BBC TOP NEWS : દલિત, મુસલમાન બાદ હનુમાનની જાતિ પર વધુ એક નિવેદન

હનુમાન

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી ખબર'ની વેબસાઇટ અનુસાર દલિત, મુસલમાન બાદ હનુમાનની વધુ એક જાતિ સામે આવી છે.

યોગી સરકારમાં મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણના મતે 'હનુમાન જાટ હતા.'

સમાચાર એજન્સી એએનઆઈને ટાંકીને વેબસાઇટ આ વાત જણાવે છે.

ચૌધરીએ કહ્યું, "મારું માનવું છે કે હનુમાનજી જાટ હતા. કેમ કે કોઈને પણ મુશ્કેલીમાં જોતા જાટ બચાવવા કૂદી પડે."

મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં ભાજપના ધારાસભ્ય બુક્કલ નવાબે હનુમાનને મુસલમાન ગણાવ્યા હતા.

નવાબના મતે હનુમાન મુસ્લિમ હતા, એટલે જ રહમાન, રમઝાન, જીશાન, કુરબાન જેવાં મુસ્લિમ નામો તેમનાં પર જ રાખવામાં આવે છે.

રાષ્ટ્રિયકૃત બૅન્કોની હડતાળ, પાંચ દિવસ માટે સેવા પ્રભાવિત

ઇમેજ સ્રોત, Getty Images

ઑલ ઇન્ડિયા બૅન્ક ઓફિસર્સ કૉન્ફિડેરેશન (એઆઈબીઓસી) દ્વારા હડતાળ પર ઊતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ શનિવાર મહિનાનો ચોથો શનિવાર હોવાને લીધે બૅન્ક બંધ રહેશ. ત્યારબાદ તમામ બૅન્ક સોમવારે એક દિવસ માટે ખૂલશે.

ત્યાબાદ ક્રિસમસની રજાને કારણે મંગળવારે બૅન્ક બંધ રહેશે અને બુધવારે રાબેતા મુજબ બૅન્કની કાર્યવાહી શરૂ થશે.

મતલબ કે પાંચ દિવસ માટે બૅન્કની કાર્યવાહી બંધ રહેશે.

બીજી તરફ બૅન્કના કર્મચારીઓ હડતાળનું કારણ બૅન્ક કર્મચારીઓને મળતું મળતું ઓછ વેતન હોવાનું જણાવે છે.

આ હડતાળમાં ખાનગી બૅન્કના કર્મચારીઓ ભાગ નહીં લે એટલા માટે આ બૅન્કો ખુલી રહેશે.

આ હડતાળમાં અંદાજે 10 લાખ બૅન્ક કર્મચારીઓ ભાગ લે તેવી સંભાવના છે.

ઇન્સ્પેક્ટર કરતાં ગાયના મૃત્યુને વધુ મહત્ત્વ અપાય છે : નસિરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, AFP

વિરાટ કોહલીને ઘંમડી કહ્યા બાદ અભિનેતા નસિરુદ્દીન શાહના વધુ એક નિવેદને ચર્ચા જગાવી છે.

શાહે એક વીડિયોમાં કહ્યું, "ઘણા વિસ્તારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્સ્પેક્ટરના મૃત્યુ કરતાં ગાયના મૃત્યુને વધુ મહત્ત્વ અપાય રહ્યું છે. આવી પરિસ્થિતિઓમાં મને મારાં બાળકોની ચિંતા થાય છે."

નસિરુદ્દીન શાહ એવું પણ કહેતા સંભળાય છે કે દેશના હાલના વાતાવરણમાં ઝેર ભળી ગયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં કથિત ગૌહત્યા બાદ હિંસા ભડકી હતી જેમાં ઇન્સ્પેક્ટર સુબોધકુમારસિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

'કારવાં-એ-મોહબ્બત' નામના કાર્યક્રમમાં નસિરુદ્દીન શાહ કહે છે, "હવે કાયદાને હાથમાં લેવાની ખૂલી છૂટ મળી ગઈ છે."

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં શાહે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ઘમંડી કહ્યા હતા. 

અમેરિકાના સંરક્ષણ સચિવનું રાજીનામું

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે અમેરિકાના સંરક્ષણ સચિવ જિમ મૅટ્ટીસ 'વિશેષતા' સાથે રિટાયર્ડ થવા જઈ રહ્યા છે.

પોતાના ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે સૈન્ય કરાર અને અન્ય દેશ સાથેની સમજૂતીમાં મૅટ્ટીસ એમના માટે ખૂબ જ સહાયક રહ્યા હતા.

મૅટ્ટીસ અંગેના આ સમચાર ત્યારે આવ્યા જ્યારે ટ્રમ્પે સીરિયામાંથી અમેરિકન સૈન્ય પરત ખેંચવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મૅટ્ટીસે રાજીનામું આપી ધરી દીધું છે અને તેઓ ફેબ્રુઆરી માસ સુધી કાર્યરત રહેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલાં મહાગઠબંધન ઊભું થયું

ઇમેજ સ્રોત, PTI

બિહારમાં 2019 લોકસભાની ચૂંટણી પહેલાં વિરોધ પક્ષો એકઠા થવા શરૂ થઈ ગયા છે. ગુરુવારે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા આ મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા.

દિલ્હીમાં કૉંગ્રેસના વડા કાર્યાલય ખાતે કુશવાહા મહાગઠબંધનમાં સામેલ થયા.

એ વખતે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, લોકતાંત્રીક જનતા દળના નેતા શરદ યાદવ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

ગર્ભવતી મહિલાઓને રાજસ્થાન ન જવાની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images

એક અમેરિકન સંસ્થાએ રાજસ્થાનમાં ઝિકા વાયરસના કથિત જોખમને ટાંકીને ગર્ભવતી મહિલાઓને રાજસ્થાન ન જવાની સલાહ આપી છે.

રાજસ્થાન સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઝિકા વાયરસનો હવે કોઈ પ્રભાવ નથી.

મહત્ત્વપૂર્ણ છે કે હાલનો સમય રાજસ્થાનમાં પ્રવાસન માટે અનુકુળ ગણાય છે.

જોકે, પ્રવાસન ક્ષેત્રના જાણકારો જણાવે છે કે અમેરિકન ચેતવણીની પ્રવાસીઓ પર ભાગ્યે જ અસર થશે.

સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ ફેક ઍન્કાઉન્ટર મુદ્દે આજે ફેસલો

મુંબઈમાં સીબીઆઈની વિશેષ કોર્ટ સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી ઍન્કાઉન્ટર મામલે આજે ફેસલો સંભળાવી શકે છે.

વર્ષ 2005માં રાજસ્થાનના ગૅંગસ્ટર સોહરાબુદ્દીન શેખનું અમદાવાદમાં એક કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે તેમના સાથી રહેલા તુલસી પ્રજાપતિનું મૃત્યુ વર્ષ 2006માં એક કથિત પોલીસ ઍન્કાઉન્ટર દરમિયાન થયું હતું.

અમેરિકાએ ચીન પર સરકારી એજન્સીઓને હેક કરવાનો આરોપ મૂક્યો

ઇમેજ સ્રોત, FBI

અમેરિકાએ ચીન પર આરોપ મૂક્યો છે કે ચીન દ્વારા અમેરિકાની ઘણી સરકારી એજન્સીઓને હેક કરવાનો પ્રયાસ કરાયો છે.

અમેરિકાએ આ મામલે ચીનની બે વ્યક્તિ ઝુ ઝુઆ અને ઝેંગ શિલોંગ પર આરોપ મૂકતા કહ્યું કે તેઓ પશ્ચિમના દેશોની સરકારી એજન્સીઓ હેક કરી રહ્યા હતા.

આ બન્ને આરોપીઓ ચીનની ગુપ્ત એજન્સી સાથે જોડાયેલ 'ઍડ્વાન્સ પરસિસટેંટ થ્રૅટ 10' સાથે જોડાયેલા હતા.

અમેરિકા સાથે બ્રિટને પણ આવા જ આરોપ લગાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો