કિસાનદિવસ : ખેડૂતનેતા ચૌધરી ચરણસિંહે જ્યારે ઇંદિરા ગાંધીને જેલમાં ધકેલ્યાં

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
ચૌધરી ચરણ સિંહ અને ગાયત્રી દેવી

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

ચૌધરી ચરણસિંહ ફકત એક રાજકારણી, એક ખેડૂત નેતા, એક પક્ષના અધ્યક્ષ કે એક પૂર્વ વડા પ્રધાનનું નામ જ નથી, ચરણસિંહ એક વિચારધારાનું નામ પણ હતા.

ચરણસિંહની રાજનીતિમાં અતડાપણું કે કપટ નહોતું બલરે જે એમને સારું લાગતું એને તેઓ છાતી ઠોકીને સારું કહેતા અને જે ખરાબ લાગતું એને ખરાબ કહેવામાં કોઈ શરમ નહોતા રાખતા.

જેમણે ચરણસિંહને ખૂબ નજીકથી જોયા છે એવા વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી કહે છે, "એમનું વ્યક્તિત્વ રુઆબદાર હતું, જેની સામે બોલવાની લોકોની હિંમત નહોતી ચાલતી."

"એમના ચહેરા પર કાયમ પુખ્તતા જોવા મળતી. કાયમ ગંભીર સંવાદ કરતા હતા. બહુ ઓછું હસતા. હું માનું છું કે બે-ચાર લોકોએ જ તેમને ખડખડાટ હસતા જોયા હશે."

"તેઓ આદર્શોના પાકા હતા અને સ્વચ્છ-સરળ રાજનીતિ કરતા હતા."

કુરબાન અલી કહે છે, "રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેઓ મહાત્મા ગાંધી અને કૉંગ્રેસની માટીમાં તપ્યા હતા."

"વર્ષ 1937થી લઈને 1977 સુધી તેઓ છપરોલી-બાગપત ક્ષેત્રથી સતત ચૂંટાયા હતા. વડા પ્રધાન બન્યા પછી પણ મેં કદી એમની સાથે કોઈ લાવ-લશ્કર હોય તેવું નથી જોયું."

"તેઓ સાધારણ ઍમ્બેસેડર ગાડીમાં પ્રવાસ કરતા હતા. હવાઈ મુસાફરીની વિરુદ્ધ હતા અને વડા પ્રધાન બન્યા બાદ પણ લખનૌ ટ્રેનથી જતા."

"જો ઘરમાં કોઈ વધારાનો બલ્બ સળગતો દેખાતો તો ઠપકો આપી તરત જ બંધ કરાવતા."

"હું તો કહીશ કે ચૌધરી ચરણસિંહ ભારતીય રાજનીતિની એવી વ્યક્તિ હતી કે જેમણે ઓછામાં ઓછું લીધું અને વધુમાં વધુ આપ્યું."

કબીરના અનુયાયી હતા ચરણસિંહ

ચૌધરી ચરણસિંહનો લોકો સાથેનો સંબંધ બે પ્રકારનો બની શકતો હતો.

'કાં તો તમે એમને નફરત કરી શકો, કાં તો ભરપૂર પ્રેમ.' એમની પાસેથી તમને કાં તો આકરો ગુસ્સો મળતો અથવા તો અગાઢ સ્નેહ.

એમનો વ્યવહાર કાચ જેવો પારદર્શક અને ગ્રામીણ વડીલ જેવો રહેતો.

ચૌધરી ચરણસિંહના આર્કાઇવ્સનું કામ જોઈ રહેલા તેમના પૌત્ર હર્ષસિંહ લોહિત એમના વ્યક્તિત્વનાં કેટલાંક અન્ય પાસાંઓ તરફ પ્રકાશ પાડે છે.

હર્ષસિંહ કહે છે, "જૂજ લોકોને જ ખબર છે કે તેઓ સંત કબીરના મોટા અનુયાયી હતા. કબીરના અનેક દુહાઓ તેમને કંઠસ્થ હતા."

"તેઓ ધોતી અને ગ્રામીણ કપડાં પહેરતાં હતાં. કાંડે એક જૂની એચએમટી ઘડિયાળ બાંધતા હતા ને એ પણ ઊંધી બાંધતા. તેઓ સો ટકા શાકાહારી હતા અને તમાકુ કે સિગારેટના સેવનનો તો કોઈ સવાલ જ નથી."

હર્ષસિંહ લોહિત કહે છે, "જો એમને ખબર પડે કે તમારો શરાબ સાથે કોઈ સંબંધ છે તો તમારી અને એમની કયારેય વાત ન થઈ શકે.”

“જયારે કોઈ પણ એમના ઘરે આવે તો ખૂબ જ આદર સાથે એમને વળાવવા જતા અને જયાં સુધી ગાડી નીકળી ન જાય ત્યાં સુધી ત્યાં જ ઊભા રહેતા."

"ઘણી વાર તો એવું થતું કે ગામડેથી આવેલી કોઈ વ્યકિત અમારી ઓળખીતી ન પણ હોય તો એ પોતાની ગાડીથી એમને સ્ટેશન મોકલવા કહેતા. દિલ્હીમાં તેઓ તઘલઘ રોડ પર રહેતા હતા."

હર્ષસિંહ વધુમાં કહે છે, "મારા પિતા સરકારી નોકર હતા અને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા.”

“અમે લોધી સ્ટેટમાં રહેતા હતા અને અમારા ઘરો વચ્ચે ફકત દસ મિનિટનું અંતર હતું. તેઓ ઘણી વાર અમારાં માતાપિતાને પોતાના ઘરે બોલાવી લેતાં."

"એક જમાનામાં દિલ્હી વિશ્વવિદ્યાલયનાં ઉપ-કુલપતિ ડૉ. સરુપસિંહ સાથે મળીને બધા કૉર્ટ પીસ (પત્તાની એક રમત) રમતા હતા."

"સાંજે કલાક-દોઢ કલાકની આ રમત અને હસીમજાક એમનો તણાવ ઓછો કરવાનો રસ્તો હતો."

રડતી આંખે છોડી કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

સતત 40 વર્ષ કૉંગ્રેસના સભ્ય રહ્યા પછી એમણે વર્ષ 1967માં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને એક વર્ષ બાદ ભારતીય ક્રાંતિ દળની રચના કરી હતી.

કુરબાન અલી કહે છે કે, "ચૌધરી ચરણસિંહ ખૂબ ભણેલા હતા.”

“વર્ષ 1946માં તેઓ સંસદીય સચિવ હતા, જેનો દરજ્જો મંત્રીનો હતો. ત્યારબાદ તેઓ સતત કૅબિનેટ મંત્રીપદે રહ્યા."

“જયારે સુચેતા કૃપલાણી મુખ્ય મંત્રી બન્યાં, ત્યારે એમને લાગ્યું કે કદાચ એમને પાછળ છોડી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે."

"એ જ સમયે બિન-કૉંગ્રેસવાદની રાજનીતિ શરૂ થઈ. કૉંગ્રેસના સી. બી. ગુપ્તાએ સરકાર બનાવી લીધી.”

“એ વખતે વિચારવામાં આવ્યું કે જો કોઈ કૉંગ્રેસી નેતા 10-12 ધારાસભ્યો સાથે છેડો ફાડીને આવી જાય તો બિન-કૉંગ્રેસી સરકાર બની શકે છે."

કુરબાન અલી વધુમાં કહે છે, "જયારે ચૌધરી ચરણસિંહની વાત સ્થાનિક વિપક્ષના નેતાઓ સાથે થઈ તો એમણે કહ્યું મને તમારી પર ભરોસો નથી, તમારા કેન્દ્રીય નેતાઓ સાથે વાત કરાવો.”

“પછી એમની વાત રામ મનોહર લોહિયા અને અટલ બિહારી વાજપેયી સાથે કરાવવામાં આવી. એમણે કહ્યું, ચૌધરીસાહેબ તમે હિંમત કરો અને કૉંગ્રેસ છોડો, અમે આપને મુખ્ય મંત્રી બનાવીશું."

"જ્યારે 1 એપ્રિલ, 1967માં એમણે કૉંગ્રેસ છોડી ચોધાર આંસુએ રડતાં ભાષણ આપ્યું કે આખું જીવન એમણે કૉંગ્રેસની સંસ્કૃતિમાં વિતાવ્યું છે અને હવે એને છોડતા ખૂબ તકલીફ થઈ રહી છે."

"બે દિવસ પછી ચૌધરીસાહેબે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા અને એમના નેતૃત્વમાં રાજયમાં પહેલી બિન-કૉંગ્રેસ સરકાર બની.”

“એ સરકારમાં જન સંઘ પણ ભાગીદાર હતો, સોશિયાલિસ્ટ પણ હતા, પ્રજા સોશિયાલિસ્ટ પણ હતા, કૉમ્યુનિસ્ટ પાર્ટી પણ હતી અને સ્વતંત્ર પાર્ટી પણ હતી."

ચરણસિંહના સમર્થનથી મોરારજી દેસાઈ PM બન્યા

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

વર્ષ 1977માં કટોકટીકાળ પૂરો થતાં જનતા પાર્ટીની રચનામાં ચરણસિંહની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

કુરબાન અલી જણાવે છે, "એમના સમર્થનથી જ બાબુ જગજીવન રામને બદલે મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા.“

“એ સમયે ચૌધરીસાહેબ વૅલિંગ્ટન હૉસ્પિટલમાં દાખલ હતા. જનતા પાર્ટીના તમામ સાંસદોને જયપ્રકાશ નારાયણે ગાંધી પીસ ફાઉન્ડેશન પર બોલાવેલા હતા."

"ત્યાં નેતા નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખવાની હતી. એ વખતે એક રમત રમવામાં આવી, જેમાં રાજ નારાયણનો ઉપયોગ કરવામાં આવ્યો.”

“સાંસદોને કહેવામાં આવ્યું કે જો તમે મોરારજી દેસાઈનું સમર્થન નહીં કરો તો જગજીવન રામ વડા પ્રધાન બની જશે."

"ઘણાં સાંસદોએ મને કહ્યું હતું કે ચૌધરીસાહેબે પાછળથી એમની ભૂલ સ્વીકારી હતી અને જગજીવન રામની પણ માફી માગી હતી કે એમના લીધે તેઓ વડા પ્રધાન ન બની શકયા."

મોરારજી દેસાઈ સાથેની કડવાશ

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

પરંતુ જે મોરારજી દેસાઈની સરકારને રચવા ચરણસિંહે ભૂમિકા ભજવી હતી એ સરકારને તોડવામાં પણ એમની મહત્ત્વની ભૂમિકા રહી.

બે વર્ષથી ઓછા સમયમાં બિન-કૉંગ્રેસી સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો અને મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડયું.

પૂર્વ કાયદામંત્રી શાંતિ ભૂષણ પોતાની આત્મકથા "કૉર્ટિંગ ડેસ્ટીની"માં ચરણસિંહ અને મોરારજી દેસાઈના સંબંધોના કડવાશની વાત કંઈક આ રીતે કરે છે.

"વર્ષ 1978 આવતા સુધીમાં તો ચરણસિંહનો તખ્તો પલટાઈ રહ્યો છે એ વાતે જોર પકડી લીધું હતું.”

“એ જ દિવસોમાં ચૂંટણી સુધારા માટે મંત્રીમંડળની એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં ચરણસિંહ, લાલકૃષ્ણ અડવાણી, પ્રતાપચંદ્ર ચૂડ અને હું પોતે સભ્યો હતા."

ભૂષણ લખે છે કે "આ સમિતિની બેઠક નિયમિત રીતે 11 વાગે થતી હતી, પણ એક દિવસ ચરણસિંહ મોડા પડ્યા અને અમને બધાને રાહ જોતા જોઈ ખૂબ ભોંઠા પડ્યા."

"પછી એમણે કહ્યું કે એમને કે કેમ એમને મોડું થયુ. જ્યારે તેઓ ગાડીમાં બેસી રહ્યા હતા, ત્યારે એક પત્રકારે એમને સવાલ કર્યો કે તમે વડા પ્રધાન બનવા માટે ખૂબ તત્પર છો?”

“આ વાત પર ચરણસિંહ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખવી એમાં ખોટું શું છે?"

"ઊલટું એમણે એ પત્રકારને સવાલ કર્યો કે શું તમે એક સારા અખબારના તંત્રી બનવાનું પસંદ નહીં કરો? જો તમે એવું નથી વિચારતા તો તમારું જીવન નિરર્થક છે.”

“પછી એમણે એ પત્રકારને કહ્યું કે હું એક દિવસ આ દેશના વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા જરૂર રાખું છું, પરંતુ એનો અર્થ એ નથી કે હું મોરારજી દેસાઈને એમના પદ પરથી હઠાવવા કોઈ ષડ્યંત્ર રચી રહ્યો છુ."

"ચરણસિંહ આટલેથી અટકયા નહીં એમણે કહ્યું કે એક દિવસ મોરારજી દેસાઈ ગુજરી જાય અને ત્યારે હું વડા પ્રધાન બનું તો એમાં એમાં શું ખોટું છે?”

“મને લાગ્યું કે કોઈ જીવિત વ્યક્તિના મોત વિશે કોઈ આવી રીતે વાત નથી કરતું. મને આશ્ચર્ય થયું કે ચૌધરીસાહેબ મોરારજી દેસાઈની મોત વિશે આટલી સહજતાથી વાત કરી રહ્યા હતા."

પાર્ટી તોડવા માટે મજબૂર થયા ચરણસિંહ

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

પરંતુ એ સમયે ચરણસિંહની નજીક રહેલા જનતા દળના(યૂ)ના પૂર્વ નેતા કે. સી. ત્યાગી માને છે કે ચરણસિંહ સામે એવી પરિસ્થિતિઓ ઊભી કરી દેવામાં આવી જેને લીધે એમની પાસે પાર્ટી તોડવા સિવાય કોઈ રસ્તો ન બચ્યો.

કે. સી. ત્યાગી કહે છે, "જે લોકો પાર્ટી બનાવવાની વિરુદ્ધ હતા તે લોકો પાર્ટીના માલિકો બની ગયા.”

“ચૌધરી ચરણસિંહના નેતૃત્વમાં 100થી વધારે સંસદ સભ્યો આવ્યા હતા અને બે મોટાં મંત્રાલયો આપીને લોક દળને ફોસલાવાની કોશિશ કરવામાં આવી."

"જેમનાં માંડ 20-22 સાંસદો હતા તેવા મોરારજીના સાત કૅબિનેટમંત્રી બનાવવામાં આવ્યા.”

“પહેલા દિવસથી જ ભારતીય જન સંઘ, ચંદ્રશેખરના નેતૃત્વનું જૂથ અને મોરારજી દેસાઈ ચરણસિંહને નબળા પાડવાની કવાયતમાં લાગી ગયા હતા."

"ખેડૂતોના હિતોની પણ અવગણના થતી રહી અને એક સ્થિતિ એવી આવી અમારા માટે જનતા પાર્ટીમાં રહેવું ગુલામી જેવું બની ગયું.”

“ચૌધરી ચરણસિંહના બનાવેલા મુખ્ય મંત્રીઓ જન સંઘ અને અન્ય નેતાઓનાં ષડ્યંત્રોથી હઠાવવામાં આવ્યા."

"ઉત્તર પ્રદેશથી રામ નરેશ યાદવ, બિહારથી કર્પૂરી ઠાકુર અને હરિયાણાથી દેવીલાલને હઠાવીને ખેડૂત વિરોધી અને પછાતવર્ગ વિરોધી સરકારો બનાવવામાં આવી, ત્યારે અમારી પાસે પાર્ટીથી અલગ થવા સિવાયનો કોઈ બીજો રસ્તો ન રહ્યો."

ઇન્દિરા ગાંધીની ધરપકડ કરાવી

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

ચરણસિંહ જ્યારે ગૃહમંત્રી હતા, ત્યારે ઇન્દિરા ગાંધીની ધરપકડનો આદેશ આપ્યો તો એના પર અનેક સવાલો કરવામાં આવ્યા.

જોકે, બીજા જ દિવસે અદાલતે એમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કુરબાન અલી કહે છે, "ઇન્દિરા ગાંધી સામે એમને પૂર્વગ્રહ તો પહેલા દિવસથી જ હતો.”

“એમનું માનવું હતું કે કટોકટીમાં જે રીતે ઇન્દિરા ગાંધીએ એક લાખ લોકોને ખોટા કેસો કરીને જેલમાં બંધ કરી દીધા હતા એવી જ રીતે ઇન્દિરા ગાંધીને પણ જેલમાં બંધ કરવા જોઈએ."

"એક વાર તો એમણે એવી આકરી વાત કરી કે હું તો ઇચ્છુ છું કે ઇન્દિરા ગાંધીને કનૉટ પ્લેસમાં (દિલ્હીનો પોશ વિસ્તાર) ઊભા કરીને કોરડા મારવામાં આવે.”

“લોકો એમને સમજાવતા હતા કે લોકતંત્રમાં જનતા એમને ચૂંટણીમાં હરાવી દે એ જ સૌથી મોટી સજા હોય છે.”

“જનતાએ એમની વિરુદ્ધ ફેંસલો આપી દીધો છે, પરંતુ જો તમે એમને વધારે હેરાન કરશો તો એનો રાજકીય ફાયદો એમને જ મળશે."

"આ મામલે મોરારજી દેસાઈ પણ એમની સાથે હતા. એમણે શાહ કમિશન બનાવ્યું હતું.”

“શાહ કમિશનમાં ઇન્દિરા ગાંધી સામે રોજ ગવાહીઓ અને બયાન લેવાતાં હતાં. આખરે તેઓ ઇન્દિરા ગાંધીને જેલ મોકલીને જ રહ્યા."

સરકાર બનાવવા માટે કૉંગ્રેસનો સહારો

જનતા પાર્ટી તૂટ્યા પછી સરકાર બનાવવા માટે કૉંગ્રેસનો સહારો લીધો એ વખતે પણ ચરણસિંહની ઘણી ફજેતી થઈ, કેમ કે થોડા દિવસોમાં જ એમણે સમર્થન પાછું લઈ લીધું.

કુરબાન અલી કહે છે, "આ એમની બાળસહજ ચેષ્ટા હતી. એ સમયે સંજય ગાંધી સક્રિય હતા.”

“જનતા પાર્ટીને પૂરી રીતે તોડી નાખવી એ જ એમનો હેતુ હતો. રાજનારાયણ તો પહેલેથી જ જનતા પાર્ટીમાંથી હાંકી કઢાયા હતા.”

“ચૌધરીસાહેબને તો પાછા લઈ લેવામાં આવ્યા, પણ જયારે રાજનારાયણને પાછા લેવાની વાત આવી, ત્યારે મોરારજી દેસાઈએ સ્પષ્ટ ના પાડી દીધી."

"એમને સ્થાને રવિ રાયને લાવીને આરોગ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. રાજનારાયણ ખૂબ જ વિનાશકારી રાજનીતિ કરતા હતા."

કુરબાન અલી કહે છે, "જનતા પાર્ટીમાં ઝઘડાઓ ખૂબ વધી રહ્યા હતા. એકમેક સામે લેખો લખાઈ રહ્યા હતા અને નિયમભંગ વધી રહ્યો હતો."

"પરંતુ ચરણસિંહ ચૌધરીએ છેલ્લા સમય સુધી પોતાની જાતને આનાથી અલિપ્ત રાખી હતી. જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનાર તેઓ છેલ્લી વ્યક્તિ હતી."

"જ્યાં સુધી એમની સાથે 82 સાંસદો ભેગા ન થયા, ત્યાં સુધી એમણે રાજીનામું ન આપ્યું. રાજીનામા પછી એમણે કૉંગ્રેસનાં બેઉ જૂથોનાં સમર્થનને ટેકન ફૉર ગ્રાન્ટેડ લીધું."

"ઇન્દિરા ગાંધી પોતાનાં 12, વિલિંગ્ટન ક્રેસેંટનાં ઘરે રાહ જોતા રહ્યાં કે ચૌધરીસાહેબ શપથ લીધા પછી એમનો આભાર માનવા આવશે.”

“પરંતુ જે વખતે ચૌધરીસાહેબ ત્યાં જઈ રહ્યા હતા, ત્યારે એમના એક જમાઈએ કહ્યું કે તમારે ત્યાં જવાની શી જરૂર છે, ખરેખર તો ઈન્દિરા ગાંધીએ તમારી પાસે આવવું જોઈએ."

"બસ, એ દિવસથી ઇન્દિરા ગાંધીએ ચૌધરી ચરણસિંહની સરકારને પાડી દેવાનો નિર્ણય લીધો.”

“ભારતના ઇતિહાસમાં ચૌધરી ચરણસિંહ એકલા એવા વડા પ્રધાન બન્યા કે જેમણે વડા પ્રધાન હોવા છતાં કદી સંસદનો સામનો ન કર્યો હોય. થોડા જ દિવસોમાં છઠ્ઠી લોકસભા ભંગ થઈ ગઈ અને ચૂંટણીની જાહેરાત થઈ."

સાઢુ પાસેથી ક્વોટામાં સ્કૂટર પાછું અપાવડાવ્યું

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

આ બધા છતાં ચૌધરી ચરણસિંહે પોતાના જાહેરજીવનમાં ઇમાનદારીના જે માપદંડ સ્થાપિત કર્યા હતા તેની કલ્પના અત્યારે કરવી મુશ્કેલ છે.

એમના પૌત્ર હર્ષ એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે, "અમારા માસા વાસુદેવ સિંહ આજકાલ અમેરિકામાં રહે છે.”

“એ દિવસોમાં એ દિલ્હીમાં કામ કરતા હતા. એ જમાનામાં તમામ વસ્તુઓ ક્વોટા ઉપર મળતી હતી."

“એમને એક સ્કૂટર જોઈતું હતું. એમને ખબર પડી કે સ્કૂટર બુક કરવા માટે યુપીમાં મુખ્ય મંત્રીનો ક્વોટા હોય છે."

"વાસુદેવસિંહે ચૌધરીસાહેબના પી.એ.ને મળીને એક સ્કૂટર બુક કરી દીધું અને સમય આવતા એ સ્કૂટરની ડિલિવરી લેવા માટે લખનૌ પહોંચ્યા.”

“જયારે એ ચરણસિંહના ઘરે પહોંચ્યા અને આવવાનું કારણ પૂછ્યુ તો એમણે કહ્યું કે તેઓ સ્કૂટર લેવા માટે આવ્યા છે."

"ચૌધરીસાહેબને આખી વાતની ખબર પડી તો એમણે સાઢુભાઈને તો કંઈ ન કહ્યું પણ પી.એ.ને બોલાવીને પૂછ્યું કે તમે આમને ક્વોટામાંથી સ્કૂટર કેવી રીતે અપાવ્યું?”

“એ ઉત્તર પ્રદેશમાં તો રહેતા નથી. એ તો દિલ્હીમાં રહે છે. તમે તરત બુકિંગ રદ કરો અને અને એમના પૈસા પાછા અપાવો.”

“પાછળથી મારા માસાજી વાસુદેવસિંહે મને કહ્યું કે મારું લખનૌ આવીને ચરણસિંહ સાથે બેસવું મને ખૂબ મોંઘું પડ્યું."

ફિલ્મોનો શોખ નહીં

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

પુસ્તકો વાંચવાના એ શોખીન હતા, પરંતુ ફિલ્મો જોવાની તો કોઈ વાત દૂર દૂર સુધી નહોતી.

હર્ષસિંહ લોહિત યાદ કરીને કહે છે કે, "તેઓ ફિલ્મ જોવા જાય એ તો સવાલ જ નહોતો. મને યાદ છે કે લખનૌમાં અમને ફકત એક વાર ફિલ્મ જોવાની પરવાનગી મળેલી, એ ફિલ્મ હતી મનોજકુમારની ઉપકાર."

"જ્યારે તેઓ ગૃહમંત્રી હતા, ત્યારે એક વાર અમે લોકો એમની પાસે બેઠેલા હતા.”

“કોઈ સાહેબે ગામ પર ફિલ્મ બનાવી હતી અને તેઓ ચૌધરીસાહેબને એ ફિલ્મ દેખાડવા માગતા હતા.”

“ચૌધરીસાહેબે ખાસ રસ ન દાખવ્યો પણ ખૂબ આગ્રહ પછી એ સહમત થયા અને ફિલ્મ શરૂ થઈ. થોડી વારમાં એક અભિનેત્રીના નૃત્યનું દૃશ્ય આવ્યું અને તેઓ એ જ પળે ઊભા થઈને નીકળી ગયા."

કોમવાદની વિરુદ્ધ

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

હિંદુ અને મુસ્લિમની સાંપ્રદાયિકતાને નબળી પાડવી એ ચૌધરી ચરણસિંહનું સૌથી મોટું યોગદાન હતું.

એમણે કોમી તોફાનોને સખ્તીથી ડામી દીધા હતા.

કુરબાન અલી કહે છે, "ઈસ્લામ વિશે એમનો અભિપ્રાય સારો નહોતો, પરંતુ તેઓ મુસ્લિમ વોટ બૅન્ક અને તેના મનોવિજ્ઞાનને સારી રીતે સમજતા હતા.”

“તેઓ મુસલમાનોને ચૂંટણી લડવા માટે ખૂબ ટિકિટ આપતા હતા. તેઓ ઉત્તર પ્રદેશમાં રહ્યા હોય કે કેન્દ્રમાં, તેમણે કોમી તોફાનોની સામે કડક વલણ અપનાવ્યું હતું."

"મને યાદ છે કે વર્ષ 1977થી 1980 દરમિયાન ઉત્તર પ્રદેશમાં ફકત ત્રણ જ મોટાં કોમી તોફાનો થયાં હતાં અને તે અલીગઢ, બનારસ અને સંબલમાં થયાં હતાં.”

“એમણે મુખ્ય મંત્રી રામ નરેશ યાદવને ખૂબ કડક રીતે ઠપકો આપ્યો હતો કે કોઈ પણ રીતે કોમી તોફાનો રોકાવા જ જોઈએ."

રાજનીતિક વારસા માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Chaudhary Charan Singh Photo Archives

ચાહે મુલાયમસિંહ યાદવ હોય, મહેન્દ્રસિંહ ટિકૈત હોય કે જનતા દળ પરિવારના અન્ય નેતાઓ, ચરણસિંહની રાજનીતિ પર અનેક લોકોએ પોતાના પગ જમાવવાની કોશિશ કરી.

કુરબાન અલી કહે છે, "એમની વિરાસત અનેક જગ્યાએ વહેંચાઈ. ઓડિશામાં બીજુ જનતા દળ હોય, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ કે યુનાઇટેડ જનતા દળ હોય, ઓમ પ્રકાશ ચૌટાલાનું લોક દળ હોય, અજિતસિંહનું રાષ્ટ્રીય લોક દળ હોય કે મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી હોય આ બધે એમની વિરાસત વહેંચાઈ છે."

"આજકાલ વ્યકિતવાદી અને પરિવારવાદી રાજનીતિની બોલબાલા છે.”

“અમુક કૉમ્યુનિસ્ટ પાર્ટીને બાદ કરતા કોઈ પક્ષ આ બીમારીથી બચેલો નથી. તમે ચરણસિંહ પર જાતિવાદી હોવાનો આરોપ ન લગાવી શકો.”

“બેશક તમે એમને અવસરવાદી કહી શકો, પણ ભ્રષ્ટાચારનો આરોપ કયારેય ન લગાવી શકો."

"એ પોતાના આખરી દિવસોમાં ખૂબ સાદગી સાથે 12 તઘલઘ રોડ પર રહેતા હતા.”

“એમનાં પત્ની ગાયત્રી દેવી જે સાંસદ પણ હતાં એમનાં હાથે બનેલું ભોજન જ જમતા. ચાર રોટલી, એક દાળ અને એક શાક સિવાય અન્ય કંઈ પણ ખાતા મેં તેમને કદી નહોતા જોયા.”

“એમનું ભૂગોળ ઝાંસી સુધી જ સિમિત હતું એવા આક્ષેપ પણ એમની પર લાગ્યા. એ વાત ખરી છે, એમનું કહેવું હતું કે હું ચેન્નાઈ જઈને શું કરું? ત્યાં મારી વાત કોણ સાંભળશે?"

શોષિતવર્ગનો અવાજ

ચરણસિંહને ઉત્તર પ્રદેશ, હરિયાણા કે રાજસ્થાનમાં પોતાના બળે ધારાસભ્યો ચૂંટાવી શકતા હતા.

એના માટે કે પછી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા એના માટે કે પછી ભારત સરકારના ગૃહમંત્રી કે વડા પ્રધાન બનવા માટે જ યાદ નહીં કરવામાં આવે, બલકે એના માટે યાદ કરવામાં આવે કે જેમનો કોઈ રાજકીય અવાજ નહોતો કે જેમની કોઈ લૉબી નહોતી શોષિત અને ઉપેક્ષિત લોકોનો તે અવાજ બન્યા.

જોકે, આની આકરી કિંમત એમને શહેરી સમુદાયના ભારે વિરોધ અને અસહયોગથી ચૂકવવી પડી.

પોતાની તમામ નબળાઈ સહિત તેઓ ભારતીય રાજનીતિના અસલી 'ચૌધરી' હતા.

(આ લેખ સૌપ્રથમ વાર 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો