સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર : કોર્ટના ચુકાદા પર સોહરાબુદ્દીનના ભાઈએ શું કહ્યું?

સોહારબુદ્દીન અને તેમનાં પ્તની કૌસરબી
ઇમેજ કૅપ્શન,

સોહરાબુદ્દીન અને તેમનાં પત્ની

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.

કોર્ટે ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું કે ફરિયાદી પક્ષે આ કેસને સાબિત કરવા માટે ખૂબ મહેનત કરી છે.

સીબીઆઈના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું, "હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો માટે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પુરતા પુરાવા નથી."

આ કેસમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનના હાલના અને નિવૃત થયેલા પોલીસ અધિકારી પર હત્યા, કાવતરું ઘડવું અને અન્ય આરોપો હતા.

આ કેસમાં કુલ 38 લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, ઉચ્ચ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો હતો.

2014થી 2017ની વચ્ચે કુલ 16 લોકો અને હાલ 22 લોકો એટલે કે તમામ 38 લોકો આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે.

આ કેસની ટ્રાયલ 2007માં શરૂ થઈ હતી, કુલ 210 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી જેમાં 92 સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

કોર્ટે ચુકાદામાં કઈ વાતો નોંધી

ઇમેજ કૅપ્શન,

બૉમ્બે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ

મુંબઈમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે જે સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તે કોઈ કાવતરા કે હત્યાને સાબિત કરવા માટે પુરતા નથી.

સીબીઆઈ કોર્ટના ચુકાદા પ્રમાણે આરોપી પોલીસવાળાઓ પર આરોપ સાબિત થઈ શક્યા નથી અને તેઓ દબાણ કરીને જુબાની આપી શકે નહીં.

સીબીઆઈના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું, "હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો માટે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પુરતા પુરાવા નથી."

આ ઉપરાંત કોર્ટે તુલસીરામ પ્રજાપતિની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું તે વાતને પણ ખોટી ગણાવી છે.

કોર્ટે કહ્યું કે સીબીઆઈ એ વાતને સાબિત ના કરી શકી કે પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનનું હૈદરાબાદથી અપહરણ કર્યું હતું. એ વાતના કોઈ પુરાવા નથી.

કોર્ટે એવું પણ જણાવ્યું કે સરકારી મશીનરી અને ફરિયાદપક્ષ દ્વારા અઢળક પ્રયાસો કરાયા.

210 સાક્ષીઓને રજૂ કરાયા પણ સંતોષકારક પુરાવા મળી શક્યા નહીં અને સાક્ષીઓ ફરી પણ ગયા. જો સાક્ષી બોલે નહીં તો એ ફરિયાદીનો વાંક ગણી શકાય નહીં

કોર્ટે એ વાતને માની છે કે સોહરાબુદ્દીનનું મોત ગોળી લાગવાને કારણે થયું હતું.

જોકે, આ વાતના કોઈ પુરાવા નથી, આ જ કારણ છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સરકાર અને એજન્સીઓએ કેસની તપાસ કરવામાં ઘણી મહેનત કરી છે.

210 સાક્ષીઓને કોર્ટમાં રજુ કર્યા પરંતુ કોઈ પણ રીતે પુરાવા સામે આવી શક્યા નહીં.

સોહરાબુદ્દીનના ભાઈએ આ મામલે શું કહ્યું?

કોર્ટના આ ચુકાદા પર બોલતાં સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને કહ્યું કે આ ચુકાદો સંતોષકારક નથી અને અમે આની સામે હાઈકોર્ટમાં જઈશું.

તેમણે કહ્યું, "હું ન્યાયપાલિકા પર આંગળી નથી ચીંધી રહ્યો પરંતુ આ કેસના ચુકાદામાં જજ ખોટા છે અને તેમણે ખોટો ચુકાદો આપ્યો છે."

"જો સીબીઆઈને પુરાવાની જરૂર હતી તો તેઓ રજનીશ રાય, દશરથ પટેલ, રમણ પટેલ બોલાવવા જોઈતા હતા. તેમણે આ કોઈને બોલાવ્યા નથી."

"ઍન્કાઉન્ટર મામલે અમે સીબીઆઈ તપાસની માગ કરી હતી પરંતુ સીબીઆઈ આ મામલે કંઈ કર્યું જ નથી."

સીબીઆઈ કોર્ટના ચુકાદા પર ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે આખરે વર્ષો બાદ સત્યનો વિજય થયો છે.

તેમણે કહ્યું, "તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને વર્ષો સુધી આ કેસને લઈને પરેશાન કરાયા હતા."

"તત્કાલિન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હવે ખુલ્લું પડી ગયું છે."

"ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા હતા અને હવે તેમની માનસિક યાતાઓનો અંત આવ્યો છે."

"ગુજરાતના ન્યાયતંત્ર પર આડકતરી રીતે અવિશ્વાસ વ્યક્ત કરાયો હતો. પોલીસ તંત્રને ખોટા આક્ષેપો સહન કરવા પડ્યા હતા."

કેવી રીતે થયું સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વણઝારા અને આર. કે. પાંડિયન

2005ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખ, તેમનાં પત્ની કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યાં હતાં.

આ દરમિયાન ગુજરાત ઍન્ટિ-ટૅરરિઝમ સ્કવૉડે તેમની બસ રોકી અને તેમને અમદાવાદ બહાર દીશા નામના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યાં.

જેના ત્રણ દિવસ બાદ મતલબ કે 26 નવેમ્બર 2005ના રોજ એક કથિત એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યા કરી દેવામાં આવી. કૌશરબીની પણ હત્યા કરી દેવામાં આવી.

આ ઘટના બાદ એવા આરોપ લાગ્યા હતા કે આ કથિત એન્કાઉન્ટરમાં ગુજરાતના રાજકારણીઓ અને ગુજરાત સહિત રાજસ્થાનના ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીઓનો હાથ છે.

કોણ હતો સોહરાબુદ્દીન શેખ?

ઇમેજ કૅપ્શન,

સોહારબુદ્દીન શેખ

મુંબઈમાં આવેલી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કેસની તપાસ કરી રહેલા ચીફ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર અમિતાભ ઠાકુરે કહ્યું હતું કે સોહરાબુદ્દીનની હત્યા રાજકીય અને નાણાકીય લાભને ખાતર કરવામાં આવી હતી.

ઠાકુરે આ ઍન્કાઉન્ટરમાં મુખ્ય પાંચ આરોપી તરીકે અમિત શાહ, આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન, ડી. જી. વણઝારા અને દિનેશ એમ. એન. અને અભય ચુડાસમા સામે આંગળી ચીંધી હતી.

સોહરાબુદ્દીન શેખ એક ગૅંગ્સ્ટર હતો અને તે રાજસ્થાનમાં સક્રિય હતો. તેમના ઍન્કાઉન્ટર બાદ એવા પણ અહેવાલો આવ્યા હતા કે તેના કથિત રીતે આઈએસઆઈ સાથે સંબંધ હતા.

ગુજરાત પોલીસે ઍન્કાઉન્ટર બાદ એવો દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન શેખના પાકિસ્તાનની ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવતો હતો.

ઉપરાંત ગુજરાત પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન વર્તમાન વડા પ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યો હતો.

આ સાથે જ શેખ પર ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં હથિયાર સપ્લાય કરવાના આરોપો પણ લાગ્યા હતા.

તુલસીરામ પ્રજાપતિનું પણ ઍન્કાઉન્ટર

જ્યારે સોહરાબુદ્દીન શેખ અને કૌસરબીને ગુજરાત લઈ જવામાં આવ્યાં હતાં ત્યારે તુલસીરામ પ્રજાપતિની રાજસ્થાનમાં ધરપકડ કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

સીબીઆઈના જણાવ્યા પ્રમાણે 28 ડિસેમ્બર 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિનું ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલા છાપરી નજીક ઍન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.

સીબીઆઈના કહેવા પ્રમાણે તેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સામેલ હતા.

પોલીસે એવો દાવો કર્યો હતો કે કોર્ટ કેસની સુનાવણી બાદ જ્યારે તુલસીરામ પ્રજાપતિને અમદાવાદથી રાજસ્થાન લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે છટકી જવાનો પ્રયત્ન કર્યો હતો.

જ્યારે પોલીસે તેને અટકાવવા માટે ફાયરિંગ કરવું પડ્યું તેમાં તેનું મૃત્યું થયું.

કેવી રીતે શરૂ થઈ ઍન્કાઉન્ટરની તપાસ?

2006માં સોહરાબુદ્દીનના ભાઈ રુબાદુદ્દીનએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલે એક પત્ર લખ્યો હતો.

તેમાં તેમણે આ ઍન્કાઉન્ટર મામલે તપાસ કરવા માટે વિનંતી કરી હતી અને કહ્યું હતું કે આ ઍન્કાઉન્ટર નકલી લાગી રહ્યું છે.

2006માં સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

સૌ પ્રથમ આ તપાસ ગુજરાત પોલીસના અધિકારી વી. એલ. સોલંકીના હાથમાં આવી હતી.

તેમણે તુલસીરામ પ્રજાપતિ કે જે રાજસ્થાનની જેલમાં હતો તેની પૂછતાછ કરવાની મંજૂરી માગી હતી.

વી. એલ. સોલંકીએ સોહરાબુદ્દીન અને તેમનાં પત્ની કૌસરબીના અપહરણનો તુલસીરામ પ્રજાપતિ સાક્ષી હોવાના નાતે તેની પૂછતાછ જરૂરી ગણાવી હતી.

સોલંકીએ ડિસેમ્બર 18, 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિની પૂછતાછ માટેની મંજૂરી માગી હતી.

તેના દસ દિવસ બાદ એટલે કે 28 ડિસેમ્બરના રોજ તુલસીરામ પ્રજાપતિનું પણ ઍન્કાન્ટર કરી દેવામાં આવ્યું હતું.

જે બાદ તુલસીનાં માતા નર્મદાબાઈએ સુપ્રીમ કોર્ટમાં આ ઍન્કાઉન્ટરની તપાસ કરવા માટે અરજી કરી હતી.

તુલસી પ્રજાપતિના ઍન્કાઉન્ટર બાદ સુપ્રીમ કોર્ટેના નિર્દેશ અનુસાર 2007માં ગુજરાત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે(સીઆઈડી) તેની તપાસ શરૂ કરી હતી.

સીઆઈડીની તપાસમાં પ્રથમ વખત સામે આવ્યું કે આ ઍન્કાઉન્ટર નકલી હતું અને કૌશરબીની પણ હત્યા કરી નાખવામાં આવી હતી અને તેના મૃતદેહને ઈલોલ નજીક સળગાવી દેવામાં આવ્યો હતો.

સીબીઆઈ પાસે કેવી રીતે આવી તપાસ?

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ તપાસ પૂરતી નથી એટલા માટે આ કેસ ટ્રાન્સફર કરી સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો.

2010માં સીબીઆઈએ આ કેસમાં તપાસની શરૂઆત કરી હતી.

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ પ્રમાણિકપણે ચાલે તે માટે કેસને ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી.

જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી અને કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો.

જુલાઈ 2010માં સીબીઆઈએ રજૂ કરેલી ચાર્જશીટ મુજબ 38 લોકો વિરુદ્ધ ચાર્જશીટ, જેમાં હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે.

અમિત શાહની ધરપકડ અને છૂટકારો

ઇમેજ સ્રોત, Getty Images

સીબીઆઈની ચાર્જશીટમાં નામ આવ્યા બાદ 2010માં અમિત શાહની આ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, જેલમાં ગયા બાદ અમિત શાહને જામીન આપવામાં આવ્યા હતા અને તેવો જેલમાંથી બહાર આવ્યા.

આખરે 2014માં પૂરાવાઓના અભાવને કારણે શાહને આ કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.

અમિત શાહને કોર્ટે એવું કહેતા આ કેસમાંથી મુક્ત કર્યા હતા કે તેમનું નામ માત્ર રાજકીય કારણોસર આ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સિનિયર પોલીસ અધિકારીઓ પણ કેસમાંથી મુક્ત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એમ. એન. દિનેશ પર પણ આ કેસમાં આરોપો હતા

સીબીઆઈનો આરોપ હતો કે જયારે આ કેસ ગુજરાત સીઆઈડી ક્રાઇમ પાસે હતો ત્યારે ગુજરાતના તત્કાલીન ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડે અને તત્કાલીન તપાસની દેખરેખ કરનાર આઈપીએસ અધિકારી ગીથા જોહરી અને ઓ. પી. માથુરે કેસને નુકસાન કરવામાં મહત્ત્વનું કામ કર્યુ હતું.

2014માં અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા સહિત ગુજરાત અને રાજસ્થાનના સિનિયર આઈપીએસ અધિકારીઓ મળીને કુલ 15 વ્યકિતઓને મુંબઈ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે કેસમાંથી હટાવી દીધી હતી.

સોહરાબુદ્દીન નકલી ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પોલીસ અધિકારી અભય ચુડાસમા, રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, પૂર્વ ગુજરાત પોલીસ વડા પી. સી. પાંડે અને સિનિયર પોલીસ અધિકારી ગીથા જોહરીને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.

કુલ 38 વ્યક્તિઓ સામે દાખલ થયેલી ચાર્જશીટમાં 2014થી 2017 વચ્ચે આઈપીએસ અધિકારીઓ અને રાજકારણીઓ મળીને 16 વ્યક્તિઓને આ કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

જે બાદ 21 જુનિયર લેવલના પોલીસ અધિકારીઓ અને એક ફાર્મહાઉસના માલિક સાથે કુલ 22 લોકો પર આરોપો રહ્યા હતા. જેને હવે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 21 ડિસેમ્બર, 2018માં મુક્ત કરી દીધા છે.

ઍન્કાઉન્ટરના કારણે ગુજરાત કાશ્મીર બનવાથી બચી ગયું : વણઝારા

પોલીસ અધિકારી ડી. જી. વણઝારાએ કહ્યું, "અમે કરેલું ઍન્કાઉન્ટર યોગ્ય હતું. પોલીસ રાજકારણીઓ સાથે સંકળાયેલી નહોતી, આ અમારા વિરુદ્ધ ષડયંત્ર છે."

"અમે દિલ્હી અને ગાંધીનગર વચ્ચેની રાજનીતિનો ભોગ બન્યા હતા."

તેમણે એવું પણ કહ્યું કે અમારા ઍન્કાઉન્ટરના કારણે ગુજરાતને રંઝાડી રહેલા આતંકવાદીઓને સ્પષ્ટ મૅસેજ મળ્યો અને આતંકીઓએ ગુજરાતને નિશાન બનાવવાનું બંધ કરી દીધું.

વણઝારાએ કહ્યું, "ગુજરાતમાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા કારણકે મારા જેવા અધિકારીઓ જેલમાં હતા."

તેમણે કહ્યું, "આ ઍન્કાઉન્ટરના કારણે નરેન્દ્ર મોદી પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓનો ભોગ બનવાથી બચી ગયા."

"ઍન્કાઉન્ટરના કારણે જ ગુજરાત કાશ્મીર બનવાથી બચી ગયું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો