BBC TOP NEWS: યોગી આદિત્યનાથ - રાહુલ ગાંધીએ પોતાનું ગોત્ર જણાવ્યું એ ભાજપની મોટી જીત

યોગી આદિત્યનાથ Image copyright Getty Images

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન પહેલાં અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર ઝિયારત કરી હતી, પછી પુષ્કરમાં બ્રહ્માજીના મંદિરમાં ઘાટ પર પૂજા-અર્ચના કરી હતી.

તેમણે અહીંયા સૌપ્રથમ વખત પોતાના ગોત્ર અંગે જણાવ્યું. પંડિતે પૂછ્યું ત્યારે તેમણે પોતાનું ગોત્ર 'કૌલ દત્તાત્રેય' જણાવ્યું હતું.

તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ આ ચૂંટણી પ્રચારના અનુસંધાનમાં રાજસ્થાનમાં જ હતા. તેમણે રાહુલ ગાંધીએ પોતાનું ગોત્ર સાર્વજનિક કર્યું તેને ભાજપની જીત ગણાવી.

યોગીએ કહ્યું, ''કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જનોઈ દેખાડીને સનાતની હિંદુ દેખાડવાનો પ્રયાસ કરવો એ અમારી વૈચારિક જીત છે."

"રાહુલના પરદાદા કહેતા હતા કે હું પણ ઍક્સિડેન્ટલી હિંદુ છું. કોંગ્રેસ કહેતી આવી છે કે દેશના સંસાધનો પર પહેલો હક મુસલમાનોનો છે. જો આવું જ હોય તો પછી હિંદુ ક્યાં જશે?''


'મુસલમાન પણ રામ મંદિરના નિર્ણય માટે તૈયાર'

Image copyright Getty Images

રામ મંદિર અંગે રાજકારણમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહે કોંગ્રેસ નેતા મનીષ તિવારીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રામ મંદિર બનાવવાની વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે રામ મંદિર પર તેઓ સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનશે.

અબ્દુલ્લાહે કહ્યું કે નિર્ણયની રાહ જોવી જોઈએ અને કાયદા અને બંધારણની મર્યાદાને માન આપવું જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?


સુનીલ અરોરા બનશે નવા ચૂંટણી કમિશનર

Image copyright Getty Images

દિલ્હીથી પ્રકાશિત થતા ઘણાં સમાચારપત્રોએ 'સુનિલ અરોરા નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે' એ સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, સુનિલ અરોરા બે ડિસેમ્બરના રોજ હાલના મુખ્ય ચૂંટણી કમિશન ઓ. પી. રાવતનું સ્થાન લેશે, તેઓ પહેલી ડિસેમ્બરના રોજ નિવૃત થવાના છે.

સુનિલ અરોરાના વડપણ હેઠળ 2019ની ચૂંટણીઓ યોજાશે. સુનિલ અરોરા 1980ની બેન્ચના રાજસ્થાન કૅડરના આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે અને ઘણા મુખ્ય વિભાગોમાં રહી ચૂક્યા છે.

તેઓ સ્કિલ ડેવલપમૅન્ટ સેક્રેટરી અને સૂચના પ્રસારણ મંત્રાલયના વડાપદ પર તેઓ રહી ચૂક્યા છે.

અરોરા નાણાં, કપડાં અને નીતિ આયોગમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ઇન્ડિયન ઍરલાઇન્સના સીએમડી (ચીફ મેનેજિંગ ડિરેક્ટર) પદ પર પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે.

એમ માનવામાં આવે છે કે સુનિલ અરોરા રાજસ્થાનનાં હાલના મુખ્ય મંત્રી વસુંધરા રાજેના ખાસ ભરોસાપાત્ર વ્યક્તિ છે. તેઓ વર્ષ 2005થી 2009 વચ્ચે રાજેના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે.


ટેકનૉલૉજીની મદદથી બે બાળકીઓનો જન્મ

Image copyright Getty Images

હિંદુસ્તાનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે પહેલી વખત જિનમાં ફેરફાર કરી બે બાળકીઓને જન્મ અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટેકનિકને કારણે બાળકીઓમાં એચઆઈવી (એઈડ્સ માટે જવાબદાર વાઇરસ) સામે લડવાની કુદરતી ક્ષમતા હશે.

શેનઝેનના શોધકર્તાના હી જૈનકુઈએ જણાવ્યું છે કે તેમણે સાત દંપતીઓની વંધ્યત્વની સારવાર દરમ્યાન તેમનાં ભ્રૂણમાં પરિવર્તન કર્યું હતું.

તેમાંથી એક દંપતીને ત્યાં આ મહિને જોડિયાં દીકરીઓનો જન્મ થયો છે, જેમાં પરિવર્તનની પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્રયોગમાં સામેલ દંપતીઓની ઓળખ જાહેર કરવાની તેમણે ના પાડી દીધી છે.

બીજી બાજુ, ઇંગ્લૅન્ડના અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે, ચીનની સરકારે વિશ્વના સૌપ્રથમ જીન-એડિટેડ બેબી અંગે તપાસના આદેશ આપ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો