સુરેન્દ્રનગર જેલમાંથી વાઇરલ થયેલા કેદીઓના 'લાઇવ વીડિયો'નું સત્ય શું?

કેદી Image copyright Youtube Grab
ફોટો લાઈન વીડિયો દેખાઈ રહેલો કેદી

સુરેન્દ્રનગરની સબ-જેલમાંથી 24 તારીખના રોજ એક કેદીએ વૉક થ્રૂ વીડિયો કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. (વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.)

વીડિયો લાઇવમાં જે રીતે જેલની અંદરનો માહોલ દેખાય છે, તે પરથી જણાય છે કે કેદીઓને ત્યાં ગેરકાયદે સુવિધાઓ પૂરી પડાઈ રહી છે.

વીડિયોમાં જોવા મળે છે કે જેલની કોટડીની અંદર ફોન, સિગારેટ, તમાકુ, મસાલા જેવી તમામ પ્રતિબંધિત વસ્તુઓ ઉપલબ્ધ છે.

એક કેદી એવું કહેતાં સંભળાય છે કે આ તમામ સુવિધાઓ આપવા પાછળ પોલીસ પોતે જ જવાબદાર છે. તેઓ કહે છે કે 'પોલીસ અધિકારીઓ ત્રણ ગણાં રૂપિયા લઈ પ્રતિબંધિત વસ્તુઓ સુવિધાઓ પૂરી પાડે છે.'

સ્થાનિક પોલીસ તથા રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ કરાવવાની વાત કહી છે.

જોકે, જેણે આ વૉક થ્રૂ વીડિયો બનાવ્યો તેણે પોતાની ઓળખ આપી નથી.


જેલનું રેટકાર્ડ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

વાઇરલ વીડિયોમાં એક કેદી એવું કહેતાં સંભળાય છે કે જેલની અંદર એક માવા (સોપારી, ચૂના તથા તમાકુમાંથી બનતી સામગ્રી)નાં 25 રૂપિયા વસૂલવામાં આવે છે.

એટલું જ નહીં વીડિયોમાં છથી સાત મોબાઇલ ફોન પર જોવા મળે છે. તે અંગે માહિતી આપતા એક કેદી વીડિયોમાં કહે છે કે 10 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા લઈને ફોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીડિયોમાં રેટકાર્ડ મુજબ ઍન્ડ્રોઇડનો સ્માર્ટફોન રૂ. 15 હજારમાં અને સાધારણ ફોન રૂ. 10 હજારમાં પૂરો પડાતો હોવાનું જણાવાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેદીઓના દાવા પ્રમાણે, આ તમામ ચીજો અને સુવિધાઓ તેમને જેલતંત્રની રહેમનજર હેઠળ પૂરી પાડવામાં આવે છે. આ માટે પોલીસ કર્મચારીઓને પૈસા ચૂકવવાના રહે છે.

એટલું જ નહીં વીડિયો એક વ્યક્તિ એવું પણ કહે છે કે જેલની અંદર દારૂ પણ મળી રહે છે. જોકે, આ સંબંધિત કોઈ દૃશ્ય વીડિયોમાં નજરે નથી પડતું

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, એટલે રાજ્યમાં દારૂનું સેવન કરવું ગેરકાયદે છે.

કોણ પહોંચાડે છે સામાન?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ભૂતપૂર્વ કેદીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે આ પાછળ મોડસ્ ઑપરૅન્ડી ચાલે છે.

તેમણે જણાવ્યું કે આ જેલની અંદર ચિઠ્ઠી, ફોન કે અન્ય વસ્તુઓને 'જાપ્તા' દ્વારા લાવવામાં આવે છે. (જાપ્તો એટલે કે કેદીઓની કોર્ટમા તારીખ હોય ત્યારે તેની સાથે જતાં પોલીસ કર્મચારીઓ.)

ઉદાહરણ તરીકે કોઈ કેદીની કોર્ટમાં તારીખ હોય, ત્યારે તેને જેલમાંથી કોર્ટમાં સુનાવણી માટે લઈ જવામાં આવે છે. એ વખતે તેમની સાથે પોલીસ કૉન્સ્ટેબલ પણ હાજર હોય છે.

ભૂતપૂર્વ કેદીના જણાવ્યા અનુસાર ફરજ પરના પોલીસ કર્મચારીને બહારથી કેદીના પરિવાર દ્વારા જેલમાં લઈ જવા માટે કેદીને જે કંઈ પણ સામાન અપાય, તે માટે પોલીસને પૈસા ચૂકવવા પડે છે.

વાઇરલ વીડિયોમાં જોવા મળી રહેલા તમામ કાચા કામના કેદીઓ છે.

કાચા કામના કેદીઓ એટલે એવા કેદીઓ કે જેમના પર આરોપ સાબિત ના થયો હોય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય.


જેલમાં કેવી રીતે આવે છે સામાન?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે જેલમાં જે સારા કેદીઓ હોય તેમને વૉર્ડન તરીકે પસંદ કરવામાં આવે છે.

જે જેલની રોજબરોજની સામાન્ય કામગીરીમાં ફરજ પરના જેલકર્મીઓને મદદ કરે છે.

'જાપ્તા'ના કર્મચારીઓ જેલની બહારથી આવેલી વસ્તુઓ આ વૉર્ડન સુધી પહોંચાડે છે.

આ વૉર્ડન કેદીઓ જે-તે વ્યક્તિ સુધી પ્રતિબંધિત વસ્તુ કે સવલત પહોંચાડે છે અને તેની પાસેથી 'રેટકાર્ડ' મુજબ નક્કી કરેલી રકમ લઈ લે છે અને આગળ પહોંચાડી દે છે.


પ્રશાસનનું શું કહેવું છે?

Image copyright Getty Images

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, ''સરકારે આ ઘટનાની 'ગંભીર નોંધ' લીધી છે અને આ અંગે તપાસ સોંપી દેવામાં આવી છે.''

તેમણે એવું પણ ઉમેર્યું, ''બીજી કોઈ જેલમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે માટે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે સૂચન મેળવવામાં આવશે.''

જ્યારે સુરેન્દ્રનગરના ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) એચ.આર. ભાલકે જણાવ્યું, "બનાવની જાણ થતાં અમે જેલમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે અને ચાર કેદીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે."

"આ સાથે જ તપાસમાં જો કોઈ જેલના કર્મચારીનો હાથ હોવાનું જાણવા મળશે તો તેમની સામે પણ કડડ કાર્યવાહી કરવામાં આવશે."

ડીવાયએસપીએ ઉમેર્યું કે 'જો આવા કોઈ બનાવમાં પોલીસ અધિકારીનો હાથ હોવાનું સામે આવ્યું તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો