રોહિંગ્યા મુસલમાનો અંગે ફેલાવાઈ રહેલા ખોટા સમાચારની હકીકત

  • પ્રશાંત ચાહલ
  • ફૅક્ટ-ચેક ટીમ

સોશિયલ મીડિયા પર મ્યાનમારથી વિસ્થાપિત થઈને ભારત આવેલા રોહિંગ્યા મુસલમાનો સાથે જોડાયેલા એક સમાચાર શૅર કરાઈ રહ્યા છે. આ સમાચારનું શિર્ષક છે, 'હિંદુઓનું માંસ ખાય છે અને હિંદુસ્તાનમાં રહે છે.'

આ સમાચારનું કટિંગ 'આજ તક ગુડગાંવ' નામના એક અખબારનું છે. અખબાર પોતે હરિયાણાનું નંબર 1 સાપ્તાહિક અખબાર હોવાનો દાવો કરે છે અને અખબારની ટેગલાઇન 'સચ્ચી ખબર કે સાથ કરે સફર' છે.

અહીં એ પણ જણાવી દઈએ કે આ અખબારને 'ઇન્ડિયા ટુડે ગ્રૂપ'ની 'આજ તક' ચેનલ સાથે કંઈ લેવાદેવા નથી.

અખબાર પોતાના સમાચારમાં લખે છે, 'સરકાર સતર્ક ના થઈ તો હરિયાણામાં મોટું તોફાન થઈ શકે. કારણ કે હિંદુઓનું માંસ ખાનારાઓને મેવાતમાં આશ્રય અપાઈ રહ્યો છે.'

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે તિબેટની એક તસવીરનો ઉપયોગ કરીને આ અફવા ફેલાવાઈ રહી છે, જેનો રોહિંગ્યા સાથે કોઈ સંબંધ નથી.

આ ઉશ્કેરણીજનક સામગ્રી ટ્વિટર અને ફેસબુક ઉપરાંત 'ગુગલ પ્લસ' પર પણ શૅર કરાઈ રહી છે.

કેટલાક લોકોએ એવું પણ લખ્યું છે કે તેમને આવા 'ડરામણા સમાચાર' વૉટ્સઍપ પર મળ્યા હતા.

અફવાને વધુ ભયાનક બનાવાઈ

'દૈનિક ભારત ન્યૂઝ' નામની એક વેબસાઇટે પણ 'આજતક ગુડગાંવ'ને ટાંકીને આ ખબરને પોતાની સાઇટ પર પ્રકાશિત કરી છે.

એટલું જ નહીં, વેબસાઇટે એક ડગલું આગળ વધીને આ અફવાને 'હિંદુઓની હત્યા' સાથે જોડી દીધી છે.

મૂળ અફવા ફેલાવનારા અખબાર 'આજ તક ગુડગાંવ'એ 'હિંદુઓના મૃતદેહને ખાતા પકડાયા' એવું લખ્યું હતું. એટલે પહેલાંથી જ ઉશ્કેરણીજનક અફવાને વેબસાઇટે વધારે ભયાનક બનાવી દીધી છે.

આ અફવાની તપાસ માટે બીબીસીએ મેવાતના એસપી રાજેશ દુગ્ગલ સાથે વાત કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે જણાવ્યું, "આ એક ફેક ન્યૂઝ છે. મેવાતમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ ક્યારેય પણ આ પ્રકારની ગુનાહિત ઘટના દાખલ કરાઈ નથી.'

તો પછી કયા આધારે 'આજતક ગુડગાંવ' અખાબરે આ ખબરને છાપી?

આ વાત જાણવા માટે અમે અખબારના કાર્યાલયમાં વાત કરી.

પોલીસના સ્પષ્ટતા

આ અફવા અંગે બીબીસીએ 'આજ તક ગુડગાંવ' અખબારના તંત્રી સતબીર ભારદ્વાજ સાથે વાત કરી.

ભારદ્વાજે જણાવ્યું કે તેઓ 'આજતક ગુડગાંવ' ઉપરાંત 'પંજાબ કેસરી' અખબારની ગુડગાંવ ઍડિશનના બ્યુરો ચીફ પણ છે.

'પંજાબ કેસરી' અખબારના દિલ્હી ખાતેના કાર્યાલયે આ વાતની પુષ્ટી કરી છે.

ભારદ્વાજે કહ્યું, "હરિયાણામાં હિંદુઓનું માંસ ખાનારા રોહિંગ્યા મુસલમાનોની એક તસવીર વાયરલ થઈ રહી છે. મારી પાસે પણ વૉટ્સઍપ થકી આ તસવીર આવી હતી."

ભારદ્વાજે જણાવ્યું કે તેમણે 'કાશિફ' નામના એક યુવાનના નિવેદનને આધારે 'હિંદુમાંસ ખાવા'ની આખી સ્ટોરી લખી હતી.

આ કાશિફ નામના યુવાન સાથે તેમની મુલાકાત ક્યાં થઈ? શું તેમણે મેવાત કે ગુડગાંવના કોઈ અધિકારીનું નિવેદન લીધું? શું કોઈ સામાજિક કાર્યકર કે કોઈ નેતા સાથે તેમણે આ અંગે વાત કરી?

આમાંથી કોઈ પણ સવાલનો જવાબ તેમની પાસે નહોતો.

મેવાતના એસપી રાજેશ દુગ્ગલે બીબીસીને જણાવ્યું કે મેવાત જિલ્લામાં 1356 રોહિંગ્યા મુસલમાનો રહે છે અને તમામ નોંધાયેલા છે. પોલીસ પાસે તેમનો ડેટા પણ હાજર છે.

હવે જાણો તસવીરનું સત્યત્વ

સતબીર ભારદ્વાજે પોતાના અખબારમાં જે તસવીર પ્રસિદ્ધ કરી છે, તેની વિકૃતિને કારણે બીબીસીએ તેને અહીં ના છાપવાનો નિર્ણય લીધો છે.

પરંતુ, આ તસવીરને ચકાસવામાં આવી તો સત્ય સામે આવ્યું.

ઇન્ટરનેટ પર આ તસવીર સાથે જોડાયેલા કેટલાંય પરિણામો મળ્યાં. આ તસવીરનો ઉપયોગ પ્રથમ વખત ઑક્ટોબર 2009માં એક બ્લૉગ પર કરાયો હતો.

બ્લૉગ અનુસાર અા તસવીર તિબેટના એ લોકોના અંતિમ સંસ્કારની ક્રિયા દર્શાવી રહી છે, જે પોતાના કુટુંબીજનોના મૃતદેહને પક્ષીઓને ખવડાવવામાં વિશ્વાસ રાખે છે.

આ ઉપરાંત આ તસવીર બ્લૉગમાં લખાયેલા સંદેશા સાથે ફેસબુક પેજ પર પણ જોવા મળી.

આને @PhramahaPaiwan નામના ફેસબુક યુઝરે 14 ઑગસ્ટ 2014ના રોજ પોસ્ટ કરી હતી.

2014માં જ આ તસવીરને ટ્વિટર પર પણ કેટલાક યુઝર્સે ટ્વીટ કરી હતી.

આ તસવીરો સાથે તિબેટીયન અંતિમ સંસ્કારનો ઉલ્લેખ હતો. સાથે એવું પણ લખાયેલું હતું કે તસવીર તિબેટની છે.

તિબેટીયન લોકોના અંતિમ સંસ્કારના કેટલાય વીડિયો યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે.

વીડિયોમાં કઈ રીતે મૃતદેહને ગીધ જેવાં પક્ષીઓને ખવડાવાય, એ જોઈ શકાય છે. એ તસવીરને રોહિંગ્યા મુસલમાનોની મેવાતની તસવીર ગણાવીને અસત્ય ફેલાવવાઈ રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો