BBC TOP NEWS: યુનિસેફ - ગુજરાતમાં કિશોરીઓનો 'ડ્રોપ આઉટ' ઘટાડવા ચાલતી યોજનામાં ખામી

વિદ્યાર્થિની Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં સ્કૂલોમાં કિશોરીઓ (વિદ્યાર્થિનીઓ)ના ડ્રોપ આઉટ દરને ઘટાડવા માટે ચાલતી યોજનામાં ખામી છે.

આઈએમએમ-અમદાવાદ અને યુનિસેફ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ વાત બહાર આવી છે.

અહેવાલમાં અભ્યાસને ટાંકીને કહેવાયું છે કે ગુજરાતમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલનું શિક્ષણ પૂરું કરવા માટે પ્રોત્સાહિત કરવા આપવામાં આવતા 2000 રૂપિયાના બૉન્ડ આપતી 'વિદ્યાલક્ષ્મી યોજના'ની કામગીરીમાં ખામી છે અને તે લાભાર્થીઓ પહોંચી નથી રહી.

સાથે જ કન્ડિશનલ કૅશ ટ્રાન્સફર સ્કીમમાં કેટલીક વિસંગતતા જોવા મળી છે.

જોકે, અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે સરકાર પાસે આ યોજના વિશે માંગવામાં આવેલી આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) -ઍક્ટ હેઠળની માહિતી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. આથી આ અહેવાલ માટે પૂરતો ડેટા નથી મળી શક્યો.


'સજ્જાદ લોનને મુખ્ય મંત્રી બનાવવા પડ્યા હોત'

Image copyright Getty Images
ફોટો લાઈન સત્યપાલ મલિક

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક નિવેદનમાં કહ્યું કે, જો તેમણે દિલ્હીમાં કેન્દ્ર સરકાર તરફ મીટ માંડી હોત, તો તેમણે સજ્જાદ લોનની સરકારને બહાલી આપવી પડી હોત.

સમગ્ર વિવાદ મામલે મલિકે કહ્યું,"હું સ્પષ્ટ કરી દઉં કે જો દિલ્હી તરફ જોયું હોત, તો સજ્જાદની સરકાર બનાવવી પડી હોત અને ઇતિહાસમાં હું એક અપ્રામાણિક વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવ્યો હોત."

"આથી મેં મામલો જ ખતમ કરી દીધો. જેઓ ગાળો આપશે તેઓ આપવાના જ છે, પણ મને ખાત્રી છે કે મેં જે કર્યું તે યોગ્ય જ કર્યું છે."

સજ્જાદ લોન પીપલ્સ કૉન્ફરન્સ પાર્ટીના વડા છે અને તેમણે ભાજપને ટેકાથી સરકાર બનાવવા અંગે કથિત ટિપ્પણી કરી હતી.

અત્રે નોંધવું રહ્યું કે મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને સરકાર બનાવવા તેમની પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોવાનો પત્ર લખ્યા બાદ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

30મીએ ટ્ર્મ્પ-મોદી-એબે વચ્ચે બેઠક

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ધ હિંદુ'માં પ્રકાશિત અહેવાલ મુજબ, 30મી નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રમ્પ, જાપાનના વડા પ્રધાન શિંઝો એબે અને વડા પ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાશે.

વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે આ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું

આર્જેન્ટિનામાં બ્યુનોસ ઍરિસ ખાતે યોજાઈ રહેલા જી-20 શિખર સંમેલન દરમિયાન આ બેઠક થશે. 30મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર દરમિયાન આ સંમેલન યોજાશે.

યુએસ નેશનલ સિક્યુરિટી ઍડવાઇઝર જ્હોન બોલ્ટોને પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ટ્રમ્પ આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરશે.

જ્યારે વડા પ્રધાન મોદી અને શિંઝો એબે સાથે સંયુક્ત બેઠક કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો