1984ના શીખ રમખાણોના દોષિત સજ્જન કુમાર કોણ છે?

પીડિતની તસવીર Image copyright Getty Images

1984ના શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જનમટીપ ફટકારવામાં આવી છે.

બીબીસી પ્રતિનિધિ સુચિત્રા મોહંતી જણાવે છે દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, "1947માં ભાગલા દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષો બાદ દિલ્હી પણ આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું."

હાઈકોર્ટે નોંધ્યું, "તમામ પડકારો છતાંય સત્યનો વિજય થાય છે, તેની ખાતરી પીડિતોને કરાવવી જરૂરી છે."

"આરોપીઓએ રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવ્યો અને કેસથી ભાગતા રહ્યા હતા."

હાઈકોર્ટે સજ્જન કુમારને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને તા. 31મી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે.

એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં પાંચ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપોથી મુક્ત કરી દીધા હતા.

સીબીઆઈ (સેન્ટ્ર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તેની સામે અપીલ કરી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

કોણ છે સજ્જન કુમાર?

Image copyright Getty Images

શીખ વિરોધી રમખાણોમાં સજા પામેલા સજ્જન કુમાર 1970થી દિલ્હીના રાજકારણમાં સક્રિય છે.

23 સપ્ટેમ્બર 1945ના રોજ જન્મેલા સજ્જન કુમાર કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે અને તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી લોકસભામાં ચૂટાયા પણ હતા.

સજ્જન કુમાર સૌથી પહેલાં 1977માં નગરપાલિકની ચૂંટણીમાં વિજયી બન્યા હતા.

ઉપરાંત 1977માં દિલ્હીની પ્રદેશ કૉંગ્રેસ કમિટિના તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

1980માં તેઓ પ્રથમવાર લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

ફરીથી તેઓ 1991માં તેઓ ફરીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

બાદમાં તેઓ 2004માં કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

આ એ સમય હતો જ્યારે કૉંગ્રેસના આગેવાનીમાં બનેલા યુપીએ અટલબિહારી વાજપેયીની સરકારને હરાવી હતી.

ઉપરાંત તેઓ શહેરી વિકાસ સમિતિ જેવી અન્ય સમિતિઓના પણ સભ્યો રહી ચૂક્યા છે.


સજ્જન કુમાર પર મામલો શું છે?

Image copyright AFP

વર્ષ 1984માં 31 ઑક્ટોબરના રોજ તત્કાલિ વજા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના સુરક્ષાકર્મીઓએ હત્યા કરી નાખી હતી. જે બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

સજ્જન કુમાર સાથે જોડાયેલો આ મામલો દિલ્હી છાવણી વિસ્તારમાં પાંચ શીખોની હત્યા સાથે જોડાયેલો છે.

દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં પાંચ શીખ કેહર સિંઘ, ગુરપ્રીત સિંઘ, રઘુવિન્દર સિંઘ, નરેન્દ્ર પાલ સિંઘ અને કુલદીપ સિંઘની હત્યા કરવામાં આવી હતી.

જગદીશ કૌર આ મામલામાં મુખ્ય ફરિયાદ કર્તા છે અને પ્રત્યક્ષદર્શી છે.

આ રમખાણોમાં તેમના પતિ કેહર સિંઘ અને પુત્ર ગુરપ્રીત સિંઘની હત્યા કરવામાં આવી હતી.

જસ્ટીસ જી. ટી. નાણાવટી આયોગની ભલામણો પર 2005માં સજ્જન કુમાર અને અન્ય એક આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈએ આરોપી વિરુદ્ધ જાન્યુઆરી 2010માં બે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પહેલાં દિલ્હી પોલીસે રમખાણોની તપાસ કરી હતી.

વર્ષ 2005માં આ કેસ સીબીઆઈના હાથમાં આવ્યો હતો અને તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સજ્જન કુમાર અને પોલીસ વચ્ચે ખતરનાક સંબંધો હતા.


કેવી રીતે શરૂ થયાં હતાં રમખાણો?

Image copyright Getty Images

1984માં શીખ અંગરક્ષકો દ્વારા તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જે પછી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યાં હતાં.

જેમાં ત્રણ હજારથી વધુ શીખ માર્યા ગયા હતા.

હુલ્લડ બાદ નીમવામાં આવેલી તપાસમાં હિંસા પાછળ કૉંગ્રેસી નેતાઓની સંડોવણીના 'નોંધપાત્ર પુરાવા' મળ્યા હતા.

તપાસના રિપોર્ટ પ્રમાણે, શીખ વિરોધી રમખાણો સ્વયંભૂ ન હતા અને તેને કૉંગ્રેસી નેતાઓએ ઉશ્કેર્યા હતા.

દિલ્હી કૅન્ટોનમૅન્ટ વિસ્તારમાં છ લોકોની હત્યા કરી દેવાઈ હતી, જેના પ્રત્યક્ષદર્શીઓએ સજ્જનકુમારને એમ કહેતાં સાંભળ્યા હતા કે 'એક પણ શીખ બચવો ન જોઈએ.'

શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસીઓની ભૂમિકા અંગે કૉંગ્રેસના નેતા અને તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ તથા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અગાઉ માફી માગી ચૂક્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ