પોતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી આત્મહત્યા કરનારા ખેડૂતની કહાણી

  • હ્રુદય વિહારી
  • સંવાદદાતા, બીબીસી તેલુગૂ
ખેડૂત મલ્લપ્પાનાં પત્ની મરેક્કા

"તેઓ ઘરેથી નીકળ્યા હતા- નજીકના શહેરથી ઘરનો કેટલોક સામાન ખરીદવા. પરંતુ ઘરે પરત ફરીને ન આવ્યા. ઘરે આવ્યો તો કેટલોક સામાન- કેટલીક બંગડીઓ, સફેદ કપડાંનો એક ટૂકડો, હળદર, સિંદૂર અને ફૂલોનો એક હાર. ઘર માટે તેમણે આ જ સામાન ખરીદ્યો હતો, પરંતુ ઘરને તેમાંથી કોઈ પણ સામાનની જરુરિયાત ન હતી. તેમણે આ સામાન પોતાની અરથી માટે ખરીદ્યો હતો."

આ બધું બોલતા બોલતા માધવય્યાનું મન ભરાઈ આવ્યું.

માધવય્યાન પિતા મલ્લપ્પા આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં કમ્બદુરુમંડલ સ્થિત રામપુરમ ગામના ખેડૂત હતા. પોતાની અંતિમ યાત્રા માટે જરૂરી સામાન ખરીદ્યા બાદ તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

મૃત્યુ બાદ પરિવારના લોકો તેમને યાદ રાખે, એ માટે તેમણે પોતાની એક લેમિનેટેડ તસવીર પણ તૈયાર કરી લીધી હતી.

તેમના પરિવારજનો જણાવે છે કે દેવામાં ડૂબેલા મલ્લપ્પાએ ઓગસ્ટ 2018માં આત્મહત્યા કરી હતી. પાક નિષ્ફળ ગયો હતો અને દેવું ચૂકવવામાં તેઓ અસમર્થ હતા.

અંતિમ સંસ્કારનો ભાર તેઓ પોતાના પરિવાર પર નાખવા માગતા નહોતા. એ જ કારણ રહ્યું હશે કે હંમેશાં માટે આંખો બંધ કરતા પહેલા તેમણે પોતાની અંતિમવિધિની વ્યવસ્થા પણ જાતે જ કરી લીધી.

તમે આ વાંચ્યું કે નહીં?

નજીકના શહેરમાંથી મલ્લપ્પાએ અંતિમવિધિ માટે જરૂરિયાતનો સામાન ખરીદ્યો. મૃતદેહને ઢાંકવા માટે સફેદ કપડાં, પત્ની માટે બંગડીઓ અને અંતિમ સંસ્કાર માટે ફૂલોનો હાર.

પછી તેઓ પોતાના ખેતરે પહોંચ્યા. એક પત્ર સાથે બધો સામાન પોતાના પિતાની સમાધિ પર રાખ્યો. પત્રમાં વિભિન્ન દેવાદારોના નામ અને તેમની પાસેથી લીધેલા પૈસાનું વિવરણ હતું. તેમણે બધા દેણદારોનો આભાર માન્યો હતો, જેમણે તેમને પૈસા આપ્યા હતા.

મલ્લપ્પા જાતે વાંચી-લખી શકતા ન હતા. એટલે પત્ર તૈયાર કરવા માટે તેમણે એક ગામની વ્યક્તિ પાસેથી મદદ મેળવી હતી અને પત્રને અન્ય સામાન સાથે થેલામાં મૂકી દીધો હતો.

જંતુનાશક દવા પીને આત્મહત્યા

ત્યારબાદ તેઓ તેમના ખેતરની સામે આવેલી એક જગ્યાએ પહોંચ્યા હતા કે જ્યાં તેઓ કામ કર્યા બાદ આરામ કરતા હતા. અહીં જ તેમણે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

આગામી સવારે મલ્લપ્પાના દીકરા માધવય્યા પશુઓને ઘાસચારા માટે ખેતરમાં લઈ ગયા તો તેમની નજર તેમના દાદાની સમાધિ પર રાખેલા સામાન પર પડી.

સમાધિ પર ફૂલોનો હાર, સફેદ કપડાં અને તેમના પિતાજીની લેમિનેટેડ તસવીર જોઈને તેમને ચિંતા થઈ. આસપાસ દૂર નજર કરી તો એક વ્યક્તિ ચારપાઈ પર સૂતા હતા.

આંસૂ ભરેલી આંખોથી માધવય્યાએ બીબીસીને જણાવ્યું, "મને કંઈક ખોટું થવાનો આભાસ થયો અને હું ઝૂંપડીમાં ગયો. હું સ્તબ્ધ થઈ ગયો. તે વ્યક્તિ મારા પિતાજી હતા."

દુષ્કાળ અને નિષ્ફળ ગયેલો પાક

ઇમેજ સ્રોત, AFP

આ કહાણી એક એવા ખેડૂતની છે, કે જેઓ દુષ્કાળની માર અને સતત પાક નિષ્ફળ ગયો હોવાના કારણે તેમના પર દેવાના ભાર હેઠળ દબાઈ ગયા હતા.

અમે મલ્લપ્પાના ખેતરમાં પહોંચ્યા, જ્યાં તેમણે આત્મહત્યા કરી હતી અને જ્યાંથી તેમનું ઘર અડધા કિલોમીટરના અંતરે આવેલું છે.

ગામડા સુધી પહોંચવા માટે કોઈ બસની સુવિધા નથી. ખેતરમાં મલ્લપ્પાના દીકરા માધવય્યા સાથે અમારી મુલાકાત થઈ.

ઓછા વરસાદના કારણે બરબાદ થઈ ચૂકેલો મગફળીનો પાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેને હવે માત્ર પશુઓના ચારાના રુપમાં વાપરી શકાય છે.

ઇમેજ સ્રોત, NIYAS AHMED

સફેદ રંગમાં મલ્લપ્પાની સમાધિ તેમના પરિવારના અંધકારની યાદ અપાવી રહી હતી. મલ્લપ્પાના દીકરા અમને એ ઝૂંપડી સુધી લઈ ગયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

માધવય્યાએ અનુમાન લગાવ્યું કે તેમના પિતાની ઉંમર 60 વર્ષ જેટલી હશે. કેમ કે તેમની પાસે પિતાના જન્મનો કોઈ દસ્તાવેજ નથી અને તે આ ગામમાં સામાન્ય બાબત છે.

મલ્લપ્પાની ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. ખેતીનો ભાર હવે બીજા દીકરા પર છે, અને નાનો દીકરો નોકરીની શોધમાં બેંગલુરુમાં છે. ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ગયા છે અને તેઓ નજીકના ગામમાં જ રહે છે.

ખેતી માટે લીધા ત્રણ લખ રૂપિયા ઉધાર

ઇમેજ સ્રોત, EPA

આ પરિવાર પાસે ગામડામાં 6 એકર જમીન છે. મલ્લપ્પાના દીકરાએ જણાવ્યું કે મલ્લપ્પાના પત્રના આધારે તેમના પર બૅન્કોનું 1.12 લાખ અને ખાનગી દેવાદારોનું 1.73 લાખ દેવું છે, જે તેમણે ખેતી માટે લીધું હતું.

માધવય્યાએ બીબીસીને જણાવ્યું, "અમારી પાસે 6 એકર જમીન છે. અમે સિંચાઈ માટે ચાર બોરવેલ લગાવ્યા, જેમાંથી ત્રણ બોરવેલમાંથી એક પણ ટીપું પાણી ન મળ્યું અને તે ફેઇલ થઈ ગયા. વરસાદ ઓછો થવાને કારણે ચોથા બોરવેલમાંથી પણ જરુરિયાત હિસાબે પાણી મળતું ન હતું. અમે ત્રણ એકર ખેતરમાં ટમેટા અને ત્રણ એકર ખેતરમાં મગફળી વાવી. વિચાર્યું હતું કે ટમેટાથી થતી કમાણીથી દેવું ઉતરી જશે. એ માટે પાણીની ધાર ટમેટાની ખેતી તરફ જવા દીધી. વરસાદ અને પાણીના અભાવમાં મગફળીનો પાક બરબાદ થઈ ગયો."

માધવય્યાએ કહ્યું, "બજારમાં ટમેટાની કિંમતમાં ઘટાડાથી પિતાજીની થોડી ઘણી આશા હતી એ પણ મરી ગઈ. એટલી આવક ન મળી કે દેવાની ભરપાઈ કરી શકાય."

ઇમેજ સ્રોત, AFP

પરિવારજનોના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટની સવારે તેઓ કલ્યાણદુર્ગમ એ કહીને નીકળ્યા હતા કે તેઓ વ્યાજની ચૂકવણી કરવા અને ટમેટાના પાક માટે ખાતર તેમજ બીજો જરૂરી સામાન ખરીદવા જઈ રહ્યા છે. પરંતુ તેઓ પરત ન ફર્યા.

પોતાના પિતાના અંતિમ દિવસો વિશે જણાવતા માધવય્યાએ કહ્યું, "લાગે છે કે તેમણે એક અઠવાડિયા પહેલાથી જ આત્મહત્યા કરવાની યોજના ઘડી લીધી હતી. પરંતુ અમારામાંથી કોઈને પણ તેમના વિચાર અને વ્યવ્હાર વિશે ખબર ન પડી."

સામાન્યપણે મલ્લપ્પાને દર મહિનાના પહેલા અઠવાડિયામાં પોતાનું પેન્શન મળતું. ટમેટાના વેચાણથી મળેલા રૂપિયામાંથી 1000-1500 રૂપિયા તેમણે બચાવીને રાખ્યા હતા અને ઘર માટે જરુરી સામાન પણ લઈ આવ્યા હતા.

માધવય્યાએ જણાવ્યું કે તેમના પિતાએ પરિવારના કોઈ પણ સભ્યને પોતાના અવસાદનો અણસાર પણ આવવા દીધો નહોતો.

દીકરીનાં ઘરેણાં ગીરવી મૂક્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

રામપુરમ ગામમાં અમે મલ્લપ્પાના એક રુમવાળા ઘરમાં પહોંચ્યા, કે જે એસસી કૉલોનીની પાતળી ગલીના છેડે છે.

મલ્લપ્પાનાં બીમાર પત્નીએ અમારું અભિવાદન કર્યું. મલ્લપ્પાની ત્રણ દીકરીઓ છે.

મલ્લપ્પાનાં પત્ની મરેક્કાએ જણાવ્યું, "બૅન્કો અને ખાનગી દેવાદારો સિવાય ખેતી માટે તેમણે પોતાની દીકરીનાં ઘરેણાં ગીરવી રાખીને દેવું લીધું હતું."

ભારે અવાજમાં મરેક્કાએ જણાવ્યું, "ખેતી માટે તેઓ સતત દેવું લઈ રહ્યા હતા. પરંતુ વરસાદના અભાવમાં દર વર્ષે પાક નિષ્ફળ જતો હતો. તેમણે વિચાર્યું હતું કે આ વર્ષે પાકમાંથી જે આવક મળશે તેનાથી દેવું ચૂકવી દેશે, પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું."

એ દિવસે શું થયું?

માધવય્યાના જણાવ્યા અનુસાર મલ્લપ્પા પર 1.73 લાખનું ખાનગી દેવું હતું. કેટલાક ખાનગી દેવાદારો મલ્લપ્પા પર દેવું પરત કરવા દબાણ કરી રહ્યા હતા.

તેમનાં પત્નીએ જણાવ્યું, "એક દેવાદારે પૈસા લેવા માટે કોઈ વ્યક્તિને મોકલવાની ધમકી આપી હતી. તેમણે વિચાર્યું કે તેનાથી તેમની આબરુ જતી રહેશે. આત્મહત્યા પહેલા લખેલા પત્ર અનુસાર મલ્લપ્પાએ એ વ્યક્તિ પાસેથી માત્ર 10000 રૂપિયા લીધા હતા."

મારી પાસે સમય નથી

ઇમેજ સ્રોત, UMESH

પરત ફરતા સમયે અમે કલ્યાણદુર્ગમ પસાર કરીને અનંતપુર પહોંચ્યા અને એ ફોટોગ્રાફર સાથે મુલાકાત કરી, જેમણે મલ્લપ્પાની તસવીર લેમિનેટ કરી હતી.

જ્યારે અમે એક ક્ષેત્રીય સમાચાર પોર્ટલ માટે ફ્રીલાંસ કામ કરતા ફોટોગ્રાફર ગોવિન્દુ પાસેથી મલ્લપ્પા વિશે જાણકારી માગી તો તેમણે અમને તેમના સ્ટૂડિયોમાં બોલાવ્યા.

ફોટોગ્રાફરે દુઃખી અવાજમાં સમગ્ર ઘટના વર્ણવી.

તેમણે કહ્યું, "મલ્લપ્પા એક દિવસે મારી પાસે આવ્યા અને પોતાની તસવીર લેમિનેટ કરવા કહ્યું. મેં એડવાન્સ પૈસા લીધા અને તેમને બે દિવસ બાદ આવવા માટે કહ્યું. બે દિવસ બાદ તેઓ આવ્યા. જોકે, તે દિવસ સુધી હું તસવીર લેમિનેટ કરી શક્યો ન હતો."

ઇમેજ સ્રોત, Getty Images

"તેમણે મને તુરંત તસવીર આપવા કહ્યું. તેમણે કહ્યું કે તેઓ વધારે રાહ જોઈ શકે તેમ નથી. મેં તેમને જૂની તસવીરના બદલે નવી તસવીર લેમિનેટ કરવા કહ્યું. તેમણે ના પાડતા કહ્યું કે 'મારી પાસે સમય નથી, મહેરબાની કરી જલદી કરી આપો.' મેં મારું બધું કામ છોડી દીધું અને તસવીર લેમિનેટ કરી. તેઓ આશરે 11.30 - 12 વાગ્યાની આસપાસ પોતાની તસવીર લઈ ગયા."

ગોવિન્દુએ કહ્યું, "મેં એક સ્થાનિક સમાચારપત્રમાં ખેડૂતની આત્મહત્યાના સમાચાર વાંચ્યા. મને યાદ આવ્યું કે આ તો એ જ વ્યક્તિ છે કે જેમની તસવીર મેં તે દિવસે લેમિનેટ કરી હતી. હું તેમની મૃત્યુ વધારે બે દિવસ ટાળી શકતો હતો, જો તેમના દબાણ છતાં હું બે દિવસ સુધી તસવીર ન આપતો."

દેવા માફી તેમનો જીવ બચાવી શકતી હતી

ઇમેજ સ્રોત, Thinkstock

મલ્લપ્પા પર 40000 રૂપિયાનું દેવું રાજ્ય સરકારની દેવામાફી નીતિ અંતર્ગત બે તબક્કામાં માફ કરી દેવામાં આવ્યું હતું અને ત્રીજા તબક્કાની રાહ હતી.

માધવય્યાએ જણાવ્યું, "મલ્લપ્પા રાહતનો શ્વાસ લઈ શકતા હતા, જો ત્રીજા તબક્કાની માફી પણ મળી જતી અને તેમનો ભાર થોડો હળવો થઈ જતો."

એક સ્થાનિક રિપોર્ટર શફીઉલ્લાહે બીબીસીને જણાવ્યું કે હવે તેમણે માત્ર 10000 રૂપિયા એક ખાનગી દેવાદારને આપવાના હતા, જેમણે તેમને ધમકાવ્યા હતા.

ટમેટાનું બજાર

પ્રતિ એકર ટમેટા ઉગાડવાની લાગત 30000 રૂપિયા આવે છે. દરેક પાકમાં સાત ગણો ફાયદો થાય છે. એક એકર જમીનમાં સરેરાશ 4500 કિલો ટમેટા ઉગાવી શકાય છે, જેનો મતલબ છે કે 15 કિલોની 3 ટોકરીઓ બજારમાં મોકલવામાં આવે છે.

પ્રતિ એકર પાક કાપવા માટે 15 મજૂરોની જરુર હોય છે. દરેક મજૂરની મજૂરી દરરોજની 150 રૂપિયા હોય છે.

ઇમેજ સ્રોત, ANJI

આ રીતે પ્રતિદિન 2250 રૂપિયા મજૂરી આપવી પડે છે. આ સિવાય પ્રતિ ટોકરી બજારમાં મોકલવાનો ખર્ચ 16 રૂપિયા બેસે છે, એટલે કે 300 ટોકરીઓનો ખર્ચ 4800 રૂપિયા આવે છે.

આ સિવાય બજારમાં મધ્યસ્થી કરતા લોકોને 10 ટકા કમીશન આપવું પડે છે. પરંતુ બજારમાં પ્રતિ ટોકરીની કિંમત માત્ર 40 રૂપિયા મળે છે. કુલ સરવાળો- બાદબાકી કર્યા બાદ પ્રતિ એકર 1000 રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે.

ઓછી કિંમતે વેચવા સિવાય ખેડૂત પોતાના પાકને રસ્તા પર ફેંકી દેવા મજબૂર છે.

છેલ્લા 54 વર્ષમાં આવો દુષ્કાળ પડ્યો નથી

ઇમેજ સ્રોત, NIYAS AHMED

અનંતપુર જિલ્લાના સંયુક્ત કૃષિ નિર્દેશક હબીબે જણાવ્યું, "અમે આટલો ભયાનક દુષ્કાળ છેલ્લા 54 વર્ષોમાં જોયો નથી. અનંતપુર જિલ્લામાં જરા પણ વરસાદ થયો નથી. અમારે હાન્દ્રીનીવા પરિયોજનાથી કૃષ્ણા નદીનું પાણી મળે છે, જે થોડું સારું છે. અમે આટલો લાંબો દુષ્કાળ અને કાળી માટી હોવા છતાં પાકનું આટલું નુકસાન ક્યારેય જોયું નથી."

તેમણે ડરેલા અવાજ સાથે કહ્યું, "હું ખેડૂતોની સ્થિતિની કલ્પના કરી ખરેખર ભયભીત છું."

માનવાધિકાર કાર્યકર્તા એસએમ ભાષા સવાલ કરે છે, "મલ્લપ્પાની આત્મહત્યા જિલ્લામાં દુષ્કાળના કારણે થતાં મૃત્યુનું ઉદાહરણ છે. ખેતર અને ખેતી ખેડૂતોને સુરક્ષા આપવાના બદલે તેમના જીવન પર ખતરો બની રહ્યા છે. ખેડૂતોનો પાક તૈયાર થાય ત્યાં સુધી બજારમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય નક્કી ન થાય તો તેઓ શું કરશે?"

તેઓ કહે છે, "હું દુષ્કાળ પર છેલ્લા 30 વર્ષોથી શોધ કરી રહ્યો છું. પરંતુ ખેડૂતોની આત્મહત્યા વિશે વિચારવાની મારી હિમ્મત જ નથી."

"ગ્રામીણ વિસ્તારોની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યના ઘણા ભાગમાં દુષ્કાળની સમસ્યા વધતી જઈ રહી છે. ઘણા ગામ ખાલી થઈ ગયા છે. ગામમાં માત્ર વૃદ્ધ લોકો બચ્યા છે. ગામમાં પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે. "

તેમનું કહેવું છે, "દરેક જિલ્લામાં વિવિધતા છે અને સરકારે વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજના બનાવવી જોઈએ, જે થઈ રહ્યું નથી."

તેમના જણાવ્યા અનુસાર, "મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના હારનું કારણ કૉંગ્રેસ પાર્ટી નથી. તેનું કારણ માત્ર ખેડૂતો અને સમાજના બેરોજગાર સમુદાયમાં નિરાશા ઉત્પન્ન થવી છે. સરકારો બદલાઈ જાય છે, પરિસ્થિતિઓ બદલતી નથી. દીર્ઘકાલીન વિકાસ માટે રાજકીય પક્ષોને બદલવા કરતા સકારાત્મક બદલાવ માટે જન આંદોલનની જરૂર છે."

ઘર ચલાવવા માટે માધવય્યાની આશા હજુ પણ મગફળીના પાક પર ટકેલી છે. તેમને પોતાના પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળે તેવી આશા છે. પણ જો પાક ખરાબ થઈ ગયો તો?

તેના પર માધવય્યા કહે છે, "અમે નથી જાણતા કે અમારા નસીબમાં શું લખાયું છે. મારે દેવાના વ્યાજના રુપમાં 40000 રૂપિયા ભરવાના છે. મને ખબર નથી કે હું તેને કેવી રીતે ચૂકવીશ. હું ટમેટાના પાકની સિંચાઈ એ આશાથી કરી રહ્યો છું કે તેનાથી થોડાં પૈસા મળશે. જો વરસાદ ન થયો તો પાક નિષ્ફળ જશે અને તેવામાં અમારે અમારી જમીન અને પશુ વેચીને શહેર જતું રહેવું પડશે."

આ કહેતા માધવય્યાના અવાજમાં આશા પણ હતી અને નિરાશા પણ હતી.

'વળતર આપવામાં આવશે'

કલ્યાણ દુર્ગમમાં રેવેન્યૂ વિભાગના પ્રભારી શ્રીનિવાસુલુ બીબીસીને જણાવે છે, "અમે મલ્લપ્પાના પરિવારને જલદી વળતર આપવાનું આશ્વાસ આપીએ છીએ. અમે તેમની ફાઇલ જિલ્લા કલેક્ટરને મોકલી આપી છે."

તેઓ કહે છે, "મલ્લપ્પાના પરિવારને સરકાર પાસેથી હવે પાંચ લાખના વળતરની રાહ છે અને અમે બૅન્કના દોઢ લાખના ઋણને ચૂકવી દઈશું."

શ્રીનિવાસુલુએ બીબીસીને જણાવ્યું, "તેમનો પરિવાર ખાનગી ઋણને વળતરની રકમથી ચૂકવી શકે છે. અમે મલ્લપ્પાના દીકરા અને તેમનાં પત્નીના નામે એક સંયુક્ત ખાતું ખોલીશું અને અલગ અલગ તબક્કામાં વળતરની રકમ આપવામાં આવશે."

ઇમેજ સ્રોત, PTI

અનંતપુર જિલ્લા પ્રશાસનના પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે 1998- 2017 વચ્ચે અહીં 932 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જિલ્લામાં છેલ્લા 17 વર્ષોમાં સતત 9 વર્ષો સુધી દુષ્કાળ રહ્યો છે.

આ આંકડો 2002થી તૈયાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લા ભૂજળ વિભાગના આધિકારિક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. અધિકારીઓએ ભૂજળમાં 2011-2018 ડિસેમ્બર વચ્ચે 12.9 મીટરથી 27.21 મીટર સુધી ઘટાડો નોંધ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો