ગુજરાત સરકારના આ એક નિર્ણયથી છીનવાઈ ગઈ છે હજારો પરિવારોની રોજગારી
- ભાર્ગવ પરીખ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
''ઓણ સાલ મેઘો રૂઠ્યો હે અને જાનવર ભૂખે મરે હે તો સાહેબ શું કરીએ, રબારીની જાત હોવા છતાં અમે અમારા જીવથી વહાલાં ઢોરને વેચવા નીકળ્યાં છીએ."
આ શબ્દો છે દુષ્કાળને કારણે કચ્છથી અમદાવાદની બકરામંડીમાં ઘેટાં-બકરાં વેચવા આવેલા રામજીભાઈ રબારીના.
રામજીભાઈ ઉમેરે છે, "મારી પાસે 30 ઘેટાં-બકરાં છે, એમાંથી 15 વેચી દઈશું એટલે બીજા 15નો જીવ બચાવી લઈશું પણ સરકારના નિયમને કારણે મારાં ઘેટાં-બકરાં વેચાતા નથી અને અમે કચ્છથી દસ દિવસથી અમદાવાદની બકરામંડીમાં બેઠાં છીએ, ઢોર વેંચતા જીવ નથી ચાલતો પણ વેચવા પડશે."
રામજી રબારી કચ્છના લખપત પાસે આવેલા ગામના રહેવાસી છે. આ વર્ષે દુષ્કાળ પડ્યો એટલે ઘેટાં-બકરાં લઈને અમદાવાદ આવ્યા છે.
તેમનું કહેવું છે કે ક્યાંય કામ ન મળતા જીવથી વહાલાં પશુઓને વેચવાની નોબત આવી છે.
ગુજરાત સરકારે છેલ્લાં 48 વર્ષથી તુણા બંદરેથી થતી પશુઓની નિકાસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
સરકારે પ્રતિબંધ મૂકતાની સાથે જ આરબ દેશોમાં પશુઓની નિકાસ કરતાં બંદરોની આસપાસ 24 કલાક માટે પોલીસ તૈનાત કરી દેવાઈ છે.
ઉપરાંત પશુઓ લઈને જતાં ટ્રકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
સરકારે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાંથી બીજા જિલ્લામાં પાલતું પશુઓની હેરાફેરી પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

સરકારના પ્રતિબંધની કેવી અસર થઈ?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સરકારના પ્રતિબંધની સૌથી વધારે અસર દુષ્કાળગ્રસ્ત કચ્છ પર પડી છે.
અહીંના માલધારીઓ અને ખાસ કરીને ઘેટાં-બકરાં રાખતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
અમદાવાદની બકરામંડીમાં આવેલા પશુપાલકોને પોલીસના ડરથી છુપાઈને બેસી રહેવું પડે છે.
જોકે, સરકારના નવા નિયમ બાદ હવે બકરામંડી અઠવાડિયામાં માત્ર બે દિવસ જ ખુલે છે અને બાકીના દિવસે બંધ રહે છે.
જેના કારણે ઘેટાં-બકરાંનું વેચાણ પણ ઘટી ગયું છે અને અહીં બકરાં ભરવા આવેલી ટ્રકો ખાલી પડેલી દેખાય છે.
અમદાવાદની બકરામંડીમાં ગુજરાત અને રાજસ્થાનથી ઘેટાં-બકરાં વેચવા માટે લાવવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

માલધારીઓની સ્થિતિ કફોડી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
રામજીભાઈ રબારી અને કાનજીભાઈ રબારી પોતાનાં 200 બકરાં લઈને કચ્છથી અમદાવાદ આવ્યા હતા.
ઘાસચારાના અભાવે અન્ય બકરાંને બચાવવા માટે પ્રથમ તેમણે 60 બકરાં વેચી દીધાં.
તે રકમમાંથી બાકીનાં બકરાંને નભાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંતે અન્ય કોઈ કામ ન મળતાં અને ઘાસચારો મોંઘો પડતા બીજા બકરાં પણ વેચવાની નોબત આવી છે.
જોકે, આ સમયમાં સરકારે લાઇવ સ્ટૉકની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં કોઈ તેમનાં બકરાં ખરીદવા માટે તૈયાર નથી.
પહેલાં એક બકરાની કિંમત 2500 રૂપિયા મળતી હતી હવે કોઈ 1500 રૂપિયામાં પણ ખરીદવા માટે તૈયાર નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કાનાભાઈ રબારી કહે છે, "સરકારે શું હુકમ કર્યો છે એની અમને ખબર નથી પરંતુ અમને એટલી જાણ છે કે અમે બકરાં વેંચવા જઈશું તો પોલીસ પકડશે."
"અમને એટલી ખબર છે કે ગામની બહાર ઢોર લઈ જવાની મનાઈ છે. અમારે ઢોર વેચવા છે પરંતુ કોઈ ખરીદદાર મળતું નથી. અમે અમારી સામે જ અમારાં ઢોરને મરતાં જોઈ શકીએ નહીં."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આવી જ હાલત ઉત્તર ગુજરાતથી આવતા રસુલ ખાન કુરેશીની છે.
તેમણે કહ્યું કે ઘેટાં-બકરાં ઉછેરવાનો અમારો પારંપારિક ધંધો છે, અમે આ સિઝનમાં ઘેટાં-બકરાં વેચવા માટે આવીએ છીએ.
તેઓ કહે છે, "સરકારે નિકાસ બંધ કરી દીધી હોવાથી ઘેટાં-બકરાંનો ભાવ ઘટી ગયો છે. 2500 રૂપિયાનો બકરો હવે 1500 રૂપિયામાં પણ વેચાતો નથી."
"ભાવ ઘટતા ટ્રકમાં અમદાવાદ સુધી બકરાં લઈ આવવા અને તેમને ઘાસચારો આપવાનું પણ પોસાતું નથી."
રાજસ્થાનથી અમદાવાદ આવેલા અબ્દુલ ગફાર ખાન કહે છે, "અમે રાજસ્થાનથી અહીં બે ટ્રક ભરીને ઘેટાં-બકરાં લઈને આવ્યાં છીએ પરંતુ નિકાસ બંધ થવાને કારણે અમારાં બકરાં વેચાતાં નથી."
"અમે અહીં દસ દિવસથી આવ્યા છીએ, બકરાં માટે ખાસ ટ્રક હોય છે. તેમાં માટી પાથરવામાં આવે છે. માટી કાઢો નહીં ત્યાં સુધી આ ટ્રકને અન્ય ઉપયોગમાં લઈ શકાતી નથી."
"અમારે હવે રોજી-રોટીનો સવાલ થઈ ગયો છે, અમે 1800 રૂપિયામાં બકરાં ખરીદ્યાં છે, અહીં વેચતી વખતે ટ્રકના ભાડાનો ખર્ચ પણ સાથે ગણવો પડે."
"જો બકરાં 2500થી 2700 રૂપિયામાં વેચાય તો અમને નફો થાય એમ છે પરંતુ અહીં કોઈ 1500 રૂપિયામાં પણ તેને ખરીદવા તૈયાર નથી."


પ્રતિબંધથી પાકિસ્તાનને લાભ થશે?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અમદાવાદની બકરામંડીના સેક્રેટરી અખલાક કુરેશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અહીં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મુંબઈના વેપારીઓ ઘેટાં-બકરાં ખરીદવા માટે આવે છે.
તેમણે કહ્યું, "અહીં અઠવાડિયામાં પાંચ હજારથી છ હજાર ઘેટાં-બકરાં વેચાવા માટે લાવવામાં છે એટલે કે મહિને 25,000 જેટલાં ઘેટાં-બકરાં વેચાય છે."
"જેમાંથી ઘણાંખરાંની નિકાસ તુણા બંદરેથી થાય છે. જોકે, હવે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા નિકાસ ન થવાને કારણે ઘરેલુ બજારમાં પણ બકરાંના ભાવ ઘટી ગયા છે."
"વેપારીઓએ વિદેશમાં સોદા કરેલા છે પરંતુ તેઓ ઘેટાં-બકરાં મોકલી શકતા નથી. જેથી હવે ભારતના વેપારીઓને મળેલા ઑર્ડર પાકિસ્તાન પાસે જશે."
અર્થશાસ્ત્રી અને આઈઆઈએમના વિઝિટિંગ પ્રોફેસર નયન પરીખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે મોટાભાગે ગુજરાતના દરિયાકિનારાથી આરબ દેશોમાં લાઇવ સ્ટૉક(જીવતાં ઘેટાં-બકરાં)ની નિકાસ થાય છે.
તેમણે કહ્યું, "મુંબઈ અને રાજસ્થાનના વેપારીઓ પણ ગુજરાતમાંથી નિકાસ કરે છે. તેમને એક ઘેટાંના અંદાજે 200 ડૉલર મળે છે."
"આ પ્રકારે નિકાસ બંધ થતાં જે વેપારીઓ ઘેટાં-બકરાંના અગાઉથી ઑર્ડર લીધા હશે અને પૈસા લઈ લીધા હશે, તેમને નુકસાન જશે."
"બીજી વખત ઑર્ડર પણ નહીં મળે અને ગુજરાત-રાજસ્થાનના 20 ટકા જેટલા ઑર્ડર હવે ઉત્તર પ્રદેશના વેપારીઓને મળે તેવી શક્યતા છે."

માંસની નિકાસ, ઘેટાં-બકરાં પર પ્રતિબંધ
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે કહ્યું કે સરકાર માંસની નિકાસ કરીને નાણાં કમાવા માગે છે પણ લાઇવ સ્ટૉક પર પ્રતિબંધ મૂકે છે, એ વાત સમજાતી નથી.
તેઓ ઉમેરે છે, "છેલ્લાં પાંચ વર્ષમાં ભારત માંસની નિકાસમાં બ્રાઝિલ પછી બીજા નંબરે આવી ગયું છે, જીવદયાની વાત હોય તો માંસની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ."
"પ્રતિબંધ બાદ ઘેટાં-બકરાંનો ઉછેર કરતા પરિવારોનું શું થશે? તેમની રોજી-રોટીનું શું થશે? ઉપરાંત આ વ્યવસાય સાંથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી."
"કુલ મળીને આ વ્યવસાય સાથે અંદાજે 40,000 જેટલા પરિવારો જોડાયેલા છે, જેમનું ગુજરાન આ વ્યવસાય પર આધારિત છે. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ."

હજારો લોકોની રોજગારીનું શું થશે?

ઇમેજ સ્રોત, Kalpit Bhcachh
લાઇવ સ્ટૉક ઍક્સપોર્ટ ઍસોસિયેશનના સેક્રેટરી આદિલભાઈ નૂરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે રાજસ્થાન, ગુજરાત અને મુંબઈના લાઇવ સ્ટૉકના નિકાસકારો અમદાવાદથી ઘેટાં-બકરાં ખરીદીને યૂએઈ, શારજાહ અને ઓમાનમાં મોટાપાયે નિકાસ કરે છે.
તેમણે કહ્યું, "ગુજરાતનું તુણા બંદર એવું છે જ્યાંથી નિકાસ સસ્તી પડે છે. તેનું કારણ એ છે કે અહીંથી આ દેશોનું અંતર ઘટી જાય છે."
"48 વર્ષથી અહીંથી ચાલતા આ વેપાર પર ગુજરાત સરકારના નિયમને કારણે અસર પડશે. લાઇવ સ્ટૉકની નિકાસ બંધ થતાં અંદાજે 40,000 જેટલા પરિવારો પર અસર થશે."
"સરકારની આ બેવડી નીતિ છે, માછીમારી અને મરઘાં ઉછેર માટે સબસિડી અપાય છે અને લાઇવ સ્ટૉકની નિકાસ પર પ્રતિબંધ મુકાય છે. આ ક્યાંનો ન્યાય છે?"
"અમે સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં જઈશું, હજારો પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, નિકાસ ઘટવાને કારણે તેમની રોજગારી છીનવાશે."
તેમણે કહ્યું કે ગુજરાત સરકારે રાતોરાત ગુજરાતનાં બંદરો પરથી કેન્દ્ર સરકારનો નવો આદેશ ના આવે ત્યાં સુધી ઘેટાં-બકરાંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને પશુઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં હેરફેર પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
તેમના કહેવા મુજબ આ નિર્ણયના કારણે ગુજરાતને કરોડોનું નુકસાન થશે.
કેન્દ્રીય પોર્ટ પ્રધાન મનસુખ માંડવિયાએ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ મામલે તેમને ગુજરાત સરકારનો પત્ર મળ્યો છે અને તેઓ હાઈકોર્ટના નિયમ મુજબ ટૂંક સમયમાં નિર્ણય લઈને સરકારને જાણ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો