વાજપેયીના એ 10 નિર્ણયો જે થકી ઇતિહાસ એમને મૂલવશે

ઇમેજ સ્રોત, Getty Images
અટલ બિહારી વાજપેયીના જન્મદિને કેન્દ્ર સરકારે તેમની મુદ્રાવાળો 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો છે. વાજપેયી ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહ્યા. પ્રથમ વખત 13 દિવસ માટે, પછી 13 મહિના માટે અને ત્યારબાદ 1999થી 2004 સુધી. ઉલ્લેખનીય છે કે વાજપેયીએ પોતાના કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લીધા જેણે ભારતની રાજનીતિને હંમેશાંને માટે બદલી નાખી. એક નજર એવા નિર્ણયો પર કરીએ જેને વાજપેયીએ વડા પ્રધાન તરીકે લીધા હતા અને લાંબા સમય સુધી ભારતની રાજનીતિમાં તેની અસર દેખાશે.
1. ભારતને જોડવાની યોજના
વડા પ્રધાન તરીકે વાજપેયીના જે કામને સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે તે છે રસ્તાના માધ્યમથી ભારતને જોડવું.
તેમણે ચેન્નઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજના લાગુ કરી. આ સાથે જ વડા પ્રધાન ગ્રામીણ સડક યોજના લાગુ કરી. આ નિર્ણયે દેશના આર્થિક વિકાસને ગતિ આપી.
તેમની સરકારમાં નદીઓના જાડાણની પણ યોજના બનાવવામાં આવી હતી. વર્ષ 2003માં તેમણે સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
2. ખાનગીકરણનો સહયોગ
ઇમેજ સ્રોત, Getty Images
વાજપેયીની આ રણનીતિ પાછળ કૉર્પોરેટ સમૂહની ભાજપ સાથે સાઠગાંઠ હશે એમ માનવામાં આવે છે. જોકે, તે સમયે તેમની નજીક રહેલા પ્રમોદ મહાજનનું દિમાગ હોવાનું પણ માનવામાં આવતું હતું.
વાજપેયીએ વર્ષ 1999માં પોતાની સરકારમાં વિનિવેશ (મૂડી રોકાણ) તરીકે એક નવા મંત્રાલયનું ગઠન કર્યું હતું.
આ મંત્રાલયના મંત્રી અરુણ શૌરીએ ભારત ઍલ્યુમિનિયમ કંપની (બાલ્કો) હિંદુસ્તાન ઝિંક, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ અને વિદેશ સંચાર નિગમ લિમિટેડ જેવી સરકારી કંપનીઓને વેચવાની શરૂ કરી.
આ સાથે જ વાજપેયીની સત્તા પહેલાં દેશમાં વીમાનું ક્ષેત્ર સરકારી કંપનીઓના હાથમાં હતું. પરંતુ વાજપેયીએ તેમાં વિદેશી રોકાણના રસ્તાઓ ખોલી નાખ્યા. તેમણે વીમા કંપનીઓમાં વિદેશી રોકાણની સીમા 26 ટકા વધારી દીધી હતી જેને વર્ષ 2015માં મોદી સરકારે 49 ટકા કરી નાખી.
જોકે, વાજપેયીના આ નિર્ણયની આજે પણ આલોચના થાય છે. આલોચકોનું માનવું છે કે ખાનગીકરણથી કંપનીઓએ નફાને જ પોતાનું લક્ષ્ય બનાવી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાને વાજપેયી સરકારે જ બંધ કરી હતી.
3. સંચાર ક્રાંતિનો બીજો યુગ
ભારતમાં ભલે સંચાર ક્રાંતિના જનક રાજીવ ગાંધી અને સામ પિત્રોડાને માનવામાં આવતા હોય, પરંતુ તેને લોકો સુધી પહોંચાડવામાં વાજપેયી સરકારનું યોગદાન છે.
વર્ષ 1999માં વાજપેયી સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના એકાધિકારને ખતમ કરીને નવી ટેલિકોમ નીતિ અપનાવી હતી.
રેવન્યૂ શેરિંગ મૉડલ મારફતે લોકોને સસ્તા દરે ફોન કોલ્સ કરવાનો ફાયદો મળ્યો અને ત્યારબાદ સસ્તા ફોન મળવાનું શરૂ થયું.
4. સર્વ શિક્ષા અભિયાન
છથી 14 વર્ષનાં બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું અભિયાન વાજપેયી સરકારે 2000-01 વર્ષમાં શરૂ કરી હતી.
આ નિર્ણયને લીધે વર્ષ 2000માં 40 ટકા બાળકો ડ્રોપ આઉટ થતા જે ઘટીને વર્ષ 2005માં 10 ટકા થઈ ગયા.
5. પોખરણ પરીક્ષણ
મે 1998માં ભારતે પોખરણ ખાતે પરમાણું પરીક્ષણ કર્યું હતું જે 1974 બાદ પ્રથમ પરમાણું પરીક્ષણ હતું. જોકે આ પરીક્ષણની આલોચના પણ થઈ હતી કારણ કે ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણું પરીક્ષણ કર્યું હતું
જાણીતાં લેખિકા અરુંધતી રોયે આઉટલુક મૅગેઝિનમાં 5 ઑગસ્ટ 1998ના અંકમાં 'ધ એન્ડ ઑફ ઇમેજિનેશન' નામે એક લેખ લખ્યો હતો.
તેમણે લખ્યું, "જો પરમાણું યુદ્ધ થાય છે તો તે દેશ વિરુદ્ધ નહીં થાય. આપણા દુશ્મન ના તો અમેરિકા છે, ના તો ચીન. આપણી દુશ્મન પૃથ્વી બનશે. આપણે પૃથ્વીના તત્વ, ક્ષિતિ, પાણી, આકાશ, પવન બધાની વિરુદ્ધ થઈ જઈશું."
આ પરીક્ષણ બાદ અમેરિકા, બ્રિટન, કૅનેડા અને ઘણા પશ્ચિમનાં દેશોએ ભારત પર આર્થિક નિયંત્રણો મૂકી દીધાં હતાં. અનેક પ્રયાસો બાદ વર્ષ 2011 સુધી મોટાભાગનાં નિયંત્રણો હટી ગયાં હતાં.
6. લાહોર-આગ્રા સમિટ અને કારગિલ-કંધાર મુદ્દે અસફળતા
ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન તરીકે વાજપેયીએ ભારત અને પાકિસ્તાનના સંબંધનો સુધારવાના પ્રયાસો કર્યા હતા. તેમણે વર્ષ 1999માં દિલ્હી-લાહોર બસ સેવા શરૂ કરી હતી.
પ્રથમ વખત તેઓ પોતે લાહોર ગયા હતા અને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ સાથે મળીને લાહોર દસ્તાવેજ પર સહી કરી હતી.
એટલું જ નહીં વાજપેયી પાકિસ્તાનના મિનાર-એ-પાકિસ્તાન પણ ગયા હતા જે પાકિસ્તાનના અસ્તિત્વનો પુરાવો છે. અહીં 23 માર્ચ 1940 ના રોજ પાકિસ્તાન બનવાનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.
જોકે, તેના થોડા સમય બાદ પાકિસ્તાનના સૈનિકોએ કારગિલ ખાતે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જોકે, બે મહિનાના સંઘર્ષ બાદ પાકિસ્તાનની સૈનિકોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા હતા. સત્તાવાર આંકડા મુજબ તે સમયે ભારતના 500 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો..
ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદિનના લોકોએ આઈસી-814 વિમાનનું અપહરણ કરી લીધું. કાઠમંડુથી દિલ્હી આવી રહેલા આ વિમાનમાં 176 યાત્રી અને 15 ક્રૂ મેમ્બર હતા.
અપહરણકર્તાઓ આ વિમાનને અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા. તેમણે ઉગ્રવાદી મુશ્તાક અહમદ જરગર, અહમદ ઓમાર સઈદ શેખ અને મૌલાના મસૂદ અઝહરને છોડવાની માગ કરી હતી.
તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ આ ચરમપંથીઓને કંધાર લઈ ગયા અને યાત્રીઓને છોડાવ્યા. ત્યારબાદ એવું કહેવાતું કે વાજપેયીએ સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી. પરંતુ રૉના પૂર્વ પ્રમુખ એ. એસ. દુલ્લતનું કહેવું હતું કે દિલ્હીની સરકાર આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ ના કરી શકી.
7. પોટાનો કાયદો
ઇમેજ સ્રોત, T.C. MALHOTRA
વડા પ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળમાં 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર હુમલો થયો. પાંચ આતંકીવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાને ભારતીય સંસદીય ઇતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આ ઘર્ષણમાં પાંચેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
ત્યારબાદ આંતરિક સુરક્ષાને લઈને વાજપેયી સરકારે પોટા કાયદો બનાવ્યો. આ કાયદો 1995ના ટાડા કાયદા કરતાં પણ વધુ કડક માનવામાં આવતો હતો.
સરકાર વિરોધીઓને નિશાન બનાવી રહી છે તેવી દલીલ કરીને વિપક્ષે આ કાયદાનો વિરોધ પણ કર્યો હતો.
આ કાયદા અંતર્ગત એમડીએમકના નેતા વાઇકોની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષ દરમિયાન વાજપેયી સરકારે 32 સંગઠનો પર પોટા અંતર્ગત રોક લગાવી હતી.
વર્ષ 2004માં યૂપીએ સરકાર સત્તામાં આવી અને આ કાયદાને રદ કરવામાં આવ્યો.
8. બંધારણ સમીક્ષા પંચનું ગઠન
વાજપેયી સરકારે બંધારણમાં સંશોધનની જરૂરિયાત પર વિચાર કરવા માટે ફેબ્રુઆરી 2000ના રોજ બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રિય પંચની રચના કરી. આ પંચનો વિરોધ વિપક્ષ અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. કે. નારાયણે પણ વિરોધ કયો હતો.
26 જાન્યુઆરી 2000ના રોજ 50માં ગણતંત્ર દિવસે તેમણે કહ્યું હતું કે જ્યારે બંધારણમાં સંશોધનની વ્યવસ્થા છે તો સમીક્ષા શા માટે થવી જોઈએ?
આખરે વાજપેયી સરકારે પંચનું ગઠન કર્યું અને તેને છ મહિનાનો સમય આપ્યો. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમ. એન. વેંકટચલાઇયાની આગેવાની વાળા આયોગે 249 ભલામણો કરી હતી.
પરંતુ, પંચ અને તેમની દરેક ભલામણનો વિરોધ થયો અને આખરે વાજપેયી સરકારે બંધારણમાં સંશોધન કરવાનું કામ છોડવું પડ્યું.
9. જાતિગત જનગણના પર રોક
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયી સરકાર પહેલાં એચ. ડી. દેવગૌડાની સરકારે જાતિગત જનગણના કરવાને મંજૂરી આપી દીધી હતી.
મંડલ કમીશનની જોગવાઈઓને લાગુ કર્યા બાદ દેશમાં પ્રથમ વખત 2001માં જનગણના થવાની હતી. કાયદાકીય પ્રણાલી તરફથી તથ્યાત્મક આંકડાઓ એકઠા કરવાની વાત કરવામાં આવતી હતી જેથી કોઈ મજબૂત કાર્ય પદ્ઘતિ બનાવી શકાય.
તત્કાલીન રજિસ્ટાર જનરલે પણ જાતિગત જનગણનાને મંજૂરી આપી હતી. પરંતુ વાજપેયી સરકારે આ નિર્ણય ફેરવી દીધો અને તેને કારણે જનગણના ન થઈ.
10. રાજધર્મનું પાલન કરવાની શીખામણ
ઇમેજ સ્રોત, Getty Images
દરેક વડા પ્રધાનની જેમ વાજપેયીને પણ સાચાં-ખોટાંની કસોટી પરથી ઊતરવું પડ્યું છે. પરંતુ ગુજરાતમાં 2002માં થયેલા હુલ્લડો સમયે વાજપેયી એક સપ્તાહ સુધી મૌન રહ્યા તેની સૌથી વધુ આલોચના થઈ હતી.
ગોધરા કાંડ 26 ફેબ્રુઆરી 2002ના રોજ શરૂ થયો અને ત્રણ માર્ચ 2002ના રોજ વાજપેયીનું નિવેદન આવ્યું.
તેના લગભગ એક મહિના બાદ ચાર એપ્રિલ 2002ના રોજ વાજપેયી અમદાવાદ ગયા અને ત્યાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે મોદીએ રાજધર્મનું પાલન કરવું જોઈએ.
જોકે, તેઓ રાજધર્મનું પાલન કેમ નહોતા કરતા તે અંગે સવાલો ઊઠ્યા હતા. ત્યારબાદ તેમણે ઘણી જગ્યાઓએ ઉલ્લેખ કર્યો કે તેઓ ઇચ્છતા હતા કે મોદી મુખ્ય મંત્રી તરીકે રાજીનામું ધરી દે.
ત્યારબાદ 2004માં એનડીટીવીના પત્રકાર રાજદીપ સરદેસાઈને આપેલા ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું 'જો હિંદુઓને ના સળગાવ્યા હોત, તો ગુજરાતમાં હુલ્લડ ના થાત.'
ઇતિહાસ વાજપેયીની તમામ ખાસિયતો સાથે તેમની 'રાજનૈતિક ભૂલો' માટે પણ તેમને યાદ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો