દૃષ્ટિકોણ : શું મોદી સરકાર અતિ પછાત વર્ગને ન્યાય અપાવી શકશે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે તેઓ પછાત છે. તેઓ ઓબીસીમાંથી આવે છે અને વંચિતોના હમદર્દ (દુખમાં ભાગીદાર) છે. 2 ઑક્ટોબર 2017ના રોજ કેન્દ્ર સરકારે એક વિશષ સૂચના જાહેર કરી એક આયોગ બનાવવાની જાહેરાત કરી હતી.

સરકારે તેને ત્રણ કામ સોંપ્યા. પ્રથમ કે ઓબીસી (અન્ય પછાત જાતી) અંતર્ગત કેટલી જાતિઓ અને સમુદાયોને અનામતનો લાભ કેટલા અસમાન પ્રકારે મળી.

બીજું કે ઓબીસીની વહેંચણી માટે પદ્ધતિ, આધાર અને માપદંડ નક્કી કરવા અને ત્રીજું, ઓબીસીને ઉચ્ચ વર્ગોમાં વહેંચવા માટે તેમની ઓળખ કરવી. એ આયોગને પોતાનો અહેવાલ સોંપવા માટે 12 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો.

આ પરથી લાગે છે કે સરકાર આ કામને કેટલી ઝડપથી પૂર્ણ કરવા માગે છે. આ આયોગની આગેવાની પૂર્વ ન્યાયાધીશ જી. રોહિણીને સોંપવામાં આવી છે. (અહીં ક્લિક કરી વાંચો સરકારનો નિર્ણય)


રોહિણી આયોગનું મહત્ત્વ

Image copyright REUTERS

આ આયોગનું ગઠન કોઈ વહીવટી આદેશના અંતર્ગત ના કરી સંવિધાનના અનુચ્છેદ 340 અંતર્ગત કરવામાં આવ્યું.

આ બાબતની મહત્તા એ પરથી સમજી શકાશે કે આ અનુચ્છેદ અંતર્ગત માત્ર બે આયોગનું જ ગઠન થયું છે. તેમાંથી એક આયોગનું નામ મંડલ કમિશન છે, જેના રિપોર્ટના આધારે દેશની 52 ટકા આબાદીને કેન્દ્ર સરકારની નોકરીઓ અને ઉચ્ચ શિક્ષામાં 27 ટકા આરક્ષણ મળે છે.

એથી પહેલાં આ અનુચ્છેદ અંતર્ગત પછાત વર્ગ આયોગ મતલબ કે કાકા કાલેલકર આયોગ બન્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images

રોહિણી આયોગ બનાવવા પાછળ એવો તર્ક હતો કે ઓબીસી એક મોટો વર્ગ છે જેની અંતર્ગત હજારો જાતિઓ છે. આ જાતિઓ સામાજિક વિકાસના ક્રમમાં અલગઅલગ સ્થાન પર છે. આમાંથી અમુક જાતિઓ અનામતની જોગવાઈનો ઉપયોગ કરવા માટે સારી સ્થિતિમાં છે.

પરંતુ અમુક જાતિઓ અનામતના લાભથી વંચિત રહી જાય છે.

આ તર્કના આધારે દેશના સાત રાજ્ય પછાત જાતિઓને એકથી વધારે સમૂહોમાં વહેંચીને અનામત લાગુ કરે છે. આ રાજ્યોમાં બિહાર, હરિયાણા, કર્ણાટક, તામલિનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પોંડિચેરીનો સમાવેશ થાય છે.

આ કારણે જ્યારે કેન્દ્ર સરકારે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં વહેંચણી કરવાની પહેલ કરી તો અતિપછાત જાતિઓમાં એવી આશા જાગી કે કેન્દ્ર સરકારની નોકરીઓ અને ઉચ્ચ શિક્ષામાં તેમને તક મળશે.


સમયસર રિપોર્ટ ના આવ્યો

Image copyright Getty Images

આયોગના ગઠનને 13 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ એ આશા ખતમ થઈ ચૂકી છે. કેન્દ્રીય કૅબિનેટે 22 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એવો નિર્ણય કર્યો કે આ આયોગને કામ પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે.

હવે 31 મે 2019ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે. નરેન્દ્ર મોદી સરકારનો કાર્યકાળ 26 મે 2019ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

મતલબ કે વર્તમાન સરકારે રોહિણી આયોગના રિપોર્ટ અને તેના પર નિર્ણય લેવાનું દાયિત્વ આગામી સરકાર સુધી ટાળી દીધો છે.

આ આયોગનો કાર્યકાળ ચોથી વખત વધારવામાં આવ્યો છે. એ આશ્ચર્યજનક છે, કારણ કે આયોગથી એવી આશા હતી કે તેઓ પોતાનું કામ 12 અઠવાડિયામાં પૂર્ણ કરી લેશે, પરંતુ 13 મહિના થવા છતાં હજુ રિપોર્ટ નથી આવ્યો.

એવું શા માટે થયું તેનું માત્ર અનુમાન જ લગાવી શકાય છે, કારણ કે જ્યારે પણ આ આયોગનો કાર્યકાળ વધારવામાં આવ્યો તેના માટે દર વખતે એ કારણ રજૂ કરવામાં આવ્યું કે, આયોગને વધુ માહિતી, આંકડા અને બેઠકો કરવાની જરૂર છે.

ઓબીસીની વહેંચણી

Image copyright Getty Images

શું આયોગના ગઠન સમયે સરકારને એ અંદાજો નહોતો કે ઓબીસીના વર્ગીકરણ માટે આંકડાઓની જરૂર પડશે? સવાલ એ પણ છે કે શું આગામી છ મહિનામાં આયોગ પાસે આંકડાઓ આવી જશે?

જાતિવાર જનગણનાના આંકડાઓ વિના આ આયોગ કેવી રીતે નક્કી કરશે કે કોઈપણ જાતિ પોતાની સંખ્યાના અનુપાતમાં વધુ સરકારી નોકરીઓ મેળવી ચૂકી છે અને કઈ જાતિ વંચતિ રહી ગઈ છે?

રાજ્યસભામાં સરકારના એક સવાલના જવાબમાં માની લેવામાં આવ્યું છે કે સામાજિક-આર્થિક અને જાતિ જનગણના 2011ના આંકડાની તપાસ કરવા માટે જ સમિતિનું ગઠન થવાનું હતું તે બની નથી.

આ સમિતિના અધ્યક્ષ નીતિ આયોગના તત્કાલીન ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવા માટે જતા રહ્યા છે. એટલા માટે એ નક્કી છે કે આ વસતિ ગણતરીનો રિપોર્ટ નહીં આવે. એટલું જ નહીં રોહિણી કમિશનને આંકડાઓ વિના કામ કરવું પડશે.

આ એ વાત છે જે આપણે જાણીએ છીએ. જે વાત આપણે નથી જાણતા એ છે કે એક વર્ષ પહેલાં સરકાર જેટલા ઉત્સાહથી ઓબીસીની વહેંચણી કરવા નીકળી હતી, તેની પગ અચાનક થોભી કેમ ગયા?

ઓબીસીની વહેંચણી રાજનીતિ માટે પડકાર રૂપ છે, કારણ કે જે રાજ્યોમાં આ વહેંચણી પહેલેથી જ છે ત્યાં તેને લઈને રાજનીતિ સ્થિર થઈ ચૂકી છે.

Image copyright MANISH SHANDILYA/BBC
ફોટો લાઈન કર્પૂરી ઠાકુરે બે ભાગમાં વહેંચીને અનામત આપી

ઉદાહરણ તરીકે 1978માં બિહારના મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરે પછાત જાતિઓને અનામત આપવાનો નિર્ણય કર્યો તો તેમને બે વર્ગોમાં વહેંચીને લાગુ કરી. હવે બિહારમાં આ મુદ્દે કોઈ રાજનીતિ નથી થતી.

લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના કાર્યકાળમાં અતિ પછાત વર્ગોને અનામત વધારી દીધી, કારણ કે ઝારખંડના અલગ થયા બાદ અનુસૂચિત જાતિની અનામત ઘટીને એક ટકા રહી ગઈ હતી.

પરંતુ જ્યારે રાજનાથ સિંહ સરકારે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારે વહેંચણી કરવાનો પ્રયાસ કર્યો તો રાજકીય ભૂકંપ આવી ગયો અને તેમની કૅબિનેટમાં વિદ્રોહ ઊભો થયો.

તેમની સરકારના મંત્રી અશોક યાદવ તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા. તેમણે સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ લડ્યો અને વહેંચણીનો નિર્ણય પડતો મૂકવો પડ્યો.

જ્યારે પણ રાજનૈતિક હેતુસર ઓબીસીની વહેંચણી કરવાનો પ્રયાસ થશે, તેના રાજનૈતિક પરિણામ આવશે.

પરંતુ જો વહેંચણીનો હેતુ ન્યાય અને વધુ જરૂરિયાતમંદોને લાભ આપવાનો હોય, ત્યારે જ તમામ તબક્કે સહમતી મળે છે. સાત રાજ્યોમાં પછાત જાતિઓનું વિભાજન આનું પ્રમાણ છે.

ઓબીસીનું વિભાજન કરવા માટે આયોગ બનાવ્યા બાદ ભાજપને કદાચ એવું લાગ્યું હશે કે ઓબીસીની પ્રભાવશાળી જાતિઓ નારાજ થશે. આ જાતિઓ ભાજપને મત આપે છે.

એટલે સુધી કે બિહાર અને યૂપી સિવાય અન્ય રાજ્યોમાં યાદવ જાતે ભાજપ વિરુદ્ધ નથી. બિહાર અને યૂપીનો એક હિસ્સો ભાજપને વોટ આપે છે.

કુર્મી, સોની અથવા કુશવાહા અથવા લોધ અથવા અન્ય રાજ્યોમાં પછાત વર્ગોમાં સામેલ જાટોને અલગ શ્રેણીમાં ઉમેરી દેવામાં આવે તો તેમનો રાજનૈતિક વ્યવહાર કેવી રીતે બદલશે તેનો માત્ર અંદાજ લગાવી શકાય છે.

ભાજપને કદાચ એવું લાગ્યું હશે કે આ જાતિઓ આ વિભાજનને પસંદ નહીં કરે. કારણ કોઈપણ હોય પરંતુ અતિ પછાત વર્ગને ન્યાય અપાવવાનો ભાજપનો ઉત્સાહ ઠરી ગયો છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ