Top News : ધર્માંતરણ કરાવનાર ખ્રિસ્તી મિશનરીઓને કુરિયન નાણાં આપતા - દિલીપ સંઘાણી

કુરિયનની તસવીર Image copyright Getty Images

ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીએ આરોપ મૂક્યો છે કે અમૂલના સહ-સ્થાપ ડૉ. વર્ગિસ કુરિયન ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.

નેશનલ મિલ્ક ડેના અનુસંધાને અમરેલી ખાતે યોજાયેલી બાઇક રેલીને સંબોધિત કરતી વખતે સંઘાણીએ આ વાત કહી હતી.

સંઘાણીએ કહ્યું હતું કે અમૂલની સ્થાપનામાં ત્રિભૂવનદાસ પટેલનું પ્રદાન ભૂલી દેવાયું હતું.

ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે તેઓ આવા 'બોગસ નિવેદન' પર પ્રતિક્રિયા આપવા નથી માંગતા.

સંઘાણીએ ઉમેર્યું હતું, "ડાંગ-આહ્વામાં ધર્માંતરણનું કામ કરતી ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓને કુરિયને અમૂલ તરફથી આર્થિક સહાય આપી હતી, પરંતુ જ્યારે સબરીધામ માટે નાણાં માગવામાં આવ્યા, ત્યારે તેમણે ઇન્કાર કરી દીધો હતો."

ઉલ્લેખનીય છે કે ભારતમાં કુરિયનને 'શ્વેત ક્રાંતિના જનક' માનવામાં આવે છે.


પાકિસ્તાન નહીં જાય સુષમા

ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને કરતારપુર કૉરિડૉરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાનું આમંત્રણ મળ્યું છે.

જોકે, સ્વરાજે વ્યસ્તતાનું કારણ આગળ કરીને અન્ય બે પ્રધાન હરસિમરત કૌર બાદલ તથા હરદીપ સિંઘ પુરીને મોકલવાની વાત કહી છે.

તા. 28મી નવેમ્બરે યોજાનાર આ કાર્યક્રમ માટે પાકિસ્તાને પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંઘ તથા પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંઘ સિદ્ધુને પણ આમંત્રણ મોકલ્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે

અયોધ્યામાં વિહિપની ધર્મસભા

ઉત્તર પ્રદેશનું અયોધ્યા ફરી એક વખત રાજકારણનો અખાડો બની ગયું છે.

રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અહીં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા સેંકડો શિવસૈનિક અયોધ્યા પહોંચ્યા છે. તેઓ પણ આ ધર્મસભામાં ભાગ લેશે.

ધર્મસભામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે સંસદમાં કાયદો લાવવા સહિતના વિકલ્પો પર વિચારણા હાથ ધરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો