શું વિશ્વ હિંદુ પરિષદ પાસેથી રામમંદિરનો મુદ્દો છીનવી શકશે શિવસેના?

  • સમીરાત્મજ મિશ્ર
  • અયોધ્યાથી બીબીસી ગુજરાતી માટે

અયોધ્યા, મુંબઈ અને બેંગલુરુમાં ધર્મસભાની તારીખોની ઘોષણા કરવા માટે ગયા અઠવાડિયે લખનઉમાં વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપતરાય આવ્યા હતા.

ઘણી વખત પૂછવા છતાં ધર્મસભાની તારીખ 25 નવેમ્બર જ કેમ રાખવામાં આવી રહી છે અને આટલા મોટા કાર્યક્રમની ઘોષણા આટલી ઝડપથી કેમ કરવામાં આવી રહી છે એ સવાલનો જવાબ તેમણે નહોતો આપ્યો.

ચંપતરાયે આ સવાલોના જવાબ નથી આપ્યા અને કદાચ આપ્યા હોત તો પણ એવા ના જ હોત કે જેવા મારા બીજા પત્રકાર મિત્રોના મનમાં ફરી રહ્યા હતા.

વાસ્તવમાં અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદની સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળવાનાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણ અંગે જે પ્રકારની માગ ઊભી થઈ રહી છે, પ્રવીણ તોગડિયા પોતાના આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા અયોધ્યામાં શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા હતા અને હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ 25 નવેમ્બરના રોજ એ જ હેતુસર આવી રહ્યા છે.

ત્યારે રામ મંદિર આંદોલનનો એક રીતે પર્યાય બની ચૂકેલી વિશ્વ હિંદુ પરિષદનું મૌન લોકોને ગળે નહોતું ઊતરી રહ્યું.

એક લાખ લોકો અયોધ્યા પહોંચશે

ચંપતરાયે ગયા અઠવાડિયે અયોધ્યા અને લખનઉ બન્ને જગ્યાએથી મીડિયા સાથે વાત કરી હતી.

તેમણે વાતોમાં સતત એ વાત પર ભાર મૂક્યો હતો કે 'રામ મંદિર એ જનતાની ભાવના અને શ્રદ્ધાનો વિષય છે અને આ અંગે જલદી કંઈક નિર્ણય લેવાવો જોઈએ.'

તેમણે ઓછામાં ઓછા એક લાખ લોકો 25 નવેમ્બરના રોજ અયોધ્યા પહોંચશે એવો દાવો તો કર્યો પણ આ એક લાખ લોકો અયોધ્યા શા માટે આવશે?

મંદિર નિર્માણ માટે કોના પર દબાણ ઊભું કરશે અને અહીં આવી આ લોકો શું કરશે એ અંગે તેમણે કોઈ ચોક્કસ જવાબ ન આપ્યો.

સૌથી અગત્યની વાત તો એ છે કે આટલી ઉતાવળમાં વિહિપે ધર્મસભાની તારીખ 25 નવેમ્બર જ કેમ પસંદ કરી?

તમે આ વાંચ્યું કે નહીં?

લખનઉમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અગ્રણી પત્રકાર સુભાષ મિશ્રા જણાવે છે, ''વિહિપને લાગ્યું કે કદાચ એવું ન બને કે તેમના હાથમાંથી આ મુદ્દો સરી પડશે અને શિવસેના કે તોગડિયા પાસે જતો રહેશે કે જેને અત્યાર સુધી તેઓ પોતાનો માનતા આવ્યા છે."

"એક કારણ એ પણ છે કે રામ મંદિરના મુદ્દા સાથે શિવસેના જોડાયેલી તો છે જ અને વળી તે બીજી સંસ્થા કરતાં સૌથી વધારે આક્રમક પણ રહી છે.''

સુભાષ મિશ્રા જણાવે છે, "શિવસેનાનો ઉત્તર પ્રદેશમાં ભલે કોઈ પ્રભાવ ના હોય પણ તોગડિયાની સાથે વિહિપના તમામ એવા લોકો જોડાયેલા છે કે જેઓ પોતાને વિહિપમાંથી તગેડી મૂકવા બદલ નારાજ હતા."

"બીજું કે જે કોઈપણ સંગઠન આક્રમકતા સાથે રામ મંદિરના મુદ્દો ઉઠાવશે તો એ સ્પષ્ટ છે કે હિંદુઓનો એક મોટો વર્ગ ચોક્કસ એમના પ્રભાવમાં આવી જશે."

શિવસેનાનું અયોધ્યામાં આગમન

વાસ્તવમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે બે મહિના પહેલાં જ 25 નવેમ્બરના રોજ અયોધ્યા આવવાની અને અહીંયા રામ મંદિર બનાવવાનો સંકલ્પ લેવાની જાહેરાત કરી હતી.

શિવસેના સાંસદ સંજય રાઉતે આ માટે ઘણી વખત અયોધ્યાની મુલાકાત લીધી છે અને છેલ્લા બે દિવસોથી તો તેઓ અયોધ્યામાં જ તંબુ તાણી બેઠા છે.

ગુરુવારે એમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે શિવસેનાના ઘણા સાંસદ અને ધારાસભ્ય અયોધ્યા પહોંચવા માંડ્યા છે અને 24 નવેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થશે.

ઉદ્ધવ ઠાકરેનો કાર્યક્રમ પહેલાં રામ લલાનાં દર્શન કરવાનો, સાધુ-સંતો સાથે વાતચીત કરવાનો અને પછી 25 નવેમ્બરે એક જનસભાને સંબોધન કરવાનો હતો.

જોકે, વહીવટતંત્રની કડકાઈ બાદ જનસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.

જાણકારો કહે છે કે ઉદ્ધવ ઠાકરે જે પ્રકારની તૈયારી તેમજ પ્રચાર-પ્રસાર સાથે અયોધ્યા આવી રહ્યા છે તેનાથી વિહિપ અને એની સાથે જોડાયેલાં સંગઠનોના પેટમાં તેલ જરૂર રેડાયું છે.

સરકાર માટે વધી જતી પરેશાની

સુભાષ મિશ્રા જણાવે છે કે શિવસેના, તોગડિયા કે પછી બીજું કોઈપણ જો રામ મંદિરના નિર્માણની આગેવાની કરે અને એ દરમિયાન તેઓ સરકાર અને સાથે-સાથે વિહિપને પણ સકંજામાં લઈ લે તો એ સ્પષ્ટ છે કે આનાથી સરકાર અને વિહિપ માટે જોખમ ઊભું થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર શિવસેનાના કાર્યક્રમના દિવસે જ ધર્મસભાની તારીખની જાહેરાત કરવા પાછળ આ જ કારણ જોવા મળે છે.

સુભાષ મિશ્રા જણાવે છે, ''વિહિપે આગળ આવી એક મોટા આંદોલન જેવા કાર્યક્રમની ઘોષણા કરી સરકાર માટે આ મુદ્દા પર સેફ્ટી વૉલનું કામ કર્યું છે કે જેથી કોઈ બીજી સંસ્થા કે વ્યક્તિ આ મુદ્દાને છીનવી ના શકે.''

તો વળી વિહિપના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાયએ ધર્મસભાની તારીખ અને એ દિવસની યોજના અંગે ભલે કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હોય પણ વિહિપના પ્રદેશ પ્રવક્તા શરદ શર્મા જણાવે છે કે આ મંદિર નિર્માણ માટે લોકોને ભેગા કરવા અને વાતાવરણ ઊભું કરવા અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

શરદ શર્મા જણાવે છે, ''મંદિર નિર્માણ માટે 26 ડિસેમ્બર સુધી પૂજા સ્થાન, મઠ, મંદિર, આશ્રમ, ગુરુદ્વારા અને ઘરોમાં સ્થાનિક પરંપરા મુજબ અનુષ્ઠાન કરવામાં આવશે. 18 ડિસેમ્બર બાદ જિલ્લા અને તાલુકા સ્તરે 5000 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.''

આ બાજુ વહીવટીતંત્ર આ બન્ને કાર્યક્રમોને જોતાં સચેત છે અને આખા જિલ્લામાં કલમ 144 લગાડી દેવામાં આવી છે.

વહીવટીતંત્રે વિવાદિત પરિસરની આસપાસ લોકોને ટોળામાં ભેગા થવાં પર કડક પ્રતિબંધ મૂક્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો