શું રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે 'કાશ્મીર પાકિસ્તાનને આપી દો’

રાજસ્થાન ફેક ન્યૂઝ Image copyright REUTERS

નજીકના દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના માહોલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની માહિતીઓ ફેલાવવામાં આવે છે, જે માહિતીનો પ્રસાર કરવામાં આવે છે, તે અર્ધ સત્ય હોય છે અથવા તો ફેક હોય છે.

આ તમામ બાબતોનું સત્ય શોધવા માટે એક વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સાચા ખોટા સમાચારોનું વિશ્લેષણ કરાશે. આ પ્રોજેક્ટનું નામ છે, 'એકતા ન્યૂઝ રૂમ'

વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજસ્થાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરો મેળવીને તેની તપાસ કરવાનો પ્રયાસ કરાયો છે.


રાહુલ ગાંધીએ કાશ્મીર પાકિસ્તાનને આપવાની વાત કરી

'ભારતે કાશ્મીર પાકિસ્તાનને આપી દેવું જોઈએ' એવું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હોવાના મીડિયા અહેવાલોની તસવીરો રાજસ્થાનના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

કેટલીક પોસ્ટમાં એવો દાવો કરાયો છે કે રાહુલ ગાંધીએ કહ્યું, "જો અમે સત્તામાં આવીશું તો પાકિસ્તાનને 50 વર્ષ માટે વગર વ્યાજે 5 હજાર કરોડ રૂપિયા આપીશું"

અન્ય એક પોસ્ટમાં દાવો છે કે 'રાહુલ ગાંધી પોતે મુસ્લિમ છે એવું તેમણે જાતે જ સ્વીકાર્યું.'


આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરાઈ રહી છે અને તે એબીપી ન્યૂઝમાં ટેલિકાસ્ટ થયેલા સમાચારની તસવીરો હોવાની દાવો કરાઈ રહ્યો છે.

આ તસવીરમાં ઉપયોગમાં લેવાયેલો ચેનલનો લૉગો અને ફૉન્ટ, એબીપી ન્યૂઝના લૉગો અને ફૉન્ટ જેવા જ છે.

પણ જ્યારે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ તસવીરો ખોટી છે.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

એબીપી ન્યૂઝે જણાવ્યું કે તેમણે ક્યારેય આ પ્રકારના કોઈ સમાચાર પ્રસારિત કર્યા નથી. આ સ્ક્રીનશોટ્સ ખોટા છે.

અમારી તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ ક્યારેય આ પ્રકારનાં નિવેદન કર્યાં નથી.

તજજ્ઞોનું કહેવું છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ પ્રકારની સામગ્રી સોશિયલ મીડિયા પર ચોક્કસ રાજકીય હેતુ સાથે મૂકવામાં આવે છે.


'કર્ણાટક સરકાર દેવું ન ભરનાર ખેડૂતોની ધરપકડ કરે છે' - ફેક

ખેડૂતોની ધરપકડની એક તસવીર અને કર્ણાટકના મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીની તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે.

આ તસવીર દ્વારા એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે કે કર્ણાટકની કુમારસ્વામી અને કોંગ્રેસની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે.

આ તસવીર પરના કૅપ્શનમાં એવો દાવો કરાયો છે કે કર્ણાટકના ખેતરોમાંથી લૉન ન ભરનાર ખેડૂતોની ધરપકડ કરાઈ રહી છે.

તસવીર સાથે એવો પણ દાવો કરાયો છે કે ખેડૂતોએ લૉન માફ કરવાની માગ કરી ત્યારબાદ આ ધરપકડ કરાઈ છે.

તસવીરની મદદથી સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવે છે કે ખેડૂતો માટે કરેલા દાવા કોંગ્રેસ પક્ષ કર્ણાટક અને પંજાબમાં પૂરા કરી શક્યો નથી.

જો રાજસ્થાનમાં સરકારમાં આવશે તો પણ આવું જ કરશે.

Image copyright Alamy
Image copyright Alamy

આ તસવીર અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ તસવીર ખોટી છે અને તસવીરને ખોટા સંદર્ભ સાથે રજૂ કરાઈ રહી છે.

આ તસવીર 2010માં બૅંગ્લોરના દોડબલ્લપુર ખાતે ખેડૂત સંગઠનના વિરોધ દરમિયાન લેવાઈ હતી.

'લા વિયા કૅમ્પેસિના' વેબસાઇટ પ્રમાણે 2010માં 17 નવેમ્બરના રોજ 'કર્ણાટક રાજ્ય રાઇથા સંઘ' (KRRS) દ્વારા આંતરરાષ્ટ્રીય ખેડૂત આંદોલનના ભાગરૂપે આ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મલ્ટીનેશનલ સીડ કૉર્પોરેશન 'જીનેટિકલી મોડિફાઇડ રાઇસ'ના પ્રતિનિધિઓ ફિલ્ડ ટ્રાયલ માટે આવ્યા ત્યારે ખેડૂતોએ આ વિરોધ કર્યો હતો.

તસવીરમાં જે વ્યક્તિને ખેડૂત બતાવવામાં આવે છે, તેઓ ડૉ. વેંકટ રેડ્ડી છે. ડૉ.રેડ્ડી જે-તે વખતે કેઆરઆરએસના ઉપપ્રમુખ હતા.

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતોની ધરપકડ કરાઈ હોવાની વિગતો સાચી છે.

પણ ખેડૂતોનું દેવું બાકી હોવાથી તેમની ખેતરોમાંથી ધરપકડ કરાઈ હોય એવા કોઈ જ પુરાવા નથી.


'હિંદુવાદ ખતરનાક છે અને તેનો ખાતમો થવો જોઈએ' - ફેક

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીની ધર્મ અંગેની અસંવેદનશીલ ટિપ્પણી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

તસવીર પ્રમાણે, ત્યાગીએ આ વર્ષ કહ્યું હતું કે હિંદુવાદ ખતરનાક છે અને તેમનો ખાતમો થવો જોઈએ.

પણ આ તસવીરની રિવર્સ સર્ચ ઇમેજથી તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાગીના ડિસેમ્બર 2017ના ઇન્ટરવ્યૂના વીડિયોમાંથી આ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે. જે વીડિયોમાં તેઓ ગુજરાતીની ચૂંટણી વિશે વાત કરતા હતા.

ઇન્ટરવ્યૂમાંથી લેવાયેલા આ સ્ક્રીનશોટ સાથે હિંદુઓ વિશેની કેટલીક ટિપ્પણીઓને જોડી દેવામાં આવી છે.

હકીકતમાં આ વીડિયોમાં આ વિશે તેમણે કંઈ જ કહ્યું નથી.આ તસવીર ફેક છે.


જે નેતાનું ચાલુ ભાષણે પૅન્ટ ઊતર્યું હતું, તે રાજસ્થાનના નથી

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયો થકી જાણી શકાય છે કે સોશિયલ મીડિયા પર કેટલી હદે રાજકીય હુંસાતુસી ચાલી રહી છે. આ વીડિયો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘણો શેર થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દેખાય છે કે ભાષણ આપતી વખતે નેતાનું પૅન્ટ ઊતરી જાય છે, તેઓ તરત પૅન્ટ ચઢાવી લે છે અને ફરી ભાષણ આપવાનું ચાલુ કરી દે છે.

Image copyright Alamy
Image copyright Alamy

આ નેતા ઉત્તરાખંડના ઉમર સિદ્દીકી છે અને આ ઘટના પણ તાજેતરની નથી.

હવે આ વીડિયો રાજસ્થાનના કોંગ્રેસના નેતાના નામે શેર કરાઈ રહ્યો છે, અગાઉ આ જ વીડિયો મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતાના નામથી શેર કરાઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયામાં આ વીડિયો સાથે લખ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પારીખ ભાષણ આપતા હતા. ત્યારે તેમનું પૅન્ટ ઊતરી ગયું.

તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેઓ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા.

તેમનો દાવો છે કે ચૂંટણીમાં મને હરાવવા માટે જાણીજોઈને બીજાનો વીડિયો મારા નામ પર સોશિયલ મીડિયામાં ચલાવાઈ રહ્યો છે.

(આ સ્ટોરી ફેક ન્યૂઝ સામે લડવા માટેના પ્રોજેક્ટ 'એક્તા ન્યૂઝરૂમ'નો ભાગ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ