અયોધ્યા રાજનીતિ ઉપર શિવસેનાની શું અસર થશે?

શિવસેનાની અયોધ્યા રાજનિતી Image copyright Twitter/shivshena

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને થઈ રહેલી વિશ્વ હિંદુ પરિષદની ધર્મસંસદમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.

25 નવેમ્બર (રવિવારે) યોજાનારી આ ધર્મસંસદમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો અને શિવસેના કાર્યકર્તાઓ પહોંચ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદનો દાવો છે કે આ કાર્યક્રમમાં બે લાખથી પણ વધારે લોકો આવશે.

ઉદ્ધવ ઠાકરે સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ અયોધ્યામાં આવ્યા છે.

ધર્મસંસદમાં મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો લાવવો અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે.

2019ની ચૂંટણી પહેલાં શિવસેનાને રામ મંદિરનો મુદ્દો હાથમાં લેવાની શા માટે જરૂર પડી?

શિવસેના રામ મંદિર મુદ્દે આગેવાની લેશે તો તેનાથી આવનારી ચૂંટણી અને ભાજપને શું અસર થશે?

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

રામ મંદિરના શરણે શિવસેના

Image copyright Twitter/@shivshena

શિવસેનાએ રામમંદિરનો રાગ આલાપ્યો છે. નિર્ધારિત કાર્યકાળ મુજબ આવતાં વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે.

આ સ્થિતિમાં એ સવાલ ઉદ્ભવે છે કે શા માટે શિવસેનાએ આ સમયે રામ મંદિરનો રાગ આલાપ્યો?

ઉદ્ધવ ઠાકરેની આ અયોધ્યા મુલાકાતને નિષ્ણાતો મહારાષ્ટ્રની રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં મૂલવી રહ્યાં છે.

રાજકીય વિશ્લેષકોના મતે શિવસેનાએ મુંબઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાની હાજરી ભાજપ કરતાં વધારે મજબૂત બનાવવા માટે આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સંતોષ પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને મુંબઈ અને ખાસ કરીને મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં જોઈ રહ્યા છે.

Image copyright UDDHAV THACKERAY @FACEBOOK

સંતોષ પ્રધાને કહ્યું, "મારા મતે આ પગલું રાષ્ટ્રીય રાજકારણ કરતાં વધારે સ્થાનિક રાજકારણને અનુરૂપ લેવામાં આવ્યું છે."

"વર્ષ 2014ની લોકસભા ચૂંટણી હોય કે ત્યારબાદ મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી."

"તાજેતરમાં જ થયેલી મીરા-ભાયંદરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ મુંબઈ અને મહારાષ્ટ્રમાં શિવસેના સામે મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે."

"એમએનએસને (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) કારણે શિવસેનાએ મરાઠા હિતોની રાજનીતિ કરવી પણ અનિવાર્ય છે."

"મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ઉત્તર ભારતીયોના મતો શિવસેના કરતાં ભાજપના ફાળે વધુ ગયા છે ."

"આ સ્થિતિના કારણે શિવસેનાએ મહારાષ્ટ્રના મરાઠા સિવાયના વર્ગને આકર્ષવા માટે હિંદુત્વના મજબૂત મુદ્દા તરીકે મંદિરની વાટ ફરી પકડીને એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે અમે રામ મંદિર અને હિંદુત્વની તરફેણમાં પહેલેથી જ હતા."

પ્રધાનના મતે શિવસેનાના આ પગલાથી ભારતીય જનતા પક્ષને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તે અંગે કંઈ પણ કહેવું હાલ પૂરતું ઉતાવળિયું ગણાશે.

જોકે, પ્રધાને એવું કહ્યું કે દેશમાં રામ મંદિર અંગે બાલ ઠાકરેનું જે વલણ હતું તે જ વલણ અખ્યાતર કરીને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં વ્યાપ વિસ્તારવા પ્રયાસ કરી રહ્યા છે.

Image copyright Alamy
Image copyright Alamy

સેનાનો રામ મંદિર રાગ ભાજપને કેટલી અસર કરશે?

Image copyright AMEERATMAJ MISHRA/BBC
ફોટો લાઈન અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પૂર્વ ઠેરઠેર આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હતા

શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની રામ મંદિર મુલાકાતને રાજકીય વિશ્લેષકો ભારતીય જનતા પક્ષના નફા-નુકસાનના સંદર્ભમાં જોઈ રહ્યાં છે.

જોકે, રાજકીય વિશ્લેષકોના મતે ભારતીય જનતા પક્ષ પર આ મુલાકાતની અસર કેવી થશે તે ચિત્ર સ્પષ્ટ થતા સમય લાગશે.

ગુજરાતના રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટના મતે, શિવસેનાનું આ પગલું ભારતીય જનતા પક્ષ સાથે વર્ષ 2019ની ચૂંટણીની બેઠકોની વહેંચણીની દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની શકે છે.

અજય ઉમટે જણાવ્યું કે ભારતીય જનતા પક્ષનો ઍજન્ડા સ્પષ્ટ છે. ભાજપ હિંદુત્વના મુદ્દે જ ચૂંટણી લડવા માગતો હોય તેવું જણાઈ રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરે આ સ્થિતિમાં શિવસેનાની 'સવાયા હિંદુ' તરીકેની છાપ છોડવાનો સંદેશ વહેતો મૂકી ભાજપ સાથે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા કરી શકે છે.

ઉમટે ઉમેર્યું, "જેવી રીતે ભારતીય જનતા પક્ષે બિહારમાં સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી કરી, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં જ્યારે બેઠકોની વહેંચણીનો મુદ્દો આવે, ત્યારે ઉદ્ધવ ઠાકરે હિંદુત્વની લહેરમાં શિવસેના સવાયો હિંદુવાદી પક્ષ છે તેવું ચિત્ર દર્શાવીને ચર્ચા કરી શકે છે."

"ભારતીય જનતા પક્ષની હિંદુત્વની વ્યૂહરચના જો કામ કરે તો મહારાષ્ટ્રમાં હિંદુત્વની લહેરનો ફાયદો શિવસેનાને પણ મળે, આ મુલાકાત પાછળ તેવું ગણિત હોવાનું જણાય છે."

અજય ઉમટના મતે, ભારતીય જનતા પક્ષ ખૂલીને રામ મંદિરના મુદ્દે કંઈ પણ કહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં શિવસેના હિંદુત્વની લહેરને પોતાના તરફ ઢાળવા માટે પણ રામ મંદિરના શરણે હોય તેવું જણાઈ રહ્યું છે.

જોકે, તેમના મતે રામ મંદિરનો મુદ્દો કોઈપણ પક્ષકાર ચર્ચે તેમાં ભાજપનો જ ફાયદો થાય તેવી સ્થિતિ છે.

અજય ઉમટના મતે, ભારતીય જનતા પક્ષ ઇચ્છે છે કે 'સકારાત્મક કે નકારાત્મક' રીતે દેશમાં રામ મંદિરના મુદ્દે જ ચર્ચા થાય.

તેમના મતે, આગામી ચૂંટણી સુધીમાં અને ખાસ કરીને આગામી જાન્યુઆરીમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દે ફરી તારીખ આવે ત્યાં સુધીમાં દેશમાં હિંદુત્વનો મજબૂત માહોલ સર્જાય તેવો પ્રયાસ પણ થશે.

Image copyright Alamy
Image copyright Alamy

શું 1992 જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે?

Image copyright Getty Images

વર્ષ 1992માં બાબરી વિધ્વંસ બાદ દેશમાં જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, તેવી સ્થિતિનું નિર્માણ રાજકીય નિષ્ણાતોના મતે અત્યારે નહીં થાય.

વિશ્લેષકોના મતે, વર્ષ 1992માં સ્વયંભૂ માહોલ સર્જાયો હતો જ્યારે અત્યારે લહેર ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક શ્રીરામ પવારના મતે, ઉદ્ધવ ઠાકરેને આ મુલાકાતથી દેશનો માહોલ 1992 જેવો થાય તેવી શક્યતા સાવ ઓછી છે.

પવારના મતે, "જ્યારથી મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની ગઠબંધનની સરકાર શાસનમાં છે, ત્યારથી એક પણ દિવસ એવો નથી પસાર થયો જ્યારે શિવસેનાએ ભાજપનો વિરોધ ન કર્યો હોય."

"આ મુલાકાત મહારાષ્ટ્રની આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે માહોલ તૈયાર કરવાની કવાયત છે."

પવારે કહ્યું, "આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપ ફક્ત હિંદુત્વના મુદ્દે જ ગઠબંધન કરી શકે તેવી સ્થિતિમાં છે."

"વિરોધ કરવા છતાં ભાજપ સાથે રહીને ચૂંટણી લડવી હોય તો મંદિર અને હિંદુત્વના મુદ્દે જ લડી શકાય તેમ છે. "

શ્રીરામ પવારે જણાવ્યું કે કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં આ બંને પક્ષ વિકાસનો મુદ્દો આગળ ધરીને ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં નથી.

આવી પરિસ્થિતિમાં ભાજપ હોય કે શિવસેના તેમની પાસે એકમાત્ર હિંદુત્વનો મુદ્દો જ રહે છે.

વર્ષ 1992માં બાબરી મસ્જીદના વિધ્વંસ બાદ જે માહોલ સર્જાયો હતો તે સ્થિતિ અને આજની સ્થિતિને અજય ઉમટ પણ વિપરીત ગણાવે છે.

વિશ્લેષક પવારના મતે, 1992 જેવો માહોલ સર્જાય તેવી કોઈ શક્યતા નથી.

પવારે કહ્યું, "મેં 1992ની સ્થિતિને પ્રત્યક્ષ જોઈ હતી. વર્તમાનમાં આ પ્રકારનો કોઈ માહોલ નથી. રામ મંદિરનો મુદ્દો અને ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત ચૂંટણી સુધી હિંદુત્વનો માહોલ ગરમ રાખવાની કવાયત છે."

Image copyright Alamy
Image copyright Alamy

પરિણામ શું આવશે?

Image copyright PUNEET BARNALA/BBC

ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત અને રામ મંદિરના નિર્માણની તારીખની માગનું શું પરિણામ આવશે તેના પર નિષ્ણાતો કયાસ લગાડી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપ અને શિવસેના સૌ જાણે છે કે કોર્ટના ચુકાદા પહેલાં મંદિર નિર્માણનો માર્ગ સરળ નથી.

આ મુલાકાતના પરિણામ વિશે માહિતી આપતા શ્રીરામ પવારે કહ્યું, "શિવેસેનાની આ અયોધ્યા રાજનીતિ એક વિશિષ્ટ રમત છે."

"એક તરફ તેઓ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તામાં ભાગીદાર છે. બીજી બાજુ મંદિરના નિર્માણની તારીખ માગી તેઓ સરકારની સામે પડ્યા છે."

"મહારાષ્ટ્રમાં પક્ષ-વિપક્ષની ભૂમિકામાં રહેવાની શિવસેનાની આ અનોખી રાજનીતિ છે."

પવારના મતે, આ મુલાકાત બાદ શિવસેના મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના સમર્થકોનું સમર્થન હાસલ કરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ