રોજ ગ્રીન ટીનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી?

ગ્રીન ટી કેટલી જોમખી? Image copyright Thinkstock

જ્યારથી લોકોને પોતાનાં સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી ત્યારથી 'ગ્રીન ટી'પીવાનું ચલણ વધ્યું.

ગ્રીન ટીના લીધે કુલડીમાં મલાઈ નાખેલી ચા પીનારા લોકોએ પોતાનો સ્વાદ બદલી નાખ્યો હતો. સ્વાસ્થ્યના નામે ચૂસકીનું સ્થાન 'સિપ'એ લઈ લીધું.

તંદુરસ્તી માટે ગ્રીન ટીના એટલા બધા ફાયદાઓ ગણાવવામાં આવ્યા કે લોકોના ઘરોમાં ખાંડ-દૂધ આવતાં જ બંધ થઈ ગયાં.

જોકે, સેલિબ્રિટિ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરના એક વીડિયોએ સ્વાસ્થ્ય પ્રેમી લોકોને અસમંજસમાં મૂકી દીધા છે.

કરીના કપુર અને આલિયા ભટ્ટને ફિટ રાખનારાં ઋજુતાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં રૂજુતાએ કહ્યું, "જે લોકો 'ગ્રીન ટી'ના વ્યવસાય સાથે જોડાયેલા છે, ફક્ત તેમના માટે જ ગ્રીન ટી સ્વાસ્થ્યકારક છે."

"બાકી તમારા સ્વાસ્થ્ય માટે, ઍન્ટી-ઑક્સિડૅન્ટ માટે, સુંદરતા માટે આદુવાળી કડક ચા જ સારી છે."


Image copyright INSTAGRAM

ઋજુતાના આ વીડિયોની બીજી કોઈ અસર થઈ હોય કે ના થઈ હોય પરંતુ આ વીડિયોએ લોકોને અસમંજસમાં ચોક્કસ મૂકી દીધા છે.

જો કોઈ ફિટનેસ ટ્રૅનર, જે સેલિબ્રિટીઓને ફિટ રાખતાં હોય તે આ પ્રકારની વાત કરે ત્યારે ડર લાગવો સ્વાભાવિક છે.

આખી દુનિયા જે ચાને 'દવા' સમજીને પીવે છે, શું એ ચા 'નુકસાનકારક' હોઈ શકે ?

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

ઋજુતાનો જે વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, એ વીડિયોમાં તેમણે ગ્રીન ટીને નુકસાનકાર ગણાવવાનું કોઈ કારણ આપ્યું નથી.

આ સ્થિતિમાં ગ્રીન ટીના વિષયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે.

જોકે, ગ્રીન ટીનો ઇતિહાસ ચકાસો તો જાણવા મળશે કે એ 5 હજાર વર્ષ જૂનો છે.

ગ્રીન ટીનો પ્રથમ ઉપયોગ ચીનમાં થયો હતો.

બ્લેક ટી હોય કે પછી ગ્રીન ટી, ચા કૅમેલિયા સાઇનેસિસના છોડમાંથી મળે છે.

આ છોડનાં પાંદડા કેવાં હોય છે? છોડ ક્યાં પ્રકારના વાતાવરણમાં ઊગ્યો છે? ચાનાં પાંદડાને કેવી રીતે ચૂંટવામાં આવ્યાં છે, આ તમામ બાબતોના આધારે ચાનો પ્રકાર નક્કી થાય છે.


ગ્રીન ટી કેવી રીતે તૈયાર થાય છે?

Image copyright ALAMY

જો ગ્રીન ટી તૈયાર કરવી હોય તો છોડને છાયડામાં રાખવો જરૂરી છે. આ છોડની પર નેટ લગાડવી પણ જરૂરી છે.

છોડ પર સૂર્યનો પ્રકાશ જેટલો ઓછો પડે, તેમાં એટલું વધારે ક્લોરોફિલ પેદા થતું હોય છે.

ચાના છોડને સૂર્યનો ઓછો પ્રકાશ મળે ત્યારે તેમાંથી પૉલીફિનૉલ નામનું કેમિકલ પણ ઓછું નીકળે છે.

આ એ જ કેમિકલ છે કે જેનાથી ચામાં હળવો કડવો સ્વાદ આવે છે. જોકે, કેટલાક લોકોને આવો જ સ્વાદ પસંદ આવતો હોય છે.

છોડમાંથી ચાનાં પાંદડાં અને કળીઓ તોડી સૂકવવામાં આવે છે.

જો તમારે ગ્રીન ટી જોઈતી હોય તો આ કળીઓ અને પાંદડાને એક દિવસ સૂકવવી તેને સેકવામાં આવે છે.

આ પાંદડાંઓ અને કળીઓને કેટલી સૂકવવી તે ચાના પ્રકારના આધારે નક્કી કરવામાં આવે છે.

ચાના પાંદડાં તોડી તેને કેટલાક દિવસ સૂકવી, ઉકાળવામાં આવે ત્યારે તેમાંથી બ્લૅક ટી તૈયાર થાય છે.

વિશ્વમાં સૌથી વધુ આ જ ચા ઉપયોગમાં લેવાય છે.

વિશ્વમાં ચાની કુલ માગના 78 ટકા બ્લૅક ટીની જ માગ હોય છે.


Image copyright SPL

ગ્રીન ટીના ઘટકોમાં 15 ટકા પ્રોટીન, 4 ટકા ઍમીનો ઍસિડ, 26 ટકા ફાઈબર, 7 ટકા કાર્બોહાઇડ્રેટ, 7 ટકા લિપિડ, 2 ટકા પિગ્મેન્ટ્સ, 5 ટકા મિનરલ્સ, 30 ટકા ફેનૉલિક કમ્પાઉન્ડ્સ હોય છે. ગ્રીન ટીમાં આટલાં ઘટકો હોય છે.

આ આંકડાઓ જોતાં એવું બિલકુલ ન લાગે કે ગ્રીન ટી નુકસાનકાર છે.

જોકે, કેટલાક અભ્યાસમાં ગ્રીન ટીના ગેરફાયદાની ચર્ચા પણ કરાઈ છે.

કેટલાક લોકોએ આ સંશોધનોમાં ગ્રીન ટીના લીધે કિડની અને લીવરમાં થતાં નુકસાનની માહિતી પણ આપવામાં આવી છે.

જોકે, ગ્રીન ટીની માત્રના આધારે જ નુકસાન વિશે જાણી શકાય છે.

વેબમેડ વેબસાઇટ મુજબ, ગ્રીન ટીનું સેવન કરવું સુરક્ષિત છે, તેમ છતાં કેટલાક કિસ્સાઓ એવા ઉજાગર થયા છે, જેમાં જાણવા મળ્યું હતું કે ગ્રીન ટીના કારણે કેટલાક લોકોને ગ્રીન ટીના સેવનથી પેટની સમસ્યા સર્જાઈ હતી.

કેટલાક લોકોએ એવું જણાવ્યું હતું કે ગ્રીન ટીના સેવનથી તેમને લીવર અને કિડનીને લગતી સમસ્યા થઈ હતી.

વેબસાઇટ મુજબ, વધુ પડતી માત્રામાં ગ્રીન ટીનું સેવન કરો તો તે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ગ્રીનમાં ટીનું કૅફીન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના લીધે માથાનો દુ:ખાવો, નર્વસનેસ, ઊંઘવામાં તકલીફ, ઝાડા-ઊલટી વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.

જે લોકોને ઍનીમિયાની સમસ્યા છે, તેમણે ગ્રીન ટીથી ખાસ સાવચેતી રાખવી જોઈએ.

જે લોકોને મૂંઝવણની સમસ્યા હોય અથવા તો બ્લીડિંગ ડિસઑર્ડર, હૃદયની સમસ્યા, ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે ગ્રીન ટી ખૂબ જ સંતુલિત માત્રામાં લેવી જોઈએ.


ગ્રીન ટીમાં કૅફીન

બીબીસી ગુડફૂડ મુજબ, ગ્રીન ટીમાં કૅફીનનું પ્રમાણ હોય છે. જોકે, દરેક બ્રાન્ડની ગ્રીન ટીમાં આ પ્રમાણ અલગ-અલગ હોય છે.

તેમ છતાં કોફીની સરખામણી આ પ્રમાણ ઓછું જ હોય છે.

ગ્રીન ટી પીનારા કેટલાક લોકોના મતે ગ્રીન ટી પીવાથી ઍનર્જીનું સ્તર વધે છે.

ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે અને મૂડ સારો થાય છે.

Image copyright Alamy
Image copyright Alamy

જોકે, ગ્રીન ટીની અસર સૌના પર એકસરખી થાય તે જરૂરી નથી.

જો તમારું શરીર કૅફીનના સેવન માટે સંવેદનશીલ હોય તો તમારે ગ્રીન ટી પીવાનું પ્રમાણ સમતોલ રાખવું જોઈએ.

વધારે ગ્રીન ટી પીવાથી ઊંઘને લગતી સમસ્યા થઈ શકે છે.

અન્ય તમામ ચાની જેમ ગ્રીન ટીમાં પણ ટૅનિન નામનો પદાર્થ હોય છે.

ટૅનિનની અસર શરીરના લોહતત્વ પર થાય છે. જે ખોરાકમાં વધુ પ્રમાણમાં લોહતત્વ હોય તેવો ખોરાક ગ્રીન ટી સાથે ન લેવો જોઈએ.

ગ્રીન ટીના સેવનની ખરાબ અસર થઈ હોય તેવા કિસ્સા ઓછા છે.

જોકે, જિમ મૅકન્ટ્સની કહાણી ડરાવે તેવી છે.


Image copyright JIM MCCANTS

જિમ ગ્રીન ટીની ગોળીઓનું સેવન કરતા હતા.

તેઓ સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટીની ગોળી લેતા હતા. જોકે, થોડા દિવસો બાદ તેમને ડૉક્ટરે જણાવ્યું કે તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે.

એ દિવસને યાદ કરતા જિમે કહ્યું, "મારી પત્નીએ મને જોઈને પૂછ્યું કે હું સ્વસ્થ છું કે નહીં? મેં કહ્યું હું સંપૂર્ણ સ્વસ્થ છું, પરંતુ તેણે કહ્યું કે મારો ચહેરો પીળો પડી ગયો છે."

"જ્યારે મેં અરીસામાં મારું મોઢું જોયું તો હું હેરાન થઈ ગયો હતો."

જિમનું લીવર ગ્રીન ટીની ગોળીયો લેવાની લીધે ખરાબ થઈ ગયું હતું.

મેડિકલ રિપોર્ટ વાંચ્યા બાદ જિમને પણ આ વાતનો વિશ્વાસ આવ્યો નહોતો.


અસહમતિ

દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં આવેલી ફૉર્ટિસ હૉસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ સિમરન રૂજુતાની વાત સાથે સો ટકા સહમત નથી.

સિમરન કહે છે કે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ગ્રીન ટી વ્યાપક શબ્દ છે.

ગ્રીન ટી એક રેસિપી નથી. ગ્રીન ટીમાં આદુ, તુલસી, વગેરે જેવી અનેક વેરાયટી છે.

Image copyright Alamy
Image copyright Alamy

સિમરને કહ્યું," જો તમે યોગ્ય ગ્રીન ટીનું સેવન કરતા હોવ તો મારા મતે ડરવાની જરૂર નથી. "

"ગ્રીન ટીથી થતાં ફાયદા અને ગેરફાયદા તમે ગ્રીન ટીનું કેવું અને કેટલું સેવન કરો છો તેના પર આધા રાખે છે."

જોકે, સિમરનના મતે ગ્રીન ટીનું પ્રમાણ અને તેને પીવાના સમયનું ધ્યાન રાખવામાં ન આવે તો ચોક્કસપણે નુકસાન થઈ શકે છે.

સિમરનના મતે ભોજનના તુરંત બાદ ગ્રીન ટી ન પીવી જોઈએ.

તેમણે કહ્યું, " પેટ ભરીને ભોજન કર્યા બાદ ગ્રીન ટી ન પીવી જોઈએ."

"ઘણા લોકો એવું વિચારે છે કે આવું કરવાથી ચરબીમાં વધારો નહીં થાય પરંતુ ભોજનના તુરંત બાદ ગ્રીન ટી પીવાથી પાચન તંત્ર પર અસર થાય છે."

સિમરનના મતે સામાન્ય સ્થિતિમાં દિવસમાં બે કપ ગ્રીન ટી લેવી યોગ્ય છે.

તાજેતરમાં જ એક સંશોધનમાં જાહેર થયેલી એક ચેતવણી મુજબ, ગ્રીન ટી બ્લડ પ્રૅશર કાબૂમાં રાખતી દવાની અસરને ઘટાડે છે.

જાપાનમાં થયેલા આ સંશોધનમાં જણાવાયું છે કે ગ્રીન ટી પીવાથી કેટલાક ખાસ કોષ બ્લૉક થઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર કાબૂમાં રાખનારી દવા બીટા-બ્લૉકરની અસર નષ્ટ થઈ જાય છે.


Image copyright ALAMY

એક બાજુ ઋજુતાનું નિવેદન તો બીજી બાજુ રિસર્ચ. જાણકારોના મતે ગ્રીન ટી સ્વાસ્થ્યદાયક પીણું છે.

ગ્રીન ટીથી થતા ફાયદાઓની ચર્ચા કરીએ તો...

  • ગ્રીન ટીના સેવનથી સાંધાનો દુખાવો દૂર થાય છે.
  • હૃદયરોગ અને અનેક પ્રકારના કૅન્સરથી બચવા માટે ગ્રીન ટીના સેવનની સલાહ આપવામાં આવે છે.
  • જો તમે વજન ઉતારવા માગતા હોવ તો ગ્રીન ટીના સેવનથી મદદ મળે છે.
  • ગ્રીન ટીમાં ભરપૂર એન્ટિ-ઑક્સિડન્ટ મળે છે જેનાથી અનેક રોગ સામે રક્ષણ મળે છે.
  • આ ઍન્ટી-ઑક્સિડન્ટ ચામડી માટે ફાયદાકારક છે.

જોકે, આ ફાયદાઓ મેળવવા માટે ગ્રીન ટીનું સેવન યોગ્ય પ્રમાણમાં કરવું યોગ્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ