આજે જેનું પરિણામ છે એ જસદણનો જંગનો કેમ આટલો ચર્ચાસ્પદ બન્યો?

  • જય મિશ્રા
  • બીબીસી ગુજરાતી
પ્રચાર

ઇમેજ સ્રોત, TWITTER/@KUNVARJIBAVALIA

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો થકી બદલાયેલા સમીકરણો અને લોકસભા અગાઉ પ્રતિષ્ઠાનો જંગ બનેલી ગુજરાતની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ આવશે.

આ પેટા ચૂંટણીએ ગુજરાતનાં અખબારો સહિતનાં માધ્યમોમાં ખૂબ જ ચર્ચા જગાવી છે.

જસદણમાં કૉંગ્રેસ વતી નવજોત સિદ્ધુ સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો તો ભારતીય જનતા પક્ષ માટે રાજ્યના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી લઈને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ પ્રચાર કર્યો હતો.

રાજકીય વિશ્લેષકોના મતે જસદણની આ પેટાચૂંટણી ગુજરાતમાં ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે તેની હાર-જીતની અસર સમગ્ર રાજ્યના રાજકારણ પણ પડશે.

કૉંગ્રેસના ધારાસભ્યોની અટકાયત અને ગેરરીતીના આક્ષેપોની વચ્ચે ઉત્તેજના સભર માહોલમાં મતદાન થયું હતું.

નેતાઓના નિવેદનો અને ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્યની એક પેટાચૂંટણી શા માટે આટલી ચર્ચાસ્પદ રહી તે જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

'લોકસભાની સેમિફાઇનલ'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન,

મહિલાઓએ જસદણની પેટાચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું

રાજકીય વિશ્લેષકોના મતે આ ચૂંટણીનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ ચૂંટણીને ભાજપ અને કૉંગ્રેસ લોકસભાની સેમિફાઇનલ તરીકે જોઈ રહ્યા છે.

રાજ્યના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટના મતે આ પેટાચૂંટણી ગુજરાત લોકસભાની સેમિફાઇનલ જેવી હોવાથી બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને એટલા માટે જ આ ચૂંટણી આટલી ચર્ચામાં છે.

તેમણે કહ્યું, "જે પક્ષ આ ચૂંટણી જીતશે તે લોકસભાની ચૂંટણીના મંડાણ પહેલાં પોતાની પકડ મજબૂત છે તેવું સ્થાપિત કરશે."

"ભાજપ-કૉંગ્રેસ બંને પક્ષોએ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બનાવી હોવાથી ચર્ચામાં રહી."

"મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજકોટ જિલ્લાની બેઠક પરથી જીતી કૉંગ્રેસમાંથી આવેલા નેતાને તાત્કાલિક મંત્રી પદ અપાયું છે હવે જો આ નેતા ચૂંટણી હારી જાય તો ભાજપને નુકસાન થાય તેમ છે."

"જો ભાજપ આ ચૂંટણી હારે તો મુખ્ય મંત્રીની શાખ પર અસર થઈ શકે તેવી સ્થિતિમાં ભાજપ કચાસ છોડવા માંગતુ નહોતું."

"કૉંગ્રેસ આ બેઠક જીતીને એવો સંદેશો આપવા માંગે છે કે જસદણ કૉંગ્રેસની પરંપરાગત બેઠક છે અને તેના પર વ્યક્તિની અસર થતી નથી."

"આ બંને રાજકીય સ્થિતિએ જસદણની પેટાચૂંટણીને ચર્ચામાં રાખી છે."

અજય ઉમટના મતે ચૂંટણી પહેલાં કરાયેલી વિકાસના કામોની જાહેરાત જેવી કે વીજચોરીની માફી, આડકતરી રીતે રાજકોટને એઇમ્સની ફાળવણીની ચર્ચા વગેરે સૂચવે છે કે સરકાર અને ભાજપ બંને માટે આ ચૂંટણી જીતવી કેટલી આવશ્યક છે.

'પ્રતિષ્ઠાનો જંગ'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

બાવળિયાએ રાજીનામું ધરતાંની સાથે જ ભાજપે તેમને મંત્રી પદ સોંપ્યું હતું અને બાવળિયાએ પક્ષ પલટો કરતાં આ પેટાચૂંટણી યોજાઈ છે.

બાવળિયા ગુજરાતના ઓબીસી નેતા છે અને કોળી સમાજના આગેવાન છે અને પાંચ વખત ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.

ભાજપના ઉમેદવાર બાવળિયા સામે કૉંગ્રેસ દ્વારા એક સમયના બાવળિયાના ચેલા અવસર નાકિયાને ઉમેદવાર બનાવ્યા છે.

જસદણની ચૂંટણીને રાજકીય વિશ્લેષકો બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ માને છે.

જાણકારોના મતે જો કુંવરજી બાવળિયા હારે તો મોટો અપસેટ સર્જાઈ શકે છે.

જોકે, સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના મતે આ જંગ કૉંગ્રેસ કરતાં ભાજપ માટે વધારે અગત્યનો છે અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે.

તેમના મતે પણ જસદણ બેઠકની હાર જીતની અસર રાજ્યના મુખ્ય મંત્રી રૂપાણી સુધી થઈ શકે છે.

તેમણે કહ્યું, "કુંવરજી બાવળિયા માટે અને ભાજપ માટે આ ચૂંટણી કૉંગ્રેસની સરખામણીએ વધારે પ્રતિષ્ઠાનો જંગ છે. બાવળિયા આ બેઠક પર પાંચ વાર ચૂંટાયેલા છે."

"જો આ ચૂંટણીમાં ભાજપની હાર થાય તો તેની અસર મુખ્ય મંત્રી સુધી થઈ શકે તેમ હોવાથી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે."

"પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થતાં આ ચૂંટણી વધારે રસપ્રદ બની હતી."

"આ સ્થિતિમાં કૉંગ્રેસ તકને ઝડપવા માટે અને ભાજપ પ્રતિષ્ઠાને બચાવવા પુરી તાકાત સાથે ઊતરે તે સ્વાભાવિક હતું."

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન,

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન કર્યુ હતું

મહેતાના મતે સૌરાષ્ટ્રમાં કોળી મતદારોની ટકાવારી વધારે છે. બાવળિયા કોળી નેતા છે અને ભારતીય જનતા પક્ષનું ગણિત કોળી મતદારોને રિજવવાનું હોવાથી આ ચૂંટણી વધારે મહત્ત્વપૂર્ણ બની હતી.

મહેતાના મતે આ ચૂંટણીના પડઘા ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં પણ પડી શકે તેમ હોવાથી આ ચૂંટણી વધારે ચર્ચાનો વિષય બની હતી.

સંદેશની રાજકોટ આવૃતિના અહેવાલ મુજબ આ ચૂંટણીની અસર એ હતી કે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં બંને પક્ષોના 70 ધારાસભ્યોએ પ્રચાર કર્યો હતો.

આ અહેવાલ મુજબ આ પેટાચૂંટણી માટે જ 12 દિવસ સુધી મોટી સંખ્યામાં કાર્યકરો અને સરકારના 12-13 પ્રધાનોએ પ્રચાર કર્યો હતો.

જ્યારે પેટાચૂંટણીથી મુખ્યમંત્રી બદલાયા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પહેલાં કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારે વર્ષ 2001માં યોજાયેલી સાબકારકાંઠાની લોકસભાની પેટાચૂંટણી અને સાબરમતી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.

આ પરાજયને આગળ ધરીને રાજ્યના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું.

આ અંગે અજય ઉમટે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવી પેટા ચૂંટણી થઈ હતી જેના લીધે મુખ્ય મંત્રીએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે, આ ચૂંટણીના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી.

તેમણે કહ્યું, "આ ચૂંટણી મુખ્ય મંત્રી રૂપાણીની શાખ માટે મહત્ત્તવની ગણાય પરંતુ તેની હાર જીતથી ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ જાય તેવી શક્યતા નથી."

"ભાજપ જો ચૂંટણી હારે તો મુખ્ય મંત્રીના જિલ્લાની મહત્ત્વપૂર્ણ બેઠક ગુમાવી હોવાની છાપ ઊભી થાય અને સંખ્યાબળમાં ઘટાડો થાય એટલે પણ આ ચૂંટણીનું વિશેષ મહત્ત્વ છે."

જસદણ વિધાનસભા વિશે

ઇમેજ સ્રોત, CEO.GUJARAT.GOV.IN

ઇમેજ કૅપ્શન,

જસદણ વિધાનસભાનો મત વિસ્તાર

જસદણ વિધાન સભામાં ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 2,32,116 મતદારો છે. આ મતદારોમાં 1,21, 180 પુરૂષ મતદાર અને 1,09,936 મહિલા મતદાર છે.

આ ચૂંટણી 262 મતદાન મથકો પર યોજાઈ હતી. ચૂંટણીમાં જસદણ વિધાનસભા મત વિસ્તારના 103 ગામડાં આવરી લેવામાં આવ્યાં હતાં.

ભારતીય જનતા પક્ષમાંથી કૉંગ્રેસ છોડી આવેલા કુંવરજી બાવળિયા સામે કૉંગ્રેસે અવસર નાકિયાને ટિકિટ આપી હતી. આ બંને ઉમેદવારો સહિત આઠ ઉમેદવારો આ ચૂંટણીમાં મેદાને છે.

જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા પાંચ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો