સોહરાબ મુસલમાન હોવાને કારણે ત્રાસવાદી કહીને મારી નખાયો : પ્રશાંત દયાળ

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
કોર્ટે ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
આ દરમિયાન બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ કેસ પર શરૂઆતથી નજર રાખી રહેલા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરી હતી.
ફેસબુક લાઇવ દરમિયાન પ્રશાંત દયાળે કરેલી વાતચીત અહીં રજૂ કરાઈ રહી છે.
પ્રશાંત દયાળ આ સમગ્ર ઘટનાને 'ટ્રીપલ મર્ડર' અને ઉપજાવી કાઢેલી ગણાવે છે.
દયાળે કહે છે, "ઍન્કાઉન્ટરમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ દોષિત હોવા છતાં ગુજરાત સીઆઈડીએ એવું કહ્યું હતું કે આ હત્યા છે, ઍન્કાઉન્ટર નથી."
2014થી 2017ની વચ્ચે કુલ 16 લોકો અને હાલ 22 લોકો એટલે કે તમામ 38 લોકો આ કેસમાંથી મુક્ત થયા છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ કેસની ટ્રાયલ 2007માં શરૂ થઈ હતી, કુલ 210 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી જેમાં 92 સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હતા.
આ અંગે વાત કરતા દયાળ કહે છે, "2014માં ટ્રાયલ થતાં અગાઉ 38માંથી અમિત શાહ અને ગુલાબચંદ કટારિયા સહિત 16 આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા."
"એ વખતે સીબીઆઈએ હાઈકોર્ટમાં જવું જોઈતું હતું પણ ત્યારે એવું થઈ ન શક્યું. અત્યારે પણ આ નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટનો વિકલ્પ ખુલ્લો જ છે."
અહીં નોંધનીય છે કે કોર્ટના આ ચુકાદા પર બોલતા સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને કહ્યું, "આ ચુકાદાથી સંતોષ નથી અને અમે આની સામે હાઈકોર્ટમાં જઈશું."
સીબીઆઈના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું, "હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો માટે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પુરતા પુરાવા નથી."
ઍન્કાઉન્ટર અંગે પોતાનો મત સ્પષ્ટ કરતા દયાળ ઉમેરે છે, 'હું પત્રકાર છું, ન્યાયાધીશ નથી પણ સ્પષ્ટ દેખાય એવી ઘટના હતી કે આ ઍૅન્કાઉન્ટર બનાવટી છે."
"સીબીઆઈની જે થિયરી હતી કે પૈસાને માટે સોહરાબને મારી નાખવામાં આવ્યો એ વાત સાથે પણ હું સહમત નથી. આ અંગેનું કારણ કંઈક બીજું છે જે હજુ સુધી બહાર આવ્યું નથી."
આ મામલે કોર્ટે એ વાતને માની છે કે સોહરાબુદ્દીનનું મોત ગોળી લાગવાને કારણે થયું હતું.
જોકે, આ વાતના કોઈ પુરાવા નથી, આ જ કારણ છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સરકાર અને એજન્સીઓએ કેસની તપાસ કરવામાં ઘણી મહેનત કરી છે.
210 સાક્ષીઓને કોર્ટમાં રજુ કર્યા પરંતુ કોઈ પણ રીતે પુરાવા સામે આવી શક્યા નહીં.
આ અંગે દયાળ જણાવે છે, "ચાલો, માની લેવામાં આવે કે આ જૅન્યુઇન ઍન્કાઉન્ટર હતું તો જે પોલીસ અધિકારીઓએ પોતાની જિંદગીના 9 વર્ષ જેલમાં પસાર કર્યાં એનું શું? એમના પરિવારોએ સહન કરેલી યાતનાનું શું?"
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ
2005ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખ, તેમનાં પત્ની કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યાં હતાં.
આ દરમિયાન ગુજરાત ઍન્ટિ-ટૅરરિઝમ સ્કવૉડે તેમની બસ રોકી અને તેમને અમદાવાદ બહાર દીશા નામના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યાં.
જેના ત્રણ દિવસ બાદ મતલબ કે 26 નવેમ્બર 2005ના રોજ એક કથિત ઍન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યા કરી દેવામાં આવી. કૌસરબીની પણ હત્યા કરી દેવામાં આવી.
દયાળ કહે છે, "સીઆઈડી ક્રાઇમ જ્યારે તપાસ કરતી હતી ત્યારે સંજોગો જુદા હતા."
"સીબીઆઈ જ્યારે તપાસમાં આવી ત્યારે સીબીઆઈની પણ દાનતમાં ખોટ હતી. સીબીઆઈના પોલિટિકલ ઍજન્ડા હતા."
"હું માનું છું કે આ તપાસ સીબીઆઈને બદલે ગુજરાત પોલીસના હૅડ કૉન્સ્ટેબલે કરી હોત તો સારી રીતે કરી શકાઈ હોત."
મુંબઈમાં આવેલી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કેસની તપાસ કરી રહેલા ચીફ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર અમિતાભ ઠાકુરે કહ્યું હતું કે સોહરાબુદ્દીનની હત્યા રાજકીય અને નાણાકીય લાભને ખાતર કરવામાં આવી હતી.
બૉમ્બે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ
દયાળ આ મામલે ઉમેરે છે, "સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ બન્ને ગુંડા હતા અને બન્નેને ગુંડા તરીકે પોલીસે મારી નાખ્યા હોત તો મને વાંધો નહોતો."
"પણ સોહરાબ મુસલમાન હોવાને કારણે એને ત્રાસવાદી કહીને મારી નાખવામાં આવ્યો એની સામે મને વાંધો છે."
"2002નાં તોફાનો બાદ ગુજરાત પોલીસ મુસલમાનોને ત્રાસવાદી ઠેરવવાનો પ્રયાસ કરતી."
"એમને ત્રાસવાદી બતાવવા માટે એક બાદ એક ગુનાહિત બૅકગ્રાઉન્ડ ધરાવતા મુસલમાનોને ગુજરાતમાં લાવીને ત્રાસવાદીનો ટૅગ લગાવીને મારવામાં આવતા હતા. એ ટેગ સામે મારો વાંધો હતો."
દયાળ એવું પણ કહે છે, "સોહરાબુદ્દીન ગૅંગ્સ્ટર હતો. 93ના મુંબઈ બ્લાસ્ટ બાદ અમદાવાદના અબ્દુલ લતિફ દ્વારા મગાવવામાં આવેલી AK-47 રાઇફલ તેના ઝરણીયા ગામમાંથી મળી આવી હતી."
"એ કોઈ પવિત્ર માણસ નહોતો. એ ગૅંગ્સ્ટર હતો પણ આતંકવાદી નહોતો."
આ ઍન્કાઉન્ટર બાદ ગુજરાતના રાજકારણમાં કેવાં પરિવર્તન આવ્યાં?
એ અંગે વાત કરતા દયાળ જણાવે છે, "વર્ષ 2002નાં તોફાનો બાદ ગુજરાત પોલીસ નરેન્દ્ર મોદીની હિંદુ નેતા તરીકેને છબી ઊભી કરવા માગતી હતી."
"આ છબી માટે મોદીને મારવા માટે મુસ્લિમ ત્રાસવાદીઓ આવી રહ્યા છે એવી સ્ટોરી ઊભી કરવી કરવી જરૂરી હતી. ઍટલે જ ગુજરાતમાં ઍન્કાઉન્ટરો થયાં."
"વર્ષ 2010માં સીબીઆઈનો કેસમાં પ્રવેશ થયો અને અમિત શાહની ધરપકડ કરવામાં આવી."
"જે આ કેસનો ટર્નિંગ પોઇન્ટ હતો અને બીજો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર બની."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો