BBC TOP NEWS : 'નોટબંધીને કારણે ખેતી પાયમાલ થઈ ગઈ', રિપોર્ટથી હોબાળો થયો

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

'નવભારત ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ મુજબ દેશમાં ખેતી ક્ષેત્રની બરબાદી માટે નોટબંધીને જવાબદાર ઠેરવવામાં આવી છે.

કૃષિ મંત્રાલયે આર્થિક બાબતોની સંસદીય સમિતિને રજૂ કરેલા એક અહેવાલમાં આ બાબત બહાર આવી છે.

આ અહેવાલને આધારે કોંગ્રેસે સરકારની કડક ટીકા કરી હતી. કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યુ હતું કે 'હવે કૃષિ મંત્રાલય પોતે માને છે કે નોટબંધીથી નૂકશાન થયું છે તે છતાં વડા પ્રધાન એમની રેલીઓમાં એના ગુણગાન ગાય છે.'

અહેવાલની ચારેતરફ ટીકા થતાં કૃષિમંત્રી રાધા મોહન સિંહે ટ્વિટ કરીને અહેવાલનાં તથ્યોને ખોટાં કહ્યા હતાં.

એમણે એવો દાવો કર્યો કે નોટબંધી શરૂ થતાં અગાઉ જ મોટાભાગનું બિયારણ વહેંચાઈ ગયું હતું અને ઘઉંનાં બિયારણનું વિતરણ ચાલુ હતું.


ભાજપના સાંસદની સંપત્તિ સૌથી વધુ

Image copyright Getty Images

ભારતીય જનતા પક્ષનાં મહારાષ્ટ્રના ધારાસભ્ય મંગલપ્રભાત લોધા દેશમાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા રિઅલ એસ્ટેટ માધાંતા છે એમ 'હિન્દુસ્તાન ટાઈમ્સ'નો અહેવાલ જણાવે છે.

અખબારનાં જણાવ્યા મુજબ એમની સંપત્તિમાં 22 ટકાનો વધારો થતાં હવે એ દેશમાં ટોચનાં રિઅલ એસ્ટેટ ડેવલોપર છે.

રિઅલ એસ્ટેટના શ્રીમંતોની યાદી જાહેર કરનારી સંસ્થા 'ગ્રોહી હુરુન' મુજબ મંગલપ્રભાત લોધાની સંપત્તિ 271.5 બિલિયન રૂપિયા આંકવામાં આવી છે.

Image copyright Alamy

મંગલપ્રભાત લોધાએ ત્રણ દાયકા અગાઉ આ ધંધામાં પ્રવેશ કર્યો હતો. આ યાદીમાં બીજા ક્રમે 'ઍમ્બસી ગૂપ્ર'નાં જીતેન્દ્ર વિરવાણી છે.

મંગલપ્રભાત લોધા ભાજપ ભારતીય જનતા પક્ષનાં ઉપાધ્યક્ષ છે. તેઓ 1995થી સતત પાંચ વાર મલબાર હીલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાયેલા ધારાસભ્ય છે.


આંદમાનમાં પ્રતિબંધિત ટાપુ પર અમેરિકનની હત્યા

Image copyright INSTAGRAM/JOHN CHAU

આંદમાન-નિકોબાર ટાપુ સમૂહ પર આવેલા સેંટિનેલ ટાપુ પર જૉન એલિન શાઓ નામના અમેરિકન નાગરિકની હત્યા થઈ છે તેમ 'આંદમાન શીખા' સમાચાર વેબસાઈટ જણાવે છે.

આ સેંટિનેલ ટાપુ પર વસ્તી સેંટિનેલી એક પ્રાચીન આદિજાતિ અને તેમની વસ્તી 50થી 150 જેટલી જ રહી છે.

આ જનજાતિ આધુનિક માનવસભ્યતાથી સાવ અલગ છે અને તેમને ટાપુ સિવાયનાં જગત સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

મૃતક જૉન મિશનરી કામ અને ખ્રિસ્તી ધર્મનાં પ્રચાર માટે માટે આંદમાનની એ જાતિ પાસે ગયા હોવાનું સ્થાનિક પોલીસ જણાવે છે.

સરકારી કાયદા મુજબ આ આદિમ જનજાતિને વિક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. આ કેસમાં જૉનને સેંનિટેલ ટાપુ પર જવા માટે મદદ કરનારા માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.


'તુલસીરામ પ્રજાપતિ ન્કાઉન્ટર અમિત શાહનું કાવતરું'

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ જણાવે છે કે ભાજપનાં પ્રમુખ અમિત શાહ, આઈપીએસ દિનેશ એમ.એન, રાજકુમાર પાંડિયન અને ડી.જી વણઝારાએ તુલસીરામ પ્રજાપતિ ઍન્કાઉન્ટર કેસમાં મુખ્ય કાવતરાંખોર છે.

બુધવારે સ્પેશિયલ કોર્ટમાં તપાસ અધિકારી સંદિપ તામગેડેએ આપેલા નિવેદનમાં આ માહિતી બહાર આવી.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને અમિત શાહનો ઉલ્લેખ કરીને સંદિપ તામગેડેએ આને રાજકારણી-ગુંડાઓની મિલીભગત ગણાવી હતી.

અમિત શાહ, ગુલાબચંદ કટારિયા, દિનેશ એમ.એન, પાંડિયન અને વણઝારા આ કેસમાં આરોપી હતા અને એમને નીચલી અદાલાતે 2014થી 2017 દરમિયાન મુકત કર્યા હતા.


અમે 'ઓબામા જજ' કે 'ટ્રમ્પ જજ' નથી

Image copyright JIM WATSON/AFP/GETTY IMAGES

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે કરેલી 'ઓબામા જજ'ની કૉમેન્ટની ચીફ જસ્ટિસ જ્હૉન રૉબર્ટેસે ટીકા કરી છે એમ બીબીસીનો અહેવાલ જણાવે છે.

અમેરિકમાં પ્રમુખ અને ચીફ જસ્ટિસનો આવો ટકરાવ અસામાન્ય ગણાય છે. ટ્રમ્પે મંગળવારે આશ્રયની નીતિ વિરુદ્ધ ચુકાદો આપનાર જજને 'ઓબામા જજ' કહીને ટોણોં માર્યો હતો.

પ્રમુખની આવી હરકતનો જવાબ આપતા ચીફ જસ્ટિસે કહ્યુ કે, 'અમે ઓબામા જજ કે ટ્રમ્પ જજ કે બુશ જજ અથવા ક્લિન્ટન જજ નથી. અમારી પાસે અસાધારણ નિષ્ઠાવાન ન્યાયાધીશો છે, જે એમની સમક્ષ પેશ થનારા લોકોના અધિકારોનું શ્રેષ્ઠ રીતે રક્ષણ કરે છે. '

જોકે, ચીફ જસ્ટિસની આ કૉમેન્ટ બાદ પણ પ્રમુખ ટ્રમ્પ ટ્વીટ્ટર પર 'ઓબામા જજ'ની ટિપ્પણીને વળગી રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો