TOP NEWS - પારદર્શક ડ્રેસ પહેરતાં અભિનેત્રી પર કેસ, થઈ શકે છે પાંચ વર્ષની સજા

અભિનેત્રીની તસવીર Image copyright AFP

કૈરો ફિલ્મોત્સવ દરમિયાન પારદર્શક કપડાં પહેરનારાં ઇજિપ્તના અભિનેત્રી રાનિયા યૂસુફની સામે 'અશ્લીલતાને પ્રોત્સાહન' આપવાના આરોપ સબબ તેમની સામે ખટલો ચલાવવામાં આવશે.

જો તેઓ દોષિત સાબિત થશે તો તો તેમને પાંચ વર્ષ સુધીની સજા થશે. જ્યારે કેટલાક ઇજિપ્તવાસીઓ માને છે કે રાનિયા જે કપડાં પહેરવા માંગતા હોય, તે કપડાં પહેરવાની આઝાદી હોવી જોઈએ.

રાયનાએ ફિલ્મોત્સવ દરમિયાન લેસવાળો કાળો પારદર્શક ડ્રેસ પહેર્યો હતો, જેમાંથી તેમનાં પગ સ્પષ્ટ જોઈ શકાતાં હતાં.

44 વર્ષીય રાનિયાએ તેમનાં વસ્ત્રો અંગે માફી માગી છે અને કહ્યું છે કે 'જો મને અંદાજ હોત કે આને કારણે વિવાદ થશે તો મેં એ કપડાં ન પહેર્યાં હોત.'

રાનિયાનાં કહેવા પ્રમાણે, તેમણે એ ડ્રેસ પહેલી વખત પહેર્યો હતો, એટલે તેમને અંદાજ ન હતો કે તેના કારણે વિવાદ થશે.


નિરવ મોદીએ ભારત પરત ફરવાનો ઇન્કાર કર્યો

Image copyright FACEBOOK/NIRAVMODI

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર 14000 કરોડના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ ભારત પરત ફરવા ઇન્કાર કર્યો છે. તેમના વકીલે કોર્ટમાં આ વાત રજૂ કરી હતી.

જોકે, આ પાછળ તેમના વકીલે એવું કારણ આપ્યું કે નીરવ મોદીને ભારતમાં સુરક્ષા મામલે ખતરો છે.

નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે મોદી વતી કહ્યું, "મારું (નીરવ મોદીનું) 50 ફૂટનું પૂતળું સળગાવવામાં આવ્યું, મારી સરખામણી રાવણ સાથે થઈ છે. મને લિચિંગનું જોખમ છે.''

''મને રાક્ષસ તરીકે રજૂ કરાયો છે અને બૅન્ક કૌભાંડનો મુખ્ય ચહેરો બનાવ્યો છે. આથી હું પરત ફરી શકું એમ નથી."

નીરવ મોદીએ સીબીઆઈ અને ઍન્ફોર્સમૅન્ટ ડિરોક્ટેરટને સંબોધીને પત્ર લખ્યો હતો.

વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે તેમના અસીલને 'આર્થિક ભાગેડુ ગુનેગાર' જાહેર કરી શકાય નહીં, કેમ કે તેમના વિરુદ્ધ જે ધારાઓ લગાવાઈ છે, તે માટેના કારણો પૂરતાં નથી.


નીતિન પટેલે અન્ય રાજ્યની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેતા વિવાદ

Image copyright FACEBOOK/NITIN PATEL

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે ઘૂંટણની સર્જરી માટે મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે.

'આરોગ્ય વિભાગનો હવાલો નીતિન પટેલ પાસે હોવા છતાં તેઓ અન્ય રાજ્યની ખાનગી હૉસ્પિટલમાં સારવાલ લેવા કેમ ગયા?' એવો પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે,"અમદાવાદ ઘૂંટણની સર્જરી માટે જાણીતું છે. અમાદાવાદની સિવિલ હૉસ્પિટલ પાસે તમામ આધુનિક ઉપકરણો છે.''

''ઉપકરણોની બાબતે એશિયાની તે શ્રેષ્ઠ હૉસ્પિટલોમાંની એક ગણાય છે. તેમ છતાં નીતિન પટેલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવા ગયા."

તેમણે સવાલ કર્યો કે "શું નીતિન પટેલને તેમના પોતાના જ તબીબો અને હૉસ્પિટલો પર ભરોસો નથી?"

તમે આ વાંચ્યું કે નહીં?


દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા ખેડૂતનું મોત

Image copyright Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં કિસાન રેલીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા મહારાષ્ટ્રના ખેડૂતનું અકસ્માતે મોત નીપજ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ખેડૂત દિલ્હીમાં બે દિવસીય પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં આવેલી એક ઇમારત પરથી ખેડૂત અકસ્માતે નીચે પડી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.

ખેડૂતનાં મૃત્યુની આ ઘટના પાછળ પોલીસે કોઈ પ્રકારની શંકા વ્યક્ત નથી કરી, જોકે, આ મામલે તપાસ હજુ પણ ચાલી રહી છે.


દીપડાને પકડવા વનકર્મીઓને પાંજરામાં પૂરવામાં આવ્યા

Image copyright DAXESH SHAH

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર દાહોદ જિલ્લાના ઘાનપુરમાં એક નરભક્ષી દીપડાને પકડવા માટે પાંજરાંમાં શિકાર (પ્રાણી)ની જગ્યાએ વનકર્મીઓને રાખવામાં આવ્યા હતા.

દીપડાને પકડવાના મિશનના સુપરવાઇઝર એસ. કે. શ્રીવાસ્તવએ અખબારને જણાવ્યું કે આ વખતે તેમણે નવો પ્રયોગ કર્યો.

તેમના જણાવ્યા અનુસાર કુલ નવ પાંજરાં મૂકવામાં આવ્યા હતા. જેમાંથી એકમાં આ રીતે માણસોને પૂરવામાં આવ્યા હતા.

જોકે માણસોનો જીવ કેમ જોખમમાં નાખવામાં આવ્યો તેના વિશે પૂછાતા તેમણે કહ્યું કે 'પાંજરું બરાબર લોક કરાયું હતુ.''

પાંજરામાં ફૉરેસ્ટ, પશુચિકિત્સક અને કર્મીને રાખવામાં આવ્યા હતા.

વનકર્મી વિજય બામણીયાએ અખબારને જણાવ્યું કે માણસોના રક્ષણ માટે તેમણે આ જોખમ ઉઠાવ્યું હતું.

નોંધનીય છે કે આ દીપડો અત્યારસુધી ત્રણ ગામવાસીઓનો ભોગ લઈ ચૂક્યો છે.


મુંબઈ સામે ગુજરાતનો રણજીમાં વિજય

Image copyright FACEBOOK/PRIYANK PANCHAL

'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર રણજી ટ્રૉફી મૅચમાં ગુજરાતે મુંબઈ સામે વિજય મેળવ્યો છે.

મુંબઈ ખાતે રમાયેલી આ મૅચમાં ગુજરાતે નવ વિકેટે મુંબઈ સામે વિજય મેળવ્યો હતો.

જેમાં કપ્તાન પ્રિયંક પંચાલે સદી ફટકારી હતી. ગુજરાતે મુંબઈને બીજા દાવમાં 187 રનોમાં ઓલઆઉટ કરતા 204 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ગુજરાતે 41.5 ઓવરોમાં વટાવી લીધો હતો.

ગુજરાત વતી ઑપનર કથન પટેલ સાથે મળીને 100થી વધુ રનોની પાર્ટનરશિપ નોંધાવી હતી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો