વૅલેન્ટાઇન ડે : બીજા વિશ્વયુદ્ધની એ પ્રેમકહાણી જેનાં બીજ ગુજરાતમાં રોપાયાં

  • તેજસ વૈદ્ય
  • બીબીસી ગુજરાતી
યિષિ અને યાદ્વિગા
ઇમેજ કૅપ્શન,

યિષિ અને યાદ્વિગા

પોલૅન્ડની આ એક એવી લવસ્ટોરીની જે પાંગરી બીજા વિશ્વયુદ્ધના પડછાયામાં અને એનાં બીજ રોપાયાં ગુજરાતના જામનગરની નજીક બાલાચડીમાં.

યાદ્વિગા પ્યોત્રોફ્સકા અને યેષિ તોમાષેક બંને મૂળ પોલૅન્ડનાં છે અને તેમનું લગ્ન 2008માં થયું હતું.

લગ્ન થયું ત્યારે બંને સિત્તેરની વય વટાવી ચૂક્યાં હતાં, એટલે કે તેમણે જીવનની ઢળતી સંધ્યામાં લગ્ન કર્યું હતું.

લગ્ન 2008માં થયું પણ તેમની વચ્ચેના પ્રેમનાં બીજ 40ના દાયકામાં રોપાયાં હતાં, જે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમય હતો.

જર્મનીના આક્રમણ સાથે કહાણીની શરૂઆત

અચાનક શરૂ થયેલા આ યુદ્ધને કારણે પોલૅન્ડ પર આફત આવી, જર્મની અને સોવિયેટ સંઘના હુમલામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં અને હજારો લોકો ઘરવિહોણા થયા.

આવા સંજોગોમાં અનેક લોકોને પોતાનાં ઘરબાર છોડીને હિજરત કરવાની ફરજ પડી હતી.

આવી યુદ્ધની સ્થિતિમાં બાળકો સૌથી વધારે કફોડી સ્થિતિમાં મુકાયાં હતાં.

આવી મુશ્કેલ સ્થિતિમાં પોલૅન્ડમાં બનેલી નિર્વાસન સરકારના પ્રથમ વડા પ્રધાન અને સશસ્ત્ર સેનાના કમાન્ડર ઇન ચીફ જનરલ સિકોર્સકીએ બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને એક પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે બાળકોનું રક્ષણ કરવા તેમજ તેમને સ્વચ્છ આબોહવા ધરાવતા અને જ્યાં યુદ્ધની પરિસ્થિતિ ન હોય તેવા દેશમાં લઈ જવાની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું.

અહીંથી શરૂ થાય છે જામનગરની કહાણી.

જામનગરમાં પ્રેમ

જામનગર એ વખતે નવાનગર તરીકે ઓળખાતું હતું. નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ ચેમ્બર ઑફ ઇન્ડિયન પ્રિન્સેસની આગેવાની કરતા હતા અને બ્રિટિશ ઇમ્પિરિયલ વૉર કૅબિનેટના સભ્ય પણ હતા.

તેમને માલૂમ પડ્યું કે બાળકોની દશા ખૂબ ખરાબ છે અને તેમને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની તજવીજ ચાલી રહી છે.

મહારાજા દિગ્વિજયસિંહે તરત પોલૅન્ડનાં શરણાર્થી બાળકો તરફ હાથ લંબાવ્યો અને જામનગરના દરવાજા ખોલી દીધા.

એક હજાર જેટલાં પોલૅન્ડનાં અનાથ બાળકો જામનગરના આંગણે આવ્યાં.

મહારાજાએ જામનગરથી આશરે 30 કિમી દૂર બાલાચડીમાં બાળકો માટે ખાસ છાવણી બનાવી હતી, જેમાં આ બાળકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી.

1942થી 1946 સુધી પોલૅન્ડથી આવેલાં બાળકો બાલાચડીમાં રહ્યાં હતાં. જેમાં યાદ્વિગા અને યેષી પણ હતાં.

યેષી એ સમયે 14 વર્ષનાં હતાં. છાવણીમાં રહેતાં બાળકોમાં યાદ્વિગા તેમને ખૂબ પસંદ હતાં.

બીબીસી સાથે વાત કરતા યેષીએ કહ્યું હતું, "અમે સોવિયેટ યુનિયનના અનાથાલયમાં હતા. ત્યાંથી સાથે ભારત આવ્યાં હતાં. મસ્કત, ઈરાન થઈને અમે મુંબઈ પહોંચ્યાં હતાં."

"મુંબઈથી અમે બાલાચડી આવ્યાં હતાં. યાદ્વિગાને સૌપ્રથમ વખત હું બાલાચડીના કૅમ્પમાં મળ્યો હતો."

"મને તે ત્યારથી જ ખૂબ પસંદ હતી. જોકે, તે વખતે યાદ્વિગા મારી ખાસ કોઈ નોંધ લેતી નહોતી."

યેષી કહે છે, "1942થી 1946 સુધી હું અને યાદ્વિગા બાલાચડી છાવણીમાં રહ્યાં હતાં."

"આટલાં વર્ષો છાવણીમાં વિતાવ્યાં પછી છાવણીનાં બાળકો પોલૅન્ડ પરત ફર્યાં હતાં."

"હું અને યાદ્વિગા પોતપોતાના પરિવારમાં પરોવાઈ ગયાં હતાં. હું વોર્સોમાં રહેતો હતો અને તે અન્ય શહેરમાં રહેતી હતી."

"દરમિયાન અમારા બંનેનાં અલગઅલગ ઠેકાણે લગ્ન થઈ ગયાં હતાં."

"હું મારી પત્ની સાથે સંસારમાં ગોઠવાઈ ગયો હતો અને યાદ્વિગા પણ બીજે પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી."

"મારે બે બાળકો હતાં. યાદ્વિગાને પણ પુત્ર હતો. જીવનના એક તબક્કે મારી પત્નીનું અવસાન થયું."

"બીજી તરફ યાદ્વિગાના પતિનું પણ અવસાન થયું હતું. અમે બંને સંપર્કમાં તો હતાં જ."

"અમને બંનેને થયું કે પરણી જવું જોઈએ તેથી અમે લગ્ન કરી લીધું."

"2008માં અમે લગ્ન કર્યું, એ વખતે મારી ઉંમર 80 વર્ષ હતી. બસ, ત્યારથી અમે સાથે છીએ."

"અમે જામનગરના મહારાજાના તેમજ બાલાચડીના ખૂબ આભારી છીએ કે યુદ્ધના ભયંકર દિવસોમાં અમને બાલાચડીનો આશ્રય મળ્યો. બાલાચડીમાં મને આશરો મળ્યો અને યાદ્વિગા પણ મળી."

ઇંગ્લૅન્ડના વડા પ્રધાન ચર્ચિલની નારાજગી

ઇમેજ સ્રોત, Getty Images

જામનગરમાં યોજાયેલા જનરેશન ટુ જનરેશન્સ કાર્યક્રમમાં મહારાજા દિગ્વિજયસિંહનાં પુત્રી હિમાંશુકુમારીના પુત્ર ઈન્દ્રેશ્વરસિંહે કહ્યું હતું, "મારા નાના દિગ્વિજયસિંહે એ વખતે પોલૅન્ડનાં બાળકોને બાલાચડી લાવવાનો નિર્ણય લીધો હતો"

"એ માટે ઇંગ્લૅન્ડના એ વખતના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પણ થોડી નારાજગી વહોરવી પડી હતી."

"બાળકોને બાલાચડી મોકલવા માટે ચર્ચિલ રાજી નહોતા. મહારાજાએ નક્કી કર્યં કે બાળકોને લઈ આવવાની પ્રક્રિયા એ નવાનગર (જામનગર) તરફથી થતી કોઈ દયાપ્રવૃત્તિ નહીં હોય."

"તેમણે તમામ બાળકોને દતક લીધાં અને ચર્ચિલને જણાવ્યું કે હવે આ બાળકો મારાં છે."

"તમે મારાં બાળકોને સાથે લઈ જતાં ન રોકી શકો. બાળકોના વસવાટ માટે મહારાજાએ નવાનગર રાજ્યની જમીન નહોતી આપી, બલકે અંગત જમીન પર બાળકોને આશરો આપ્યો હતો."

"બાળકોની સારસંભાળ માટે પણ મહારાજાએ અંગત ભંડોળમાંથી જ ખર્ચ કર્યો હતો."

પોલૅન્ડવાસી માટે બાલાચડી બીજું ઘર

યાદ્વિગા પ્યોત્રોફ્સકા તોમાષેક અને યેષિ તોમાષેક વર્ષ (2018) સપ્ટેમ્બર મહિનામાં જામનગર અને બાલાચડી આવ્યાં હતાં.

જ્યાં તેમણે પોતાના બાળપણના દિવસો વાગોળ્યા હતા. યાદ્વિગા અને યેષિ સહિત કુલ નવ મૂળ પોલૅન્ડવાસીઓ બાલાચડી આવ્યાં હતાં.

જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્યાં વસવાટ કર્યો હતો. બાલાચડી અને જામનગરમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભારતમાં પોલૅન્ડના રાજદૂત આદમ બ્રેકોવ્સ્કીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "મને લાગે છે કે દિલથી તો બાલાચડી અને જામનગર જાણે પોલૅન્ડના જ ભાગ છે."

"આ ભૂમિ પોલૅન્ડના લોકો માટે ખૂબ દયાળુ રહી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલૅન્ડના લોકોએ તેના અત્યંત કપરા દિવસો અહીં પસાર કર્યા હતા."

પોલૅન્ડના લોકોને બાલાચડી અને જામનગર જાણે તેમનું બીજું ઘર હોય તેવી લાગણી છે.

બ્રેકોવ્સ્કી કહે છે, "પોલૅન્ડમાં મહારાજા દિગ્વિજયસિંહ પ્રત્યે લોકોને ખૂબ આદર છે. ત્યાં તેઓ 'ધ ગૂડ મહારાજા'ના નામે ઓળખાય છે."

"ધ ગૂડ મહારાજા સ્ક્વેર નામનો એક ચોક પોલૅન્ડની રાજધાની વોર્સોમાં છે. વોર્સોમાં મહારાજાના નામની હાઇસ્કૂલ પણ છે. હું તે સ્કૂલમાંથી જ ગ્રેજ્યુએટ થયો છું."

બાલાચડીની છાવણી દુનિયા માટે દીવાદાંડી સમાન

ઇમેજ કૅપ્શન,

જોઝેફીન સાલ્વા અને ઇમોજીન

સપ્ટેમ્બરમાં જામનગર-બાલાચડીમાં કુલ 9 લોકો આવ્યા હતા. તેમાંનાં એક હતાં જોઝેફીન સાલ્વા.

86 વર્ષનાં જોઝેફીન સાલ્વા તેમનાં દીકરી ઇમોજીન સાથે આવ્યાં હતાં. બીબીસી સાથે વાત કરતાં ઇમોજીન ખૂબ ભાવવિભોર થઈ ગયાં હતાં.

તેમણે કહ્યું હતું, "મહારાજા ન હોત તો આજે કદાચ હું પણ ન હોત. બીજા વિશ્વયુદ્ધમાં મારાં માતા બચી શક્યાં એ મહારાજા દિગ્વિજયસિંહને લીધે શક્ય બન્યું હતું."

"મને લાગે છે કે હું બાલાચડીમાં નહીં, પરંતુ મારા જ બીજા ઘરે આવી હોઉં એવી અત્યંત પોતીકી લાગણી આ સ્થળે અનુભવું છું."

"મારા જીવનનું એક મોટું સપનું હતું કે હું એક વખત એ સ્થળ પર જાઉં જ્યાં મારી માતાએ બાળપણના તેમજ જીવનનાં મહત્ત્વપૂર્ણ દિવસો વિતાવ્યા હતા."

"અહીં આવીને એ સપનું પૂરું થયું છે તેનો ખૂબ રાજીપો છે. મારાં માતા પાસે બાલાચડી અને જામનગરનાં સંભારણાં સાંભળીને જ હું મોટી થઈ છું."

"જ્યાં પોલૅન્ડનાં બાળકો સુરક્ષિત અને સ્વતંત્ર હતાં. બાલાચડીમાં પોલૅન્ડનું રાષ્ટ્રગીત ગાઈ શકતા હતા."

"અન્ય દેશમાં કોઈને આટલી સ્વતંત્રતા મળવી એ ખૂબ દુર્લભ હતું. મહારાજા પાસેથી માનવતાનો આ પાઠ આજે પણ દુનિયાએ એટલો જ શીખવા જેવો છે."

"મારા માટે મહારાજા કોઈ સંતથી કમ નથી, કેમ કે તેઓ ન હોત તો હજાર જેટલાં બાળકો બચી શક્યાં હોત કે કેમ એ એક સવાલ છે."

"મહારાજાએ આશરો ન આપ્યો હોત તો મારી માતા ન હોત, હું પણ ન હોત."

84 વર્ષના રોમન ગુતોવ્સ્કીએ બાલાચડીની યાદો વાગોળતાં કહ્યું કે બાળકોને રમવા માટે મહારાજાએ એક ફૂટબૉલનું ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું હતું.

ગુતોવ્સ્કી કહે છે, "અમને રમવા માટે બે ફૂટબૉલ આપ્યા હતા. જોકે, એ બૉલ તો મોટાં બાળકો માટે જ હતો."

"પછી મેં એક આઇડિયા અજમાવ્યો હતો. છાવણીમાં જે બાળકો રહેતાં હતાં તેમનાં બૂટનાં મોજાં એકઠાં કરીને એક મોજામાં ભરીને હું બૉલ તૈયાર કરતો. મારા જેવાં અન્ય બાળકો સાથે રમતો હતો."

"એ વખતની પોલૅન્ડની સરકારે પોલૅન્ડના ફૂટબૉલ ખેલાડીને ચીફ ટ્રેનર તરીકે બાલાચડી મોકલ્યા હતા. ફરી બાલાચડી આવીને એ દિવસો વાગોળીને ધન્ય થઈ ગયો છું."

જનરેશન ટુ જનરેશન્સ

જામનગરમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલા 'જનરેશન ટુ જનરેશન્સ' કાર્યક્રમ અંતર્ગત બાલાચડીમાં બાળપણ વિતાવનારા પોલૅન્ડના શરણાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન સાથે સંકળાયેલા અનુરાધાએ કહ્યું હતું કે બાલાચડીમાં 1000 જેટલાં બાળકો હતાં. ઉપરાંત મહારાષ્ટ્રમાં કોલ્હાપુર નજીક વલીવાડેમાં પણ 5000 જેટલાં પોલૅન્ડના નિર્વાસિતોને આશ્રય આપવામાં આવ્યો હતો."

"ત્યાં બાળકો ઉપરાંત પોલૅન્ડના અન્ય લોકોને પણ આશ્રય આપવામાં આવ્યો હતો."

"આમ 6000 જેટલા પોલૅન્ડનાં શરણાર્થીઓએ બાલાચડી અને વલીવાડેમાં આશ્રય મેળવ્યો હતો."

"જો આ 6000 પોલૅન્ડવાસીઓને આશ્રય ન મળ્યો હોત તો તેમની આગામી પેઢીનું શું થાત?"

"પોલૅન્ડમાં એવા અનેક પરિવારો આજે મળી આવે છે જેમના કોઈ વડવા ભારતમાં વસવાટ કરી ચૂક્યા છે."

ભારતમાં જામનગરમાં ઉજવણીનું કઈ રીતે નિમિત્ત બન્યું એ વિશે જણાવતાં અનુરાધાએ કહ્યું હતું કે ભારત સાથે પોલૅન્ડનો મજબૂત નાતો બાલાચડી અને વલીવાડે થકી છે.

તેમણે કહ્યું, "તેથી પોલૅન્ડના રાજદૂત સાથે મસલત કરીને અમે જામનગર અને બાલાચડીમાં કાર્યક્રમનું આયોજન કર્યું."

"જેને 'જનરેશન ટુ જનરેશન્સ' એવું નામ આપવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ એ જ છે કે યુવાપેઢી આ નિર્વાસિતો તેમજ તેમના જીવનની ઝલક મેળવી શકે."

અનુરાધાએ બાલાચડી, પોલીશ બાળકો અને મહારાજાને કેન્દ્રમાં રાખીને 'અ લિટલ પોલૅન્ડ ઇન ઈન્ડિયા' નામની એક દસ્તાવેજી પણ ફિલ્મ બનાવી છે.

હવે તેઓ બાલાચડી અને વલીવાડેમાં વસવાટ કરી ચૂકેલાં પોલીશ લોકોને કેન્દ્રમાં રાખીને એક ફીચર-ફિલ્મ બનાવી રહ્યાં છે.

એ ફિલ્મ પ્રોજેક્ટ સાથે જાણીતા ફિલ્મમેકર શ્યામ બેનેગલ પણ સંકળાયેલા છે.

(આ લેખ 2018માં પ્રકાશિત થયો હતો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો