ગુજરાતની જસદણ પેટાચૂંટણીના પરિણામો કઈ પાંચ બાબતો સૂચવે છે?

  • કૌશિક મહેતા
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
જસદણ પેટાચૂંટણી
ઇમેજ કૅપ્શન,

જીત બાદ વિજયોત્સવ દરમિયાન ડાબેથી ડૉ.ભરત બોધરા, કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણી

ભાજપ, કૉંગ્રેસ તથા રાજકીય નિષ્ણાતો માટે બહુપ્રતિક્ષિત જસદણ પેટાચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયા.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં કુંવરજીભાઈ બાવળિયાએ કૉંગ્રેસના ઉમેદવા3ર અવસર નાકિયાને 19,985 મતે પરાજય આપ્યો છે.

ભાજપ તથ કૉંગ્રેસે તેના પ્રદેશાધ્યક્ષો અને સ્ટારપ્રચારકોને આ ચૂંટણી જંગમાં ઉતારી દીધા હતા.

કૉંગ્રેસ સામે તેનો ગઢ બચાવી રાખવાનો પડકાર હતો તો ગુજરાત બીજેપી માટે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ 'મોરલ બૂસ્ટર'ની જરૂર હતી.

આ ચૂંટણી પરિણામ બાદ વિધાનસભામાં ભાજપ આપબળે ત્રણ આંકડે પહોંચ્યો છે. 182 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપના ખુદના 100 MLA છે.

આ ચૂંટણી પરિણામો ભાજપ, કૉંગ્રેસ, આગામી લોકસભા ચૂંટણી પર શું અસર કરશે? તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા સાથે વાત કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

1. પટેલ વિરુદ્ધ OBC

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં પટેલ સમાજની વસ્તી 22થી 23 ટકા છે

જ્યારથી ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીનું પુનરાગમન થયું, ત્યારથી તેમણે પટેલ ફેક્ટરની સામે સંતુલન સાધાવા માટે ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ને આકર્ષવાના પ્રયાસ શરૂ કર્યા હતા.

કોળી (અને કોળી પટેલ) સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતની 35 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે.

કોળી મતદાતાઓ એકજૂટ થઈને વોટ કરે છે, જેના કારણે જે-તે પક્ષના વિજય ઉપર નિર્ણાયક અસર થતી હોય છે.

પરંપરાગત રીતે કોળી સમાજ ભાજપથી વિમુખ રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસ પાસે અનેક કોળી નેતા છે, પરંતુ બાવળિયાની સરખામણી કરી શકે તેવો કોઈ નથી.

જસદણની પેટા ચૂટણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને લખ્યું, "જસદણની જનતાએ વિકાસના મુદ્દાને જીતાડ્યો છે."

"ભાજપ તથા પાર્ટીના વિકાસના એજન્ડાને જીતાડવા બદલ જસદણની જનતાનો આભાર."

"વિજય બદલ કુંવરજીભાઈ બાવળિયાને અભિનંદન. ગુજરાત ભાજપ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા જીતુભાઈ વાઘાણીને અભિનંદન."

2. રૂપાણી વિરુદ્ધ નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Twitter/Nitinbhai_Patel

ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા, ત્યારથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા નાયબ-મુખ્ય મંત્રી નીતિન પટેલ વચ્ચે ગુજરાતના સચિવાલયમાં જાણે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.

આ પેટાચૂંટણીને વ્યક્તિગત રીતે વિજય રૂપાણી માટે પણ 'પ્રતિષ્ઠાનો જંગ' માનવામાં આવતી હતી.

વિજય રૂપાણી સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી છે, તેઓ રાજકોટની બેઠક પરથી ધારાસભ્ય છે, ઉપરાંત વર્ષોથી તેમણે આ વિસ્તારમાં સંગઠનનું કામ સંભાળ્યું છે.

આ સંજોગોમાં જો જસદણની બેઠક પર બાવળિયાના સ્વરૂપે ભાજપનો પરાજય થાય તો તે વિજય રૂપાણી માટે આંચકાજનક ગણાત.

આ 'વિજય' જેટલો બાવળિયા માટે જરૂરી હતો, તેટલો જ રૂપાણી માટે પણ હતો. આ પરિણામો બાદ સચિવાલયમાં તેમનું વજન વધશે.

એટલે જ વિજય બાદ યોજાયેલા વિજય સરઘસમાં ભાગ લેવા રુપાણી પોતે પહોંચ્યા હતા.

3. કૉંગ્રેસ વરિષ્ઠ નેતાઓને સાચવવામાં નિષ્ફળ

ઇમેજ સ્રોત, AFP

1990થી કુંવરજીભાઈ બાવળિયા સતત ધારાસભ્ય રહ્યા છે, 15મી લોકસભામાં તેઓ સાંસદ પણ બન્યા હતા.

ગુજરાતમાં ભાજપની લહેર હોય કે નરેન્દ્ર મોદીની, છતાંય તેઓ સતત ચૂંટાતા રહ્યા.

આમ છતાંય કૉંગ્રેસનું નેતૃત્વ તેમના કદને અનુરૂપ પ્રધાનપદ કે હોદ્દો આપવામાં નિષ્ફળ રહ્યું.

ઇમેજ કૅપ્શન,

વિજય બાદ બાવળિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી

જ્યારે બાવળિયાએ ભાજપનો હાથ પકડ્યો કે તરત જ તેમને ગુજરાત સરકારમાં કૅબિનેટ પ્રધાનપદ આપવામાં આવ્યું.

ભાજપ પાસે પુરુષોત્તમ સોલંકી તથા તેમના ભાઈ હીરાભાઈ સોલંકી સ્વરૂપે 'કોળી ચહેરા' છે, પરંતુ તેમની સરખામણીએ બાવળિયાની છાપ વધુ સ્વચ્છ છે.

આ ચૂંટણી પરિણામોથી સાબિત થયું છે કે જસદણ એ કૉંગ્રેસ કરતાં વધારે બાવળિયાનો ગઢ વધારે છે.

4. કૉંગ્રેસ તથા ભાજપનું સંગઠન

ઇમેજ કૅપ્શન,

ભાજપના પ્રદેશ કાર્યાલય કલમલ ખાતે મહિલા કાર્યકર્તાઓએ જસદણની જીતની ઉજવણી કરી હતી

જસદણની પેટા ચૂંટણીને જીતવા માટે ભાજપ તથા કૉંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ તથા સંગઠનોએ પૂરેપૂરું જોમ લગાવી દીધું હતું.

ગુજરાત સરકારના 12-13 પ્રધાનોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો, તેની સામે ભાજપે નવજોતસિંઘ સિદ્ધુ જેવા પ્રચારકો પાસે જસદણમાં જાહેરસભાઓ કરાવી હતી.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રચારમાં ઝંપલાવ્યું હતું, તો તેની સામે ખુદ વિજય રૂપાણી પણ પ્રત્યક્ષ નજર રાખી રહ્યા હતા.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા તથા ભાજપના પ્રદેશાધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ જસદણમાં મોરચો સંભાળ્યો હતો.

આ ચૂંટણી દરમિયાન 'છેક બૂથ સુધી પહોંચવાની' ભાજપ સંગઠનની લડાયકવૃત્તિ જોવા મળી, જેનો કૉંગ્રેસના પક્ષે સદંતર અભાવ જોવા મળ્યો.

ભાજપની સંગઠનશક્તિ તથા કુંવરજીભાઈ બાવળિયાની ઇમેજ એવા કૉમ્બિનેશનને કારણે જ ધારાસભાની બેઠક પર લગભગ 20 હજાર મતોથી ભાજપનો વિજય શક્ય બન્યો હતો.

5. લોકસભાની ચૂંટણી પર અસર

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

જસદણ પેટા ચૂંટણીની સીધી અસર આગામી લોકસભા ચૂંટણીના પરિણામો પર થાય, એવું માનવાને કોઈ પ્રત્યક્ષ કારણ નથી.

પેટાચૂંટણી મોટાભાગે સ્થાનિક મુદ્દા પર લડાતી હોય છે, જ્યારે લોકસભાની ચૂંટણીએ રાષ્ટ્રીય મુદ્દા પર લડાશે.

એ ખરું કે કોળી સમુદાયનો એક વર્ગ બાવળિયાને કારણે ભાજપ તરફ ઢળશે.

એ ખરું કે ચૂંટણીજંગ લડવાની કૉંગ્રેસની વ્યવસ્થામાં જે ખામીઓ છે, તે આ પરિણામો બાદ ફરી એક વાર બહાર આવી છે.

ભાજપના સંગઠને છેક બૂથ લેવલ પર જઈને પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. કુંવરજીભાઈની છાપ ઉપર જસદણનો વિજય થયો હોત, પરંતુ જે જંગી લીડ મળી છે તેની પાછળ ભાજપના સંગઠનની ભૂમિકાને નકારી ન શકાય.

આવી જ રીતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ આ પરિણામ ભાજપ કે કૉંગ્રેસ માટે પણ ખાસ કોઈ સંદેશ નથી આપતા.

પણ ભાજપ હંમેશા પેટાચૂંટણી હારતો હોય છે, તેવી છાપ અહીં ભૂંસાઈ છે અને લોકસભા અગાઉનો બૂસ્ટર ડૉઝ તેને મળી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો