અસ્પૃશ્યતાનો વિરોધ કરતા ગાંધીજી વર્ણવ્યવસ્થામાં કેમ માનતા હતા?

  • ઉર્વીશ કોઠારી
  • બીબીસી ગુજરાતી
ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીના જીવનકાળમાં અને ત્યાર પછી પણ તેમના સૌથી ટીકાપાત્ર બનેલા વિચારોમાં તેમના વર્ણાશ્રમ-વર્ણધ વિશેના વિચારોનો સમાવેશ થાય.

અસ્પૃશ્યતાનાબૂદીને પોતાનું જીવનકાર્ય ગણનારા, તેના માટે ભારે વિરોધ વેઠનારા અને અસ્પૃશ્યતાના પ્રશ્નને રાષ્ટ્રીય મંચ પર લાવનારા ગાંધીજી વર્ણવ્યવસ્થાનો બચાવ કેમ કરતા હતા?

શું તેમના આ વિચારોના આધારે તેમને 'કાસ્ટિસ્ટ', જ્ઞાતિભેદમાં માનનારા, તેને ટેકો આપનારા કહી શકાય?

વર્ણવ્યવસ્થા : ગાંધીજીનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ણવ્યવસ્થા વિશેના ગાંધીજીના ખ્યાલ ટૂંકમાં આ રીતે મૂકી શકાય : વર્ણધર્મ એટલે શ્રમના વિભાજનની વ્યવસ્થા.

દરેકે કમાવા માટે પોતાના પૂર્વજનો વ્યવસાય કરવો. બીજો વ્યવસાય શોધવામાં સમય ન બગાડવો.

એ રીતે બચતા સમયમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રવૃત્તિ કરવી.

પોતાની મૂળભૂત વૃત્તિ પૂર્વજોના વ્યવસાય સિવાયની હોય, તો જીવનનિર્વાહ પૂરતું પૂર્વજોના વ્યવસાયમાંથી કમાવું અને પોતાની જે વૃત્તિ હોય તે ક્ષેત્રમાં સેવા આપવી.

બધા વ્યવસાયોનું મહત્ત્વ સરખું હોય. કોઈ ઊંચો કે નીચો ન હોય.

તેમણે લખ્યું હતું, 'આ (વર્ણધર્મના) નિયમને શોધીને અને જ્ઞાનપૂર્વક એનું પાલન કરીને હિંદુધર્મે માનવજાતિની ભારે સેવા કરી છે.' (નવજીવન, ૨૭-૧૧-૧૯૨૭, પૃ.૧૧૬)

આ જ લેખમાં તેમણે લખ્યું હતું, 'વર્ણધર્મની આ કલ્પનામાં કોઈ એકબીજાથી ચઢિયાતું નથી...હા, એટલું અવશ્ય કબૂલ કરવું જોઈએ કે હિંદુધર્મના વિકાસક્રમમાં કોઈક કાળે એમાં ભ્રષ્ટાચાર દાખલ થયો, અને ઊંચનીચપણાના સડાએ પેસીને એને બગાડી નાખ્યો.'

એક સવાલના જવાબમાં ગાંધીજીએ એમ પણ લખ્યું હતું, 'હું અવશ્ય કહું કે બ્રાહ્મણવર્ણ એ બીજા વર્ણોની પરાકાષ્ઠા છે. એનો અર્થ ચડિયાતી સેવાની શક્તિ છે, ચડિયાતો દરજ્જો નથી. ચડિયાતો દરજ્જો ધારણ કરવામાં આવે એ ક્ષણે જ એ પગ નીચે કચડવાને લાયક બને છે.' ('વર્ણાશ્રમ', સંપાદકઃ વનમાળા દેસાઈ, પૃ. ૧૪)

વર્ણધર્મનો ગાંધીજીનો આદર્શ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીએ તેમની કલ્પનાના આદર્શ વર્ણધર્મનું ચિત્ર આ શબ્દોમાં આપ્યું હતું : 'વર્ણધર્મમાં અથવા કહો કે હિંદુ ધર્મમાં હું અસ્પૃશ્યતાને સ્થાન નથી જોતો. એ વર્ગો બીજા સૌની સાથે શૂદ્રવર્ગમાં ભળી જશે.'

'આ શૂદ્રવર્ગમાંથી પાવન થઈને ધીમેધીમે બીજા ત્રણ વર્ણો ઉદભવશે. એમના ધંધાઓ વિવિધ છતાં દરજ્જો સમાન હશે.'

'બ્રાહ્મણો બહુ થોડા હશે. ક્ષત્રિય વર્ગ એથીયે નાનો હશે, અને તે આજની જેમ ભાડુતી સિપાઈ અથવા નિરંકુશ રાજ્યકર્તા નહીં હોય, પણ રાષ્ટ્રના સાચા રક્ષક અને હવાલદાર હશે, અને એની સેવામાં જાનની કુરબાની કરશે.'

'સૌથી નાનો વર્ગ શુદ્રોનો હશે. કારણ સુવ્યવસ્થિત સમાજમાં મનુષ્ય ભાઈબહેનો પાસેથી ઓછામાં ઓછી મજૂરી લેવામાં આવશે.'

'મોટામાં મોટી સંખ્યા વૈશ્યોની હશે. એ વર્ણમાં તમામ ધંધાઓનો ખેડૂતો, વેપારીઓ, કારીગરો વગેરે સૌનો સમાવેશ થશે.'

આ કલ્પના 'મનોરાજ્ય' જેવી લાગે તો પણ, 'પોતાનાં મનોરાજ્યનો સમાજને હાથે સ્વીકાર ન થાય તો એ તેમાં રહેવાની અને વિહરવાની વ્યક્તિઓને છૂટ છે. દરેક સુધારાની શરૂઆત વ્યક્તિથી જ થયેલી છે.' એવી સ્પષ્ટતા તેમણે કરી હતી. (નવજીવન, ૨૭-૧૧-૧૯૨૭, પૃ.૧૧૭)

વ્યાપક માન્યતા એવી હતી કે અસ્પૃશ્યતાના મૂળમાં વર્ણવ્યવસ્થા છે અને વર્ણવ્યવસ્થા જશે તો જ અસ્પૃશ્યતા જશે.

ગાંધીજી માનતા હતા કે 'અસ્પૃશ્યતા જશે તે જ ક્ષણે ખુદ જ્ઞાતિપ્રથા શુદ્ધ થશે, એટલે કે મારા સ્વપ્ન પ્રમાણે તે સાચા વર્ણાશ્રમમાં-એકબીજાના પૂરક અને કોઈ ઊંચ નહીં કે કોઈ નીચ નહીં... એવા ચાર વિભાગમાં પરિણમશે.' (વર્ણાશ્રમ, પૃ.૩૧)

તેમની એવી તૈયારી હતી કે 'જો અસ્પૃશ્યતા દૂર કરતાં વર્ણાશ્રમનો લોપ થઈ જાય તો હું એક પણ આંસુ પાડવાનો નથી.'(વર્ણાશ્રમ, પૃ.૧૪)

પરંતુ તેમને પાકી ખાતરી હતી કે અસ્પૃશ્યતા નાબૂદ કરવા વર્ણવ્યવસ્થાનો નાશ કરવાની જરૂર નથી.

નિકટના સાથીદાર-કુટુંબી મથુરાદાસ ત્રિકમજી સાથેની ચર્ચામાં ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે 'વર્ણધર્મની રચનાને માટે આશ્રમધર્મનો પાયો જોઈએ. (આશ્રમધર્મ એટલે જીવનને કર્તવ્યો પ્રમાણે ચાર ભાગમાં વહેંચતી વ્યવસ્થા) એ વિના આખી ઇમારત કાચી જ રહે. વર્ણાશ્રમધર્મમાં સંતોષ રહેલો છે, પોતપોતાના ધર્મકર્મને વિશે સમાધાન રહેલું છે.' (ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ ૫૩, પૃ.૫૬૧)

તમને આ પણ વાંચવું ગમશે

ગૂંચવાડા અને જવાબ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીના મનોરાજ્યમાં વર્ણધર્મ વિશે ગમે તેટલી સ્પષ્ટતા હોય, પણ વર્ણધર્મ અને ઊંચનીચના ભેદભાવને એક જ ગણનારા લોકોનું શું?

તેમને એવું સૂચવાયું કે વર્તમાન વર્ણવ્યવસ્થા અસ્પૃશ્યતાથી ગંધાઈ ઊઠી હોવાથી, તે જેની વાત કરે છે એ વ્યવસ્થાને બીજું કંઈ નામ આપવું.

બાકી, ગાંધીજી વર્ણવ્યવસ્થાનું સમર્થન કરશે તો, તેમનો વર્ણવ્યવસ્થાનો ખ્યાલ જુદો હોવા છતાં, તેમના વિચારોને 'હિંદુધર્મમાં જે બેહૂદી અસમાનતા અને અત્યાચારો ચાલી રહેલાં છે તેના સમર્થનમાં' ટાંકવામાં આવશે. (જેવું ત્યારે અને અત્યારે પણ બને છે.)

જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે એવા વાંધા તો બીજી ઘણી વ્યવસ્થા સામે ઉઠાવી શકાય, પણ સુધારકે 'એ વ્યવસ્થાને જ તપાસવી અને જો એના દોષો ગાળી શકાય એમ હોય તો તેને સુધારવા મંડી પડવું.' (નવજીવન, ૨૭-૧૧-૧૯૨૭, પૃ.૧૧૭)

વર્ણાશ્રમ વિશેના ગાંધીજીના મૂળભૂત વિચાર બદલાયા નહીં, પણ તેમના આદર્શવાદમાં ઘટાડો જરૂર થયો.

૧૯૩૩માં ડૉ. આંબેડકરની ટીકાનો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું હતું, 'ડૉ. આંબેડકર ખુદ વર્ણાશ્રમ સામે લડવા માગતા હોય તો હું તેમને સાથ નહીં આપી શકું. કારણ કે વર્ણાશ્રમને હું હિંદુ ધર્મનું અવિભાજ્ય અંગ માનું છું. આજે તો આંબેડકરની કલ્પનાના વર્ણાશ્રમનું પાલન કરવામાં આવે છે એ તદ્દન ઉઘાડી વાત છે. પણ વર્ણાશ્રમની મારી એ કલ્પના નથી.' (એસોસિએટેડ પ્રેસને મુલાકાત, ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ ૫૩, પૃ.૩૪૪)

તેમણે એટલી હદ સુધી કહ્યું કે વર્ણાશ્રમને ડૉ. આંબેડકર તરફથી છે તેના કરતાં, હિંદુ ધર્મનાં અનિષ્ટો પ્રત્યે આંખ આડા કાન કરનારા લોકો તરફથી વધારે ભય છે અને 'જો આપણે તેમના જેવા લોકોને હિંદુ ધર્મમાં સ્થાન આપવા માગતા હોઈએ તો આપણે તેમને આપણા વર્તનથી બતાવી આપવું જોઈએ કે વર્ણાશ્રમ ઊભી લીટી નથી, પણ સમતલ ભૂમિ છે.'

'જેમાં ઇશ્વરનાં સૌ સંતાનોનો સરખો દરજ્જો છે, ભલે પછી તેઓ જુદાજુદા ધંધામાં લાગેલાં હોય અને તેમના ગુણો અને રુચિ ભિન્ન ભિન્ન હોય.' (ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ ૫૩, પૃ.૩૭૯)

જાતપાતતોડક મંડળના મંત્રીને તેમણે લખ્યું હતું, 'વર્ણાશ્રમની મૂળ કલ્પનામાં ઊંચનીચનો ભાવ નથી અને કર્તવ્યના આ શુદ્ધ વિભાજનનું પરિણામ કદી અસ્પૃશ્યતા હોઈ ન શકે...'

'વર્ણાશ્રમધર્મ અને અસ્પૃશ્યતાને પોતપોતાના ગુણદોષ અનુસાર જીવવાની કે મરવાની તક આપવી જોઈએ.'

'બંનેને ભેળવી દેવાથી ગુંચવાડો થશે અને જે અસ્પૃશ્યતાને બધા સુધારકો અને ઘણા સનાતનીઓ પણ, દૂર કરવા ઇચ્છે છે, તેને દૂર કરવાની મુશ્કેલીમાં ઉમેરો થશે.'

'તેથી જ્ઞાતિપ્રથા તોડવામાં માનનારા લોકોએ ધીરજ રાખવી જોઈએ અને અસ્પૃશ્યતા જે સર્વસામાન્ય અને સૌએ સ્વીકારેલું અનિષ્ટ છે તેની સામે ચાલતી લડતમાં જોડાઈ જવું જોઈએ.'(ગાંધીજીનો અક્ષરદેહ ખંડ ૫૩, પૃ.૫૦૯)

વિચારોમાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના બીજા વિચારોની જેમ વર્ણાશ્રમ વિશેના વિચારો પણ 'પહેલાં હતા તેવા જ અત્યારે છે, એમ કહેવું સાચું નથી' એમ કહીને તેમણે ૧૯૪૫માં 'વર્ણવ્યવસ્થા' પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું હતું,

'મેં કહ્યું હતું કે વર્ણો અને આશ્રમો હિંદુ ધર્મની જગતને ભેટ છે. હું એ વિચારને હજુ વળગી રહું છું. પણ આજે મારા ખ્યાલ પ્રમાણેના વર્ણો કે આશ્રમો અસ્તિત્વ ધરાવતા નથી.'

'તે આપણા ધર્મનો હિસ્સો હોવા જોઈએ. તેને બદલે એવું કહી શકાય કે અત્યારે આશ્રમો સદંતર અદૃશ્ય થયા છે અને વર્ણો વિશેષાધિકારોના સ્વરૂપે જોવા મળે છે...'

'શુદ્રો નીચા ગણાય છે અને અતિશુદ્રો તો નીચામાં પણ છેક નીચા. આ ધર્મ નથી, પણ ધર્મનો લોપ છે.' (કલેક્ટેડ વર્કસ ઑફ ગાંધી, ખંડ ૮૦, પૃ.૨૨૨)

જીવનના છેલ્લા તબક્કામાં, ૧૯૪૬માં થયેલી એક ચર્ચામાં ગાંધીજીના વિચાર ઓર આગળ વધ્યા.

હરિજન સેવક સંઘના સભ્યો સાથેની વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું, 'શ્રી શ્યામલાલ સાથેના તમારા તાજેતરના પત્રવ્યવહારમાં તમે કહ્યું છે કે અસ્પૃશ્યતાને સંપૂર્ણપણે નાબૂદ કરવી હોય, તો જ્ઞાતિ જડમૂળથી જવી જોઈએ. (Caste ought to go root and branch if untouchability is to be completely eradicated).'

'તો તમે તમારા અસ્પૃશ્યતાનિવારણના કામને જ્ઞાતિપ્રથા સામેની વ્યાપક ઝુંબેશનો હિસ્સો કેમ નથી બનાવતા? મૂળ નાબૂદ થશે તો ડાળીઓ આપોઆપ નષ્ટ થશે.'

તેનો જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું, 'હું ચોક્કસ વિચારો ધરાવતો હોઉં તે એક વાત છે અને મારા વિચાર સંપૂર્ણપણે વ્યાપક જનસમુદાયને સ્વીકાર્ય બનાવવા તે સાવ બીજી વાત છે.'

'મને લાગે છે કે મારું મન સતત વિકસી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. બધા તેની સાથે તાલ ન પણ મિલાવી શકે. એટલે મારે ભારે ધીરજ રાખવી ઘટે અને ધીમે ધીમે ઉતાવળ કરીને સંતોષ માનવો ઘટે...'

'હું તમારી જોડે સૈદ્ધાંતિક રીતે પૂરેપૂરો સંમત છું. હું સવાસો વર્ષ જીવીશ તો આખા હિંદુ સમાજને મારા વિચારો ધરાવતો કરી દઈશ એવી હું આશા સેવું છું.' (કલેક્ટેડ વર્ક્સ ઑફ ગાંધી, ખંડ ૮૫, પૃ.૨૪)

તમને આ પણ વાંચવું ગમશે

વિશ્લેષણ

ડૉ. આંબેડકર જેવા સુધારકો માનતા હતા કે અસ્પૃશ્યતા કાઢવા માટે જ્ઞાતિપ્રથા-વર્ણવ્યવસ્થા કાઢવી જરૂરી છે, જ્યારે ગાંધીજી અસ્પૃશ્યતા કાઢીને તેમણે કલ્પેલી આદર્શ વર્ણવ્યવસ્થાને શુદ્ધ કરવા માગતા હતા.

એમ કરવાથી વર્ણવ્યવસ્થામાં માનતા હિંદુઓના મોટા સમુદાયને સાથે રાખી શકવાની આશા હતી. પરંતુ તેમનો આદર્શવાદ વાસ્તવિકતા કરતાં ઘણો દૂર હતો (જેનો એકરાર તેમનાં જ લખાણમાં વાંચવા મળે છે.)

એટલે મૃત્યનાં માંડ દોઢેક વર્ષ પહેલાં જુલાઈ, 1946ની વાતચીતમાં તેમણે કહ્યું કે અસ્પૃશ્યતા કાઢવા માટે જ્ઞાતિ કાઢવી પડે એ વાતથી તેઓ સંમત છે, પણ લોકો સુધી તે બાબત પહોંચાડવા અને તેનો સ્વીકાર કરાવવા માટે 'ધીમે ધીમે ઉતાવળ' કરવી પડશે.

તેમની અગાઉની કલ્પનાનો વર્ણાશ્રમ શક્ય નથી, એવું મોડેમોડે તેમણે સ્વીકાર્યું.

તેમનો એવો અવાસ્તવિક આદર્શવાદ ટીકાને પાત્ર બની શકે. પરંતુ તેમના આ વલણમાં દલિતોનો વિરોધ, અસ્પૃશ્યતાનો કે ઊંચનીચના ભેદભાવનો સ્વીકાર હતો એમ કહેવું યોગ્ય છે?

ગાંધીજી માટે આ મામલો હિંદુ ધર્મમાં સુધારણા આણવાનો હતો, જ્યારે ડૉ. આંબેડકર માટે તે કાનૂની રાહે દલિતોના માણસ તરીકેના અધિકાર મેળવવાનો.

બંનેએ સામસામા છેડે શરૂ કરેલા પ્રવાસની દિશા અને અંતિમ લક્ષ્ય એક જ હતાં, એવું તેમનાં લખાણો પરથી સમજાય છે.

વર્ણાશ્રમના સમર્થનમાં ગાંધીજીની મુગ્ધ આદર્શવાદ માટેની જીદ જોઈ શકાય, પણ તેમાં તેમની કુટિલતા કે દલિતો પ્રત્યેની શત્રુતા જોવામાં પ્રમાણ ચૂકાય છે અને તેમની હત્યા પછીનાં વર્ષોમાં તેમના નામે જે કંઈ થયું કે ન થયું, એ માટે પણ તેમને કેટલા જવાબદાર ગણી શકાય?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો