નરેન્દ્ર મોદીની સરકાર રામમંદિર માટે વટહુકમ લાવશે?

કાર્યકર્તા Image copyright SAMIRATMAJ MISHRA/BBC

દેશમાં ચૂંટણીનો માહોલ છે અને રામમંદિર નિર્માણનો મુદ્દે ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાય મહિનાઓની કોશિશો છતાં પણ અયોધ્યા ધર્મસભામાં અપેક્ષા હતી એટલી ભીડ જમા ન થઈ પરંતુ 11 ડિસેમ્બર પછી કંઈક થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ શક્યતા હિંદુ સંગઠન અને સંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રામમંદિર નિર્માણ માટે કાયદો લાવવાની માગણી વિશે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે.

હિંદુ સંગઠનો અને સંતો વચન આપી રહ્યા છે કે 11 ડિસેમ્બર પછી કંઈક થઈ શકે છે.

હિંદુ ધર્મગુરુ સ્વામી રામ ભદ્રાચાર્યએ બીબીસીને 25 નવેમ્બરે આપેલા નિવેદનનું પુનરાવર્તન કરતા કહ્યું, "હું સરકાર તરફથી મળેલા આશ્વાસનના આધારે કહું છું કે વડા પ્રધાન ભવ્ય મંદિરના નિર્માણ માટેનો માર્ગ કાઢી આપશે. વટહુકમ આવી શકે છે અથવા કંઈક થઈ શકે છે."

આ આશ્વાસન તેમણે મોદી સરકારના મંત્રી મંડળમાં અન્ય સૌથી મહત્ત્વપૂર્ણ મંત્રી તરફથી મળ્યું હોવાનો દાવો કર્યો હતો.

Image copyright SAMIRATMAJ MISHRA

પરંતુ મંદિર પર કાયદો અથવા વટહુકમ લાવવાની સંભાવના માત્ર કેટલાક દાવાઓ અને 'સંતોનો ધર્માદેશ, કાયદો બનાવો અથવા વટહુકમ લાવો', અને 'બંધારણથી બને, વિધાનથી બને' પ્રકારનાં સૂત્રોના આધારે વ્યક્ત કરવામાં નથી આવી રહી.

તેની પાછળ અન્ય પણ કેટલાક પરિબળો જવાબદાર રહેલા છે.

અયોધ્યા ધર્મ સંસદથી હજારો કિલોમીટર દૂર રાજસ્થાનના અલવરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ રામ મંદિર સંબંધિત નિવેદન આપ્યા હતા.

લોકસભામાં કર્ણાટકના ધારવાડ બેઠકથી પાર્ટીના સંસદસભ્ય પ્રહલાદ વેંકટેશ જોશી અને રાજ્યસભામાં મનોનીત સભ્ય રાકેશ સિન્હા તરફથી તૈયાર કરવામાં આવેલા પ્રાઇવેટ મેમ્બર બિલને પણ તેનો જ ભાગ માનવામાં આવે છે.

આરએસએસ સાથે સંબંધ ધરાવનારા રાકેશ સિન્હા હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

તમે આ વાંચ્યું કે નહીં?


'...વ્યક્તિગત પહેલ'

Image copyright BBC/JITENDRA TRIPATHI

રાકેશ સિન્હાનું કહેવું છે કે અન્ય રાજકીય પાર્ટીઓ તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ ન મળવાને કારણે તેમણે સંસદમાં પ્રાઇવેટ બિલ રજૂ કર્યું નથી.

પરંતુ પ્રહલાદ વેંકટેશ જોશીનો ડ્રાફ્ટ લોકસભા અધ્યક્ષના કાર્યાલયને મોકલી આપવામાં આવ્યો છે.

પ્રહલાદ વેંકટેશ જોશીએ બીબીસીને જણાવ્યું કે હવે લોકસભા અધ્યક્ષ તરફથી જવાબ મળવાની રાહ જોવામાં આવી રહી છે, જેનાથી નક્કી થશે કે બિલ પર શિયાળું સત્રમાં ચર્ચા થશે કે નહીં થશે.

તેમણે કહ્યું કે સંસદીય ક્ષેત્રમાં રામ મંદિર નિર્માણ મામલે વારંવાર માગણી ઊઠતી રહી છે, જેથી તેમને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવાનો વિચાર આવ્યો. આ તેમની વ્યક્તિગત પહેલ છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

Image copyright UDDHAV THACKERAY/FACEBOOK

વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈનનું પણ કહેવું છે કે પ્રહલાદ વેંકટેશ જોશીનું બિલ તેમની વ્યક્તિગત પહેલ છે અને અન્ય રાજકીય પક્ષોના સંસદસભ્ય પણ અલગ-અલગ મુદ્દે પ્રાઇવેટ બિલ ભૂતકાળમાં લાવી ચૂક્યા છે.

હિંદુ સંગઠનો તરફથી રામ મંદિર નિર્માણ પર વટહુકમ અથવા કાયદો લાવવાની માગણી અંગે શાહનવાઝ હુસૈન કહે છે, "આ તેમનો અધિકાર છે."

ઑક્ટોબર મહિનાથી આ મુદ્દે કેટલીક સંતસભાઓ અને ધર્મસભાઓ કરી ચૂકલું વિશ્વ હિંદુ પરિષદ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરીથી એક ધર્મસભા આયોજિત કરવા જઈ રહ્યું છે.

Image copyright SHRI NRITYA GOPAL DAS JI/ FACEBOOK
ફોટો લાઈન રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ

વિહિપ અનુસાર દિલ્હીનો કાર્યક્રમ 'મંદિર નિર્માણ માટે કાનૂન બનાવો' આંદોલનનું ત્રીજું ચરણ છે.

પ્રથમ ચરણમાં વિહિપ સંતો મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ચૂકી છે. અને રાજ્યપાલો તથા તમામ રાજકીય પક્ષોના સંસદસભ્યોને મળવાનું કામ પણ પૂર્ણ કરી ચૂકી છે.

સંગઠનના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈનનો દાવે છે કે બન્ને સત્તા અને વિરોધી દળોના સંસદસભ્યો રામ મંદિર નિર્માણ પર કાયદો લાવવા માટે સમર્થન મામલે વિશ્વાસ આપ્યો છે.

સુરેન્દ્ર જૈન કહે છે,"દાયકાઓથી અલગ અલગ કોર્ટમાં પડતર રહેલો રામ મંદિરનો કેસ કોર્ટમાં નક્કી નથી થઈ શકતો અને આથી તેના નિર્માણ માટે વહેલી તકે કાયદો લાવવો જોઈએ."


'સરકારના ઇશારે'

Image copyright PRAVEEN JAIN

'અયોધ્યા ધ ડાર્ક નાઇટ' પુસ્તકના સહ-લેખક ધીરેન્દ્ર ઝા કહે છે, "રામભદ્રાચાર્યનું નિવેદન, આરએસએસ પ્રમુખ, નરેન્દ્ર મોદીનું નિવેદન અને સાથે સાથે વિહિપના એક પછી એક થતાં કાર્યક્રમ પાછળ કંઈક તો કારણ છે. તે માત્ર કરવા ખાતર નથી કરાઈ રહ્યા."

નવેમ્બરના આખરી રવિવારે જ્યારે અયોધ્યામાં સંતોની સભા ચાલી રહી હતી, ત્યારે વડા પ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના વિલંબ માટે કૉંગ્રેસને જવાબદારી ઠેરવી હતી.

Image copyright GETTY IMAGES

બીજી તરફ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એ જ દિવસે વિહિપની હુંકાર રેલીમાં નિવેદન આપ્યું હતું કે મંદિર મામલે સુનાવણીમાં થયેલો વિલંબ સુપ્રીમ કોર્ટનું સમાજની ભાવનાઓનો સમજી નહીં શકવાની બાબત દર્શાવે છે આથી હવે રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ.

આરએસએસન મામલેના નિષ્ણાત નાગપુર સ્થિત લેખક દિલીપ દેવધર કહે છે,"હાલ મોદી-ભૈયાજી અને ભાગવતની યુનિટી(એકતા)નો ઇન્ડૅક્સ 100 ટકા છે. જ્યારે બધા જ એક સૂરમાં બોલી રહ્યા છે, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. "

Image copyright Getty Images

બીજી તરફ રાજકીય વિશ્લેષક અજયસિંહ કહે છે,"જ્યારે રામમંદિરનો મામલો કોર્ટમાં પડતર છે, ત્યારે સરકાર આ મામલે વટહુકમ લાવવાની ચૂક નહીં કરે. વળી ધર્મ સભાઓ અને આરએસએસનાં નિવેદનોને હિંદુ સંગઠનોની હાજરી વર્તાવવા માટેની કોશિશથી વધુ ના ગણવા જોઈએ."

બંધારણ નિષ્ણાતો કહેતા આવ્યા છે કે સરકાર પાસે આ મુદ્દે વટહુકમ લાવવાનો અધિકાર તો છે પરંતુ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ શકાય. કોર્ટ તેને રદ પણ કરી શકે.

રામમંદિર પર કોઈ કાનૂન પાસ કરવાનું સરકાર માટે કદાચ એટલા માટે મુશ્કેલ હોઈ શકે કેમ કે તેની પાસે રાજ્યસભામાં બહુમત નથી.


'શુદ્ધ રાજકીય કોશિશ'

ફોટો લાઈન અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવામાં આવી છે

પરંતુ આરએસએસના નિકટતમ સૂત્રો મંદિર નિર્માણ માટે કાયદો ઘડવાની માગને 'શુદ્ધ રાજકીય કોશિશ' ગણાવે છે, જે સરકારના ઇશારે કામ કરે છે.'

આ મામલે બિલ પાસ ન થાય તો સરકાર એવું કહી શકે કે તેમણે કોશિશ કરી પરંતુ અન્ય રાજકીય પક્ષોએ તેમને સાથ ન આપ્યો.

રામમંદિર નિર્માણ માટે બિલ લાવવાનો એક અર્થ એ પણ છે કે આગામી દિવસોમાં થનારા રાજકીય ગઠબંધનને તે આકાર આપી શકે છે.

આ સમગ્ર મામલે સૌથી વધુ મુશ્કેલી સોફ્ટ હિંદુત્વ કાર્ડ રમી રહેલી કૉંગ્રેસને થઈ શકે છે કે તે આ બિલ મામલે શું વલણ અપનાવશે?

જો તે બિલનો વિરોધ કરશે તો કૉંગ્રેસ હિંદુ વિરોધી હોવાના પોતાના દાવા પર ભાજપ વધુ શોરબકોર કરશે.

વળી જો કૉંગ્રેસ સમર્થન કરશે તો એ રાજકીય પક્ષો તેનાથી અંતર જાળવી લેશે, જેની પાસે મુસ્લિમ સમર્થકોની સંખ્યા વધારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ