260 કરોડના કૌભાંડના આરોપી વિનય શાહની નેપાળમાંથી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

260 કરોડના 'પૉન્ઝી સ્કીમ કૌભાંડ'ના આરોપી વિનય શાહની નેપાળના કાઠમંડુમાંથી ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસે શાહની ધરપકડ કરી છે.

અમદાવાદના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હરેશ દૂધાતે પત્રકાર પરિષદમાં સંબંધીત માહિતી આપી છે.

શાહની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી 38 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.

નેપાળ પોલીસે વિનય શાહની એક યુવતી સાથે ધરપકડ કરી છે અને બન્ને પર વિદેશી કાયદાનું ઉલ્લંઘન કરવાનો તેમજ ગેરકાયદે નાણું રાખવાનો આરોપ લગાવાયો છે.

વિનય શાહ હાલમાં નેપાળ પોલીસની કસ્ટડીમાં છે અને 'ઍક્સ્ટ્રાડિશન ટ્રીટી'ના આધારે હવે તેમને ગુજરાત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એવું પણ દૂધાતે જણાવ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

દૂધાતે પત્રકારોને જણાવ્યું, ''ફોન રૅકર્ડના આધારે વિનય શાહ નેપાળમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમદાવાદ પોલીસ નેપાળ પોલીસના સંપર્કમાં હતી.''

દૂધાતના જણાવ્યા અનુસાર આ મામલે 23 નવેમ્બરથી જ સીઆઈડી ક્રાઇમની ટીમ નેપાળ પહોંચી ગઈ હતી અને શાહનું પગેરું શોધી રહી હતી.

દૂધાતે એવું પણ જણાવ્યું કે આ મામલે 100થી વધુ નિવેદનો નોંધવામાં આવ્યાં છે.

આ સાથે જ તેમણે આ કૌભાંડનો ભોગ બનેલા લોકોને આગળ આવી ફરિયાદ દાખલ કરવા ભલામણ પણ કરી કે જેથી તેમને નાણાં પરત મળી શકે.


શું છે સમગ્ર મામલો?

અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર એવો આરોપ છે કે વિનય શાહે પોતાની કંપની 'આર્ચરકેસ એલએલપી' અને 'ડિજિ લોકલ્સ' નામની કંપનીઓ થકી હજારો રોકાણકારોના 260 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

આ મામલે રાજ્ય સરકાર દ્વારા 'સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ'ની રચના કરી તપાસ હાથ ધરી હતી.

આ અંગે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

સીઆઈડી ક્રાઇમને પણ તપાસમાં લગાવવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો