શું મોદી સરકાર નાગરિકોના કૉમ્પ્યૂટર્સ પર બાજ નજર રાખશે?

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

તમારાં અને મારાં કૉમ્પ્યૂટર પર શું ખરેખર હવે સરકારની નજર રહેશે? એમાં આપણો શું ડેટા છે, આપણી ઑનલાઇન ગતિવિધિ શું છે, આપણે કોની સાથે સંપર્ક રાખી રહ્યાં છીએ, આ તમામ ચીજો પર સરકારની નજર રહેશે?

સરકારના આદેશ બાદ સામાન્ય લોકોનાં મનમાં આ પ્રશ્ન ઊઠી રહ્યો છે, જેમાં સરકારે દેશની સુરક્ષા અને ખુફિયા એજન્સીઓને સૌના કૉમ્પ્યૂટરના ડેટા પર નજર રાખવા, તેને સિંક્રોનાઇઝ કરવાના અને તપાસ કરવાના અધિકાર આપ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને દસ એજન્સીઓને આ અધિકાર આપ્યા છે. પહેલાં મોટા ગુનાઓમાં જ કૉમ્પ્યૂટર કે ઑનલાઇન ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી, તપાસ કરાતી હતી અને કૉમ્પ્યૂટર જપ્ત કરાતું હતું.

પણ શું નવા આદેશ બાદ પણ સામાન્ય લોકોને પણ એની અસર થશે?

સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેમના અંગતતાના અધિકારનું હનન થઈ રહ્યું છે.


શું અઘોષિત કટોકટી લાગુ થઈ ગઈ?

વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવ્યો છે. કૉંગ્રેસના રાજ્યસભાના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સરકારના આ નિર્ણય સાથે દેશમાં અઘોષિત કટોકટી લાગુ થઈ ગઈ છે.

જ્યારે સરકારનું કહેવું છે કે એજન્સીઓ પાસે આ અધિકાર પહેલેથી જ છે, સરકારે તો બીજી વખત જાહેરાત કરી છે.

રાજ્યસભામાં આ આરોપો પર નાણામંત્રી અરુણ જેટલીએ સરકાર વતી પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષ સામાન્ય લોકોને ભ્રમમાં નાંખે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું કે આઈટી એક્ટના સેક્શન 69 અંતર્ગત જો કોઈ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે અને રાષ્ટ્રની સુરક્ષા માટે પડકાર હોય તો અધિકાર ધરાવતી એજન્સીઓ કાર્યવાહી કરી શકે છે.

જેટલીએ કહ્યું, "વર્ષ 2009માં યૂપીએ સરકારે નક્કી કર્યું હતું કે કઈ એજન્સીઓને કૉમ્પ્યૂટર પર નજર રાખવાનો અધિકાર રહેશે. સમયાંતરે આ એજન્સીઓની એક યાદી પ્રકાશિત કરવામાં આવે છે અને દર વખતે લગભગ એ જ એજન્સીઓ હોય છે."

"માત્ર એ લોકોનાં કૉમ્પ્યૂટર પર જ નજર રાખવામાં આવે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, અખંડતા માટે પડકાર હોય અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોય છે. સામાન્ય લોકોનાં કૉમ્પ્યૂટર અને ડેટા પર નજર રાખવામાં આવતી નથી."


નવા આદેશની જરૂર કેમ?

Image copyright Getty Images

કૉંગ્રેસે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ મુદ્દે મોદી સરકારને કઠેડામાં ઊભી કરી દીધી.

કૉંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે આરોપ લગાવ્યો છે કે ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની જીત પછી હવે ભાજપ રાજકીય હતાશામાં ઘર-ઘરની અંગત વાતચીત સાંભળવા ઇચ્છે છે.

તેમણે કહ્યું, "આઈટી એક્ટની સેક્શન 69 અંતર્ગત કઈ એજન્સીઓ તપાસ કરશે, તેના આદેશ ક્યારે આપી શકાય એ તમામ બાબતો કેસના આધારે નક્કી થાય છે. સરકાર આ અધિકાર સામાન્ય રીતે ન આપી શકે."

Image copyright Twitter

જયવીર શેરગિલે સવાલ કર્યો કે જો યૂપીએની સરકારમાં જો આ પ્રકારના આદેશ 2009માં આપ્યા હતા તો વર્તમાન સરકારે આ નવા આદેશ આપવાની જરૂર કેમ પડી?

સોશિયલ મીડિયા પર વિવાદ બાદ ભાજપાએ તેમના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલથી આ અંગે સ્પષ્ટીકરણ આપ્યું અને સામાન્ય લોકોને એમાંથી બહાર રાખવાની વાત કરી છે.

પાર્ટીએ લખ્યું છે કે, તપાસના આદેશ વિશેષ પરિસ્થિતિમાં આપવામાં આવે છે અને કોઈનાં કૉમ્પ્યૂટર પર નજર રાખતા પહેલાં ગૃહ મંત્રાલય પાસે તેની પરવાનગી લેવાની હોય છે.

જયવીર શેરગિલની પત્રકાર પરિષદ બાદ સોશિયલ મીડિયામાં #ChowkidarJasoosHai ટ્રેન્ડ શરૂ થયો હતો.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્ટીટ કરીને કહ્યુ કે આ જાહેરાત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અસુરક્ષિત તાનાશાહ ગણાવ્યા હતા.

અરવિંદ કેજરીવાલ અને ચંદ્રાબાબૂ નાયડૂએ પણ સરકારની ટીકા કરી છે. કેજરીવાલે કહ્યુ કે ભારત 2014થી અઘોષિત કટોકટીમાં છે અને આખરના મહિનાઓમાં મોદી સરકારે નાગરિકોના કમ્પ્યુટર્સ પર નજર રાખીને તમામ મર્યાદાઓ ઓળંગીન દીધી છે.આઈટી એક્ટ 2000 શું છે?

ભારત સરકારે આઈટી એક્ટ કાયદા સંબંધે જાહેરનામું 9 જૂન 2000ના રોજ પ્રકાશિત કર્યું હતું.

આ કાયદાની સેક્શન 69માં આ અંગે ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર સર્જે છે અને દેશની અખંડતા વિરુદ્ધ કામ કરે છે તો સક્ષમ એજન્સીઓ તેમનાં કૉમ્પ્યૂટર અને ડેટા પર નજર રાખી શકે છે.

કાયદાના સબ-સેક્શન 1માં આ અધિકાર કોને આપી શકાય એ નક્કી કરવાની છૂટ સરકારને આપી છે.

જ્યારે સબ-સેક્શન 2માં જો કોઈ અધિકાર ધરાવતી એજન્સી કોઈને સુરક્ષા સંલગ્ન બાબતમાં બોલાવે તો તેમણે એજન્સીને સહયોગ આપવો પડશે અને તમામ માહિતીઓ આપવી પડશે.

સબ-સેક્શન 3માં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ એજન્સીને સહયોગ ન આપે તો તેમને સજા પણ થઈ શકે. એમાં સાત વર્ષ સુધીની જેલની પણ ભલામણ છે.


કઈ એજન્સીઓને અધિકાર આપ્યો?

શુક્રવારના જાહેરનામામાં કુલ 10 સુરક્ષા અને ખુફિયા એજન્સીઓને કૉમ્પ્યૂટર અને આઈટી સામાનો પર નજર રાખવાનો અધિકાર આપ્યો છે.

અધિકાર આપ્યા છે, તે એજન્સીઓ -

  1. ઇંટેલિજન્સ બ્યૂરો
  2. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો
  3. ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ
  4. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સેઝ
  5. ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇંટેલિજન્સ
  6. સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન
  7. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી
  8. કૅબિનેટ સેક્રેટેરિયેટ (રૉ)
  9. ડાયરેક્ટરેટ ઑફ સિગ્નલ ઇંટેલિજેન્સ
  10. કમિશ્નર ઑફ પોલીસ, દિલ્હી

નજર રાખવાનો ઇતિહાસ

Image copyright Getty Images

ટૅકનિક થકી ગુનાહિત ગતિવિધિઓને કોઈ અંજામ ન આપી શકે, એ માટે આશરે સો વર્ષ પહેલાં ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ બનાવાયો હતો.

આ એક્ટ અંતર્ગત એ વખતે સુરક્ષા એજન્સીઓ ટેલિફોન પર થતી વાતચીત ટૅપ કરતી હતી.

સંદિગ્ધ લોકોની વાતચીત જ સુરક્ષા એજન્સીઓની નજરમાં રહેતી હતી. ત્યારબાદ તકનીકી પ્રગતિ થઈ, કૉમ્પ્યૂટરનું ચલણ વધ્યું અને એ દ્વારા ગુનાઓને અંજામ આપવા લાગ્યા, વર્ષ 2000માં ભારતીય સંસદે આઈટી કાયદો બનાવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો