RBI ગવર્નર નિમણૂક વિવાદ: જયનારાયણ વ્યાસે કહ્યું, 'નરેન્દ્રભાઈને દેશની ચિંતા હોય, તો મને ન હોય?'

જયનારાયણ વ્યાસની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન વ્યાસ સિવિલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ

આર્થિક બાબતોના પૂર્વ સચિવ શશિકાંતા દાસની કેન્દ્ર સરકારે આરબીઆઈના 25મા ગવર્નર તરીકે નીમવામાં આવ્યા છે. ત્યારે ભાજપમાંથી જ નવા ગવર્નરની નિમણૂક અંગે સવાલ ઉઠવા લાગ્યા છે.

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન ડૉ. જયનારાયણ વ્યાસે આશંકા વ્યક્ત કરી છે કે દાસ આરબીઆઈને 'ઇતિહાસ' બનાવી દેશે.

વ્યાસે કહ્યું કે 'વહીવટી પૃષ્ઠભૂમિ અને ક્ષમતા' માટે તેઓ દાસ પ્રત્યે સન્માન ધરાવે છે, પરંતુ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ બાબત તરફ ધ્યાન દોર્યું છે અને વિવાદ ઊભો કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વ્યાસ તેમના પ્રધાન મંડળમાં કૅબિનેટ દરજ્જાના પ્રધાન હતા.

આ પહેલાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ દાસની નિમણૂક અંગે સવાલ ઉઠાવ્યા હતા.

અનેક અર્થશાસ્ત્રીઓએ નોટબંધીના પગલાને નિષ્ફળ ગણાવ્યું હોવા છતાંય દાસ તેને સફળ ગણાવતા રહ્યા છે.

દાસે બુધવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર તરીકે પદભાર સંભાળી લીધો.


શું હતું જયનારાયણ વ્યાસનું ટ્વીટ?

જયનારાયણ વ્યાસે બુધવારે સવારે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે 'આરબીઆઈના નવા ગવર્નર ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે, આશા રાખું અને પ્રાર્થના કરું કે તેઓ આરબીઆઈને ઇતિહાસ ન બનાવી દે તો સારું. ઇશ્વર નવી નિમણૂક પર દયા કરે.'

ત્યારબાદ ગુજરાતની ચેનલ એબીપી અસ્મિતા સાથે વાત કરતા દાસે કહ્યું, "હું જે પક્ષમાં છું, તેની વિચારધારા સ્પષ્ટ છે. ખુદ કરતાં પહેલાં પક્ષ અને પક્ષ કરતાં પણ પહેલાં રાષ્ટ્ર."

"મેં જે વાત કરી છે તે રાષ્ટ્રના હિતમાં છે. આ અંગે વિપક્ષે ગંભીરતાપૂર્વક ચિંતન કરવું જોઈએ અને સરકારે પણ ખુલ્લું મન રાખીને વિપક્ષની વાત સાંભળવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન જયનારાયણ વ્યાસ સિદ્ધપુરની બેઠક પરથી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો.


મોદી સરકારની નીતિઓ

Image copyright Getty Images

જયનારાયણ વ્યાસે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા કહ્યું, "નરેન્દ્રભાઈ અને તેમની ક્ષમતાઓ એકબાજુએ છે, પરંતુ મારો એક વિદ્યાર્થી તરીકેનો અભ્યાસ અને મારું આકલન અને દેશ માટેની ચિંતા (અલગ છે).

જો નરેન્દ્રભાઈને દેશ માટે ચિંતા હોય તો જય નારાયણ વ્યાસને ન હોય શકે? મેં પ્રવક્તા તરીકે નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો જેટલો બચાવ કર્યો છે તેટલો આજ દિવસ સુધી કોઈએ નથી કર્યો."

આપને આ પણ વાંચવું ગમશે

કોણ છે જયનારાયણ વ્યાસ?

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતની મોદી સરકારમાં વ્યાસ પ્રધાન રહ્યા

જય નારાયણ વ્યાસની વેબસાઇટ પર મૂકવામાં આવેલી વિગતો મુજબ, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

વ્યાસે ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

વ્યાસે મૅનેજમૅન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેમાંજ ડૉક્ટરેટની પદવી હાંસલ કરી છે.

વ્યાસ જાહેરજીવન, અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સક્ષેત્રે અઢી દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે.

વર્ષ 2007થી 2012 દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં આરોગ્ય પ્રધાન હતા.

આ સિવાય વ્યાસ સરદાર સરોવર પરિયોજનાના ચેરમેનપદે પણ રહ્યા છે.


સુબ્રમણ્યમ સ્વામી દ્વારા વિરોધ

આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અને વિખ્યાત અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામી પણ દાસની નિમણૂક સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં સ્વામીએ કહ્યું, "શશિકાંતા દાસને રિઝર્વ બૅન્કના ગવર્નરપદે નીમવાનો નિર્ણય ખોટો છે. તેમણે (પૂર્વ નાણાપ્રધાન) પી. ચિદમ્બરમની ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો."

"એટલું જ નહીં કેટલાક કોર્ટ કેસમાં પણ તેમને (ચિદમ્બરમ)ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. શા માટે તેમની નિમણૂક કરવામાં આવી તે નથી સમજાતું."

એ પહેલાં સ્વામીએ લખ્યું હતું, "ઉર્જિત પટેલનું રાજીનામું સરકાર, આરબીઆઈ અને અર્થતંત્ર માટે ખોટું છે."

આરબીઆઈના 24મા ગવર્નર ઉર્જિત પટેલે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તેના નવ માસ અગાઉ જ 'અંગત કારણોસર' રાજીનામું આપી દીધું હતું.

સરકાર દ્વારા બચાવ

Image copyright Getty Images
ફોટો લાઈન શક્તિકાંતા દાસ નોટબંધીના હિમાયતી હતા

વિરોધના સૂરની વચ્ચે નાણાપ્રધાન અરૂણ જેટલીએ દાસની નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "ભારતીય અર્થતંત્ર સમક્ષ જે પડકાર છે, તેને પહોંચી વળવા માટે દાસ સક્ષમ છે અને તેઓ ચોક્કસપણે આ પદને શોભાવશે."

દાસને નાણાપ્રધાન અરૂણ જેટલી તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે.

નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ) અમિતાભ કાંતને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું, "તેઓ સંનિષ્ઠ, દૂરંદેશી ધરાવનારા ઑફિસર છે. તેઓ નાણા અને મહેસૂલ વિભાગમાં હતા."

"દેશનાં બજેટ પણ તૈયાર કર્યા છે. જ્યાં સુધી આરબીઆઈની સ્વતંત્રતા તથા સ્વાયતતાની વાત છે ત્યાં સુધી તેઓ ચોક્કસપણે આરબીઆઈનું સન્માન વધારશે."


દાસ સામે પડકાર

Image copyright Getty Images
ફોટો લાઈન અરૂણ જેટલીએ દાસની નિમણૂકને આવકારી

વ્યાસે ગુજરાતી ચેનલ GSTV સાથે વાતચીતમાં કહ્યું, "દેશ તેના સૌથી મોટા આર્થિક સંકટકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે દેશના અર્થતંત્રને નજીકથી સમજતા અર્થશાસ્ત્રીને રિઝર્વ બૅન્કના ગવર્નર બનાવાયા હોત તો સારું રહેત."

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના કહેવા પ્રમાણે, "રિઝર્વ બૅન્કની સ્વાયતતાના મુદ્દે પદ છોડનારા શક્તિકાંતા દાસ સામે આરબીઆઈની સ્વાયતતા જાળવવાનો પડકાર હશે."

"મોદી સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી વધુ નાણાં મેળવવા ઇચ્છશે અને આ માટે નવા ગવર્નર પર દબાણ લાવવા માટે પ્રયાસ કરશે, જેથી કરીને નાણાખાધને પહોંચી વળાય."

"સરકાર ઇચ્છે છે કે દેશના અર્થતંત્રનો વેગ જળવાઈ રહે તે માટે નબળી બૅન્કો પરના નિયંત્રણ થોડાં હળવા કરવામાં આવે."

"હાલના સમયમાં દસમાંથી ત્રણ લોન એનપીએ થઈ રહી છે, જે એશિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે."

કોણ છે નવા ગવર્નર દાસ?

Image copyright Getty Images

હાલમાં દાસ 15મા નાણા પંચના સભ્ય છે. તેઓ ત્રણ વર્ષ માટે ગવર્નરપદ પર રહેશે.

દાસ 1980ની બેચના આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના ઑફિસર છે, તેઓ મૂળ ઓડિશાના છે.

તામિલનાડુ કેડરના ઓફિસર દાસ 2008માં કેન્દ્ર સરકારમાં આવ્યા, તેમને રાજ્યના મુખ્ય મંત્રી જયલલિતાની નજીક માનવામાં આવતા.

અધિકારી તરીકે 35 વર્ષના કાર્યકાળ દરમિયાન ટૅક્સ, ઇન્ડસ્ટ્રી તથા ફાઇનાન્સ વિભાગમાં અલગ-અલગ પદ પર કાર્યરત રહ્યા.

આ પહેલાં વર્ષ 2015થી 2017 દરમિયાન તેઓ દેશના આર્થિક બાબતોના સચિવ રહ્યા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન દાસ તથા પૂરોગામી ઉર્જિત પટેલ (જમણે)

આ કાર્યકાળ દરમિયાન ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર હતા અને નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તત્કાલીન આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલની સાથે તેમણે મોરચો સંભાળ્યો હતો અને નોટબંધી સંબંધિત પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને આ સંદર્ભે ઇન્ટર્વ્યૂઝ પણ આપ્યાં હતાં.

દાસે અપેક્ષા મુજબ કાળું નાણું બહાર ન આવ્યું હોવા છતાંય નોટબંધીની હિમાયત ચાલુ રાખી હતી.

આ પહેલાં મોદી સરકારે તેમને મહેસૂલ વિભાગના સચીવ તરીકે નીમ્યા હતા. નિવૃત્તિ બાદ શક્તિકાંતા જી-20માં ભારતના શેરપા બન્યા હતા.

હવે તેઓ દેશની 83 વર્ષ જૂની મધ્યસ્થ બૅન્કના 25મા ગવર્નર બન્યા છે.