ગુજરાત સરકારને વિદ્યાર્થીઓનો ધર્મ કેમ જાણવો છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ગુજરાતના શિક્ષણે બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન ફૉર્મ ભરતી વખતે તેમની ધાર્મિક ઓળખ અને તેઓ કયા લઘુમતી સમુદાયના છે તે વિગતો માંગતા હાઈકોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે ખાસ કરીને રાજ્યમાં ધોરણ 10-12ના મુસ્લિમ વિદ્યાર્થીઓનું ધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.

વળી અરજીમાં કહેવાયું છે કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડની વિગતો પણ માંગી છે, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે.

આથી સવાલ એ છે કે શિક્ષણ બોર્ડે પરીક્ષા ફૉર્મમાં આ પ્રકારની વિગતો કેમ માંગી છે?

શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અનુસાર આ પ્રકારની માહિતી અગાઉ ક્યારેય માંગવામાં આવી નથી.

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનાં ઑનલાઇન ફોર્મમાં વિદ્યાર્થી લઘુમતી સમાજનો છે કે નહીં તેની વિગત માંગવામાં આવી છે.

વળી તેઓ કયા લઘુમતી સમાજના છે તે વિગતો પણ માંગવામાં આવી છે.

તેમાં પૂછવામાં આવ્યું છે કે તેઓ મુસ્લિમ લઘુમતી સમાજના છે કે અન્ય સમાજમાંથી આવે છે.

આથી પિટિશનમાં કહેવાયું છે કે ખાસ કરીને મુસ્લિમ લઘુમતી સમાજનું ધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.


પિટિશન કરનારનું શું કહેવું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના ઍડ્વોકેટ ખેમચંદ. આર. કોશ્તીએ હાઈકોર્ટમાં આ પિટિશન કરી છે.

તેમણે વિદ્યાર્થીઓનું ધર્મના આધારે ખાસ કરીને મુસ્લિમ લઘુમતી સમાજનાં બાળકોના ધર્મના આધારે કથિત વર્ગીકરણ મામલે વાંધો રજૂ કર્યો છે.

પિટિશન કરવા પાછળના હેતુ વિશે પૂછતા તેમણે કહ્યું, "ગુજરાતના શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ પાસે ફૉર્મમાં આધારકાર્ડની વિગતો માંગીને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે."

"વળી માત્ર લધુમતી મુસ્લિમ સમાજનો ડેટા એકત્ર કેમ કરવામાં આવી રહ્યો છે તે સવાલ છે."

"બંધારણની કલમ 15 મુજબ કોઈ પણ વ્યક્તિનાં ધર્મ, જાતિ કે જન્મના સ્થળ સહિતની બાબતો પર ભેદભાવ કરવો ગેરકાનૂની છે."

"આ પ્રકારના નિર્ણય ઘ્રુવીકરણ કરવા માટે કરવામાં આવતા હોય છે. તેઓ આ મામલે કાનૂની લડાઈ લડવા માટે તૈયાર છે."

તમે આ વાંચ્યું કે નહીં?

માહિતી કેમ એકત્ર કરવામાં આવી રહી છે?

Image copyright GUJARAT EDUCATION BOARD
ફોટો લાઈન ફોર્મમાં માંગવામાં આવેલી માહિતી

જોકે, આ સમગ્ર વિવાદ પર બીબીસીએ શિક્ષણવિદનો મત જાણવાની કોશિશ કરી.

જેમાં શિક્ષણવિદ સુખદેવ પટેલ કહ્યું કે આ પ્રકારની વિગતો માંગવી અયોગ્ય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "આ પ્રકારની માહિતી કેમ માંગવામાં આવી તેના વિશે શિક્ષણ વિભાગ(બોર્ડ)ના અધિકારીઓ જ જવાબ આપી શકે છે."

"જોકે તેમાં સરકારનો કોઈ રાજકીય ઇરાદો હોઈ શકે અને ન પણ હોઈ શકે."

"પરંતુ આવી માહિતી દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી એકત્ર કરવા પાછળ કોઈ તર્ક જણાતો નથી."

"રાજકીય દૃષ્ટિએ જોઈએ તો એવું પણ બની શકે કે સત્તાપક્ષને બદનામ કરવા માટે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય અને અધિકારીઓએ જાતે જ આ પ્રકારનો નિર્ણય કર્યો હોય."

"વધુમાં આવી માહિતી માંગવાનો કોઈ અર્થ ન હોવાથી સરકારી તંત્ર ફૉર્મમાંથી લઘુમતી મામલેની વિગતો માંગતી કૉલમ દૂર કરી સુધારો કરી શકે છે."

આ સ્થિતિ વિશે ડૉ. હનીફ લાકડાવાલાનું કહેવું છે કે, "પરીક્ષા ફૉર્મમાં (ધર્મ બાબતે) જે વિગતો માગવામાં આવી છે તેનાથી લઘુમતી સમાજમાં ડરની લાગણી સર્જાય શકે છે."

"આ વિગતો કાયદાકીય દૃષ્ટીએ માગવી યોગ્ય છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે."

તેમણે વધુમાં જણાવ્યું, "ખરેખર આ વિગતો શા માટે માગવામાં આવી તે મહત્ત્વનો સવાલ છે."

"આટલી ચર્ચા અને વિવાદ થયો તેમ છતાં સરકાર તરફથી આવુ કરવા પાછળનો હેતુ શું છે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી."


'ભગવાકરણની રાજનીતિ છે'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે સરકાર રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની જગ્યાએ આ પ્રકારના ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે.

કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ બીબીસીને જણાવ્યું કે સરકાર અને આરએસએસ ભગવાકરણની રાજનીતિથી બાળકોમાં ભેદભાવ ઊભો કરવા માંગે છે.

તેમણે કહ્યું, "સરકાર અને સંઘના ઇરાદે જ આવું બધુ થતું હોય છે. આ એક નિમ્નસ્તરની રાજનીતિ છે. સરકારની માનસિકતા જ આવી છે."

"બાળકોની આવી માહિતી એકત્રિત કરવાનો આ જ ઇરાદો હોઈ શકે છે."

જ્યારે તેમને પૂછ્યું કે આ નિર્ણય અધિકારીઓના સ્તરે લેવાયો હોય અને સરકાર તેમાં સામેલ ન પણ હોય, આ બાબત વિશે તેમનું શું કહેવું છે?

આ મામલે તેમણે કહ્યું, "બધું સરકારના ઇશારે જ થતું હોય છે. ગુજરાતના શિક્ષણ બોર્ડે શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓની સ્થિતિ સુધારવા કામ કરવું જોઈએ. પરંતુ તેની જગ્યાએ બોર્ડ આ પ્રકારનાં કામ કરી રહ્યું છે."

"જો લઘુમતી બાળકોના હિતની વાત છે, તો ગુજરાતની ભાજપ સરકારે વર્ષ 2011ના વર્ષમાં કેન્દ્રની સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્કોલરશિપના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો."

"જો તેઓ લઘુમતીના હિતની વાતો કરે છે, તો એ સમયે સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન કેન્દ્ર સરકારના સ્કોલરશિપ કાર્યક્રમના વિરોધમાં ઍફિડેવિટ કેમ દાખલ કરી હતી."


શિક્ષણ બોર્ડનું શું કહેવું છે?

તદુપરાંત સરકારે પરીક્ષા ફૉર્મમાં આ વિગતો કેમ માંગી તેનો હેતુ જાણવા અમે ગુજરાત સરકાના શિક્ષણ બોર્ડ અને શિક્ષણ વિભાગનો સંપર્ક કર્યો.

ગુજરાત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અજય શાહ સાથે પણ બીબીસીએ આ મામલે વાતચીત કરી.

બીબીસીએ તેમને સવાલ કર્યો કે તેમણે પરીક્ષા ફૉર્મમાં આ પ્રકારની માહિતી કેમ માંગી?

તેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આ મામલે જવાબ કોર્ટમાં આપશે.

વધુમાં બીબીસીએ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ તેઓ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નહોતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ