હિંદુત્વનો દાવ ઊંધો પડ્યો એટલે ભાજપે પાંચ રાજ્યોમાં પછડાટ ખાધો?

નરેન્દ્ર મોદીનું પોસ્ટર Image copyright Getty Images

પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવી દીધાં છે અને આ રાજ્ય કૉગ્રેસની ઝોલીમાં જઈને પડ્યા છે.

ભાજપની આ હારથી એવી ધારણા વહેતી થઈ છે કે શું ભાજપના હિંદુત્ત્વના ઍજન્ડાનો દાવ ઊંધો પડ્યો

આ સિવાય પાંચમાંથી બે રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓએ કબજો જમાવ્યો છે.

એટલે આગામી લોકસભા ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે છે.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે કુલ 13 રાજ્યોની સત્તા પ્રાપ્ત કરી હતી.

હવે આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ બાદ ભાજપની વિજયગાથા પર બ્રેક લાગી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરિણામ બાદ ભાજપની અંદર અને બહાર એવા સવાલો ઊભા થયા છે કે શું ભાજપનો હિદુત્વનો દાવ ઊંધો પડ્યો છે?

'સૌનો સાથ, સૌનો વિકાસ'ના ઍજન્ડામાંથી કોમી ધ્રુવીકરણ ઉપર ઉતરી આવેલાં ભાજપને આવતા વર્ષની લોકસભા ચૂંટણી દરમિયાન કોઈ નુકસાન થશે?

Image copyright PTI

આ સવાલો ઊભા થયા છે કેમ કે પાંચ રાજ્યોની ચૂંટણીના પ્રચાર દરમિયાન હિંદુત્વને સાથે લઈને ચાલતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભગવાધારી યોગી આદિત્યનાથ સ્ટાર પ્રચારક સાબિત થયા હતા.

તેમને ભારતના રાજકારણમાં કોમી ધ્રુવીકરણ માટે અને તેમની વિભાજનાત્મક છબી માટે ઓળખવામાં આવે છે.

પાંચ રાજ્યોમાં યોગી આદિત્યનાથે 74 રેલી કરી હતી. જેમાંથી 26 રેલી તેમણે રાજસ્થાનમાં કરી હતી.

23 રેલી છત્તીસગઢ, 17 રેલી મધ્યપ્રદેશ અને 8 રેલી તેલંગાણામાં કરી હતી.

આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 31 અને 56 રેલીઓ કરી હતી.

યોગી આદિત્યનાથે કેટલાક મહિના કટ્ટર સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) સાથે વિતાવ્યા હતા.


શું છે ભાજપની હારનું કારણ?

Image copyright TWITTER @RSSORG

વર્ષ 1980થી આ સંગઠનો રામ જન્મભૂમિ અભિયાન ચલાવી રહ્યા છે. તેમનું માનવું છે કે અયોધ્યા સ્થિત આ વિવાદીત જમીન પર ભગવાન રામનો જન્મ થયો હતો અને ત્યાં મંદિર બનવું જોઈએ.

યોગી આદિત્યનાથે માત્ર 24 કલાકમાં રામ મંદિરના મુદ્દાનો ઉકેલ લાવવા શપથ લીધા હતા.

દિવાળીના અવસર પર સરયૂ નદીના કિનારે 3 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

વર્ષ 2019માં યોજાનારા અર્ધ કુંભ મેળા પહેલાં તેમણે ઇલાહાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખ્યું અને તેમના રાજ્યમાં તેમણે ભગવાન રામની મૂર્તિ બનાવવા જાહેરાત પણ કરી હતી.

જો આ બધું કરીને યોગી આદિત્યનાથ એ સાબિત કરવા માગતા હતા કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત વિકલ્પ બની શકે છે અને હિંદુત્વના ઍજન્ડાને વધુ સારી રીતે આગળ લઈ જઈ શકે છે, તો હાલ જાહેર થયેલા ચૂંટણીના પરિણામ તેમના માટે મદદરૂપ સાબિત થઈ શકે તેમ નથી.

વિશ્લેષકો ભાજપની આ હારનું કારણ વિકાસના ઍજન્ડાથી રસ્તો ભટકી જવાને માને છે. હિંદુત્વની પાછળ ભાગવું ભાજપને ભારે પડ્યું છે.

Image copyright FACEBOOK/RSSORG

જોકે, સંઘ પરિવાર સાથે સંકળાયેલા કેટલાક લોકો માને છે કે આ વાત ખોટી છે અને હારનું કારણ અલગ છે.

લોકો માને છે કે સરકારે આર્થિક નીતિઓ મામલે તેમને ભ્રમિત કર્યા છે, એ જ રીતે રામમંદિર બનાવવા મામલે સરકાર પર તેમને હવે ભરોસો રહ્યો નથી.

જો વીએચપી અને આરએસએસે આ મામલે સરકારને ચેતવણી આપવા રસ્તા પર ઊતરવું પડે છે, તો તેનો અર્થ શો છે? તેનાથી મતદારમંડળને શું સંદેશ પહોંચે છે?

તાજેતરમાં જ દિલ્હીસ્થિત રામલીલા મેદાનમાં હજારો લોકો એકત્રિત થયા હતા અને રામમંદિરના બાંધકામને આગળ વધારવા માગ કરી હતી.

લોકોએ રામમંદિરના નિર્માણમાં સરકારને મળેલી નિષ્ફળતાની ટીકા કરી હતી.

જનતાએ એક સૂત્ર પણ બનાવ્યું હતું- 'પહેલે રામ કો આસન દો, ફીર હમકો સુશાસન દો'.

આ સૂત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના ઍજન્ડા પર સીધો હુમલો હતો.

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

કેટલીક અંદરની વ્યક્તિ જણાવે છે કે ભાજપ સરકાર અને આરએસએસ-વીએચપી વચ્ચે તણાવ પારિવારિક ઝઘડા સમાન બની ગયો છે.

આ ઝઘડો વર્ષ 2001ની યાદ અપાવે છે કે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને તેમણે વીએચપી-આરએસએસની મંદિર બનાવવાની માગ મામલે સમજૂતિ કરાઈ હતી.

વર્ષ 2001માં તેમણે સરકારને મંદિરના નિર્માણ માટે સમય મર્યાદા આપી હતી અને સાથે ધમકી આપી હતી કે જો મંદિરનું નિર્માણ ન થયું તો માર્ચ 2002માં તેમનું લશ્કરી માળખું મંદિરનું નિર્માણ શરૂ કરી દેશે.

Image copyright AFP

હાલ, ભાજપની સરકારમાં અર્થતંત્ર ખાડે ગયું છે.

તેવામાં હવે મોદી સરકાર માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. અને તેમના પર વિકાસ અને હિંદુત્ત્વમાંથી કોઈ એકની પસંદગી કરવા દબાણ વધ્યું છે.

આરએસએસના સભ્યો તેમની શિસ્ત માટે ઓળખાય છે. મતદાન કેન્દ્રો પર તેમની જમાવટ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

હિંદી ભાષી પ્રદેશોમાં 2014માં ભાજપને મળેલી જીત પાછળ પણ આરએસએસનો મોટો ફાળો હતો.

એટલે એ વાત તો સ્પષ્ટ છે કે હવે તેમની અવગણના કરી શકાય તેમ નથી.

કેટલાક ઉદારમતવાદી સલાહ આપે છે કે હિંદુત્વનો દાવ ઊંધો પડ્યો છે અને સરકાર સામે અર્થતંત્રને ધ્યાનમાં રાખવા માગ વધી રહી છે.

તેવામાં ભાજપની અંદર કેટલાક એવા લોકો છે કે જે રામમંદિર, યુનિફોર્મ સિવિલ કૉડ અને ગૌરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માગ કરી રહ્યા છે કે જેથી જનતાને એવું ન લાગે કે તેમની સાથે છેતરપીંડી થઈ રહી છે.

દેશનું અર્થતંત્ર જ્યારે વિપરિત દિશામાં ભાગી રહ્યું છે, ત્યારે ભાજપ-આરએસએસ-વીએચપી માને છે કે હિંદુત્વનો ઍજન્ડા જ લોકસભાની ચૂંટણી લડવા માટે યોગ્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ