શું પ્રિયંકા ગાંધીને પડદા પાછળ રાખવા એ કૉંગ્રેસની વ્યૂહરચના છે? : દૃષ્ટિકોણ

પ્રિયંકા પડદા પાછળ Image copyright Getty Images

11મી ડિસેમ્બરે જેમ જેમ ચૂંટણીનાં પરિણામો જાહેર થવા લાગ્યાં તેમ તેમ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની જયજયકારના નારાઓથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. જોકે, દરેક ચૂંટણીમાં રાહુલની આસપાસ દેખાતો એક ચહેરો આ ચૂંટણીમાં જોવા મળ્યો નહોતો.

આ ચહેરો એટલે રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી.

એ પ્રિયંકા ગાંધી જેમણે પોતાની પ્રથમ ચૂંટણીની રેલીમાં ભાઈ રાહુલને આગળ રાખ્યા હતા.

બંનેની તસવીરો પર નજર કરીએ ત્યારે રાહુલ ગાંધી બહેન પ્રિયંકાના ખભ્ભે હાથ મૂકીને બેસેલા છે એ તસવીર સૌથી વધુ ઉભરી આવે છે.

તો પછી સવાલ એ ઉદ્ભવે છે કે પ્રિયંકા ગાંધી ક્યાં હતાં? શું પ્રિયંકા રાજકારણમાંથી ગાયબ થઈ ગયાં છે?

તમે આ વાંચ્યું કે નહીં?

ક્યાં ગયાં પ્રિયંકા ગાંધી ?

Image copyright GETTY IMAGES

ચૂંટણીની આ મોસમમાં રાહુલ ગાંધીની સભાઓ અને નિવેદનો ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં.

વડા પ્રધાન મોદી પર રાહુલે મૂકેલા આક્ષેપો ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતા. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીને આગળ ધપાવતા બહેન પ્રિયંકા ન તો કોઈ સભામાં જોવા મળ્યાં ન તો સમાચારોમાં તેમની ચર્ચા થઈ.

આ પહેલી એવી ચૂંટણી હતી જેમાં પ્રિયંકા ગાંધીની ચર્ચા ન થઈ.

ગુજરાતની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીનો નવો અવતાર વારંવાર જોવા મળ્યો હતો એ વખતે પણ પ્રિયંકા સક્રિય હતાં.

કૉંગ્રેસના અધિવેશનમાં મંચ પરથી ભલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કમાન સંભાળી હોય પરંતુ તેની તૈયારીઓમાં પડદા પાછળ તો પ્રિયંકા જ હતાં.

કૉંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ પ્રિયંકાએ ઉત્તમ સંચાલકની જેમ નાની નાની બાબતોને ધ્યાને રાખી હતી.

એક બાજુ તેઓ મચ્છરોથી છુટકારો મેળવવા માટે સ્પ્રેનો છંટકાવ કરતા જોવા મળ્યાં હતાં તો બીજી બાજુ પડદાની પાછળ વૉકી-ટૉકી મારફતે કાર્યક્રમની વ્યવસ્થાઓ પણ સંભાળી રહ્યાં હતાં.

એટલું જ નહીં પરંતુ મંચ પરથી ભાષણ આપનારા યુવાન વક્તાઓની યાદી પણ પ્રિયંકાએ તૈયાર કરી હતી. તેમણે આ યાદીમાં યુવાન અને અનુભવી વક્તાઓનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રિયંકાએ રાહુલ-સોનિયા સહિતના નેતાઓનાં ભાષણનાં તથ્યોની ચકાસણીની જવાબદારી પણ ઉપાડી હતી.

એ વખતે પણ લોકોનું ધ્યાન કૉંગ્રેસ અધિવેશન અને અધ્યક્ષ રાહુલ ગાંધી પર જ રહે અને તેમની તસવીર બહાર ન આવે તેની તકેદારી પ્રિયંકાએ રાખી હતી.

પ્રિયંકા હજુ પણ સક્રિય છે

Image copyright PTI

પ્રિયંકા આજે પણ સક્રિય છે. ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ કૉંગ્રેસ સામે સૌથી મોટો પડકાર મુખ્ય મંત્રીઓની પસંદગીનો હતો.

એ વખતે પણ માતા અને ભાઈ રાહુલ ગાંધી સાથે પસંદગીની પ્રક્રિયામાં પ્રિયંકા જોડાયાં હતાં.

એવી ચર્ચા છે કે નવા મુખ્ય મંત્રીઓનાં નામ પ્રિયંકાની સંમતિ બાદ જ જાહેર કરાયા હતા.

કૉંગ્રેસના સુત્રોના મતે રાજસ્થાનમાં અશોક ગહેલોત પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી હતી.

આ કારણોસર જ સચિન પાઇલટે નમતું જોખવું પડ્યું હતું અને ઉપ મુખ્ય મંત્રીના પદથી સંતોષ માનવો પડ્યો હતો.

ગહેલોતના નામની પસદંગી પાછળ રાજસ્થાનમાં રૉબર્ટ વાડ્રા પર ભાજપના શાસનમાં નોંધાયેલા કેસ જવાબદાર હોવાની ચર્ચા છે.

એવી ચર્ચા છે કે ભાજપે રૉબર્ટ વાડ્રા વિરુદ્ધ રાજસ્થાનમાં જમીન ગોટાળાના અનેક કેસ નોંધ્યા હતા.

જમીન ગોટાળામાં વાડ્રાનું નામ અશોક ગહેલોતની સરકારમાં જ બહાર આવ્યું હતું. તેથી પ્રિયંકાની એવી ઈચ્છા હતી કે આ કેસની સંપૂર્ણ વિગતો ગહેલોત જાણતા હોવાથી મુખ્ય મંત્રી તરીકે તેમની જ નિમણૂક થાય.

આમ પણ પ્રિયંકાના મતે 2019ની ચૂંટણીમાં વધારે બેઠકો જીતવા માટે અનુભવીઓની ભૂમિકા જ મહત્ત્વપૂર્ણ રહેશે.

આ કારણોસર જ મધ્ય પ્રદેશમાં પણ અનુભવી નેતા કમલનાથની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરાઈ હતી.

શા માટે અદૃશ્ય હતાં પ્રિયંકા?

Image copyright GETTY IMAGES

રાહુલ ગાંધી કૉંગ્રેસ પ્રમુખ બન્યા ત્યાં સુધી પ્રિયંકા રાજકારણમાં સક્રિય હતાં.

જેમ જેમ રાહુલ ગાંધી સક્રિય થતા ગયા તેમ તેમ પ્રિયકાં સક્રિય રાજકારણમાંથી ગાયબ થવા લાગ્યાં હતાં. એટલે સુધી કે અમેઠી અને રાયબરેલીમાં પણ પ્રિયંકાની ચર્ચાઓ ઓછી થવા લાગી હતી.

હકીકતે કૉંગ્રેસમાં અવારનવાર માંગણીઓ ઊઠી હતી કે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી સામે ટક્કર આપવા માટે પ્રિયંકાને ચહેરો બનાવવામાં આવે. જોકે, સોનિયા ગાંધી ફક્ત રાહુલને જ નેતૃત્વ સોંપવા માગતાં હતાં.

સોનિયા ગાંધી સારી પેઠે સમજે છે કે પ્રિયંકા જેવો રાજકારણમાં પગ મૂકશે એટલે તરત જ ભાઈ-બહેનની સરખામણી શરૂ થઈ જશે.

પાર્ટીની અંદર જૂથબંધી વધશે જે કૉંગ્રેસ માટે નુકસાનકાર છે. આ સાથે પ્રિયંકા ગાંધીની સક્રિયતાથી રાહુલ ગાંધીના ગ્રાફ પર પણ અસર પડશે.

વાડ્રા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ

Image copyright GETTY IMAGES

પ્રિયંકાના પતિ રૉબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારના આક્ષેપો હતા. જાણકારોના મતે આ બાબત તેમની સૌથી મોટી નબળાઈ છે.

આ પણ એક કારણ છે જેના લીધે કૉંગ્રેસ અને પ્રિયંકા બંનેની ઇચ્છા એવી છે કે તે સક્રિય રાજકારણથી દૂર રહે.

રાજકારણમાં પ્રિયંકા જેમ સક્રિય થશે એમ તરત જ અન્ય રાજકીય પક્ષો વાડ્રાના મુદ્દે તેમને અને કૉંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરશે. જેનાથી તેમનો પક્ષ નબળો થવાની શક્યતા છે.

પ્રિયંકાની હૅર-સ્ટાઇલ, કપડાં અને વાતચીત કરવાની પદ્ધતિને ચકાસો તો માલૂમ પડશે કે તેમનામાં ઇંદિરા ગાંધીની છબી સ્પષ્ટપણે જોવા મળે છે.

પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં હોશિયાર છે. ભૈયાજી તરીકે ઓળખાતાં પ્રિયંકાને આજે પણ કાર્યકર્તાઓ હથેળી પર રાખે છે.

ત્રણ રાજયોમાં કૉંગ્રેસની જીતે રાહુલ ગાંધીને નિર્વિવાદપણે કૉંગ્રેસના 'ચહેરા' તરીકે સ્થાપી દીધા છે. જાણકારોના મતે પ્રિયંકાની પડદા પાછળની ભૂમિકાથી કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થશે.

એવી ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી સુધી પ્રિયંકા પડદા પાછળ રહીને સક્રિય રહેશે. આગામી સમયમાં બંને ભાઈ-બહેન એક વત્તા એક બરાબર અગિયાર તરીકે કામ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ