image copyright HORLICKS/FACEBOOK

'દૂધમાં હૉર્લિક્સ ભેળવો, દૂધની શક્તિ વધારો'

કૅલ્શિયમ -741 મિલી ગ્રામ

વિટામિન ડી- 9.26 માઇક્રો ગ્રામ

ફૉસ્ફરસ- 280 મિલી ગ્રામ

મૅગ્નેશિયમ - 65 મિલી ગ્રામ

પ્રોટીન -11.0 ગ્રામ

હૉર્લિક્સના ડબ્બા ઉપર 10થી વધુ પોષક તત્ત્વોની જાહેરાત દેખાય છે અને સાથે જ દેખાય છે લીલા રંગનું નાનકડું ટપકું(ડૉટ) જે તેના શાકાહારી હોવાનું ચિહ્ન છે.


Image copyright NEERAJ PRIYADARSHI/BBC
ફોટો લાઈન હૉર્લિક્સના વેચાણ પર પ્રતિબંધનો આદેશ

જોકે, હાલ એના શાકાહારી હોવાના દાવાઓ ઉપર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.

બિહારના મુઝફ્ફરપુરમાં હૉર્લિક્સ શાકાહારી નથી એવી આશંકાના લીધે હૉર્લિક્સના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મુઝફ્ફરપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર વિકાસ શિરોમણીએ એક નોટિસ ફટકારીને જિલ્લામાં હૉર્લિક્સના વેચાણ ઉપર અંકુશ લગાવી દીધો છે.

જોકે, હૉર્લિક્સ બનાવનારી ગ્લેક્સો સ્મિથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેરે બીબીસીને જણાવ્યું છે કે તેમનું ઉત્પાદન સંપૂર્ણપણે શાકાહારી છે.

ગ્લેક્સો સ્મિથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેરના પ્રવક્તા હરલિન કૌર સરોયાએ કહ્યું, "અમને ડ્રગ ઇન્સ્પેક્ટરની નોટિસ મળી છે. અમારાં તમામ ઉત્પાદનો ફૂડ સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ એક્ટના માપદંડો અંતર્ગત આવે છે."

"આ જ આધારે અમને એનું લાયસન્સ મળ્યું છે."

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

ડ્રગ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે હૉર્લિક્સ બનાવનારી કંપની ગ્લેક્સો સ્મિથક્લાઇને એમાં સામેલ તત્ત્વોમાં વિટામિન ડીના સ્રોત ઉપર ઉઠાવવામાં આવેલા સવાલોનો સંતોષકારક જવાબ નથી આપ્યો.

ઇન્સ્પેક્ટર શિરોમણીએ બીબીસીને કહ્યું, "ભારતીય બંધારણની કલમ 29 (1) કહે છે કે આપણી ધાર્મિક આસ્થાની સાથે રમત કરી શકાતી નથી."

"ગ્લેક્સો સ્મિથક્લાઇને હૉર્લિક્સ દ્વારા કરોડો હિન્દુસ્તાનીઓની ધાર્મિક આસ્થાની સાથે ચેડાં કર્યાં છે."

શિરોમણીની તરફથી પાઠવવામાં આવેલી નોટિસ અનુસાર કંપનીએ હૉર્લિક્સનાં તત્ત્વોમાં વિટામિન D3 અને D2ના સ્રોતો વિશે સ્પષ્ટતા નથી આપી કે શું D2 વનસ્પતિજન્ય સ્રોતોમાંથી અને D3 જીવાણું સ્રોતોમાંથી લેવામાં આવ્યું છે કે શું?


Image copyright Getty Images

જિલ્લા ઔષધી નિયંત્રણ વિભાગ દ્વારા કરાવવામાં આવેલી તપાસ અનુસાર હૉર્લિક્સમાં સામેલ વિટામિન Dના સ્રોતમાં જીવાણું સ્રોત પણ સામેલ છે એટલે એ માંસાહારી છે, છતાં પણ કંપની આ વાત જાહેર કર્યા વગર હૉર્લિક્સને શાકાહારી જણાવીને વેચી રહી છે.

નોટિસમાં એમ પણ લખવામાં આવ્યું છે કે હૉર્લિક્સમાં સામેલ પ્રોફાઇલેક્ટિક તત્ત્વોને આધારે આને ડ્રગ લાઇસન્સની અંતર્ગત વેચવું જોઈતું હતું પરંતુ કંપની એનું વેચાણ ફૂડ લાયસન્સ અંતર્ગત કરી રહી છે.

લગભગ 150 વર્ષ જૂની બ્રાંડ હૉર્લિક્સ ઉપર આ પ્રતિબંધ ડ્રગ અને કૉસ્મેટિક ઍક્ટની કલમો 22(I) અને (D) અંતર્ગત મુકાયો છે.

નોટિસની એક નકલ રાજ્ય ડ્રગ નિયંત્રક કાર્યાલય ઉપરાંત કેન્દ્રીય ડ્રગ નિયંત્રણ કાર્યાલયને પણ મોકલવામાં આવી છે અને આખાય દેશમાં હૉર્લિક્સના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવાની માગ કરવામાં આવી છે.

ઇન્સ્પેક્ટર શિરોમણીનું કહેવું છે કે કંપની સાથે આ વિષયમાં સવાલો કરવામાં આવ્યા પરંતુ કંપનીએ કોઈ પણ નક્કર પુરાવાઓ વગર જવાબો આપ્યા, જે સંતોષકારક નહોતા.

શીરોમણીના જણાવ્યા અનુસાર હૉર્લિક્સમાં સામેલ ઘણાં તત્ત્વો પ્રોફાઇલેક્ટિક(બીમારી અટકાવનાર પદાર્થ)ની શ્રેણીમાં આવે છે.

આ આધારે એનું વેચાણ ડ્રગ લાયસન્સ અંતર્ગત થવું જોઈતું હતું નહીં કે ફૂડ સપ્લીમેન્ટના આધારે તેમણે કહ્યું કે આ વિષયમાં પણ હજુ સુધી કંપનીનો કોઈ જવાબ આવ્યો નથી.

શિરોમણી હૉર્લિક્સમાં સામેલ વિટામિન ડીની બાબતે બે રિપોર્ટ્સનો ઉલ્લેખ કરે છે..

તેમણે જણાવ્યું, "એસજીએસ લૅબમાં થયેલી તપાસથી ખબર પડે છે કે હૉર્લિક્સમાં વિટામિન D3નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પશુ સ્રોતમાંથી મળે છે."

જોકે, કંપનીના જણાવ્યા મુજબ તેમની પાસે એવા કોઈ રિપોર્ટની માહિતી નથી જેમાં એસજીએસ લૅબના પરિણામમાં હૉર્લિક્સના વિટામિન ડીનો સ્રોત માંસાહારી હોવાનું જણાવાયું હોય.


Image copyright GLAXO SMITH KLINE

વિકાસ શિરોમણી અગાઉ 'અમુલ' અને 'કૉમ્પ્લાન'ની પણ આવી જ તપાસ કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું, "કૉમ્પ્લાને પોતાના જવાબમાં માન્યું કે તેઓ વિટામિન ડીની ખરીદી ચીન પાસેથી કરે છે."

"તો અમૂલ ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેઓ વિટામિન D2નો ઉપયોગ કરે છે જે વનસ્પતિઓમાંથી ઉપલબ્ધ છે. ત્યાં હૉર્લિક્સ તરફથી આવું કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી."

શિરોમણીએ બીબીસીને જણાવ્યું કે કંપની 2015થી માંડીને અત્યાર સુધી હૉર્લિક્સ બનાવવા માટે વિટામિન સ્રોતો D1, D2, D3ની ખરીદીના દસ્તાવેજો માંગવામાં આવ્યા છે જેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.


કંપનીનો પક્ષ

Image copyright GLAXO SMITH KLINE

કંપનીએ બીબીસીને એસજીએસ લૅબ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ મોકલ્યો છે.

આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે હૉર્લિક્સમાં વિટામિન D2નો ઉપયોગ કરાયો છે. એટલે કે એવું વિટામિન જે શાકાહારી સ્રોતમાંથી ઉપલબ્ધ હોય.

આ રિપોર્ટ લૅબ દ્વારા 1નવેમ્બર, 2018ના રોજ જાહેર કરાયો હતો.

ગેલેક્સો સ્મિથક્લાઇનના જણાવ્યા મુજબનો ઘટનાક્રમ

6 ઑક્ટોબર: ઇન્સ્પેક્ટરે એક ડિસ્ટ્રિબ્યૂટર (એમ/એસ માનસી ટ્રેડર્સ)ને ત્યાં તપાસ કરી.

તેમની તપાસમાં જાણવા મળ્યું કે હૉર્લિક્સના ડબ્બા પર 'ગ્રીન ડૉટ' છે. જોકે, તેઓ એ તારણ પર પહોચ્યા કે હૉર્લિક્સમાં માંસાહારી તત્ત્વો છે.

ત્યારબાદ ડિસ્ટ્રીબ્યૂટરને જણાવ્યું કે તેઓ કંપનીનો સંપર્ક કરે.

12 ઑક્ટોબર: કંપનીએ 'સંયુક્ત તપાસ'નો જવાબ આપ્યો અને જવાબ સાથે એક સર્ટિફિકેટ ટાંક્યું જેમાં ઉલ્લેખ હતો કે હૉર્લિક્સમાં વપરાતું વિટામિન-ડી શાકાહારી સ્રોતમાંથી મેળવાય છે.

Image copyright Alamy
Image copyright Alamy

29 ઑક્ટોબર: ઇન્સ્પેક્ટર એ નિષ્કર્ષ પર પહોચ્યા કે હૉર્લિક્સમાં વપરાતા વિટામિનનો સ્રોત માંસાહારી (D3) છે એ સ્રોત શાકાહારી વિટામિન (D2) નથી. કારણ કે લૅબલ પર ફક્ત વિટામિન-ડી લખેલું હતું D2 કે D3 નો ઉલ્લેખ નહોતો.

12 નવેમ્બર: કંપનીએ તપાસ અહેવાલનો જવાબ આપ્યો. કંપનીએ સ્પષ્ટતા કરી કે હૉર્લિક્સની ગણના આહાર ધારાધોરણ અને સુરક્ષા નિયમન 2006(ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ) અંતર્ગત 'મૉલ્ટ બેસ્ટ ફૂડ' ગણવામાં આવ્યું છે.

કંપનીએ એસજીએસ લૅબે આપેલું સર્ટિફિકેટ પણ ટાંક્યું હતું જેમાં હૉર્લિક્સમાં વપરાયેલ વિટામિનનો સ્રોત શાકાહારી હોવાનો ઉલ્લેખ છે.

17 નવેમ્બર: ઇન્સ્પેક્ટરે અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કર્યો અને હૉર્લિક્સના વેચાણ પર રોક લગાવી.


ન્યૂટ્રિશન ઍક્સપર્ટ અને ડૉક્ટર્સ શું કહે છે?

ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. રીતુ અરોડા કહે છે કે હૉર્લિક્સમાં જીવાણું સ્રોતવાળા વિટામિન ડીના ઉપયોગની શંકાને નકારી શકાય નહીં.

તેઓએ કહ્યું, "વસાયુક્ત માછલી અને બીફમાં વિટામીન ડી હોય છે. શક્ય છે કે હૉર્લિક્સમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હોય."

"જોકે, અંતિમ પરિણામ તો લૅબ ટેસ્ટ દ્વારા જ આવશે. આ વિષયમાં અંદાજ અથવા શંકાના આધારે કંઈ પણ કહેવું અયોગ્ય રહેશે."


શા માટે વિટામીન ડી જરૂરી?

Image copyright THINKSTOCK
ફોટો લાઈન એક અહેવાલ મુજબ દેશમાં 69% મહિલાઓમાં વિટામિન ડીની ઉણપ છે

વિટામિન ડી હાડકાંની મજબૂતી અને શરીરના રોગ પ્રતિકારક તંત્ર માટે જરૂરી છે.

આની ઊણપથી હાડકાં નબળાં પડી શકે છે. માંસપેશીઓ અને સાંધાના દુઃખાવા, થાક અને આળસ જેવી તકલીફો થઈ શકે છે.

વિટામિન ડીની ઊણપથી ડીપ્રેશનનું પણ જોખમ રહે છે. આ જ કારણ છે કે શિયાળામાં અને ઠંડી જગ્યાઓએ રહેનારા લોકોમાં ડીપ્રેશન વધુ જોવા મળે છે.

ઘરમાં જ રહેતી મહિલાઓમાં પણ ઘણીવાર વિટામિન ડીની ઊણપને લીધે ડીપ્રેશનનાં લક્ષણો જોવા મળે છે.

ડૉ. રિતુના અનુસાર વિટામિન D2 સામાન્ય રીતે વનસ્પતિ સ્રોતો અને D3 જીવાણું સ્રોતોમાંથી મળે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશ એટલે કે તડકો વિટામીન ડીનો મુખ્ય સ્રોત છે.

ડૉ. રિતુ કહે છે કે ભારતમાં રહેતા દરેક 10માંથી આઠમાં વ્યક્તિ વિટામિન ડીની ઊણપના શિકાર છે.


હૉર્લિક્સ જેવાં હેલ્થ ડ્રિંક્ શું ખરેખર ફાયદાકારક હોય છે?

ડૉ. રિતુનું માનીએ તો હેલ્થ ડ્રિન્ક્સની જેટલી બોલબાલા છે અને એ જેટલાં જોરશોરથી રજૂ કરવામાં આવી રહ્યાં છે, હકીકત ખરેખર એવી નથી.

તેઓએ કહ્યું, "હૉર્લિક્સ જેવાં સપ્લીમેન્ટસમાં શુગર અને કૅલરી એટલી વધુ માત્રામાં હોય છે કે તેમાંનાં અન્ય પોષક તત્ત્વોનો કોઈ ફાયદો ના બરાબર જ બચે છે."

Image copyright Alamy
Image copyright Alamy

જીવાણું સ્રોતો અને વનસ્પતિ સ્રોતોમાંથી મળનારા વિટામિન ડીમાં શું ફેર હોય છે.

ડૉ. રિતુ આનો જવાબ 'ના'માં આપે છે. તેઓ કહે છે, "વિટામિન ડીની અસર એક સરખી જ થાય છે, ભલે તે કોઈ પણ સ્રોતમાંથી આવે."

જિલ્લા ઔષધી નિયંત્રણ વિભાગ દ્વારા નોટિસ ફટકાર્યા બાદથી મુઝફ્ફરપુરમાં હાલ હૉર્લિક્સનું વેચાણ નથી થઈ રહ્યું.

હૉર્લિક્સ બનાવનારી કંપની ગ્લેક્સો સ્મિથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેરે બીબીસીને આપેલા પોતાના જવાબમાં નોટિસ મળ્યાની વાત માની છે.

પરંતુ કંપનીના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે તેમના હેલ્થ ડ્રિંક ફક્ત શાકાહારી સ્રોતો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

તેમણે કહ્યું, "અમારાં ઉત્પાદનમાં વપરાયેલાં તત્ત્વો ચોક્કસપણે શાકાહારી સ્રોતોમાંથી લેવામાં આવે છે.”

“અમે પોતે કડકાઈથી એની તપાસ કરીએ છીએ કે જો કોઈ ઉત્પાદન લીલા રંગના પ્રતિક વાળા લોગોની સાથે આવે છે, તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2011ના માપદંડો ઉપર ખરું છે કે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ