જ્યારે આંબેડકરે કહ્યું, ''ગાંધીજી 'મહાત્મા'ના બિરુદને લાયક નથી''

આંબડકર
ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભારતના બંધારણના પ્રમુખ નિર્માતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ નિધન થયું હતું. તેમને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો. આજે તેમની પુણ્યતિથિ છે.

સ્વતંત્ર ભારતું બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરની ચાવીરૂપ ભૂમિકા રહી હતી.

જોકે, ગાંધીજી અને આંબેડકર બન્ને વચ્ચે કેવા સંબંધો હતો તે જાણવું હંમેશાંથી રસપ્રદ રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે બીબીસીને વર્ષ 1956માં ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

જેમાં તેમણે ગાંધીજી સાથેના તેમના સંબંધો અને તેમની વચ્ચેના વૈચારિક મતભેદો અંગે ચર્ચા કરી હતી.

બીબીસી આર્કાઇવ્ઝમાંથી રજૂ છે તે મુલાકાતના અંશોઃએમ. કે. ગાંધી વિશે ડૉ. બી. આર. આંબેડકર (બીબીસી રેડિયો)

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

આંબેડકર: હું પ્રથમવાર મિસ્ટર ગાંધીને 1929માં મળ્યો હતો, એક મિત્રના માધ્યમથી, અમારા કૉમન ફ્રૅન્ડના માધ્યમથી. જેમણે ગાંધીજીને કહ્યું હતું કે 'મને મળે.' તેથી મિસ્ટર ગાંધીએ મને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે' આપણે મળીએ'. તેથી હું તેમને જઈને મળ્યો હતો. ગોળમેજી પરિષદમાં જતા પહેલાં જ મળ્યો હતો.

તે પછી બીજી ગોળમેજી પરિષદ વખતે તેઓ આવ્યા હતા. પહેલી વખતે નહોતા આવ્યા. તેઓ પાંચ કે છ મહિના રોકાયા હતા. તે વખતે તેમને મળ્યો હતો અને બીજી ગોળમેજી પરિષદમાં પણ મળ્યો હતો. તે પછી પણ મળ્યો હતો.

પુના કરાર થયા પછી પણ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે મળવા આવજો. તેથી હું ગયો હતો અને મળ્યો હતો. તેઓ ત્યારે જેલમાં હતા.

બસ આટલી વાર હું મિસ્ટર ગાંધીને મળ્યો હતો. પણ હું હંમેશા એમ કહેતો હોઉં છું કે હું એક વિરોધી તરીકે જ હંમેશા મિસ્ટર ગાંધીને મળ્યો હતો, તેમ છતાં મને લાગે છે કે હું બાકીના લોકો કરતાં તેમને વધારે સારી રીતે સમજી શક્યો છું.

કેમ કે તેમણે પોતાના અસલી ઇરાદા મારી સમક્ષ ખુલ્લા કરી દીધા હતા. હું તેમની અંદર શું ચાલી રહ્યું છે તે જોઈ શક્યો હતો.

બીજા લોકો તેમને અનુયાયી તરીકે મળવા જતા હતા. તેઓ તેમને બીજી રીતે જોઈ શકતા નહોતા. બહારના દેખાવથી તેઓ તેમને જોતા હતા, તેમણે મહાત્મા તરીકે જે દેખાવ સર્જ્યો હતો તે જ જોતા હતા.

પણ મેં તેમને મનુષ્ય તરીકે જોયા હતા, તેથી બીજા કરતાં હું તેમને સારી રીતે સમજી શક્યો હતો એમ તમે કહી શકો.

પ્રશ્ન: તમે જે જાણી શક્યા તેના સાર કઈ રીતે રજૂ કરશો?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: હું પહેલાં જ કહીશ કે મને એ વાતની બહુ નવાઈ લાગે છે કે બહારની દુનિયાને, ખાસ કરીને પશ્ચિમની દુનિયાને મિસ્ટર ગાંધીમાં આટલો બધો રસ કેમ પડે છે.

ભારતની રીતે જોઉં તો મને તે સમજાતું નથી.

મારી દૃષ્ટિએ ભારતના ઇતિહાસમાં તેઓ એક પ્રકરણ સમાન હતા. તે કંઈ યુગ સર્જક નહોતા.

આ દેશના લોકો તેમને ભૂલી પણ ચૂક્યા હતા, પણ તેમની યાદને જીવંત રખાઈ છે, કેમ કે કોંગ્રેસ પક્ષ તેમના નામે રજા જાહેર કરતો રહ્યો છે.

તેમના જન્મદિન નિમિત્તે કે તેમના જીવનના બીજા કોઈ પ્રસંગને યાદ કરીને તેની ઉજવણી થતી રહી છે.

અઠવાડિયામાં સાત દિવસ ઉજવણી કરીને યાદ અપાવતા રહો તો સ્વાભાવિક છે તેમની યાદ તાજી થાય.

પણ જો આવી કૃત્રિમ રીતે તેમને યાદ ના કરાતા હોત, તો મને લાગે છે કે ગાંધી ક્યારનાય ભુલાઈ ગયા હોત.

પ્રશ્ન: તમને એવું નથી લાગતું કે તેઓ મૂળભૂત પરિવર્તન લાવી શક્યા?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: બિલકુલ નહીં, બિલકુલ નહીં. હકીકતમાં તેમના હંમેશા બેવડાં ધોરણો રહ્યાં હતાં. તેઓ બે પ્રકાશનો બહાર કાઢતા હતા.

એક અંગ્રેજીમાં 'હરિજન' હતું અને તે પહેલાં 'યંગ ઇન્ડિયા' હતું અને બીજું ગુજરાતીમાં કાઢતા હતા 'દિનબંધુ', એવી રીતે તમે સમજ્યા.

તમે આ બંને પ્રકાશનો વાંચો તો તમને ખબર પડી જાય કે મિસ્ટર ગાંધી કેવી રીતે લોકોને છેતરતા હતા. અંગ્રેજી પ્રકાશનમાં તેઓ પોતાને જ્ઞાતિ વ્યવસ્થાના, અને અસ્પૃશ્યતાના વિરોધી ગણાવતા હતા અને પોતાને ડૅમૉક્રેટ ગણાવતા હતા.

પણ તમે ગુજરાતી સામયિક વાંચો તો તેમાં તમને ખબર પડે કે કેવા રૂઢિચુસ્ત માણસ હતા. તેઓ જ્ઞાતિ વ્યવસ્થાને, વર્ણાશ્રણ ધર્મેને અને ભારતને યુગોથી પછાત રાખનારી બધી જૂનવાણી રૂઢિઓને તેમાં ટેકો આપતા હતા.

ખરેખર તો કોઈકે મિસ્ટર ગાંધીએ 'હરિજન'માં જે કંઈ લખ્યું અને પોતાના ગુજરાતી પ્રકાશનમાં જે કંઈ લખ્યું, તેની સરખામણી કરીને તેમની જીવનકથા લખવી જોઈએ. આ પ્રકાશનોના સાત વૉલ્યૂમ છે.

પશ્ચિમની દુનિયા માત્ર અંગ્રેજી પ્રકાશન વાંચે છે. તેમાં મિસ્ટર ગાંધીએ લોકશાહીમાં માનનારા પશ્ચિમના લોકો સામે સારા દેખાવા માટે લોકતાંત્રિક વિચારોની વાતો લખી છે.

પણ તમારે જોઉં જોઈએ કે તેમણે સ્થાનિક ભાષાના પ્રકાશનમાં લોકોને શું કહ્યું હતું.

તે કોઈએ જોયું જ નથી. તેમની જીવનકથાઓ લખાઈ તે 'હરિજન' અને 'યંગ ઇન્ડિયા'ના લખાણોના આધારે લખાઈ છે, મિસ્ટર ગાંધીના ગુજરાતી લખાણોના આધારે નહીં.

પ્રશ્ન : તો પછી અનુસૂચિત જાતિના ઉદ્ધારક તરીકે અને પરિવર્તન લાવનાર તરીકે તેમના ખરા ઇરાદા શું હતા?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: વૅલ, તેમની ઇચ્છા હતી કે... તમે જુઓ કે અનુસૂચિત જાતિની બાબતમાં બે બાબતો છે, એક તો અમે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માગીએ છીએ અને તમે જુઓ કે બીજી વાત એ છે કે અમને સમાન તકો મળવી જોઈએ, જેથી બીજા લોકોની સમાન અમે આવી શકીએ. માત્ર અસ્પૃશ્યતા નાબૂદી એક કંઈ ઉપાય નથી.

છેલ્લાં 2000 વર્ષથી અમે અસ્પૃશ્યતા સહન કરતા આવ્યા છીએ. કોઈને તેની પરવા નથી, તમે જુઓ, કોઈને નથી..

બીજી એવી મુશ્કેલીઓ છે જે બહુ નડતરરૂપ છે, દાખલા તરીકે લોકો પાણી ના ભરી શકે, લોકો ખેતી ના કરી શકે કે કોઈ રોજગારી ના મેળવી શકે.

બીજી તેનાથીય અગત્યની બાબત એ છે કે તેમને દેશમાં સમાન દરજ્જો મળવો જોઈએ.

તેઓ ઉચ્ચ હોદ્દા પર આવી શકવા જોઈએ કે જેથી માત્ર તેમનું પોતાનું સન્માન વધે એટલું જ નહીં, પણ હું જે કહું છું તે પ્રમાણે એક સ્ટ્રૅટેજિક પૉઝિશન પર આવે જેથી તેઓ પોતાના સમાજના લોકોનું રક્ષણ કરી શકે.

મિસ્ટર ગાંધી તેનો વિરોધ કરતા હતા, બિલકુલ વિરોધ કરતા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રશ્ન : તેમને માત્ર મંદિરમાં પ્રવેશ વગેરેમાં જ રસ હતો?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: બસ તેમને મંદિરમાં પ્રવેશ મળે તેમાં જ રસ હતો. હવે કોઈને હિંદુ મંદિરોની પડી નથી. હવે અછૂતો એ બાબતમાં એટલા જાગૃત થયા છે કે મંદિરમાં પ્રવેશનો કોઈ અર્થ નથી.

તમે મંદિરે જાવ કે ના જાવ, તમારે પહેલાંની જેમ જ રહેવાનું અછૂતોના આવાસોમાં જ છે. દાખલા તરીકે લોકો અછૂતોને રેલવેમાં પ્રવાસ નહોતા કરવા દેતા, કેમ કે અભડાય જવાય.

પણ હવે તેમને વાંધો નથી, કેમ રેલવેમાં કંઇ હવે બધા માટે અલગ અલગ વ્યવસ્થા તો કરાઈ નથી.

પણ તેઓ ટ્રેનમાં ભેગા પ્રવાસ કરે છે, તેનો અર્થ એ નથી કે ગામડામાં તેમનું જીવન હિંદુઓની સરખામણીએ બદલાયું હોય. ટ્રેનમાં ગમે તે થતું હોય, ગામડે તો પાછી જૂની ભૂમિકા આવી જ જાય છે.

પ્રશ્ન: તો તમે કહેશો કે ગાંધી રૂઢિચૂસ્ત હિન્દુ હતા?

આંબેડકર: બિલકુલ, તેઓ પાકા રૂઢિચૂસ્ત હિંદુ હતા. તેઓ કોઈ સુધારક નહોતા. આ બધી અસ્પૃશ્યતાની નાબૂદીની વાતો અછૂતોને કોંગ્રેસમાં આકર્ષવા માટે હતી.

એક તો એ હતું અને બીજું તેઓ ઇચ્છતા હતા કે તેમની સ્વરાજની ચળવળનો અછૂતો વિરોધ ના કરે.

આ જ તેમનો ઇરાદો હતો, ખરેખર કોઈનો ઉદ્ધાર કરવાનો ઇરાદો હોય એમ મને લાગતું નથી.

પ્રશ્ન: તમને લાગે છે ખરું કે ગાંધી વિના રાજકીય સ્વાતંત્ર્ય આવ્યું હોત?

આંબેડકર: હાસ્તો. મને ખાતરી છે કે આવ્યું જ હોત. કદાચ ધીમે ધીમે આવ્યું હોત. મને વ્યક્તિગત રીતે લાગે છે કે સ્વરાજ ભારતમાં ધીમે ધીમે આવ્યું હોત તો પ્રજાને વધારે ફાયદો થયો હોત.

કેમ કે તો જ અડચણો ભોગવી રહેલા સમાજોને, બ્રિટિશ પાસેથી સત્તા લેતી વખતે દરેક તબક્કે પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી હોત.

આજે એવું થયું કે અચાનક પૂરની જેમ તે આવી ગયું. લોકો આ માટે તૈયાર નહોતા. મને કાયમ લાગ્યું છે કે ઇંગ્લૅન્ડની લૅબર પાર્ટી મહામૂર્ખ પાર્ટી હતી.

પ્રશ્ન: સ્વાતંત્ર્ય માટે મિસ્ટર ગાંધી ઉતાવળા થયા હતા કે કોંગ્રેસ પાર્ટી?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: મને ખબર નથી પડતી કે મિસ્ટર ઍટલી અચાનક કેમ સ્વતંત્રતા આપવા તૈયાર થઈ ગયા. મને લાગે છે કે તે એક રહસ્ય છે, જે મિસ્ટર ઍટલી કોઈક દિવસ ખોલશે, તેમની આત્મકથામાં કે તેમણે કેવી રીતે આવો નિર્ણય કર્યો.

કોઈને અંદાજ નહોતો કે આ રીતે પરિવર્તન આવી જશે. કોઈને જ અંદાજ નહોતો. મેં આનું વિશ્લેષણ કર્યું તેના પરથી મને લાગે છે કે બે બાબતોને કારણે લૅબર પાર્ટીએ આવો નિર્ણય લીધો હતો.

એક તો સુભાષ ચંદ્ર બોઝની નેશનલ આર્મીને કારણે.

અંગ્રેજો એવું માનતા હતા કે દેશમાં કઈ પણ થાય કે રાજકારણીઓ ગમે તે પણ સામાન્ય લોકો તેમને વફાદાર છે અને આ વફાદારીમાં બદલાવ નહીં આવે.

આ જ આધારે તેઓ તંત્ર પણ ચલાવતા હતા.

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

જોકે, હવે આ બધું જ ભાંગી પડ્યું અને સૈનિકો પણ સૈન્ય છોડી જવા લાગ્યા. એટલે તેમને લાગ્યું કે એનાથી તેઓ અંગ્રેજોના ભુક્કા બોલાવી દેશે.

તે પછી મને લાગે છે કે બ્રિટિશરો એવા નિર્ણય પર આવ્યા કે ભારત પર રાજ કરવું હોય તો એક જ આધાર બ્રિટિશ આર્મીનો જ રહે.

1857ની વાત કરીએ તો તે વખતે ભારતીય સૈનિકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો કર્યો હતો.

તે વખતે તેમણે જોયું હતું કે ભારત પર કબજો કરી રાખવા માટે પૂરતા પ્રમાણમાં યુરોપિયન સૈનિકો ક્યારેય તેમની પાસે એકઠા થઈ શકવાના નથી.

બીજું, મને લાગે છે કે, મારી પાસે પુરાવા નથી, પણ મને લાગે છે કે બ્રિટિશ સૈનિકો સેનાને વિખેરી નાખવા માગતા હતા, જેથી તેઓ પોતાની સિવિલ નોકરીમાં પાછા જઈ શકે.

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

બ્રિટિશ આર્મી ધીમેધીમે વિખરાઈ, એનો બહુ અસંતોષ હતો. પાછળ રહી ગયેલાઓને લાગતું હતું કે જેમણે સૈન્ય છોડ્યું છે, તેઓ પરત ફરીને પોતાની નોકરી પર કબજો જમાવી લેશે.

તો પછી પોતે છૂટા થશે ત્યારે નોકરી વિના શું કરશે? તેથી તે લોકોને લાગ્યું કે ભારતને કાબુમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં બ્રિટિશ આર્મી ઊભી કરી શકાશે નહીં.

ત્રીજું, મને લાગે છે કે આખરે તેમને ભારતમાંથી જે લાભ લેવાનો હતો તે વેપારનો હતો. તેમને કંઈ સિવિલ સર્વન્ટને પગાર મળે કે આર્મીની આવક થાય તેમાં બહુ લાભ નહોતો.

એ બહુ નાની બાબતો હતી. તેથી તે બંનેનો ભોગ આપીને તેનાથી વધુ ફાયદો જેમાં થવાનો હતો તે 'ટ્રૅડ' અને 'કૉર્મસ' રાખવા સારા.

ભારત સ્વતંત્ર થાય કે બીજું કંઈક બને પણ ટ્રૅડ અને કૉમર્સ તો ચાલતા જ રહેવાના હતા.

મને અંગત રીતે આ લાગે છે, મારી કોઈ ઑથૉરિટી આમાં નથી, પણ મને એમ લાગે છે કે લૅબર પાર્ટીના મગજમાં આવું કંઇક હશે... (અસ્પષ્ટ અવાજ).

પ્રશ્ન: હવે ફરી પુના કરારની વાત કરીએ તો તમને યાદ છે ગાંધીએ તમને શું કહ્યું હતું, તમે શું કહ્યું હતું?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: (મજાકના સ્વરમાં) હા, હા મને બધું બરાબર યાદ છે. મૂળ જે કરાર, મૅકડોનાલ્ડે આપ્યો હતો તે મૂળ કરારમાં બ્રિટિશ સરકારે મારું સૂચન સ્વીકાર્યું હતું.

મેં કહ્યું હતું કે જુઓ હિંદુઓ ઇચ્છે છે કે તમે એક સમાન મતદારસંધ રાખો, જેથી અનુસૂચિત જ્ઞાતિઓ અને હિંદુઓ વચ્ચે ભેદભાવની લાગણી ચાલતી જ રહે.

અમને લાગે છે કે સમાન મતદારસંઘ હશે તો અમે ધોવાઈ જઈશું.

અનુસૂચિત જ્ઞાતિના પ્રતિનિધિ જીતશે તે ખરેખર હિંદુઓના ગુલામ બની જશે, તે કંઈ સ્વતંત્ર નહીં હોય.

મેં મિસ્ટર રામસે મૅકડોનાલ્ડને કહ્યું કે અમને અલગ મતદારસંઘ આપો અને અમને જનરલ ઇલેક્શનમાં પણ અલગ વોટ આપો.

જેથી ગાંધી એવું ના કહી શકે કે આપણે ઇલેક્શનની બાબતમાં જુદા પડીએ છીએ.

મારું સૌ પ્રથમ કહેવું એ હતું કે અમે પાંચ વર્ષ માટે હિંદુઓથી બિલકુલ અલગ રહીએ.

બદલો YouTube કન્ટેન્ટ, 2
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સામાજિક કે અધ્યાત્મિક કે એવા કોઈ સંપર્ક ના હોય. તમે જુઓ કે એક દિવસ સમાન મતદારસંઘમાં મતદાન કરીએ તેનાથી શું ફરક પડે?

સદીઓથી જે અલગાવ સર્જાયો છે તેના પડળ દૂર કરવા માટે એવું માનવું મૂર્ખામીભર્યું છે કે બે જણ એક જ સમાન બૂથમાં મતદાન કરશે ને તેમના મન બદલાઇ જશે.

એવું કંઈ થવાનું નથી. મિસ્ટર ગાંધી તો તેમની ઘૂનમાં જ હોય છે.

વૅલ, તેને જવા દો, તમે જુઓ કે... આવા પ્રકારની સિસ્ટમમાં અછૂતોને મતાધિકાર આપો, તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપો, જેથી મતાધિકારમાં નહીં, પ્રતિનિધિત્વમાં સમાનતા આવે અને તેનું વજન પડે.

જેથી ગાંધી અને બીજા લોકો ફરિયાદ ના કરે. રામસે મૅકડોનાલ્ડે તે વાત સ્વીકારી હતી. એ કરાર હતો તે ખરેખર મારા સૂચન પ્રમાણે નહોતો.

મેં તેમને નૅપલ્સની પત્ર લખ્યો હતો, કે તમે આ પ્રમાણે કરો. તેમણે એ પ્રમાણે જ કર્યું હતું, અમને તેમણે અલગ મતદાર સંઘ આપ્યો હતો અને જનરલ ઇલેક્શનમાં પણ અલગ વોટ આપ્યો હતો.

પણ ગાંધી એવું નહોતા ઇચ્છતા કે અમે અમારા સાચા પ્રતિનિધિઓ મોકલીએ એટલે તેઓ નહોતા ઇચ્છતા કે કરારમાં અલગ મતદારસંઘ હોય અને તેઓ ઉપવાસ... તમે જુઓ કે... ઉપવાસ પર તેઓ ઊતરી ગયા.

હવે એ બધું મારી પાસે આવ્યું ને એમ કે... બ્રિટિશ સરકારે કહ્યું મને કે જો તેઓ કરાર માટે તૈયાર ના હોય તો કંઈ નહીં, અમને કંઈ વાંધો નથી.

પણ અમે અમારી રીતે કરારને પડતો મૂકી શકીએ, અમે કરાર આપ્યો છે અને અમને લાગે છે કે અમે બધી બાબતોનો વિચાર કર્યો છે અને અમને આ શ્રેષ્ઠ લાગે છે.

તમારે રામસે મૅકડોનાલ્ડનો પત્ર વાંચવો જોઈએ, તેમાં સ્પષ્ટ કહ્યું છે કે વિભાજન થાય એવું કશું અમે કર્યું નથી, ઉલટાનું અમે તો બે સમાજ એકસમાન મતદારસંઘ આપીને ભાગલા દૂર થાય તે માટે કોશિશ કરી છે.

પણ ગાંધીનો વિરોધ એ હતો કે અમારા પોતાના સ્વતંત્ર પ્રતિનિધિઓ ના હોવા જોઈએ. તેથી તેમણે પ્રથમથી જ વિરોધ કર્યો કે અમને પ્રતિનિધિત્વ આપવું જોઈએ નહી.

તે રીતે અમે ગોળમેજી પરિષદમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પોતે ત્રણ જ કોમને સ્વીકારે છે હિન્દુ, મુસ્લિમ અને શીખ.

આ ત્રણ કોમને બંધારણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળશે. પણ ખ્રિસ્તી, ઍંગ્લો ઇન્ડિયન્સ, અનુસૂચિત જ્ઞાતિને બંધારણમાં સ્થાન નહીં મળે, તે લોકોએ સાર્વત્રિક સમાજમાં ભળી જવાનું રહેશે એવું વલણ તેમણે લીધું હતું.

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

પણ હું જાણું છું કે તેમના બધા મિત્રો કહેતા હતા કે તેમનું વલણ મૂર્ખામીભર્યું હતું અને આ મુદ્દે તેમની સાથે ઝઘડ્યા હતા.

જો તમે શીખો ને અને મુસલમાનોને વિશેષ પ્રતિનિધિત્વ આપવા માગતા હો કે જેઓ પોતે હજારોગણી રીતે રાજકીય અને આર્થિક રીતે સક્ષમ છે, તો પછી તમે કેવી રીતે અનુસૂચિત જ્ઞાતિને અને ખ્રિસ્તીઓને ના પાડી શકો?

તેઓ એટલું જ કહેતા હતા કે તમે અમારી સમસ્યા સમજતા નથી. બસ એટલું જ કહેતા હતા.

તેમના સારા મિત્ર હતા એવા ઍલેક્ઝાન્ડ્રીયાએ મને કહ્યું હતું કે તેઓ પણ આ મુદ્દે તેમની સાથે ઝઘડ્યા હતા.

પેલા તેમના ફ્રેન્ચ અનુયાયી હતા, હું નામ ભૂલી ગયો, તેમણે પણ કહ્યું હતું કે અમને તેમનું આવું વલણ સમજાતું નથી.

કાં તો તમે એમ કહો કે અમે કોઈને કશું નહીં આપીએ, બધા માટે સમાન મતદારસંઘ રહેવા દો, તો આપણે વાતને ડૅમોક્રેટિક છે એમ સમજીએ.

પરંતુ તમે કહો કે મુસલમાનને આપીશું અને શીખોને આપીશું, પણ અનુસૂચિત જ્ઞાતિને નહિ આપીએ તો તે ઍબ્સર્ડ લાગે છે.

તેમની પાસે આનો કોઈ જવાબ નહોતો. રામસે મૅકડોલાન્ડે કહ્યું હતું કે ગાંધીએ તેમને કહ્યું હતું કે અનૂસૂચિત જ્ઞાતિને કોઈ પ્રતિનિધિત્વ નહીં મળે.

તે પછી તેમના જ મિત્રોએ તેમને કહ્યું કે આ વધારે પડતું છે અને તમને કોઈ આમાં સમર્થન નહીં આપે.

તે પછી માલવિયા અને બીજા મારી પાસે આવ્યા અને કહ્યું કે તમે આ સમસ્યા ઉકેલવા મદદ ના કરી શકો.

મેં કહ્યું કે હું આ સમસ્યા ઉકેલવા માટે બ્રિટિશ વડા પ્રધાન પાસેથી અમે જે મેળવી શક્યા છીએ તે જતું કરવા માગતો નથી.

પ્રશ્ન : તો તમે આગળ વધ્યા?

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આંબેડકર: (હળવા અંદાજમાં) મેં કહ્યુંને કે મેં વૈકલ્પિક ફૉર્મ્યુલા આપી હતી. એ એવી હતી કે મેં કહ્યું કે હું અલગ મતદાર સંઘ જતો કરવા તૈયાર નથી. પણ તે સિવાય બીજા ફેરફારો કરવા માટે હું તૈયાર છું.

ફાઇનલ ઇલેક્શનમાં જે ઊભા રહે તેમાં સૌ પ્રથમ અનુસૂચિત જ્ઞાતિના ઉમેદવારને અનુસૂચિત જ્ઞાતિના જ મતદારો સૌ પ્રથમ ચૂંટી કાઢે.

પ્રાઇમરી ઇલેક્શન માટે આ રીતે ચાર જણને ચૂંટવા જોઈએ. તે પછી ચાર જણ ફાઇનલ ઇલેક્શનમાં ઊભા રહે અને તેમાંથી શ્રેષ્ઠ હોય તે ચૂંટાઈ આવે.

અમને ખાતરી આપવામાં આવે કે તમે તમારા કોઈ નોમિનીને મૂકશો નહીં. આ રીતે અમારો અવાજ સંસદમાં ઉઠાવી શકે તેવા પ્રતિનિધિ અમને મળે.

આ વાત મિસ્ટર ગાંધીએ સ્વીકારી રહી. તે લોકો એ રીતે વાત સ્વીકારવી પડી.

અમને તેનો ફાયદો 1937ની એક જ ચૂંટણીમાં થયો હતો. તે ચૂંટણીમાં ફેડરેશને સપાટો બોલાવી દીધો હતો. ગાંધી તેમના પક્ષના એક પણ પ્રતિનિધિને જીતાડી શક્યા નહોતા.

પ્રશ્ન: પણ છેલ્લે તેમણે કરાર માટે બહુ 'હાર્ડ બાર્ગેઇન' કર્યું?

આંબેડકર: હા, તેમણે બાર્ગેઇન કર્યું. મેં કહ્યું કંઈ નહીં ચાલે. મેં તેમને કહ્યું કે તમે આકરી શરતો ના રાખો તો હું તમારો જીવ બચાવવા તૈયાર છું.

હું કંઈ મારા લોકોના જીવના ભોગે તમારો જીવ નથી બચાવવાનો. તમને સંતોષ થાય તે ખાતર હું મારા લોકોના હિતનો ભોગ નહીં આપું.

તેમને તો ફક્ત તેમની જ ધૂન હતી. ફક્ત એક દિવસ સમાન રીતે મતાધિકારથી ચૂંટણી થાય તેમાં કઈ રીતે સ્થિતિમાં પરિવર્તન આવે...

પ્રશ્ન: તો તેમણે શું કહ્યું?

આંબેડકરઃ ઓહ, એમણે કંઈ જ ના કહ્યું. તેમને બહુ ડર લાગ્યો હતો કે અનુસૂચિત જ્ઞાતિ એક સ્વતંત્ર સંસ્થામાં જતા રહેશે...

શિખો અને મુસ્લિમોની સ્વતંત્ર સંસ્થાઓ હતી તે રીતે સંસ્થામાં જતા રહેશે અને હિંદુઓ આ ત્રણેય જૂથોની સંયુક્ત તાકાત સામે લડવા માટે એકલા જ રહી જશે.

તેમના મનમાં એ જ ચાલતું હતું અને તેઓ ઇચ્છતા નહોતા કે હિંદુઓ કોઈ સહયોગી વિનાના એકલા રહી જાય.

પ્રશ્ન: બહુ 'રૅર' કહેવાય ... તેઓ એક રાજકારણીની જેમ જ વર્ત્યા?

આંબેડકર: રાજકારણીની જેમ જ. તેઓ ક્યારેય મહાત્મા નહોતા. હું તેમને મહાત્મા કહેવાનો ઇનકાર કરું છું.

મેં મારી જિંદગીમાં ક્યારેય તેમને મહાત્મા નથી કહ્યા. તેઓ એવા બિરૂદ માટે લાયક નથી, નૈતિક રીતે પણ નહી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો