BBC TOP NEWS: રઘુરામ રાજનના વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના વિદ્યાર્થી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરાઈ છે.

નોટબંધીના સમર્થક કૃષ્ણમૂર્તિની આર્થિક સલાહકાર તરીકે ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઈ હોવાનું અહેવાલ જણાવે છે.

કૃષ્ણમૂર્તિ હાલમાં 'ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ'(આઈએસબી)માં ભણાવી રહ્યા છે અને તેમણે શિકાગો સ્કૂલ ઑફ બિઝનેસ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી છે.

ઍપૉઇન્ટમૅન્ટ કમિટિ ઑફ ધ કૅબિનેટ દ્વારા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની નિમણૂકને બહાલી અપાઈ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને હોદ્દો છોડ્યાના છ મહિના બાદ આ નિમણૂક કરવામાં આવી છે.


ઇન્સ્પેક્ટરની હત્યાને યોગીએ 'દુર્ઘટના' ગણાવી

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બુલંદશહરમાં ટોળાએ કરેલી ઇન્સપેક્ટર સુબોધસિંહની હત્યાને 'મૉબ લિન્ચિંગ' નહીં પણ 'દુર્ઘટના' ગણાવી છે.

દિલ્હીમાં 'જાગરણ ફોરમ' ખાતે યોગીએ જણાવ્યું, ''ઉત્તર પ્રદેશમાં મૉબ લિન્ચિંગની કોઈ ઘટના નથી ઘટી.''

''બુંલદશહરની ઘટના એક દુર્ઘટના છે અને આ મામલે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે માત્ર ગૌહત્યા જ નહીં, ગેરકાયદે કરાતી પશુની કતલ પણ સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત હોવાની વાત કરી.

આ દરમિયાન અહેવાલમાં જણાવ્યા અનુસાર બુલંદશહરમાં થયેલી ઇન્સપેક્ટરની હત્યા મામલે વધુ પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.


વાડ્રાના સહયોગીઓ પર ઈડીના દરોડા

Image copyright Getty Images

ઇન્ફર્મેશન ડિરેક્ટરેટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રૉબર્ટ વાડ્રાની કંપનીઓ સાથે જોડાયેલા અમુક લોકોના રહેઠાણો પર દરોડા પાડ્યા છે.

ઈડી દ્વારા રાજસ્થાનના બીકારનેર સ્થિત વાડ્રા વિરુદ્ધ જમીન મામલે તપાસ કરાઈ રહી છે.

બીજી તરફ કૉંગ્રેસે કહ્યું કે ભાજપને પાંચ રાજ્યોમાં હારનું અનુમાન આવી ગયું છે એટલા માટે બદલો લેવા માટે આ કાર્યવાહી કરાઈ રહી છે.

વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને આ દરોડા 'બદલો લેવાની રાજનીતિ અને દુર્ભાવનાપૂર્ણ' ગણાવ્યા છે.

તેમણે કહ્યું, "પાંચ વર્ષથી વર્તમાન કેન્દ્ર સરકાર મારા અસીલ વાડ્રાને ડરાવવા અને તેમની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે.''

''સરકારની મનશા તેમની છબીને બગાડવાં અને તેમના પરિજનો પર નિશાન સાધવાની છે. એટલા માટે તેઓ ઈડી, સીબીઆઈ અને આયકર વિભાગ સહિતની એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે."


નેશનલ હેલ્થ ઑથૉરિટીના ગઠન માટે નીતિ આયોગનો પ્રસ્તાવ

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નીતિ આયોગે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના વહિવટ માટે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મંડળ (નેશનલ હેલ્થ ઑથૉરિટી)ના ગઠનનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પ્રસ્તાવ મુજબ આ મંડળની આગેવાની સ્વાસ્થ્ય મંત્રી સાથે નીતિ આયોગની દેખરેખ હેઠળ રહેશે.

આ પ્રસ્તાવ કેન્દ્રિય કૅબિનેટને મોકલી આપવામાં આવ્યો છે.

જો આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવે તો દરેક વ્યવહારિક મુદ્દાઓ સીધા પ્રધાન મંત્રી કાર્યલાયને રિપોર્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી જનધન યોજના એનડીએ સરકારની મહાત્વાકાંક્ષી યોજના છે, જેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બરે કરી હતી.


મોદીના ભારતમાં ઈવીએમ પાસે રહસ્યમય શક્તિઓ છે: રાહુલ ગાંધી

Image copyright CONGRESS

'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે પોતાના પક્ષના કાર્યકરોને કહ્યું કે તેલંગણા અને રાજસ્થાનમાં મતદાન થઈ ચૂક્યું છે એટલા માટે હવે 'ઈવીએમ સાથે છેડછાડ' સંબંધે સાવધાન રહે.

રાહુલે ટ્વીટ કર્યું, "કોંગ્રેસના કાર્યકર્તાઓ હવેથી સાવધાન રહેજો. મધ્યપ્રદેશમાં મતદાન થયા બાદ અજીબ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.''

''અમુક લોકોએ બસ ચોરી લીધી હતી અને બે દિવસ માટે ગાયબ રહ્યા. તેઓ એક હોટલમાં દારૂ પીતા ઝડપાયા હતા. મોદીના ભારતમાં ઈવીએમ પાસે રહસ્યમયી તાકતો રહેલી છે."

નોંધનીય છે કે ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમનું પરિમાણ 11 ડિસેમ્બર એટલે કે મંગળવારે આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો