GST કાઉન્સિલની 31મી બેઠક બાદ રોજબરોજની કઈ પ્રોડક્ટ્સ સસ્તી થશે?

જીએસટી કાઉન્સિલ Image copyright Getty Images

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 31મી બેઠક મળી હતી.

જેમાં અનેક આઇટ્મ્સને 28 ટકાના સર્વોચ્ચ દરમાંથી હટાવી લેવામાં આવી છે.

આ બેઠક બાદ ઍરકન્ડીશનર તથા ટેલિવિઝન સસ્તા થશે, જોકે, વૈભવી ચીજો પર સર્વોચ્ચ કરદર યથાવત્ રહેશે.

નવા કરદર પહેલી જાન્યુઆરી 2019થી લાગુ થશે.

આગામી બેઠકમાં ફિટમૅન્ટ કમિટી દ્વારા રિઅલ એસ્ટેટની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.


શું સસ્તું બનશે અને શું મોંઘું?

Image copyright Getty Images

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે :

31મી જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ)ની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મોનિટર્સ, ટાયર, ટેલિવિઝન સ્ક્રિન્સ, પાવરબૅન્કમાં વપરાતી લિથિયમ-આયન બૅટરી પર 18 ટકા ટૅક્સ લાગશે.

અગાઉ તેની ઉપર 28 ટકાનો સર્વોચ્ચ દર લાગતો હતો.

દિવ્યાંગજનો માટે ઉપયોગમાં આવતાં સાધનો અને ચીજો અને ધાર્મિક યાત્રા પર પાંચ ટકાનો નીચલો દર લાગુ પડશે.

રૂ. 100થી નીચેના દરની સિનેમા ટિકિટ્સ પર 12 ટકા તથા રૂ. 100થી વધુની ટિકિટ્સ પર 18 ટકા (અગાઉ આ દર 28 ટકા હતો) જીએસટી લાગશે.

જેટલીના કહેવા પ્રમાણે, આ ઘટાડાથી સરકારી તિજોરી ઉપર રૂ. 5,500 કરોડનું ભારણ પડશે.

તમે આ વાંચ્યું કે નહીં?

નવી જાહેરાતો બાદ હવે માત્ર 34 ચીજો પર 28 ટકાનો સર્વોચ્ચ જીએસટી દર લાગુ પડશે.

જેટલીના કહેવા પ્રમાણે, આ ચીજો 'વૈભવી' કે 'સીન આઇટમ' (નશા કે આરોગ્ય માટે હાનિકારક વ્યસનોને સીન આઇટમ્સ્ તરીકે ઓળખવામાં આવે છે.) હોવાથી તેની ઉપર આ દર લાગુ કરવામાં આવ્યો છે.

જેટલીના કહેવા પ્રમાણે, માત્ર સિમેન્ટ સિવાયની પ્રોડક્ટ્સ સમાજના ઉચ્ચ તબક્કા દ્વારા વાપરવામાં આવે છે.

જેમજેમ અનુકૂળતા થશે, તેમ-તેમ સિમેન્ટને પણ 18 ટકાના દર હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાઉન્સિલની બેઠકમાં સાત પ્રધાનોની સમિત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આવકની પેટર્ન, ઘટાડાના કારણો અને જરૂરી સુધારનો અભ્યાસ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ