ગ્રાઉન્ડ રિપોર્ટ : અલવરમાં ટ્રેન નીચે પડતું મૂકી કરાયેલી ‘સામૂહિક આત્મહત્યા’નું સત્ય

અલવર આત્મહત્યા ગ્રાઉન્ડ રિપોર્ટ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 20મી નવેમ્બરે રાત્રે સાડા અગિયાર વાગે કોન્ડા વિસ્તારમાં એક ફોન આવ્યો.

સશસ્ત્ર સીમા દળના કૅમ્પમાં જવાન નેમચંદ મીણા ગાઢ ઊંઘમાં હતા તેના લીધે તેમનાથી કૉલ મિસ થઈ ગયો.

બીજો કૉલ આવ્યો ત્યારે આંખ ઊઘડી અને સમાચાર સાંભળી તેઓ સીધા કૅમ્પ ઑફિસરના ઘર તરફ દોડ્યા.

અલવર રાજસ્થાનથી તેમના વચલા ભાઈનો ફોન આવ્યો હતો. તેમણે ફોનમાં કહ્યું, "આપણો ભાઈ સત્યનારાયણ હવે આ દુનિયામાં હયાત નથી."

"પિતાજીને જાણ કરી નથી. થોડી વાર પહેલાં જ તેનો મૃતદેહ ટ્રેનના પાટા પરથી મળ્યો. માંડ એની ઓળખ થઈ શકી."

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રાત્રે સુરક્ષાદળોની મુસાફરી પર પણ પ્રતિબંધ હોય છે. દિવસ ના ઊગે ત્યાં સુધી કોઈ આરો નહોતો. આખરે સવારે ચાર વાગ્યે નેમચંદ જબલપુર જવા માટે નીકળ્યા.

તેથી નેમચંદે દિવસ ઊગવાની રાહ જોઈ. સવારે ચાર વાગે તેઓ જબલપુર જવા નીકળ્યા. વાયા આગરા અને દૌસા થઈને 24 કલાક પછી ઘરે પહોંચ્યા.

એ રાત્રે જ અલવર જિલ્લાના બહડકો ગામના રહેવાસી અને રાજસ્થાન પોલીસના હેડ-કૉન્સ્ટેબલ બાબુલાલ મીણા ઘરે પણ અલવરની એક ખાનગી હૉસ્પિટલમાંથી ફોન આવ્યો.

સામેની વ્યક્તિએ કહ્યું, "તમારો દીકરો ઋતુરાજ ગંભીર હાલતમાં છે, જલદી પહોંચો."

બાબુલાલ મીણા ફોન મૂકીને, પત્ની સાથે રવાના થવાની તૈયારીમાં જ હતા ત્યારે તેમને અલવરના જ એક પોલીસ મથકથી ફોન આવ્યો અને ત્યાં પહોંચવા માટે કહેવાયું.

આ પ્રકારના જ ફોન બે યુવક, મનોજ મીણા અને અભિષેક મીણાના ઘરે પણ આવ્યા હતા.

આ ફોન આવ્યાના દોઢ કલાક પછી સત્યાનારાયણ, ઋતુરાજ અને મનોજ મીણાના પરિજનો તેમના મૃતદેહો સાથે કિનારે બેસીને શોક કરી રહ્યા હતા.

અભિષેકના પરિજનો પોલીસ સાથે એક ઍમ્બુલન્સમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોતાના દીકરાને લઈને રાજધાની જયપુર તરફ જવા રવાના થઈ ગયા હતા.


ટ્રેનની સામે કૂદકો

આ ચાર યુવકો જેમની ઉંમર 17થી 24 વર્ષની વચ્ચે હતી. તેમણે 20મી નવેમ્બરની સાંજે અલવર રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી જયપુર-ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન સામે કૂદકો માર્યો હતો.

જોકે, એ રાત્રે તેઓ એકલા નહોતા. તેમના બે મિત્રો રાહુલ અને સંતોષ પણ તેમની સાથે હતા.

આ યુવકોએ એકબીજાને ફોન કરીને કથિત રીતે ટ્રેનના પાટે બોલાવ્યા હતા, જ્યાં તેઓ અવારનવાર અવરજવર કરતા હતા.

ઘટનાના બીજા દિવસે પોલીસની પૂછપરછમાં રાહુલે કહ્યું, "અમે મજાક-મસ્તી કરી રહ્યા હતા. બધા લોકો હસી રહ્યા હતા. કોઈ ગંભીર વાત નહોતી થઈ."

"એ લોકો એવું બોલી રહ્યા હતા કે અમે મરીશું અને સાથે તું પણ મરીશ."

"તેમાંથી એક યુવકે કહ્યું 'સિગારેટ આપ ભાઈ' એટલે મેં સિગારેટ આપી. એ વખતે બીજી બાજુથી ટ્રેન આવી રહી હતી. તે ચારેય જણા ટ્રેન સામે કૂદી ગયા."

પણ એ ચારેય જણા ટ્રેન સામે શા માટે કૂદ્યા?

આ સવાલના જવાબમાં રાહુલે કહ્યું, "એ લોકો એવું કહી રહ્યા હતા કે જિંદગીમાં નોકરી તો મળવાની નથી પછી જીવીને શો ફાયદો?"

રાહુલના આ નિવેદન બાદ દેશમાં આ સમાચાર આગની જેમ પ્રસરી ગયા કે 'અલવરમાં ચાર યુવકોએ 'બેરોજગારીના લીધે આત્મહત્યા' કરી નાખી.

સમાચાર પ્રસરાવવાનું કારણ પણ સંપૂર્ણપણે પાયાવિહોણું તો નહોતું જ.

રાહુલ જેવા પ્રત્યક્ષદર્શીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.


હકીકત શું છે?

ફોટો લાઈન અભિષેક મીણાની ફાઇલ તસવીર

ટ્રેન સામે કૂદકો મારી આત્મહત્યા કરનારા આ યુવકો અલવરમાં ભાડાનું મકાન રાખીને અભ્યાસ કરી રહ્યા હતા. તેમાંથી અમુક લોકો પરીક્ષામાં નિષ્ફળ પણ થયા હતા.

સૌથી મોટી વાત કે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને બેરોજગારી તેમજ ખેડૂતોની નારાજગી મહત્ત્તવનો મુદ્દો છે.

જોકે, આ બધાની વચ્ચે હકીકત કંઈક જુદી જ હોવાનું જાણવા મળે છે.

ઘટનાના બીજા દિવસે અમે જ્યારે સત્યનારાયણ મીણાના ગામ બુજપુરી પહોંચ્યા ત્યારે ત્યાં માતમનો માહોલ હતો.

ગામની મહિલાઓ અને સંબંધીઓ ઉપરાંત શોક વ્યક્ત કરવા માટે ખાસ બોલવવામાં આવતી મહિલાઓ પણ હાજર હતી.

મોટા ભાઈ નેમચંદની હાલત ખૂબ જ ખરાબ હતી.

તેમણે કહ્યું, "મારું તો એટીએમ કાર્ડ પણ તેના પાસે જ રહેતું હતું, તો પછી બેરોજગારીના લીધે એ શું કામ જીવ ટૂંકાવી નાખે"

"લોકો કહે છે કે નોકરીના કારણે આત્મહત્યા કરી પરંતુ એવું શક્ય નથી."

"મેં ક્યારેય નોકરી માટે દબાણ કર્યુ નહોતું. સાઠ હજાર રૂપિયાની મોટરસાયકલ અપાવી હતી."

"એક 17 વર્ષનો છોકરો હતો. આટલી ઓછી ઉંમરના છોકરાને નોકરીની ચિંતા શી હોય?"

Image copyright Alamy
Image copyright Alamy

પરિવારની સ્થિતિ કેવી છે?

ફોટો લાઈન નેમચંદ મીણા

સત્યનારાયણના પરિવાર પાસે અનેક વીઘા જમીન છે. તેમની ગણના ગામના સંપન્ન પરિવારોમાં થાય છે.

તેમના ઘરથી પોણા કલાકના અંતરે 17 વર્ષના ઋતુરાજ મીણાનું ઘર છે. ઋતુરાજ બીએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા.

બહડકો નામના ગામનું સૌથી આલીશાન ઘર ઋતુરાજનું છે. ઘરની સામે તેમના પરિવારની ત્રણ વીઘા જમીન છે.

પાંચ બેડરૂમના ઘરની બહાર લોન છે. ઋતુરાજના એકમાત્ર મોટા ભાઈની માનસિક હાલત નાનપણથી જ ખરાબ છે.

તેમને એકમાત્ર બહેન છે. બહેનનું લગ્ન બાકી છે. ઋતુરાજના પિતા બાબુલાલ મીણા રાજસ્થાન પોલીસમાં છે, જોકે, 12 વર્ષ પૂર્વે થયેલા એક અકસ્માતમાં બાબુલાલે પોતાના બંને ઘૂંટણ ગૂમાવ્યા હતા.

તેમણે કહ્યું, "એ દિવસે અમારી વાતચીત પણ થઈ હતી. મેં પૂછ્યું હતું કે પૈસાની કોઈ જરૂરિયાત છે કે નહીં? તેણે કહ્યું કે હું બે દિવસ બાદ ઘરે આવી રહ્યો છું."

"તેને ફક્ત સારું જમાવાનો અને સારાં કપડાં પહેરવાનો શોખ હતો."

"મેં ખુદ જઈને તેને 70 હજારનો આઈફોન અપાવ્યો હતો."

"એના રૂમનું ભાડું 6 હજાર રૂપિયા હતું. તમે જ કહો કે બેરોજગારીના નામે એ શા માટે આત્મહત્યા કરે?"

અન્ય બે યુવક મનોજ અને અભિષેક પણ આ જ વિસ્તારના રહેવાસી છે. મહદંશે તમામ યુવકો સંપન્ન પરિવારના દીકરા હતા અને અલવરમાં અભ્યાસ કરવા માટે ગયા હતા.

જે યુવકોનાં મૃત્યુ થયાં તેઓ રાજસ્થાનના મીણા સમુદાયના હતા.

આ સમુદાય રાજસ્થાનના અલવર અને સવાઈ માધોપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં વસેલો છે.

મીણા સમુદાયને સરકારી નોકરીમાં અનામત પણ મળે છે.


આત્મહત્યાનું કારણ શું?

ફોટો લાઈન ઋતુરાજના ઘરે શોક કરતા મહિલાઓ

ચાલુ ટ્રેન સામે આ યુવકોએ કૂદકો માર્યો તેનું કારણ બેરોજગારી નથી તો પછી શું છે તે સવાલ ઉઠી રહ્યો છે.

બીબીસીએ અલવર જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ સાથે વાત કરી તો તેમણે 'બેરોજગારી'ના લીધે આત્મહત્યા કરી તે વાતની ફગાવી દીધી.

રાજેન્દ્રસિંહે કહ્યું, "લોકો અંદરોઅંદર આત્મ હત્યાની વાત કરી રહ્યા છે અને તપાસમાં પણ એ બાબત સામે આવી છે. પરંતુ હાલમાં એવું કહી શકાય નહીં કે યુવકોએ બેરોજગારીના કારણે આત્મહત્યા કરી હતી."

"અમે યુવકોના કૉલ રેકૉર્ડ તપાસી રહ્યા છે અને ઘટનાના મૂળ સુધી ચોક્કસ પહોંચીશુ."

જોકે, આ સામૂહિક આત્મહત્યા વિશે ખરું કારણ આપી શકે તેવા અભિષેકનું ગંભીર હાલતમાં શુક્રવારે રાત્રે જયપુરની હૉસ્પિટલમાં મૃત્યુ થયું.

આ મૃત્યુની સાથે જ આ 'સામૂહિક આત્મહત્યા'ની ગાંઠ વધારે ગૂંચવાઈ ગઈ છે.

પોલીસને રાહુલ અને સંતોષ મીણાના જવાબો સંતોષકાર જણાતા નથી.

બન્ને અજ્ઞાત સ્થળે છે અને તેમના ફોન બંધ છે.

અલવરના એક પોલીસ મથકમાં સત્યાનારાયણ અને ઋતુરાજ મીણા વિરુદ્ધ મારપીટનો એક ગુનો પણ દાખલ થયેલો છે.

બંનેના પરિજનો મુજબ, તેમને આ ગુનાની જાણકારી નહોતી.

Image copyright Alamy
Image copyright Alamy
ફોટો લાઈન બાબુલાલ મીણા

તમામ યુવકોના પરિજનોએ ધીમા અવાજે એ વાતનો સ્વીકાર કર્યો કે આ યુવકો ખોટી સંગતમાં ચોક્કસ હશે.

ઋતુરાજના પિતા બાબુલાલ મીણાએ ખુલ્લા મને કહ્યું, "મારો દીકરો ભોળો હતો. ખોટી સંગતે તેનો ભોગ લીધો."

અભિષેક મીણાના એક સંબંધીએ નામ ન આપવાની શરતે કહ્યું, "અલવર જઈને અભ્યાસ કરવાની જગ્યાએ અભિષેક ખોટી સંગતે ચડી ગયો હતો."

"એટલે પરીક્ષાની તૈયારી કરવા તેને જયપુર મોકલ્યો હતો."

આ સ્થિતિમાં ત્રણેય યુવકે બેરોજગારીના કારણે આત્મહત્યા કરી તેવું કહેવું ઉતાવળિયું સાબિત થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ