મ.પ્ર-રાજસ્થાનમાં કૉંગ્રેસની જીત બાદ 'બાબરી મસ્જિદની માગ'નું સત્ય શું?

સરઘસ Image copyright VIRALVIDEO
ફોટો લાઈન વાઇરલ થઈ રહેલા વીડિયોની ઇમેજ

પાંચ રાજયોમાં ચૂંટણી પૂરી થઈ છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થતો જોવા મળ્યો. "વિધાનસભામાં કૉંગ્રેસની જીતને હજી 24 કલાક પણ નથી થયા અને બાબરી મસ્જિદ લઈને રહીશું, પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ સંભળાવા લાગ્યા છે." આવી કૉમેન્ટ વીડિયોમાં જોવા મળે છે.

કેટલાક લોકોએ આને રાજસ્થાનમાં કૉંગ્રેસની જીત સાથે જોડીને પોસ્ટ કરી રહ્યા છે તો કેટલાક આને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની જીત સાથે સાંકળીને શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં હાથમાં લીલા રંગના ઝંડાઓ સાથેનું એક નાનું ટોળું દેખાય છે. કેટલાક લોકોના હાથમાં કાળા પૉસ્ટર્સ પણ દેખાઈ રહ્યાં છે અને ઉપર મુજબના નારાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.

ફેસબુક સર્ચથી જાણવા મળે છે કે છેલ્લા 48 કલાકમાં આ વીડિયોને સેંકડો વખત પોસ્ટ અને શેર કરવામાં આવ્યો છે.


ટ્વિટર પર જવાબદાર ગણી શકાય એવા લોકોએ પણ આ વીડિયોને શેર કર્યો છે.

કેનેડાથી કૉલમિસ્ટ અને લેખક તારેક ફતેહે પણ આ વીડિયોને ટ્વીટ કર્યો અને લખ્યું કે, 'રાજસ્થાનમાં મુસલમાનોએ લીલા ઇસ્લામિક ઝંડાઓ હાથમાં લઈ અલ્લાહો અકબરની બૂમો પાડતા રેલી કાઢી.'

તારેક પહેલાં સામાજિક કાર્યકર અને લેખિકા મધુ પૂર્ણિમા કિશ્વર પણ આ વીડિયોને ટ્ટીટ કરી ચૂકયાં છે.

એમણે આ વીડિયોની પ્રાથમિકતા દર્શાવવા માટે આ વીડિયોને પોતાના હૅન્ડલ પર પિન કર્યો અને લખ્યું કે "કૉંગ્રેસની જીતને હજી 24 કલાક પણ નથી થયા અને બાબરી મસ્જિદ લઈને રહીશું, પાકિસ્તાન ઝિંદાબાદનાં નારાઓ સંભળાવા લાગ્યા છે."

તારેક અને મધુ બેઉનાં ટ્વીટ હજારો વખત રિટ્વીટ કરવામાં આવ્યા છે, પરંતુ અમારી શોધમાં અમને જાણવા મળ્યું કે આ વાઇરલ વીડિયોને રાજસ્થાન કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી.


વીડિયોની તપાસ

મધુ કિશ્વરનાં હૅન્ડલે શેર કર્યો હતો એ જ વીડિયો ભારતીય મૉડલ કોઇના મિત્રાએ પણ ગુરુવારે મોડી રાતે ટ્વીટ કર્યો. એમણે લખ્યું કે "ભારત વિરોધી તત્વો બહાર નીકળી પડ્યા છે."

ધ્યાન આપવા જેવી વાત એ છે કે મધુ કિશ્વરે જે વીડિયો ટ્વીટ કર્યો એમાં કોઈ જ અવાજ સંભળાતો નથી એ છતાં એમણે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા સંભળાઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે.

વીડિયોમાં દેખાઈ રહેલાં શ્રી બાલાજી પૅઇન્ટ્સ, હાર્ડવૅયર, લીલા ઝંડા-બેનર અને તેના પર કરવામાં આવેલા લખાણને આધારે અમે તપાસ કરી તો જાણવા મળ્યુ કે આ વીડિયો ઉત્તર પ્રદેશનાં સંભલ જિલ્લાનો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પૉસ્ટર પર લખેલી જાણકારી મુજબ સંભલ શહેરની 'મિનજાનિબ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ' એ આ રેલીનું આયોજન કર્યુ હતું. રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા અમને યૂ-ટ્યૂબ પર બે વર્ષ અગાઉ (6 ડિસેમ્બર 2016) પોસ્ટ કરવામાં આવેલો અસલ વીડિયો મળ્યો.

આ વીડિયોને જૂનેદ ઝુબેરીએ યૂ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો જેને સવા છ લાખથી વધારે લોકો હજી સુધી જોઈ ચૂક્યા છે. જુનેદ ઝુબેરી અનુસાર આ વીડિયો બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠ પર સંભલમાં આયોજિત એક રેલીનો છે. જુનેદ ઝુબેરીના યૂ-ટ્યૂબ પર બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠનો અન્ય એક વીડિયો 2017નો છે.

સંભલ જિલ્લાનાં સ્થાનિક લોકોએ અમને કહ્યું કે આ સંસ્થા દર વર્ષે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠે શહેરમાં એક રેલી કાઢતી રહી છે, પરંતુ તેને સાવ નાના પાયે આયોજિત કરવામાં આવે છે.

એમણે એમ પણ કહ્યું કે 'ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ' છેલ્લાં ઘણાં વર્ષોથી બાબરી મસ્જિદના પુનઃનિર્માણની માગણી કરી રહી છે અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર અગાઉ અખિલેશ યાદવની સરકારમાં પણ આવી રેલી નીકળતી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ