'મા હું મરી જઈશ,' એ રિવાજ જેના કારણે માતાની સામે જ દીકરીનું મોત થયું

દીકરીના માતા ભાનુમતી Image copyright Pramila Krishnan/BBC

''મા, હું મરી જઈશ,'' 14 વર્ષની વિજયાલક્ષ્મીએ પોતાની માતા ભાનુમતીને આવું કહ્યું, કેમ કે તેના માથા પર નાળિયેરી આવીને પડી હતી. વીતેલા અઠવાડિયા દરમિયાન તામિલનાડુમાં ગાજા વાવાઝોડું આવ્યું ત્યારની આ ઘટના છે.

થાંજાવુર જિલ્લાના અનૈકાડુ ગામમાં પોતાના ઘરથી થોડે દૂર કાચા છાપરાની નીચે કિશોરી સૂતી હતી.

જૂના જમાનાના રિવાજ પ્રમાણે તે માસિકમાં હોવાથી તેને ઘરથી દૂર છાપરા નીચે સૂવા મોકલાઈ હતી.

જોકે, તેમનાં માતા પણ બાજુમાં જ સૂતાં હતાં અને તે થોડા માટે જ બચી ગયાં હતાં.

ગ્રામીણ વિસ્તારમાં આજેય રજસ્વલા થવાની વાતને અપશુકન ગણવામાં આવે છે. અટકાવના દિવસોમાં સ્ત્રીઓને અપવિત્ર ગણવામાં આવે છે.

ગાજા વાવાઝોડાના કારણે કાંઠાળ વિસ્તારોમાં 46 જેટલા લોકોનાં મોત થયાનું અનુમાન છે.

કુટુંબના સભ્યોના જણાવ્યા અનુસાર ભાનુમતી અને દીકરી વિજયાલક્ષ્મી બંને વાવાઝોડા વખતે નાળિયેરીના વૃક્ષો વચ્ચે બનેલી ઝૂંપડીમાં ફસાઈ ગયાં હતાં.

એક મોટું નાળિયેરનું વૃક્ષ છાપરું તોડીને કિશોરની માથે પડ્યું હતું અને તેની માતાના પગમાં પણ ફ્રેક્ચર થયું હતું.


માતાની વેદના

Image copyright BBC TAMIL

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી અને શોકમાં સરી ગયેલાં ભાનુમતીએ બીબીસીની ટીમને જણાવ્યું, ''તેણે મને કહ્યું હતું કે હું હવે મરી જઈશ."

"મારી નજર સામે મેં તેને મરતા જોઈ. મારો ડાબો પગ ભાંગી ગયો હતો એટલે હું ચાલી પણ શકું તેમ નહોતી."

"હતું તેટલું જોર કરીને બૂમો પાડવા લાગી પણ મારા ઘરના અને પાડોશીઓ મદદ કરવા આવ્યા ત્યાં સુધીમાં તો મારી દીકરી મરી ગઈ હતી."

"મેં જોયું તો તેના મોઢામાંથી લોહી નીકળી ગયું હતું. હું જિંદગીભર તેને ભૂલી નહીં શકું,''

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ એટલાં નબળાં પડી ગયાં છે કે વાત કરનારની સામે ઊંચે જોઈને વાત કરી શકતાં નથી.

દીકરીને યાદ કરીને ભાનુમતી રડવા લાગે, ત્યારે હૉસ્પિટલમાં દાખલ થયેલી બીજી ઘણી મહિલાઓ તેની પાસે આવીને સાંત્વના આપવાની કોશિશ કરે છે.

ભાનુમતી દીકરીને યાદ કરીને બબડ્યા કરે છે. તેની બહેન તેને પરાણે કોળિયા આપીને માંડમાંડ ભોજન કરાવે છે.

Image copyright BBC TAMIL

તેઓ કહે છે, ''મારી બહેન કહે છે કે મને ને મારી દીકરીને ઝૂંપડીમાંથી બહાર કાઢી ત્યારે હું પણ બેભાન હતી."

"હવે અહીં મને સારવાર આપવામાં આવી રહી છે. મને તો ભરોસો જ નથી બેસતો કે મારી દીકરી મેં ગુમાવી દીધી છે."

"છેલ્લે છેલ્લે હું મારી દીકરીનું મોઢું પણ જોઈ ના શકી. આખી જિંદગી મને પસ્તાવો રહેશે,''

પોતાના આંસુ પર તેઓ કાબૂ રાખી શકતાં નથી અને કહે છે, ''મારી પરી જેવી દીકરી હતી. દરેક માને થાય કે દુઃખ આવી પડે ત્યારે આવી દીકરી પડખે ઊભી હોય."

"જોકે, મારી હાલત તો જુઓ. હું જીવી ગઈ અને મારી એકની એક, દીકરી જતી રહી."

"મારી દીકરી ક્યારે મોટી થાય અને ક્યારે સારું જીવન જીવે તેની જ આશામાં હું હતી. મારા બધા જ સપના ધોવાઈ ગયા છે.''


'રિવાજને કારણે મારી દીકરીએ જીવ ખોવો પડ્યો'

Image copyright BBC TAMIL

તેઓ અફસોસ સાથે કહે છે, "અમારા બધા ગામોમાં છોકરી પુખ્ત થાય ત્યારે તેને ઘરથી દૂર રાખવાનો રિવાજ છે."

"છોકરીને આ દિવસોમાં સોળ દિવસ ઘરથી દૂર જુદી જગ્યામાં રખાય છે."

"સોળમાં દિવસે ધામધૂમથી તેને ઘરે લાવીએ છીએ. વર્ષોથી આજ રિવાજ અમે પાળતા આવ્યા છીએ."

"મને પણ એવી રીતે જ ઘરથી દૂર રાખવામાં આવી હતી. અમારા આવા રિવાજના કારણે જ હું તેને ઘરમાં લાવી શકી નહોતી."

Image copyright Alamy
Image copyright Alamy

"તેમાં મારી દીકરી જતી રહી. આ રિવાજને કારણે મારી દીકરીએ જીવ ખોવો પડ્યો,''

તેમના ઘરે કિશોરીના દાદાદાદી પણ આઘાતમાં છે. તેમનાં દાદી કહે છે, ''અમે જોયું કે ઝૂંપડીની માથે જ નાળિયેરી તૂટીને પડી છે, ત્યારે અમે આશા ખોઈ બેઠા હતા."

"ગામના લોકો મદદે આવ્યા ત્યારે અમે નાળિયેરી હટાવી શક્યા અને અંદરથી તેને બહાર કાઢી હતી. તેને દવાખાને લઈ ગયા, પણ ત્યાં કહ્યું કે તેનામાંથી ક્યારનોય જીવ જતો રહ્યો છે.''

Image copyright BBC TAMIL

એમ. વિસાલક્ષ્મીએ કહ્યું, "મેં કહેલું કે બીજી કોઈ જગ્યાએ જઈએ, પણ થોડા જ કલાકમાં ભારે વાવાઝોડું શરૂ થઈ ગયું હતું અને અમે ક્યાંય જઈ શકીએ તેમ નહોતાં."

"નાળિયેરીની આ વાડી સિવાય અમે ક્યાંય જઈ શકીએ તેમ નહોતાં. વર્ષોથી અમે અહીં જ કામ કરીએ છીએ.''

તામિલનાડુ બાળઅધિકાર પંચના એમ. પી. નિર્મલાને પૂછવામાં આવ્યું કે રજસ્વલા થાય ત્યારે કિશોરીઓની સલામતીનું શું, તેના જવાબમાં તેમણે કહ્યું કે લોકોને આમાં કશું અપવિત્ર નથી હોતું તે સમજાવવું બહુ મુશ્કેલ છે.

નિર્મલા કહે છે. ''આ સમાચાર અમારા માટે પણ આઘાતજનક છે. એવી તો કેવી રીતે લોકો આવા રિવાજમાં વિશ્વાસ કરીને પોતાની દીકરીને એકલી દૂર રાખી શકે?"

"પેરામ્બલુર જિલ્લામાં પણ આવા કિસ્સા બન્યા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે."

"આપણે જાગૃતિ ફેલાવવી પડશે અને આવી ગેરમાન્યતાઓનો સામનો કરવો પડશે. પણ આ બહુ મુશ્કેલ કામ છે,''


'કિશોરીઓને ઘરથી દૂર રહેવાની ફરજ પાડે છે'

Image copyright BBC TAMIL

સ્થાનિક સામાજિક કાર્યકર વીરાસેના કહે છે કે અમીર અને ગરીબ બંને પરિવારો આવો રિવાજ પાળે છે. તેઓ કિશોરીઓને ઘરથી દૂર રહેવાની ફરજ પાડે છે.

વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી પડ્યાં હતાં.

12 જિલ્લાઓની લગભગ 80,000 હેક્ટર ખેતીની જમીનમાં નુકસાન થયું હોવાનું સરકારી તંત્રનું અનુમાન છે.

આ વિસ્તારમાં માછીમારી અને નાળિયેરી તથા આમલીના રોકડિયા પાકો પર જ લોકોનું ગુજરાન ચાલે છે.

આવકના આ સાધનોને ભારે નુકસાન થયું છે. માછીમારોની હોડીઓને નુકસાન થયું છે. કાંઠા નજીકના અનેક ઘરોમાં દરિયાનાં પાણી ઘૂસી ગયાં હતાં.

કેટલાક જિલ્લામાં ગ્રામવાસીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કેમ કે સરકારે અનાજ અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ તેને સમયસર પહોંચાડી નથી.

જોકે, સ્થાનિક અધિકારીઓ દાવો કરે છે કે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની, અનાજની તથા ધાબળાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

493 રાહત છાવણીઓ ખોલાઈ છે અને તેમાં લોકોને મદદ કરવામાં આવી હોવાનો દાવો અધિકારીઓએ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો