ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં થયેલાં રમખાણોમાં શું થયું હતું?

ઈન્દિરા ગાંધીની શબ યાત્રા Image copyright Getty Images

31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને તે પછીના દિવસે, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

થોડાં વર્ષો પહેલાં આ રમખાણો વિશેનું એક પુસ્તક પ્રગટ થયું હતું, જેનું નામ હતું, 'વ્હેન એ ટ્રી શૂક દિલ્હી.'

રમખાણોનો ભોગ બનેલા લોકોના પરિવારો, તેમની પીડા, રમખાણોની ભયાનકતા અને નેતાઓ તથા પોલીસની ભૂમિકાની સીલસીલાબંધ વિગતો પુસ્તકમાં વર્ણવવામાં આવી હતી.

"ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે આપણા દેશમાં કેટલીક જગ્યાએ તોફાનો અને ધમાલ થઈ હતી. અમે જાણીએ છીએ કે દેશના લોકોમાં કેટલો ક્રોધ હતો, કેટલો ગુસ્સો હતો કે થોડા દિવસ કેટલાકને લાગ્યું કે ભારત હલી રહ્યું છે. કોઈ મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી થોડી ધ્રૂજતી હોય છે."

નવેમ્બર 19, 1984 : આ શબ્દો હતા ઇન્દિરા ગાંધીના પુત્ર અને અનુગામી રાજીવ ગાંધીના.

બોટ ક્લબ ખાતે યોજાયેલી વિશાળ સભામાં તેમણે આવું કહ્યું હતું.

રમખાણોમાં હજારો શીખો અનાથ અને બેઘર થઈ ગયા હતા, તેનો કોઈ ઉલ્લેખ થયો નહોતો.

આ ભાષણ ઉલટાનું તેમના ઘા પર મીઠું ભભરાવા જેવું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

સનસનાટીભર્યું નિવેદન

Image copyright Getty Images

આ નિવેદનથી એવું લાગ્યું હતું, 'જાણે કે હત્યાકાંડને વાજબી ઠરાવવાની કોશિશ થઈ રહી હતી.'

આ નિવેદનથી સનસનાટી મચી ગઈ હતી. આજે પણ તેનો બચાવ કરવાનું કૉંગ્રેસને ભારે પડી જતું હોય છે.

કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ કહે છે, "કયા હેતુથી અને કેવા કારણસર આમ કહેવાયું હતું તે તો કહેનારાને જ પૂછવું પડે."

"સમજનારા શું સમજે છે તે સમય અને સંદર્ભ પર તથા તેના મનમાં શું ચાલી રહ્યું છે તેના આધારે નક્કી થતું હોય છે."

ખુર્શીદ કહે છે, "હું મારા દિવંગત નેતા રાજીવને ઓળખતો હતો. તેઓ સંવેદનશીલ અને ઉદાર મનના હતા. મને નથી લાગતું કે તેમણે કોઈ સંકુચિત દૃષ્ટિથી આવી વાત કહી હોય."

તેઓ કહે છે, "તે વખતે કોઈને આ વાત ખૂંચી હોત અને રાજીવ હોત તો તેમણે કહ્યું હોત કે હું આવું કશું કહેવા માગતો નથી."

"મારા મનમાં પણ એટલું જ દુઃખ છે. મેં પણ કોઈને ગુમાવ્યા છે. હું જાણું છું કે કોઈને ગુમાવવાની પીડા શી હોય છે."


કેવી રીતે શરૂ થઈ હતી હિંસા?

ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર મળ્યા તે સાથે જ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ ઉત્તર યમનની યાત્રા ટૂંકાવીને તરત પરત ફર્યા હતા. તેઓ દિલ્હી પહોંચ્યા તે પછી તોફાનો શરૂ થયાં હતાં.

ઝૈલસિંહ ઇન્દિરા ગાંધીને જ્યાં રખાયાં હતાં તે એઇમ્સ હૉસ્પિટલ જવા માટે ઍરપોર્ટથી સીધા નીકળ્યા ત્યારે આર. કે. પુરમ પાસે તેમનાં વાહનોના કાફલા પર હુમલો થયો હતો.

તે વખતે તરલોચન સિંહ તેમના પ્રેસ ઑફિસર હતા. બાદમાં તેઓ લઘુમતી પંચના અધ્યક્ષ પણ બન્યા હતા.

તરલોચન સિંહ કહે છે, "જ્ઞાનીજી ઍરપોર્ટથી સીધા જ એઇમ્સ જવા નીકળ્યા હતા. તેમની કાર સૌથી આગળ હતી."

"તેમની પાછળ સેક્રેટરીની અને તેની પાછળ મારી કાર હતી. અમે આર. કે. પુરમ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે આગળની બંને કાર આગળ નીકળી ગઈ હતી."

તેઓ કહે છે, "મારી કારની સામે સળગતા કાકડા લઈને કેટલાક લોકો આવી ગયા હતા અને અમારા પર તે ફેંક્યા હતા."

"જોકે, ડ્રાઇવરે ગમે તેમ કરીને મને બચાવીને ઘરે પહોંચાડી દીધો."

તેઓ કહે છે, "બીજી બાજુ જ્ઞાનીજી ઇન્દિરાજીનાં દર્શન માટે એઇમ્સ પહોંચ્યા કે કેટલાક લોકો તેમને ઘેરી વળ્યા હતા."

"તેમની કારને રોકવાની કોશિશ થઈ હતી. સુરક્ષા જવાનોએ માંડ માંડ તેમને ત્યાંથી સુરક્ષિત કાઢ્યા હતા."


'હું તે ભયાનક દૃશ્યો ક્યારેય ભૂલી શક્યો નથી'

Image copyright Getty Images

આ તો શરૂઆત જ હતી. આગામી દિવસોમાં શીખો વિરુદ્ધ કેવાં તોફાનો થશે તેની કલ્પના પણ ત્યારે કોઈને નહોતી.

2 નવેમ્બર 1984 : ઇન્ડિયન એક્સપ્રેસના સંવાદદાતા રાહુલ બેદી ઑફિસમાં બેઠા હતા.

તેમને ખબર મળ્યા કે ત્રિલોકપુરીના બ્લૉક નંબર 32 કત્લેઆમ શરૂ થઈ ગઈ છે.

બેદી કહે છે, "મોહન સિંહ નામનો એક માણસ અમારી ઑફિસમાં આવ્યો હતો."

"તેમણે કહ્યું કે ત્રિલોકપુરીમાં કત્લેઆમ થઈ રહી છે. હું બે સાથીઓ સાથે ત્યાં જવા નીકળ્યો, પણ અમને ત્યાં સુધી જતા રોકવામાં આવ્યા."

"ત્યાં જવાના રસ્તે હજારો લોકો રસ્તામાં ઊતરી પડ્યા હતા."

બેદી કહે છે, "સાંજના સમયે અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો અઢીસો ગજ લાંબી ગલીમાં મૃતદેહો અને કપાયેલા અંગો પડ્યા હતા."

"એવી હાલત હતી કે ગલીમાં ચાલવું પણ મુશ્કેલ બને. પગ રાખવાની પણ જગ્યા ત્યાં નહોતી."

"સ્ત્રીઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યાં નહોતાં. પાછળથી ખબર પડી હતી કે 320 લોકોની હત્યા અહીં થઈ હતી."

"હું તે ભયાનક દૃશ્યો ક્યારેય ભૂલી શક્યો નથી. સાંજના સાતથી આઠ વાગ્યાનો સમય હતો."

"સમગ્ર વિસ્તારને 8થી 10 હજાર લોકોએ ઘેરી લીધો હતો. આમ છતાં ચારેબાજુ સન્નાટો હતો."


પાંચ હજારની ભીડે જ્યારે ઘરને ઘેરી લીધું

Image copyright AFP

ભારતીય ઍરફોર્સના ગ્રૂપ કૅપ્ટન મનમોહન વીર સિંહ તલવારને પણ ભયાનક અનુભવ થયો હતો.

1971માં પરમવીર ચક્ર મેળવનારા મનમોહનના ઘરને પાંચ હજારની ભીડે ઘેરી લીધું હતું અને તેમાં આગ લગાવી દીધી હતી.

અમે બહુ પ્રયત્નો કર્યા પણ તેઓ આ વિશે વાત કરવા તૈયાર નહોતા. તેઓ કહે છે, "જૂના ઘાને હવે ના ખોતરો."

આપને આ પણ વાંચવું ગમશે

જોકે, અમેરિકાના કેલિફોર્નિયામાં વસી ગયેલા જસવીર સિંહ પોતાની વાત કહેવા માટે તૈયાર થઈ ગયા હતા.

જસવીર કહે છે, "યમુના પાર શાહદરામાં મારું સંયુક્ત કુટુંબ રહેતું હતું. મારા પરિવારના 26 લોકોની હત્યા થઈ ગઈ."

"અમારી મા-બહેનોને પૂછો કે કેવી રીતે તેમણે આ 33 વર્ષો વિધવા તરીકે વીતાવ્યાં છે."

તેઓ કહે છે, "અમારા સમગ્ર પરિવારને ખતમ કરી દેવાયો. બાળકો પિતાના આધાર વિનાના અનાથ થઈ ગયાં."

"કોઈ ખિસ્સાકાતરું બની ગયા, કેટલાકને ડ્રગ્ઝની લત લાગી ગઈ હતી."

Image copyright Getty Images

સૌથી મોટો સવાલ પોલીસની ભૂમિકા સામે ઉઠ્યો હતો. પોલીસે ફરિયાદો પર ધ્યાન આપ્યું નહોતું.

એટલું જ નહીં કેટલાક કિસ્સામાં તો શીખો પર હુમલા કરનારી ભીડને પોલીસે સાથ આપ્યો હતો.

શીખો વતી રમખાણોના કેસ લડી રહેલા વકીલ અને 'વ્હેન એ ટ્રી શૂક દિલ્હી'ના સહલેખક હરવિંદરસિંહ ફૂલ્કા કહે છે, "પોલીસે શીખોને બચાવવાના બદલે, તેમની સામે કાર્યવાહી કરી હતી."

ફૂલ્કા કહે છે, "કલ્યાણપુરી થાણામાં લગભગ 600ની હત્યા થઈ હતી."

"સૌથી વધુ હત્યાઓ પહેલી નવેમ્બરે થઈ હતી. પોલીસે ત્યાંથી 25 લોકોની ધરપકડ કરી તે બધા જ શીખો હતા."

તેઓ કહે છે, "પહેલી અને બીજી નવેમ્બરે આ વિસ્તારમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી."

"એટલું જ નહીં, પોલીસે શીખોને પકડીને તેમને ટોળાને હવાલે કરી દીધા હતા."


'શું કોઈ યોજના હતી'

Image copyright Getty Images

સવાલ એ થાય છે કે અચાનક તોફાનો ફાટી નીકળ્યાં હતાં કે પછી તેની પાછળ કોઈની યોજના કામ કરી ગઈ હતી.

પુસ્તકના લેખક મનોજ મિત્તા માને છે કે રાજકીય નેતાઓના ઈશારે જ તોફાનો થયાં હતાં.

પહેલા દિવસે એટલે કે 31 ઑક્ટોબરે નાની મોટી હિંસાની ઘટના થઈ હતી પણ પહેલી અને બીજી નવેમ્બરે જે થયું તે કોઈ યોજના વિના ના થઈ શકે.

મિત્તા કહે છે, "ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તે દિવસે થયેલાં તોફાનોને તમે સ્વાભાવિક ગણી શકો પણ તે દિવસે કોઈ શીખની હત્યા નહોતી થઈ."

તેઓ કહે છે, "હત્યાકાંડની શરૂઆત 24 કલાક પછી એટલે કે બીજા દિવસે એક નવેમ્બરથી થઈ હતી."

મિત્તાનું કહેવું છે, "નેતાઓએ પોતપોતાના વિસ્તારમાં બેઠકો કરી હતી અને બીજા દિવસે લોકો હથિયારો સાથે તૈયારી કરીને નીકળ્યા હતા."

"પોલીસ તેમને અટકાવી રહી નહોતી. ઉલટાની તેની મદદ કરી રહી હતી."

હરવિંદરસિંહ ફૂલ્કાનું પણ માનવું છે કે જે રીતે હત્યાકાંડ થયા તેના પરથી કહી શકાય કે બધું યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું હતું.

તેઓ કહે છે, "ટોળા પાસે યાદી પણ હતી કે કયા ઘરમાં શીખો રહે છે."

"હજારો લીટર કેરોસીન તેમને મળી ગયું હતું. જ્વલનશીલ પાવડર આપવામાં આવ્યો હતો."

"લોકોના હાથમાં લોખંડનાં જે હથિયારો હતાં તેમનો આકાર એક સરખો હતો."


રાજકારણીઓનો ખેલ

Image copyright Getty Images

એક સવાલ એ પણ થાય છે કે પોલીસે આવું શા માટે કર્યું?

પોલીસે પોતાની ફરજ કેમ ના નિભાવી? પોલીસ શા માટે રાજકારણીઓનો હાથો બની ગઈ?

સિનિયર પોલીસ ઑફિસર વેદ મારવાહને 1984ના શીખ વિરોધી રમખાણોમાં પોલીસની ભૂમિકાની તપાસનું કામ સોંપાયું હતું.

તેઓ કહે છે, "પોલીસ એક સાધન જેવું તંત્ર છે, જેનો તમે ઇચ્છો તે રીતે ઉપયોગ કરી શકો."

"મહત્ત્વાકાંક્ષી પોલીસ અધિકારીઓ હોય તે જાણી જતા હોય છે કે નેતાઓ તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે."

"તેઓ ઇશારામાં વાત સમજી જાય છે. તેમને લેખિત કે મૌખિક આદેશ આપવાની જરૂર રહેતી નથી."

તેઓ કહે છે, "જે વિસ્તારોમાં પોલીસ નેતાઓના ઈશારે કઠપૂતળીની જેમ કામ ના કરવાનું નક્કી કર્યું, ત્યાં સ્થિતિ કાબૂમાં રહી હતી."

"દાખલા તરીકે ચાંદની ચોકમાં વિશાળ ગુરુદ્વારા આવેલું છે. ત્યાં કોઈની હત્યા થઈ નહોતી, કેમ કે તે વખતે ત્યાં મેક્સવેલ પરેરા એસીપી તરીકે હતા."

"તેમણે બરાબર બંદોબસ્ત ગોઠવીને ચાંદની ચોકમાં તોફાનો ના થાય તેની કાળજી લીધી હતી."

"પોલીસ રાજકીય દબાણ સામે ઝૂકી ગઈ તેવા વિસ્તારોમાં જ તોફાનો વધારે થયાં હતાં."


સરકારની શરમજનક સ્થિતિ

Image copyright Getty Images

આ રમખાણો અંગે 21 વર્ષ પછી વડા પ્રધાન મનમોહન સિંહે સંસદમાં માફી માગી હતી.

જે કંઈ થયું હતું તેનાથી પોતાનું મસ્તક શરમથી નમી જાય છે એમ તેમણે કહ્યું હતું.

પરંતુ શું આટલું કહી દેવાથી સરકારની ફરજ પૂરી થઈ જાય છે?

શું તેના કારણે સ્વતંત્ર ભારતના સૌથી ગમખ્વાર હત્યાકાંડની યાદ ભૂંસાઈ જશે?

કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ કહે છે, "તેનો જવાબ એ જ આપી શકે, જે ન્યાયની અપેક્ષા રાખે છે."

"હું કહું કે ન્યાય મળી ગયો તો તેઓ કહેશે કે મેં ક્યાં કોઈ પીડા ભોગવી છે?"

"તમે કેવી રીતે કહી શકો કે ન્યાય મળ્યો કે ના મળ્યો? જેમને માર પડ્યો હતો, જેમણે દર્દ ભોગવ્યું છે, તે જ આનો જવાબ આપી શકે છે."

1984 પછી પણ ભારતમાં રમખાણોનો સીલસીલો બંધ થયો નથી.

1988માં ભાગલપુરમાં રમખાણ, 1992-93માં મુંબઈમાં અને 2002માં ગુજરાતમાં તોફાનો થયાં હતાં.

પરંતુ રમખાણો કરાવવાના કેસમાં કેટલા લોકોને સજા મળી છે?

કદાચ તેના કારણે જ ભારતમાં આજ સુધી રમખાણો અટક્યાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ