શૂન્ય પાલનપુરી જ્યારે જુગારમાં બધું જ હારી ગયા અને શર્ટ કાઢી છેલ્લી બાજી રમ્યા

શૂન્ય પાલનપુરી Image copyright TASNIM KHAN BALOCH
ફોટો લાઈન શૂન્ય પાલનપુરી

તીન પત્તી રમવા બેઠેલા એક ગુજરાતી શાયર રમતમાં બધું જ હારી ગયા. છેલ્લે ત્રણ પત્તાં વધ્યાં. છેલ્લે પોતાનો પહેરેલો શર્ટ પણ ઉતારી દીધો. શાયર અંતે છેલ્લાં ત્રણ પત્તાં ઊતર્યા અને એ ત્રણ એક્કા નીકળ્યા.

આ કિસ્સો ગુજરાતી ભાષાના જાણીતા ગુજરાતી શાયર શૂન્ય પાલનપુરીનો છે. તેમના વતન પાલનપુરનો આ કિસ્સો છે.

શૂન્ય પાલનપુરીના માનસપુત્ર તરીકે ઓળખાતા શૈલ પાલનપુરીએ શૂન્યના જીવનના આ રસપ્રદ કિસ્સો બીબીસી ગુજરાતીને જણાવ્યો હતો.


Image copyright TASNEEM KHAN BALOCH
ફોટો લાઈન એક કાર્યક્રમ દરમિયાન શૂન્ય પાલનપુરી

એક જમીનદાર પિતાને ત્યાં 19 ડિસેમ્બર, 1922ના રોજ અલી ખાન ઉસ્માન ખાન તરીકે લીલાપુર ગામમાં શૂન્યનો જન્મ થયો. પરંતુ ચાર વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી.

માતા જમીનદારી છોડીને નાના ભાઈ સાથે શૂન્યને મોસાળ પાલનપુરમાં લઈ આવ્યા.

માતા ભક્તિ પરંપરામાં માનતા અને ઘરમાં શૂન્યને સંગીત અને કાવ્યનો માહોલ મળ્યો. જેનાથી તેમનો કાવ્ય અને વાંચનમાં રસ કેળવાયો.


Image copyright TASNIM KHAN BALOCH
ફોટો લાઈન મુશાયરામાં ગઝલો રજૂ કરતા શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરીના પુત્ર તસનીમ ખાને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "તેમને રમતગમતમાં પણ એટલો જ રસ હતો. તેઓ બહુ સારા બૅટ્સમૅન અમે વિકેટકીપર હતા."

"તેમજ પાલનપુરના નવાબ સાથે ક્રિકેટ રમતા હતા, સાથે જ તેમને કૅરમ, ચેસ અને ફૂટબૉલમાં પણ એટલો જ રસ હતો."

તસનીમ બલોચ જણાવે છે કે મારા દાદીએ બીડીઓ વાળીને તેમનો ઉછેર કર્યો. 10-12 વર્ષની વયે પહોંચતા પિતાજી પણ શેરીઓમાં પાન અને પેન્સિલ વેંચવા નીકળતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ કહે છે, "મારા દાદીના કાકા ગાયકવાડ રાજ્યના લશ્કરમાં કામ કરતા અને પાલનપુરી ભાષામાં કવિતાઓ લખતા, જેમાંથી પિતાજીનો કવિતામાં રસ કેળવાતો રહ્યો."

તેઓ કહે છે કે શૂન્ય પાલનપુર નવાબના સલાહકાર તરીકે પણ કામ કરતા હતા.

"નવાબ સાથે પ્રવાસ કરતા હતા, ત્યારે એક વખત ડિસાના ગેસ્ટહાઉસમાં નવાબે તેમને કહ્યું કે હજુ સુધી પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ નથી થઈ."

"આ વિચારે તેમણે પોતાની ઉર્દૂ ગઝલો 'અઝલ પાલનપુરી' નામે લખવાની શરૂ કરી હતી."

તેઓ આગળ ઉમેરે છે, "નવાબ સાહેબની મદદથી પિતાજીને જૂનાગઢમાં નોકરી મળી, જ્યાં તેમનો પરિચય ઘાયલ સાહેબ સાથે થયો. ત્યાં તેઓ સંગીત અને સાહિત્યના જલસાઓમાં ભાગ લેતા હતા."


Image copyright Shail palanpuri
ફોટો લાઈન શૂન્ય પાલનપુરીના માનસપુત્ર ગણાતા શૈલ પાલનપુરી

આ જ વાતના સંદર્ભે જાણીતા લેખક, સંચાલક અને કવિ રઈશ મણિયાર જણાવે છે કે શૂન્ય પાલનપુરની શાળામાં અંગ્રેજીના શિક્ષક હતા.

તેઓ કહે છે, "તેમના પર અંગ્રેજી કવિતાઓનો ખૂબ પ્રભાવ હતો. જે તેમની ઉર્દૂ ગઝલોમાં જોઈ શકાતો હતો."

"શૂન્ય પોતાની ડાયરી ગુજરાતીમાં લખતા હતા. એ ડાયરી એક વખત ઘાયલ સાહેબના હાથમાં આવી ગઈ."

"તેમણે જ તેમને 'શૂન્ય' નામ આપ્યું અને ગુજરાતીમાં લખવાનો આગ્રહ કર્યો હતો."

જ્યારે શૂન્ય પાલનપુરીની ગઝલો વિશે રઈશ મણિયાર જણાવે છે, "તેમણે ઉર્દૂથી લખવાની શરૂઆત કરતી હોવા છતાં પોતાની ગુજરાતી ગઝલોમાં ઉર્દૂની અસર નિર્મૂળ કરી નાખી હતી."


Image copyright Tasnim khan baloch
ફોટો લાઈન પુસ્તક વિમોચન કરતાં રમણલાલ.ચિ. શાહ

તેઓ કહે છે, "તેમણે ઉર્દૂ કે ફારસીમાંથી ગઝલોને ગુજરાતીમાં ઊતારી. એક બલોચ બચ્ચો થઈને ગુજરાતી કહેવતો અને કહેણીને લોકબોલીમાં ગઝલ સ્વરૂપે તેમણે આપી હતી."

લગભગ અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈય્યામ તેમની તત્ત્વચિંતન ભરી ફારસી રૂબાઈઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમની રૂબાઈઓનું ગુજરાતીકરણ કરવાનું એક મહત્ત્વનું કામ શૂન્ય પાલનપુરીએ કર્યું.

આ અંગે શૈલ પાલપુરી જણાવે છે કે અમૃત ઘાયલે શૂન્યને ગુજરાતીમાં લખવાની પ્રેરણા આપી પણ જ્ઞાન અને આધ્યાત્મિકતા બાબતે શૂન્ય પાલનપુરી ઘાયલથી આગળ હતા.

જ્યારે રઈશ મણિયાર જણાવે છે કે ઉમર ખૈય્યામની રૂબાઈનું શૂન્યએ એવું ગુજરાતીકરણ કર્યું કે અમુક રૂબાઈ તો ફારસી કરતાં ગુજરાતીમાં વધુ સારી લાગે છે.

તેઓ ઉમેરે છે, ''શૂન્યની ગઝલોમાં રહેલી આધ્યાત્મિકતાની અસર એ આનું પરિણામ કહી શકાય.''


જ્યારે મરીઝની કવિતાની ચોરી શૂન્યએ રોકી

Image copyright Dilip Dave
ફોટો લાઈન મરીઝ

મરીઝને ગુજરાતી ગઝલ અને શાયરીઓમાં ટોચનું સ્થાન મળ્યું છે, તેમને 'ગુજરાતના ગાલીબ' તરીકે ઓળખવામાં આવે છે.

રઈશ મણિયાર જણાવે છે, "મરીઝ થોડા લાપરવાહ હતા. જ્યારે શૂન્યને ભલે કોઈ ઍવૉર્ડ, પારિતોષિક કે પુરસ્કાર ન મળ્યા છતાં તેઓ એ બાબતથી સભાન હતા કે એ એક ગઝલ-સમ્રાટ છે. તેમની રજૂઆતમાં એ ખુમારીનો અનુભવ કરી શકાય છે."

અમૃત ઘાયલ, ગની દહીંવાલા અને શૂન્ય પાલનપુરીને તેમની ભાષા અને શબ્દોની પસંદગી ઉપરાંત છંદ પરની પકડ માટે પણ ઓળખવામાં આવે છે.

આ જ સંદર્ભે શૈલ પાલનપુરીએ જણાવ્યું, ''ચંદ્રકાન્ત બક્ષીએ એક વખત કહેલું કે શૂન્યનું વ્યક્તિત્વ ખજૂરી જેવું છે, હું મંચ પર હોઉં અને તેઓ સભામાં બેઠા હોય તો મારે તેમને મંચ પરથી સલામ કરવી પડે.''

રઈશ મણિયાર જણાવે છે, "શૂન્ય પાલનપુરીને હરિન્દ્ર દવેની મદદથી મુંબઈ સમાચારમાં નોકરી મળેલી. લગભગ 20 વર્ષ સુધી તેમણે તંત્રીલેખ લખ્યા."

તેઓ કહે છે, "ચંદ્રશેખર ઠાકુર નામના મુંબઈમાં એક તબીબ હતા. તેમની પાસેથી મરીઝે 2000 રૂપિયા ઉછીના લીધેલા. એ મરીઝ પરત ન આપી શક્યા એટલે ચંદ્રશેખર ઠાકુરે મરીઝનો એક કાવ્ય સંગ્રહ પોતાને આપી દેવાની માગ કરી."

"એ મરીઝે આપી દીધો અને તબીબના નામથી એ ગઝલો છપાઈ. આ સંગ્રહનું વિમોચન થવાનું હતું અને શૂન્ય પાલનપુરીને આ બાબતની જાણ થઈ. તેમણે ચંદ્રશેખરને કહ્યું કે આવતી કાલના મુંબઈ સમાચારમાં હું આ અંગે લખીશ."

રઈશ મણિયાર ઉમેરે છે કે આ કાવ્ય-સંગ્રહનું વિમોચન થયું. એની બધી જ નકલોનો નાશ કરવામાં આવ્યો, આમ મરીઝ સાથેની આ ઘટનાને બહાર લાવવાનું શ્રેય શૂન્ય પાલનપુરીને જાય છે.

''પાછળથી આ ગઝલોનો 'સમગ્ર મરીઝ'માં સમાવેશ કરવામાં આવ્યો.''

રઈશ મણિયાર શૂન્યના જીવન વિશે વાત કરતા કહે છે, "જીવનના અનેક પડાવ પર શૂન્યને આર્થિક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છતાં તેમને ક્યારેય રૂપિયા કે મિલકતનો મોહ નથી થયો."

પોતાના પિતાના વ્યક્તિત્વ વિશે વાત કરતા તસનીમ બલોચ જણાવે છે, "અમારો સંબંધ એક રીતે મહેમાન જેવો રહ્યો છે, કારણ કે અમે બહુ લાંબો સમય ક્યારેય સાથે રહી શક્યા નથી."

"પરંતુ એક પિતા તરીકે અમને ભાવનાત્મક રીતે કે આર્થિક રીતે ક્યારેય કોઈ તકલીફ નથી થવા દીધી. અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલતો રહેતો."

તસનીમ કહે છે, "મુંબઈમાં એક હિરાનો વેપારી એમની ગઝલોનો ચાહક થઈ ગયેલો. પિતાજી કુર્લામાં રહેતા ત્યાં એ પૈસા ભરેલી એક બેગ લઈને એમને ભેટ આપવા ગયો."

"પિતાજીએ તે ન સ્વીકારી અને તેમની ખુમારીથી વધુ પ્રભાવિત થયો. ત્યારબાદ તેમણે પાછળથી પિતાજીને યુરોપ પ્રવાસે જવાની વ્યવસ્થા કરી આપી હતી."


Image copyright Tasnim khan baloch
ફોટો લાઈન મુંબઈ સમાચારની ઑફીસમાં શૂન્ય પાલનપુરી

બીજો એક કિસ્સો યાદ કરતા તનસીમ બલોચ જણાવે છે, "1987માં એમને બીજો ઍટેક આવ્યો પછી ત્રણ દિવસ માટે આઈસીયૂમાં રાખવા પડ્યા હતા."

"ત્યાંથી રજા મળતા જ ઘરે આવતા પહેલાં તેમણે મને આગ્રહ કરીને મુંબઈ મોકલ્યો હતો."

"તેઓ મુંબઈ રહેતા ત્યારે પ્રેસ ક્લબમાં નિયમિત જતા હતા. તેમનું 37.50 રૂપિયાનું તેમનું એક બીલ બાકી હતું."

"મેં કહ્યું કે આટલી ઉતાવળ કેમ છે, તમારી તબિયત સારી થાય પછી જઈ આવીશ."

"ત્યારે તેમણે કહેલું કે કોઈ પણ પ્રકારની ઉધારીના ભાર સાથે હું નહીં જઈ શકું."

"હું તાત્કાલિક મુંબઈ ગયો, પ્રેસ ક્લબ જઈને મૅનેજરને મળ્યો. મૅનેજરને પિતાજી વિશે જાણ થતા તેઓ ભાવુક થઈ ગયા અને બીલ માફ કરી દીધું."


શૂન્ય પાલનપુરીની કેટલીક જાણીતી રચનાઓઃ

  • પરિચય છે મંદીરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા ઓળખે છે
  • તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારે
  • અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી
  • તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો