શું નરેન્દ્ર મોદીએ ખરેખર ખાદીને લોકપ્રિય બનાવી?

  • ઝુબૈર અહેમદ
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
મહાત્મા ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત ખાદી ભંડારમાં ગ્રાહક ખાદીના વસ્ત્રો ખરીદી રહ્યા છે. કેટલાક લોકો કુર્તા પહેરીને અને કેટલાક લોકો રંગ બેરંગી જાકીટ પહેરીને પોતાના મિત્રો અને સંબંધીઓને પૂછી રહ્યા છે કે કપડાં તેમના પર સારા લાગી રહ્યા છે કે નહીં. ગ્રાહકોની સૌથી વધારે ભીડ જાકીટ ખરીદવામાં લાગેલી હતી.

ખાદી ભંડારમાં હાજર એક મહિલાએ કહ્યું કે તેઓ 25 વર્ષથી ખાદીનાં વસ્ત્રોના ગ્રાહક છે.

તેઓ કહે છે, "મારા વિચારે પહેલાં કરતાં હવે ખાદીના કપડાંમાં વધારે વેરાયટી જોવા મળે છે. તેની ડિઝાઇન પણ વધારે સારી બનવા લાગી છે."

ત્યાં હાજર બધાં જ ગ્રાહકોએ કહ્યું કે ખાદીના કપડાં હવે પહેલાં કરતાં સારા છે.

કેરળથી આવેલા એક યુવકે કહ્યું, "ખાદી હવે કૂલ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ યુવાને એ પણ સલાહ આપી કે ખાદીને એક બ્રાન્ડ-ઍમ્બૅસૅડરની જરૂર છે.

તેઓ કહે છે, "જો ખાદીને કોઈ પ્રખ્યાત સ્પોર્ટ્સ ખેલાડી કે ફિલ્મ સ્ટાર પ્રમોટ કરે તો તેની લોકપ્રિયતામાં વધારો થશે."

ખાદી ગ્રામ ઉદ્યોગના અધ્યક્ષ અનિલ કુમાર સક્સેનાના મતાનુસાર નરેન્દ્ર મોદી તેના બ્રાન્ડ-ઍમ્બૅસૅડર છે, ભલે અનૌપચારિક રીતે પણ, "આજે સ્વતંત્રતાના 70 વર્ષ બાદ જો ખાદીને કોઈ પ્રમોટ કરી રહ્યું છે તો તેઓ નરેન્દ્ર મોદી છે."

ખાદીના બ્રાન્ડ-ઍમ્બૅસૅડર મોદી

ઇમેજ સ્રોત, AFP

ત્રણ વર્ષ પહેલાં અનિલ કુમાર સક્સેના ખાદી ગ્રામ ઉદ્યોગ પંચના અધ્યક્ષ બન્યા હતા. ખાનગી ક્ષેત્રે કામ કરવાના અનુભવ સાથે પંચના અધ્યક્ષ બનવા વાળા તેઓ પહેલી વ્યક્તિ છે.

તેમનો દાવો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને પ્રમોટ કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે.

નરેન્દ્ર મોદી ઘણી વખત ખાદીના કુર્તા અને ખાદી જાકીટમાં જોવા મળે છે. તેમના સમર્થકોમાં તેમના જાકીટની ઓળખ 'મોદી જાકીટ'ના નામે સ્થાપિત થઈ છે.

દરરોજ 700 કરતા વધારે જાકીટનું વેચાણ થાય છે.

વડા પ્રધાને દેશના નામે સાપ્તાહિક ભાષણ 'મન કી બાત'માં પણ ઘણી વખત ખાદીને પ્રમોટ કરી છે.

એક સમય હતો જ્યારે ખાદીના કપડાં મોટા નેતાઓ સાથે જોડાયેલા હતા. હવે તેમાં નવી નવી ડિઝાઇન અને રંગ બેરંગી જાકીટ, કુર્તા અને સાડીઓના કારણે સામાન્ય નાગરિકોમાં તેની લોકપ્રિયતા વધી રહી છે.

મહાત્મા ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલી ખાદી હવે ખૂબ ટ્રેન્ડી માનવામાં આવી રહી છે.

કદાચ એ જ કારણોસર તેની માગ, વેચાણ અને ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2015થી 2018 ફેબ્રુઆરી સુધી ખાદીના વેચાણમાં 31 ટકા વધારો થયો છે.

જ્યારે વર્ષ 1947થી 2014 સુધી સરેરાશ વેચાણમાં વધારો સાત ટકા કરતા વધારે ન હતો.

ખાદીની લોકપ્રિયતા અને વેચાણમાં થયેલા વધારાનાં કારણો પર ટિપ્પણી કરતા સક્સેના કહે છે, "અમે લોકોએ નવાં નવાં ડિઝાઇનર્સને કામ પર લગાડ્યા છે. રિતુ બૈરી જેવા મોટા મોટા નામોને અમારી સાથે જોડ્યા છે."

ડિઝાઇનર્સની કમાલ

સક્સેનાએ જણાવ્યું કે ખાદીને મોટી બ્રાન્ડ સાથે પણ જોડવામાં આવી છે. રેમંડ્સ, આદિત્ય બિરલા અને અરવિંદ મિલ્સ જેવી મોટી મોટી કંપનીઓ સાથે પણ કરાર થયા છે.

ખાદી ઉદ્યોગે કેન્દ્ર સરકારની મદદથી સરકારી હૉસ્પિટલ, સૈનિક શિબિરો અને એર ઇન્ડિયામાં વપરાતા ટુવાલ, ચાદર અને નૅપ્કિનની સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે.

ચરખાની મદદથી, હાથથી બનેલા સુતરાઉ કપડાંવાળી ખાદીની શરુઆત 1920માં મહાત્મા ગાંધીએ કરી હતી.

દેશની સ્વતંત્રતા બાદ ભારતીય નેતાઓએ ખાદીને ગાંધીના સન્માનમાં પહેરવાનું ચાલુ રાખ્યું.

આ સન્માનના કારણે ખાદી પર કેન્દ્ર સરકારે ઇજારાશાહી બનાવી.

વર્ષ 1956માં પાસ થયેલા એક કાયદા અંતર્ગત ખાદીના વેચાણ, તેનું ઉત્પાદન અને તેના પ્રમોશનની જવાબદારી સરકારની છે.

જો કોઈ વ્યક્તિ ખાનગી ધોરણે ખાદીના કપડાં વેચવા માગે છે તો તેણે ખાદી ગ્રામોદ્યોગ પાસેથી પરવાનગી લેવી પડશે.

પરંતુ કેન્દ્ર સરકારની ટીકા કરતા લોકો કહે છે કે વર્ષો સુધી ખાદીની અવગણના કરવામાં આવી.

સરકારે તેને ગાંધીનું પ્રતીક માનીને તેને ઔપચારિકતા માટે ગમે તે રીતે જીવિત રાખી પણ સવાલ એ છે કે, આખરે અધિકારીઓએ ખાદીની લોકપ્રિયતાની શક્યતાઓ શોધવા પૂરો પ્રયાસ કેમ ન કર્યો?

સરકારની સામાન્ય ઉદાસીનતા

સક્સેના કહે છે કે હવે ખાદીનું નસીબ બદલાયું છે. તેમના જણાવ્યા અનુસાર ખાદીને પ્રમોટ કરવા માટે દેશની અંદર અને બહારના દેશોમાં અવનવી રીત અપનાવવામાં આવી રહી છે.

દક્ષિણ આફ્રિકા, રશિયા અને ઘણાં અન્ય દેશોમાં ખાદી વસ્ત્રોના ફેશન શો આયોજિત કરવામાં આવેલા છે.

ખાદીને યુવાનોમાં લોકપ્રિય બનાવવા માટે ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની મદદ લેવામાં આવી રહી છે. નવા પ્રકારના ચરખા વણકરોને આપવામાં આવી રહ્યા છે. ડિમાન્ડ વધારે છે, એ જ હિસાબે પ્રોડક્શન વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ખાદીને ટ્રેન્ડી બનાવવામાં તો આવી રહી છે પણ તેના વધતા ભાવને ઓછાં કરવાના પ્રયાસનો અનુભવ થતો નથી.

સામાન્ય લોકોની પહોંચથી દૂર છે ખાદી

ઇમેજ સ્રોત, FDCI

ખાદી ભંડારમાં હાજર ઘણા ખરીદદારોએ ફરિયાદ કરી કે ખાદી મોંઘી છે.

એક ગ્રાહકે એક નવું જાકીટ પહેરીને કહ્યું, "જુઓ, આ જાકીટ મેં પહેર્યું છે તે 3100 રૂપિયાનું છે. સામાન્ય વ્યક્તિ વિચારે છે કે તેને 200 રૂપિયાનું જાકીટ મળી જાય."

ત્યાં જ હાજર વધુ એક મહિલાએ કહ્યું, "સામાન્ય વ્યક્તિ આ ભાવે ખરીદી કરી શકતી નથી. તેણે સેલની રાહ જોવી પડશે."

અનિલ કુમાર સક્સેના કહે છે, "પ્રોડક્શન વધવાના કારણે ખાદીના વસ્ત્રો સસ્તાં થયાં છે પરંતુ ગ્રાહક આ વાતથી સહમત નથી."

ખાદીના આધુનિકીકરણની પ્રક્રિયા મામલે ભારતીય મીડિયામાં સમાચાર આવ્યા હતા કે ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા 6 લાખ કલાકારો અને મજૂરોએ નોકરી ગુમાવી દીધી.

સક્સેના કહે છે, "આ એકદમ ખોટી વાત છે. 11 લાખ 60 હજાર કારીગરોની સંખ્યા 20 વર્ષોથી હતી (તેમને સરકારી સહાયતા મળતી હતી). શું તે શક્ય છે? કોઈનું મૃત્યુ નથી થયું, કોઈએ લગ્ન નથી કર્યા? આ સંખ્યા ખોટી હતી. ખાદી સંસ્થાઓને મેં કારીગરોની નોંધણી કરવાનું કહ્યું અને જ્યારે તેમના નામે પૈસા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરથી કર્યા તો તે સંખ્યા ઘટીને 4 લાખ 25 હજાર થઈ ગઈ."

આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લીધા હોવાનો અને તેમને બ્લેકલિસ્ટ કરી દીધા હોવાનો સક્સેનાની ટીમનો દાવો છે.

ખાદીની ખ્યાતિ ચોક્કસ વધી ગઈ છે. રંગ, ડિઝાઇન અને કપડાંની ગુણવત્તા સારી બની છે. પરંતુ ખાદીના વસ્ત્રો સામાન્ય વ્યક્તિની પહોંચથી બહાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો