BBC Top News : રાજીવ ગાંધી પાસેથી ભારત-રત્ન પરત લેવા દિલ્હી વિધાનસભામાં ઘમસાણ

રાજીવ ગાંધી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

રાજીવ ગાંધી

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીની સત્તા ધરાવતી દિલ્હી વિધાનસભામાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને મળેલું ભારત રત્ન સન્માન પરત લેવાની કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરતો પ્રસ્તાવ કરી દીધો હતો.

આમ આદમી પાર્ટીએ તેમનાં ધારાસભ્ય અલકા લાંબાનું ધારાસભ્ય પદેથી અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું માગ્યું છે.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી લખ્યું છે કે અલકા લાંબાએ વિધાનસભામાં રાજીવ ગાંધીને શીખ વિરોધી હિંસાને યોગ્ય ગણાવતી વ્યક્તિ ગણાવી હતી અને તેમની પાસેથી ભારત રત્ન પરત લેવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવે એવી માગ કરી હતી.

જોકે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં જે માગ કરવામાં આવી, તે આમ આદમી પાર્ટીનું સત્તાવાર સ્ટૅન્ડ નહોતું.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબાએ આ માગ કરી હતી, જે બદલ તેમનું રાજીનામું માગી લેવાયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે આ અંગે એવી દલીલ કરાઈ રહી છે કે 1984ની શીખ-વિરોધી હિંસા અંગે જે પ્રસ્તાવ ધારાસભ્ય જરનૈલ સિંહે રજૂ કર્યો હતો, એમાં રાજીવ ગાંધી અને ભારત રત્નનો ઉલ્લેખ નહોતો.

ધારાસભ્ય સોમનાથ ભારતીએ પાછળથી પેનથી લખીને એમાં રાજીવ ગાંધી અને ભારત રત્નનો ઉલ્લેખ કર્યો હતો.

નસીરુદ્દીન શાહનો કાર્યક્રમ લિટરેચર ફૅસ્ટમાં રદ

ઇમેજ સ્રોત, Getty Images

હિંદુવાદી સંગઠનોના વિરોધના કારણે પાંચમાં અજમેર લિટરેચર ફૅસ્ટિવલ - 2018માંથી અભિનેતા નસીરુદ્દીન શાહનો કાર્યક્રમ આયોજકોએ રદ કર્યો છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ત્રણ દિવસ સુધી ચાલનાર આ ફૅસ્ટિવલમાં શુક્રવારે નસીરુદ્દીન મુખ્ય વક્તા તરીકે હાજર રહેવાના હતા.

જોકે વિરોધના કારણે તેઓ હાજર ન રહી શક્યા.

નસીરે બુલંદશહર હિંસા અંગે આપેલા નિવેદનથી વિવાદ છેડાયો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં પોલીસ અધિકારીની હત્યા કરતાં ગાયની હત્યાને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે.

મોદીએ કરેલા 84 વિદેશ પ્રવાસમાં એક પણ મંત્રીને સ્થાન નહીં

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીનો એક એક્સલુસિવ અહેવાલ જણાવે છે સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો ખર્ચ તો જાહેર કર્યો પણ એમાં કોણ કોણ મંત્રીઓ સામેલ હતા એ માહિતી છુપાવી છે.

માહિતી અધિકાર કાયદા હેઠળ રાજયસભાના સભ્ય બિનોય વિસ્વમે માગેલી માહિતીમાં નરેન્દ્ર મોદીની સાથે કયા કયા મંત્રીઓ વિદેશ પ્રવાસમાં જોડાયા હતા તે સવાલનો જવાબ સરકાર દ્વારા ટાળવામાં આવ્યો હતો.

અગાઉ વિદેશ રાજયમંત્રી જનરલ વી.કે. સિંહે વડા પ્રધાનના વિદેશ પ્રવાસ અને ખર્ચની વિગતો આપી હતી.

અમેરિકન શેર બજારમાં દસકાનો મોટો કડાકો

ઇમેજ સ્રોત, Getty Images

ચીન સાથે વેપારમાં તણાવ, વ્યાજદરોમાં વધારો અને ફેડરલ સરકાર શટડાઉન થવાના ભયને પગલે અમેરિકાના સ્ટૉક માર્કેટમાં દસકાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે એમ બીબીસીનો અહેવાલ જણાવે છે.

અમેરિકાના ત્રણે મુખ્ય બજારોમાં મોટો ઘટાડો થયો છે. જેમાં, નાસ્ડેક 20 ટકા, એસ. એન્ડ પી 500માં 7 ટકા અને ડો જોન્સમાં 6.8 ટકા બજાર તૂટયું હતું.

આ દરમિયાન અમેરિકામાં વાટાઘાટો નિષ્ફળ જતાં શટ ડાઉનની ભીતિ વધારે ઘેરી બની છે એમ ન્યૂ યોર્ક ટાઇમ્સની વેબસાઇટ જણાવે છે.

યૂએનની 'સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ ગોલ્સ'ની યાદીમાં ગુજરાત આઠમાં ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારે નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન્સ (યૂએન) દ્વારા 'સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ ગોલ્સ'(એસ.ડી.જી.)ની યાદી જાહેર કરવામાં આવી છે.

'લાઇવ-મિન્ટ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ યાદીમાં ગુજરાત રાજ્ય આઠમાં ક્રમે છે. પ્રથમ ક્રમે હિમાચલ પ્રદેશ, બીજા ક્રમે કેરળ અને ત્રીજા ક્રમે ચંદીગઢ છે.

આ યાદીમાં ગરીબી અને અસમાનતાને ઘટાડવાના પ્રયત્નો ઉપરાંત આરોગ્યસેવાઓ, જાતીય-સમાનતા, શિક્ષણ, શાંતિ અને સલામતી સહિતની બાબતોને ધ્યાને લેવામાં આવે છે.

રાજ્યોની યાદીમાં આસામ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો પાછળ રહી ગયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો