રાહુલનું ગોત્ર અને 100 વર્ષો પહેલાં કરાયેલી પૂજાની કહાણી

રાહુલ ગાંધી Image copyright Getty Images

વાત 2 મે 1991ની છે. ધોમ તડકામાં ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પુષ્કરના બ્રહ્મા મંદિરમાં આવીને સંકલ્પ લીધો હતો.

દેશમાં ચૂંટણીઓનો માહોલ હતો, રાજીવનો કૉંગ્રેસ પક્ષ વિપક્ષમાં હતો અને માનવામાં આવતું હતું કે તે સત્તામાં પરત ફરી શકે છે.

રાજીવ ગાંધીને પુષ્કરથી ખાસ લગાવ હતો. એ દિવસોમાં રાજસ્થાનમાં રાજીવની નજીક રહેલા એક નેતાએ જણાવ્યું કે તેઓ પહેલીવાર પુષ્કર 1983માં આવ્યા હતા જ્યારે તેઓ કૉંગ્રેસના મહાસચિવ હતા.

તેમણે કહ્યું, "વડા પ્રધાન બન્યા બાદ પણ તેઓ 1989માં પુષ્કર આવ્યા અને બ્રહ્મા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. "

પરંતુ, 2 મે, 1991ની તેમની પુષ્કર યાત્રાના માત્ર 19 દિવસ બાદ તામિલનાડુમાં રાજીવ ગાંધી એક બૉમ્બ બ્લાસ્ટના શિકાર બન્યા.

તેમના મૃત્યુના એક સપ્તાહ બાદ તેમનાં અસ્થિઓનું પુષ્કરમાં જ વિસર્જન કરવામાં આવ્યું, જે સમયે રાજેશ પાયલટ અને અશોક ગહેલોત જેવા નેતાઓ હાજર હતા.

પરિવારના પૂરોહિત દીનાનાથ કૌલે આની જાણકારી આપતાં કહ્યું, "આ નેતાઓ ત્રણ સપ્તાહ પહેલાં જ રાજીવજી સાથે અહીં હાજર હતા."

"રાજીવ ત્રણ વખત પુષ્કર આવ્યા હતા અને તેમના મૃત્યુના સમાચાર મળ્યા બાદ શહેર અનેક દિવસો સુધી આઘાતમાં રહ્યું હતું."


મોતીલાલ નહેરુએ પણ કરી હતી પૂજા

Image copyright Getty Images
ફોટો લાઈન જયપુરના ગોંવિંદ મંદિરમાં પૂજા કરતા રાહુલ ગાંધી

જોકે, રાજીવ પહેલાં તેમના ભાઈ સંજય ગાંધી અને ભાભી મેનકા ગાંધી પણ પુષ્કર આવીને બ્રહ્મા મંદિરમાં પૂજા કરી ચૂક્યાં હતાં.

વાસ્તવમાં, સંજય ગાંધી 1980ના માર્ચ મહિનાની 21 તારીખના રોજ પુષ્કર આવ્યા હતા પરંતુ તેમના બે મહિના બાદ જ એક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યું થઈ ગયું હતું.

સંજય ગાંધીના મૃત્યુ બાદ લગભગ ચાર વર્ષો બાદ મેનકા ગાંધી પુષ્કર પહોંચ્યાં હતાં અને તેમણે નહેરુ-ગાંધી પરિવારના રીતિરિવાજ મુજબ પૂજા કરી હતી.

નહેરુ-ગાંધી પરિવારનો લાંબો ઇતિહાસ રાજસ્થાનના પુષ્કરની વચ્ચે આવેલી ઝીલના કિનારા સાથે પણ જોડાયેલો છે.

Image copyright Alamy
Image copyright Alamy

વર્ષ 1921 એટલે કે લગભગ 100 વર્ષો પહેલાં મોતીલાલ નહેરુ પુષ્કર આવ્યા હતા.

એ સમયે પુરોહિતોના એક પરાશર પરિવારે તેમના માટે અહીં મશહૂર બ્રહ્મા મંદિરમાં પૂજા કરી હતી.

મોતીલાલ નહેરુએ પૂજા દરિમાયાન પોતાને 'કૌલ' ગોત્રના લખતાં આ પુરોહિત પરિવારને 'કૌલ'ની ઉપાધિ આપી હતી.

મોતિલાલે પુરોહિત પરિવારને કહ્યું કે હવે તેઓ એમના પરિવારના પુરોહિત બની ગયા છે એટલે તેમની અટક કૌલ કરી નાખે.

ચાર પેઢીઓથી પુષ્કરમાં રહેતા આ પરાશર પરિવારના લોકો તે સમયથી પોતાની અટક કૌલ લખવા લાગ્યા છે.


15 વર્ષો પછી આવ્યા રાહુલ ગાંધી

ફોટો લાઈન ઇન્દિરા ગાંધી જ્યારે પુષ્કર દર્શન કરવા આવ્યાં હતાં ત્યારે તેમણે હસ્તાક્ષર કર્યા હતા

પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી પુષ્કર આવીને પૂજા-પાઠમાં સામેલ થયાં છે.

જોકે, એ વાત પણ સાચી છે કે ગાંધી પરિવારના કોઈ સભ્યની પુષ્કર યાત્રાનાં પૂરાં 15 વર્ષ બાદ રાહુલ ગાંધીનું અહીં આગમન થયું છે અને આ ચર્ચાનો વિષય પણ છે.

આ પરિવારના બે વૃદ્ધ પુરોહિતો, રાજનાથ કૌલ અને દીનાનાથ કૌલે સોમવારે રાહુલ ગાંધીને સંકલ્પ કરાવ્યો અને પૂજા સંપન્ન કરાવી હતી.

રાજનાથ કૌલે બીબીસીને કહ્યું, "તેમનાં માતા સોનિયા ગાંધીને અહીં આવ્યે 15 વર્ષો થઈ ગયાં હતાં એટલે અમને ખુશી છે કે રાહુલ અહીં આવ્યા."

"અમે તેમના પરિવારનો ઇતિહાસ બતાવ્યો અને તેમણે ધ્યાનથી સાંભળ્યો."

Image copyright Alamy
Image copyright Alamy

આ સંકલ્પમાં રાહુલ ગાંધીએ પણ પોતાનું ગોત્ર એ જ બતાવ્યું જે 1921માં મોતીલાલ નહેરુએ બતાવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચિશ્તીની દરગાહ અને પુષ્કરના બ્રહ્મા મંદિર પહોંચ્યા હતા.

અજમેરમાં રાહુલ ગાંધીએ સચિન પાયલટ અને અશોક ગહેલોત સાથે ચાદર ચઢાવી હતી અને ચૂંટણીમાં કૉંગ્રેસની જીત માટે દુઆ માગી હતી.

તો, પુષ્કરના બ્રહ્મા મંદિરમાં રાહુલ ગાંધીએ પૂજા કરી. આ દરમિયાન તેમણે પોતાનું ગોત્ર 'કૌલ દત્તાત્રેય' બતાવ્યું છે.

જે બાદ રાહુલ ગાંધીના ગોત્ર પર સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

વાસ્તવમાં, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીને તેમનું ગોત્ર પૂછયું હતું.


ફિરોઝ, પ્રિયંકા અને વરુણ પુષ્કર નથી આવ્યાં

ફોટો લાઈન રાજીવ ગાંધી પુષ્કરમાં બીજી વખત દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે આ લખ્યું હતું

કેટલાક લોકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ પહેલાં ક્યારેય પોતાનું ગોત્ર બતાવ્યું નથી.

જ્યારે કૉંગ્રેસના કેટલાક લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને તેમનો પરિવાર હંમેશાં પોતાને કાશ્મીરી બ્રાહ્મણ બતાવતા આવ્યા છે અને મોતીલાલ-જવાહરલાલ નહેરુ પણ એ જ હતા.

પુષ્કરમાં ગાંધી પરિવારના કુળ પુરોહિત દીનાનાથ કૌલે કહ્યું, "મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી બધાં જ અહીં કાશ્મીરી બ્રાહ્મણ એટલે કે કૌલ બનીને અહીં પહોંચ્યાં છે. સમજમાં નથી આવતું કે વિવાદ કઈ વાત પર છે."

રાહુલ ગાંધી પુષ્કરમાં આવ્યા બાદ કેટલાક લોકોમાં ચર્ચાનો વિષય એ બન્યો કે જ્યારે ઇન્દિરા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી પારસી હતા તો તેઓ ખુદને કાશ્મીરી કૌલ કેવી રીતે કહી શકે?

જોકે, આ વાતનો તર્ક કમજોર એટલા માટે થઈ જાય છે કે ખુદ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીએ પુષ્કરમાં આવીને પોતાને કાશ્મીરી કૌલ ગોત્રનાં બતાવતા પૂજા કરી હતી.

પુષ્કરમાં નહેરુ-ગાંધી પરિવારના વર્તમાન પુરોહિતો અનુસાર ફિરોઝ ગાંધી ત્યાં ક્યારેય આવ્યા ન હતા.

તેમના અનુસાર પરિવારના વર્તમાન સભ્યોમાં અત્યાર સુધી પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા અને વરુણ ગાંધીએ પુષ્કરની મુલાકાત લીધી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ