BBC TOP NEWS: મુંબઈમાં સંવિધાન બચાવો રેલીમાં જિગ્નેશ, કન્હૈયા અને હાર્દિક પટેલે આપી હાજરી

કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી Image copyright Hardik Patel/Twitter
ફોટો લાઈન કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ તથા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ મુંબઈ ખાતે આયોજિત 'બંધારણ બચાવો' રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં જેએનયુના કન્હૈયા કુમાર પણ સામેલ થયા હતા.

ઇંડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, યુનાઇટેડ યૂથ ફ્રંટના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમને કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ટેકો આપ્યો હતો.

હાર્દિક પટેલને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે, "મોદી ખુદને 'ચોકીદાર' જણાવે છે, પરંતુ અનેક મોટા કૌભાંડ થયા છે અને કૌભાંડીઓ દેશ છોડી નાસી છૂટ્યા છે. ચોકીદારે ચોકી કરવાની હોય અને ઊંઘવાનું ન હોય."

ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય મેવાણીને ટાંકતા અહેવાલમાં લખ્યું છે, "આ (મોદી) સરકારના રાજમાં બંધારણ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ અહીં આવેલાં તમામ લોકો માને છે કે બંધારણ જ સર્વોપરી છે અને તેના દ્વારા જ દેશને બચાવી શકાય છે."

જેએનયૂ (જવાહરલા નહેરુ યુનિવર્સિટી) વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યું, "મોદી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તથા આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા) જેવી સંસ્થા વિરુદ્ધ વર્તે છે એટલે આ પ્રકારની રેલીઓ અનિવાર્ય છે."


હવે ધીરજનો અંત આવ્યો, સરકારે મંદિર માટે કાયદો બનાવવો જ જોઈએ- મોહન ભાગવત

Image copyright Getty Images

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે ધીરજ રાખવાનો સમય હવે વીતી ગયો છે અને રામ મંદિર નિર્માણના મુદ્દાને જો ઉચ્ચ ન્યાયાલય પ્રાથમિકતા ન આપે તો સરકારે તેના માટે કાયદો લાવવો જોઈએ.

નાગપુરમાં રવિવાર સાંજે 'હુંકાર સભા' માં ભાગવતે કહ્યું, ''જો આ મુદ્દો અદાલતમાં છે તો નિર્ણય યુદ્ધના ધોરણે લેવાવો જોઈએ. એક વર્ષ પહેલાં મેં જ કહ્યું હતું કે ધીરજ રાખો. હવે હું જ કહું છું કે ધીરજથી કોઈ કામ નહીં સરે. આપણે લોકોને એકસાથે લાવવાની જરૂર છે.''

ભાગવતે કહ્યું, ''અમારું કહેવું છે કે સરકાર કાયદો ઘડે. જેમને કાયદો ઘડવાનો છે તે વિચાર કરે કે કઈ રીતે આમ થઈ શકશે. બની શકે તેટલી ઝડપે કાયદો બનાવવો જોઈએ. શ્રીરામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિરનું ઔચિત્ય સિદ્ધ થઈ ચૂક્યું છે.''

તમે આ વાંચ્યું કે નહીં?


કોંગ્રસ ન્યાયધીશોને ભય હેઠળ રાખે છે: મોદી

Image copyright Getty Images

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અલવરમાં ચૂંટણીસભા સંબોધી હતી.

જેમાં મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજ જ્યારે અયોધ્યા જેવા ગંભીર મુદ્દે ન્યાયની દિશામાં આગળ ડગ માંડે છે, ત્યારે કોંગ્રેસ ન્યાયધીશોની વિરુદ્ધ મહાભિયોગ લાવવાની ચીમકી આપી તેમને ડરાવે છે.

મોદીએ કહ્યું કે જ્યારે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના એક નેતા અને રાજ્યસભાના સાંસદે કહ્યું હતું કે 2019 સુધી કેસ ના ચલાવો કારણ કે 2019માં ચૂંટણીઓ છે.

દેશના ન્યાયતંત્રને આ રીતે રાજકારણમાં તાણી લાવવું કેટલી હદે યોગ્ય છે?


સેન્ટિનલ આદિવાસીઓને પોલીસે પાછાં મોકલ્યાં

Image copyright INSTAGRAM/JOHN CHAU

અંદમાન દ્વીપ પર સેન્ટિનેલી જનજાતિ દ્વારા માર્યા ગયેલા અમેરિકન ધર્મ પ્રચારકનો મૃતદેહ હજી સુધી મળી શક્યો નથી.

પોલીસે જણાવ્યું કે રવિવારે અધિકારીઓએ એમના મૃતદેહને ખોળવાનો ફરીથી પ્રયાસ આદર્યો, ત્યારે એમનો સામનો જનજાતિના લોકો સાથે થયો હતો.

પોલીસની ટુકડી નૌકા દ્વારા શનિવારે ઉત્તરી સેન્ટિનલ દ્વીપ પર ગઈ હતી ત્યારે તેમને આદિવાસી સમુદાયના લોકો નજરે ચઢ્યા હતા.

ક્ષેત્રના પોલીસ પ્રમુખ દિપેન્દ્ર પાઠકે જણાવ્યું કે અધિકારીઓએ દૂરબીનની મદદ વડે નિહાળ્યું હતું કે તીર-કામઠાં લઈ કેટલાક લોકો ત્યાં ફરી રહ્યાં હતાં. આદિવાસીઓએ તીરની મદદ વડે જ અમેરિકન નાગરિક જૉન એલન ચાઉની હત્યા કરી હતી.

પાઠકના કહેવા મુજબ દરિયા કિનારાથી 400 મીટર અંદર સમુદ્રમાં પોતાની નૌકામાં બેઠેલા પોલીસના જવાનોએ જોયું કે આદિવાસીઓ તીર-કામઠાં લઈ હાજર છે એટલે આ ટુકડી, અથડામણની શંકાને જોતાં પાછી ફરી હતી.


કાળા નાણાંની જાણકારી નહીં અપવામાં આવે: પીએમ

Image copyright AFP

સૂચનાના અધિકાર એટલે કે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પ્રધાનમંત્રી કાર્યાલયે વર્ષ 2014થી માંડી અત્યાર સુધી વિદેશથી ભારતમાં આવેલા કાળા નાણાં અંગેની જાણકારી આપવાનો નનૈયો ભણી દીધો છે.

વ્હિસલબ્લૉઅર અધિકારી સંજીવ ચતુર્વેદીએ જ્યારે પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય)ને આ સવાલ પૂછ્યો ત્યારે એમણે આ માહિતી આપવાની ના પાડી દીધી છે.

પીએમઓએ આરટીઆઈ ધારા 8(1)(એચ) ને ટાંકતા જણાવ્યું છે કે આ કલમ હેઠળ તપાસ અને આરોપી સામેના કેસમાં અડચણ ઊભી થવાની શંકાને ધ્યાનમાં રાખતાં સૂચનાની જાણકારી આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

કેન્દ્રીય સૂચના કમિશનર એટલે કે સીઆઈસીએ 16 ઑક્ટ્બરના રોજ એક આદેશમાં પીએમઓને 15 દિવસોની અંદર કાળા નાણાં અંગે જાણકારી ઉપલબ્ધ કરાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો