રજનીશ રાય : એ સસ્પેન્ડેડ અધિકારી જેણે ગુજરાતથી લઈ આસામ સુધી ઍન્કાઉન્ટર્સને ઉઘાડા પાડયા

  • રોક્સી ગાગડેકર છારા
  • અમદાવાદ
સીબીઆઈ

ઇમેજ સ્રોત, PTI

આ કેવળ સંજોગ છે કે નિયતિ, પરંતુ એક તરફ સોહરાબુદ્દીન નક્લી ઍન્કાઉન્ટર કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટ્યા, આ અરસામાં જ તપાસકર્તા પોલીસ અધિકારી રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ગત ગુરુવારે, સ્વૈચ્છિક નિવૃતિ માગી રહેલા આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વિસ) ઑફિસર રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ગુજરાતનાં રાજકારણ અને સમાજકારણને ધ્રૂજાવનારા આ ઍન્કાઉન્ટર કેસની તપાસનાં સમગ્ર ઘટનાક્રમ આઈપીએસ અધિકારી રજનીશ રાય એક ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે.

એ સિવાય તેમણે આસામમાં પણ ઍન્કાઉન્ટરની તપાસ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં ઍન્કાઉન્ટરની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2007માં જ્યારે તેઓ ગુજરાતની સીઆઈડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ક્રાઇમમાં ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) તરીકે ફરજ નિભાવી રહ્યાં હતા, ત્યારે આ કેસની તપાસ તેમની પાસે આવી હતી.

તેમણે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા અને રાજકુમાર પાંડિયન, તેમજ રાજસ્થાન કેડરનાં આઈપીએસ અધિકારી દિનેશ અમીનની પોતાની ઓફિસમાં બોલાવીને ધરપકડ કરી હતી.

ડી. જી. વણઝારાની ધરપકડ બાદ રજનીશ રાયની તપાસનો દોર છેક તેમના વતન ઈલોલ ગામ સુધી પહોંચ્યો હતો.

તેમની તપાસને આધારે ત્રણ અધિકારીઓ ઉપરાંત બીજા 35 લોકોની ધરપકડ થઈ હતી, જેમાં પોલીસકર્મીઓ, બૅન્કર અને રાજનેતાઓ સમાવિષ્ટ હતા.

નીચલી અદાલતમાં સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીનના વકીલ રહેલા શમશાદ પઠાણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે,

"આ કેસની પ્રથમ ત્રણ ધરપકડ રજનીશ રાયે કરી હતી અને ત્યારબાદની તેમની તપાસ ખૂબ જ સરાહનીય હતી."

"તેમના પહેલાં સોહરાબુદ્દીન કેસ માત્ર ઇન્કવાયરી તરીકે જ ચાલતો હતો, પરંતુ તેમની આ તપાસને કારણે આ ઇન્કવાયરી ઇન્વેસ્ટિગેશનમાં ફેરવાઈ હતી."

પઠાણનો દાવો છે કે સોહરાબુદ્દીન ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે અને આ ઍન્કાઉન્ટર નકલી છે, એવું સૌપ્રથમ વાર રજનીશ રાયે કહ્યું હતું.

આસામમાં પણ ઍન્કાઉન્ટરની તપાસ

ઇમેજ સ્રોત, kalpit Bhachech

વર્ષ 2015માં જ્યારે તેમની બદલી શિલોંગમાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના નૉર્થ સેક્ટરનાં આઈજીપી તરીકે થઈ, ત્યારે તેમણે આસામમાં થયેલા બે વ્યક્તિઓનાં ઍન્કાઉન્ટર કેસમાં તપાસ કરી હતી અને ઍન્કાઉન્ટર નકલી છે એવો અહેવાલ આપ્યો હતો.

જોકે, ત્યારબાદ વર્ષ 2017માં તેમને ત્યાંથી બદલીને આંધ્ર પ્રદેશનાં ચિત્તુરમાં કાઉન્ટર ઇન્સર્જન્સી ઍન્ડ એન્ટિ-ટૅરેરિઝમ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા.

એ નોંધનીય છે સુપ્રીમ કોર્ટે ઑગસ્ટ 2018માં આસામમાં થયેલા ફેક ઍન્કાઉન્ટર્સ પરની જાહેરહિતની અરજીનો સ્વીકાર કર્યો હતો.

આ અરજીમાં એક મહત્ત્વના પુરાવા તરીકે રજનીશ રાયે કરેલી તપાસનો અહેવાલ પણ ટાંકવામાં આવ્યો હતો.

બદલીઓ અને સરકાર સામે લડત

વર્ષ 2007માં અધિકારીઓની ધરપકડ બાદ રજનીશ રાયને તરત જ સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

વર્ષ 2008માં ગાંધીનગરની સિદ્ધાર્થ કૉલેજેમાં કાયદાના અભ્યાસ દરમિયાન કોપી કરવાના આરોપસર તેમને નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા.

આની સામે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને કેસ જીતી ગયા હતા.

વર્ષ 2010માં ઍન્યુઅલ કૉન્ફિડેન્શિયલ રિપોર્ટ (ઓ.સી.આર)ને 'ડાઉનગ્રેડ'કરવામાં આવતા તેમણે સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રિટીવ ટ્રિબ્યુનલ (કેટ)માં સરકાર સામે લડત આપી.

લાંબી કાયદાકીય લડત બાદ રાજ્ય સરકારે પોતાની ભૂલ સુધારી હતી.

નવેમ્બર 2014માં તેઓ ચીફ વિજિલન્સ ઑફિસર યુરેનિયમ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાં ફરજ બજાવી રહ્યાં હતા.

એ વખતે તેમણે કૉર્પોરેશનમાં ચાલતી કથિત અનિયમિતતાની તપાસ કરીને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને એક રિપોર્ટ સોંપ્યો હતો.

જોકે, ત્યારબાદ જ્યારે તેમના જ ખાતાએ તેમની ઉપર અનધિકૃત તપાસ કરવાના આરોપ મૂકી ચાર્જશીટ આપી હતી.

કૉર્પોરેશનની સામે પણ તેઓ કેટમાં ગયા હતા અને કેટની હૈદરાબાદ બેન્ચે ચાર્જશીટ સ્થગિત કરી દીધી હતી.

વર્ષ 2018 સરકારે વીઆરએસ (વૉલ્યન્ટ્રી રિટાયરમૅન્ટ સ્કીમ)ની અરજીનો અસ્વીકાર કરતા તેઓએ ફરીથી કેટના દરવાજા ખખડાવ્યા હતા.

આમ, વર્ષ 2007થી સતત તેઓ કૉલેજથી લઈને રાજય તેમજ કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષમાં રહ્યા હતા.

અભ્યાસમાં ઊંડો રસ

રજનીશ રાયને ઍકેડમિકમાં રસ લેવા માટે પણ વિખ્યાત છે.

વર્ષ 2015માં તો ઉદયપુર આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ) માં તેમને બિઝનસ પોલિસી ઍન્ડ સ્ટ્રેટેજી એરિયાનાં પ્રોફેસર તરીકેની ઓફર હતી, પરંતુ તેમને વીઆરએસ ન મળવાને કારણે તેઓ પ્રોફેસર બની શક્યા ન હતા.

પેટન્ટ લૉ, ઇન્ટેલૅક્ચુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ વગેરે જેવા વિષયો પર તેમણે અનેક પેપર્સ તેમજ સ્કોલરલી આર્ટિકલ્સ લખ્યા છે.

નિવૃત્તિ, રાજીનામું અને સસ્પેન્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનની ધરપકડ થયા બાદ તેઓ છૂટી ગયા હતા

1992ની બેચના આઇપીએસ ઑફિસર રજનીશ રાય છેલ્લા ઘણા સમયથી પોલીસ સેવામાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા.

પોતાની નોકરીનાં છેલ્લા વર્ષોમાં તેમણે પોતાની પીએચડી (ડૉક્ટ્રેટ ઇન ફિલૉસૉફી ) માટે, તેમજ હૈદરાબાદમાં અભ્યાસ કરવા માટે લાંબી રજાઓ લીધી હતી.

તેમણે અગાઉ 2015માં પણ વી. આર. એસ. લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વખતે તેમનું રાજીનામું સરકારે સ્વીકાર્યુ નહોતું.

કેન્દ્રમાં ગયા બાદ રજનીશ રાયે પોતનું રાજીનામું ઑગસ્ટ 2018માં કેન્દ્ર સરકારને સોંપી દીધું હતું.

પરંતુ ફરીવાર તેમના રાજીનામાનો અસ્વીકાર થતાં તેઓએ ડિસેમ્બર 19, 2018 ના રોજ કેટની અમદાવાદ બેન્ચને અરજી કરી હતી.

આ અરજીના બીજા જ દિવસે સરકારે તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હતો.

તેમના રાજીનામાં વિશે વાત કરતા ઍડ્વોકેટ આઈ. એસ. સૈયદ કહે છે, "રાજીનામું આપ્યાના 90 દિવસ પછી સરકાર અને તેના કર્મચારી સાથેના સંબંધનો અંત આવે છે માટે આ સસ્પેન્શન ગેરબંધારણીય છે."

વતન ઉત્તર પ્રદેશ, કેડર ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતના પોલીસ અધિકારી ડી. જી. વણઝારાને મુંબઈ કોર્ટે છોડી મૂકેલા

1965માં જન્મેલા રજનીશ રાય મુળ ઉત્તર પ્રદેશનાં છે અને 1992થી ગુજરાત કેડરના અધિકારી છે.

સસ્પેન્ડ થયા તે અગાઉ 2014થી તેઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હતા.

પોલીસ બેડામાં મોટાભાગનાં અધિકારીઓને ગમતી હોય છે એવી કોઈ પોસ્ટિંગ પર તેઓ કદી લાંબો સમય નથી રહ્યા અને એમણે કારકિર્દીનો મોટાભાગનો સમય વહીવટી પોસ્ટિંગમાં વિતાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો