BBC Top News : પાક.ના વડા પ્રધાનને નસિરુદ્દીન શાહનો જવાબ તમે તમારા દેશનું જુઓ

નસીરુદ્દીન

ઇમેજ સ્રોત, Getty Images

નસિરુદ્દીન શાહની ટિપ્પણી પર ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઝુકાવતા કલાકાર નસિરુદ્દીન શાહે એમને પોતાના દેશનું ધ્યાન રાખવાનું કહ્યું છે એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

અગાઉ નસિરુદ્દીન શાહની ટિપ્પણી પર વિવાદ થતા એમનો અજમેર સાહિત્ય ઉત્સવમાં હાજરીનો કાર્યક્રમ રદ થયો હતો. આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાને આ વિવાદમાં ટોણો મારતા કહ્યું હતું, "લઘુમતીઓનું કેવી રીતે ધ્યાન રાખવું તે અમે મોદી સરકારને દર્શાવીશું,ભારતમાં પણ લઘુમતીઓને સમાન નાગરિકની રીતે જોવામાં નથી આવતી."

નસિરુદ્દીન શાહે આ ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે "મિસ્ટર ખાને એમને લેવાદેવા ન હોય એવા મુદ્દા પર વાત કરવાને બદલે પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ."

"અમે 70 વર્ષથી લોકશાહી દેશ છીએ અને પોતાની સંભાળ કેવી રીતે રાખવી એ અમને આવડે છે."

23 ચીજો પર જીએસટીના દર ઘટ્યા

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે જીએસટી કાઉન્સિલે 23 ચીજોના ભાવ ઘટાડ્યા છે. 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યૉરન્સ, પાવર બૅન્ક્સ, હજ અને માનસરોવર યાત્રાની ફ્લાઇટના દરો સહિતની ચીજોના ભાવ ઘટશે.

અહેવાલમાં નોંધ્યું છે મળી રહેલા સંકેતો પ્રમાણે અન્ય ચીજોના ભાવ પણ નજીકના ગાળામાં ઘટી શકે છે.

આગામી તબક્કામાં અંડર કન્સ્ટ્રક્શન ઘરોના ભાવ પણ ઘટવાની શક્યતા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જીએસટીના અમલકીરણને 18 મહિના થયા છે અને અત્યાર સુધીમાં 360 જેટલી ચીજવસ્તુઓ પર જીએસટીના દર કાઉન્સિલે ઘટાડ્યા છે.

અહેવાલ પ્રમાણે હવે માત્ર 28 જ એવી ચીજવસ્તુઓ છે કે જે 28 ટકાના સ્લેબ હેઠળ આવે છે.

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે અમે જીએસટીના દરો ઘટાડી રહ્યા છે અને 28 ટકાનો સ્લેબ ખતમ થવાના આરે છે.

2019માં ઘટી શકે છે ભાજપની 100 બેઠકો

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીનો એક અહેવાલ ચૂંટણી નિષ્ણાત અને સ્વરાજ ઇન્ડિયાના સ્થાપક યોગેન્દ્ર યાદવને ટાંકીને જણાવે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની 100 બેઠકો ઘટી શકે છે.

યાદવે પાંચ રાજયોનાં પરિણામનો હવાલો આપીને કહ્યું કે "ભાજપની લોકપ્રિયતા તો ઘટી જ છે પણ એ સાથે વડા પ્રધાન મોદીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે."

આ સાથે એમણે એમ પણ કહ્યું કે "કૉંગ્રેસની ઊંઘ હજી ઊડી નથી. જો એ ફક્ત આ પરિણામોને આધારે એમ માને કે તે 2019ની ચૂંટણીઓ જીતી શકે છે તો તેઓ મુરખાઓનાં સ્વર્ગમાં રહે છે."

પ્રવાસે નીકળેલી બસ ખીણમાં ખાબકતાં 10 બાળકોનાં મૃત્યુ

સુરતના ટ્યુશન કલાસના વિદ્યાર્થીઓને લઈને પ્રવાસે નીકળેલી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં 10 બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં 72 બાળકોને લઈને પ્રવાસે નીકળેલી બસ ખાબકી હતી.

10 બાળકોની સ્થિતિ હજુ નાજુક હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.

બાળોકનાં ચીસો સાંભળીને આસપાસ હાજર લોકોએ વન વિભાગના અધિકારીઓ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

અંધારામાં સ્થાનિકોએ મોબાઇલની ફ્લેશ લાઇની મદદથી બચાવ કામગીરી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો