ઍક્સિટ પોલ : કૉંગ્રસના હાથમાંથી પણ એક રાજ્ય જવાની શક્યતા

મહિલા Image copyright Getty Images

તાજેતરમાં જ ભારતનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટેનું પરિણામ 11મી ડિસેમ્બર એટલે કે મંગળવારે આવશે.

આ પાંચ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ અને મિઝોરમનો સમાવેશ થાય છે.

જેમાં રાજસ્થાન અને તેલંગણામાં આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ મતદાન થયું છે અને હવે આ તમામ રાજ્યના એક્સિટ પોલ સામે આવ્યા છે.


મધ્ય પ્રદેશની સ્થિતિ શું છે?

મધ્ય પ્રદેશમાં ભાજપ 2003થી સત્તામાં છે અને શિવરાજ સિંહ ચૌહાણ સતત ચાર વખત મુખ્ય મંત્રી બન્યા છે.

મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભાની બેઠકો છે અને તેમાં બહુમતી માટે 116 બેઠકોની જરૂર હોય છે.

2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 165 અને બીજા નંબરે કૉંગ્રેસને 58 બેઠકો મળી હતી. ત્રીજા નંબરે રહેલી બીએસપીને ચાર બેઠકો મળી હતી.

આ વખતે મધ્ય પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોની મુશ્કેલીઓ, બેરોજગારી, કાળુંનાણું, વ્યાપમ કૌભાંડ અને રફાલ ડીલ જેવા મુદ્દાઓ ચર્ચાયા છે.

અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


રાજસ્થાનના આંકડાઓ શું કહે છે?

રાજ્યમાં કુલ 200 વિધાનસભાની બેઠકો છે, જેમાં 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણી પંચે અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બીએસપી ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનના કારણે ચૂંટણી સ્થગિત કરી દીધી હતી.

2013માં થયેલી ચૂંટણીઓમાં લગભગ 75 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. રાજ્યમાં કુલ 47,223 મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં હતાં.

કુલ 200 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી.


છત્તીસગઢમાંની સ્થિતિ શું કહે છે?

છત્તીસગઢમાં પણ ભાજપ વર્ષોથી સત્તામાં છે અને અહીં ભાજપના રમણ સિંહ 2003થી મુખ્ય મંત્રીના પદ પર બિરાજમાન છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને અને કોઈ પણ પક્ષને સત્તામાં આવવા માટે 46 બેઠકોની જરૂર હોય છે.

2013માં અહીં ભાજપે 49 બેઠકો જીતી હતી જ્યારે કૉંગ્રેસે 39 જેટલી બેઠકો જીતી હતી. બીએસપીને એક બેઠક મળી હતી.

અહીં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે પરંતુ પૂર્વ મુખ્ય મંત્રી અજીત જોગીએ નવો રચેલો પક્ષ સરપ્રાઇઝ આપી શકે છે.


તેલંગણા પર શું કહે છે આંકડાઓ

આંધ્ર પ્રદેશમાંથી 2014માં અલગ થઈને તેલંગણાની સ્થાપના કરવામાં આવી હતી.

આ બીજી વખત છે કે નવું રાજ્ય બન્યા બાદ વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે.

અહીં મે 2019માં ચૂંટણી થવાની હતી પરંતુ તે પહેલાં જ વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી.

તેલંગણામાં હાલ તેલંગણા રાષ્ટ્ર સમિતિ સત્તા પર છે અને અહીં વિધાનસભાની કુલ 119 બેઠકો છે જેમાં બહુમતી માટે 60 બેઠકોની જરૂર છે.

2014ની ચૂંટણીઓમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિએ કુલ 63 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસે 21 અને ભાજપે 5 બેઠકો પર જીત મેળવી હતી.


મિઝોરમના આંકડા શું કહે છે?

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મિઝોરમ એ કૉંગ્રેસનો એક માત્ર ગઢ બચ્યો છે. અહીં હાલ કૉંગ્રેસનું શાસન છે.

અહીં વિધાનસભાની કુલ 40 બેઠકો છે જેથી બહુમતી માટે 21 બેઠકોની જરૂરિયાત રહે છે.

1987થી અહીં માત્ર બે જ પક્ષો રાજ કરતા આવે છે અને તે છે કૉંગ્રેસ અને મિઝોરમ નેશનલ પાર્ટી.

2013ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કરતાં 34 બેઠકો જીતી હતી, જ્યારે મિઝોરમ નેશનલ પાર્ટીને પાંચ બેઠકો મળી હતી.

આ વખતે ભાજપ પરિણામમાં શું નવું કરે તેના પર નજર છે, જોકે, 2013માં તો ભાજપ અહીં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ