'અમિત શાહના કપરા કાળમાં નીતિન ગડકરી તેમને કલાકો રાહ જોવડાવતા'

  • પ્રદીપ સિંહ
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષ જ નહીં ભાજપમાં પણ આંતરિક હલચલ જોવા મળી રહી છે.

ભાજપમાં '160 ક્લબ' ફરી એક વખત સક્રિય થઈ ગઈ છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તેનું નેતૃત્વ લીધું છે.

નીતિન ગડકરી સારી છાપ ધરાવે છે. તેઓ સમજ્યા-વિચાર્યા વગર કશું બોલતા નથી.

ગડકરી તેમની નજર સામે જે લક્ષ્યાંક હોય, તેને ક્યારેય ભૂલતા નથી.

એવું માનવામાં આવે છે કે ભાજપમાં રાજકીય રીતે આગળ આવવું હોય તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન પૂરતું છે, પરંતુ તે માત્ર અવધારણા છે - જે વાસ્તવિક્તાથી થોડી વેગળી વાત છે.

હા, વાસ્તવિક્તા થોડી અલગ છે. સંઘના વિરોધ બાદ ભાજપમાં તમારી પ્રગતિ અટકી જાય, એવો નિયમ છે, પણ દરેક નિયમની જેમ આમાં પણ કેટલાક અપવાદ છે.

શું છે ભાજપની '160 ક્લબ'

અગાઉ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતનો સમાવેશ પણ એ યાદીમાં જ થાય છે. રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયા પણ એ રસ્તે જ છે.

વર્ષ 2014માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સ્વીકારવા સંઘ મજબૂર થયું હતું.

એ સમયે પણ ભાજપમાં એક મોટી અને સશક્ત લોબી હતી, જેનું માનવું હતું કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપને 160-180 બેઠક જ મળશે.

આ સંજોગોમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને સાથી પક્ષો નહીં સ્વીકારે. એ સમયે ત્રણ નેતાઓ વડા પ્રધાનપદની ખેવના રાખતાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

જેમાં લોકસભામાં તત્કાલીન વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ. તેમને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા તેમના સાથીઓનું સમર્થન હાંસલ હતું.

બીજા હતા નીતિન ગડકરી. તેઓ આરએસએસની પસંદથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

સંઘના સમર્થન છતાંય તેઓ ભાજપના અધ્યક્ષ તરીકે બીજો કાર્યકાળ મેળવી શક્યા ન હતા.

ત્રીજા ઉમેદવાર હતા, ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહ, ત્રણેય એકબીજાને પસંદ કરતા ન હતા પરંતુ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં ત્રણેય એક હતાં.

મોદીએ આપી માત

ઇમેજ સ્રોત, Getty Images

બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે એનડીએનો સાથ છોડતાં પહેલાં ભાજપના બંને અધ્યક્ષ નીતિન ગડકરી તથા રાજનાથસિંહ સાથે પણ વાતચીત કરી હતી.

રાજનાથસિંહ સાથે જે વાત થઈ, તેની વાત ફરી ક્યારેક કરીશું, હાલમાં નીતિન ગડકરીની વાત કરીએ.

નીતિશ કુમારે સ્પષ્ટપણે ગડકરીને પૂછ્યું કે શું તમે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરશો?

ગડકરીએ કહ્યું હતું, "હું તમને એ વાતની ખાતરી આપું છું કે ચૂંટણી પૂર્વે અમારી પાર્ટી કોઈ પણ વ્યક્તિને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરે."

ગડકરીને એવું માનતા હતા કે તેમને અધ્યક્ષ તરીકે બીજી ટર્મ પણ મળશે અને લોકસભાની ચૂંટણી સમયે તેમના હાથમાં જ કમાન રહેશે.

એ અરસામાં જ પૂર્તી કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું અને તેઓ ફરી વખત અધ્યક્ષ ન બની શક્યા.

ગડકરીને લાગે છે કે તેમની પાર્ટીના નેતાઓએ જ તેમને બીજી ટર્મ માટે અધ્યક્ષ ન બનવા દીધા.

ગડકરીને માને છે કે તેમના હાથમાંથી અધ્યક્ષપદ પણ ગયું અને વડા પ્રધાન બનવાની તક પણ જતી રહી.

ગડકરીની અધીરાઈ

ઇમેજ સ્રોત, Getty Images

આ વાતો તો ભૂતકાળની થઈ, હવે વર્તમાનની વાત કરીએ.

સોમવારે ગડકરીએ ગુપ્તચર તંત્રના અધિકારીઓને સંબોધન કર્યું પરંતુ તેમાં ગડકરીએ પાર્ટીનાં આંતરિક રાજકારણના અણસાર આપ્યા.

ગડકરીની વાતમાં રહેલી અધીરાઈ ઊડીને આંખે વળગતી હતી.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ તરફ ઈશારો કરતા અમિત શાહે કહ્યું હતું કે જો પાર્ટીના ધારાસભ્ય કે સાંસદ હારે તો તેની જવાબદારી પણ પાર્ટીના અધ્યક્ષની હોય છે.

ગડકરી એ વાત ભૂલી ગયા હતા કે તેમના અધ્યક્ષપદ તરીકેના કાર્યકાળ દરમિયાન જ ઉત્તર પ્રદેશમાં ભાજપનો સૌથી કારમો પરાજય થયો હતો.

એ સમયે ગડકરીએ નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી સંજય જોશીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ ધમકી આપી હતી કે જો સંજય જોશીને નહીં હટાવે તો તેઓ ચૂંટણી પ્રચાર નહીં કરે, ગડકરીએ તેમની વાત ન સાંભળી.

મોદી-ગડકરી પહેલાં શાહ-ગડકરીની વાત કરી લઈએ. એના માટે થોડું ફ્લૅશબૅકમાં જવું પડશે, બંને એકબીજાને પસંદ કરતા નથી.

શાહને કલાકો રાહ જોવડાવતા

ઇમેજ સ્રોત, Getty Images

ગડકરી ભાજપના અધ્યક્ષ હતા, તે સમયનો એક કિસ્સો છે.

એ સમયે કોર્ટના આદેશને પગલે અમિત શાહે ગુજરાત છોડવું પડ્યું હતું અને અમિત શાહ દિલ્હીમાં રહેતા હતા.

એ સમયે અમિત શાહનો કપરો કાળ ચાલી રહ્યો હતો.

તેઓ જ્યારે ગડકરીને મળવા જતા, ત્યારે ગડકરી તેમને કલાકો સુધી રાહ જોવડાવતા.

ગડકરીને અચાનક જ મહારાષ્ટ્રનાં રાજકારણમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું પદ મળ્યું હતું. જોકે, સમયનું પૈડું ફર્યું.

ડિસેમ્બર 2014માં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીનું નામ નક્કી કરવાનું હતું અને અમિત શાહ ભાજપના અધ્યક્ષપદે હતા.

ગડકરીને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદે બેસવું હતું, પરંતુ ન બેસી શક્યા.

નાગપુરના જે દેવેન્દ્ર ફડણવીસને ગડકરી તેમની સામે છોકરું સમજતા હતા, તેઓ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા.

ઇમેજ સ્રોત, EPA

ત્યારથી ગડકરી તકની રાહ જોઈ રહ્યા હતા, જે તેમને તાજેતરમાં મળી.

ગડકરીને લાગે છે કે શાહ-મોદીની જોડી ઉપર પ્રહાર કરવા માટેની તક મળી છે.

હવે જોવું એ રહ્યું કે પાર્ટીના અન્ય કોઈ નેતા ગડકરીની વાતનો પડઘો ઝીલે છે કે નહીં.

પાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામ બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે મોદીનો જાદૂ ઓસરી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે ભાજપની બેઠકો ઘટશે અને કૉંગ્રેસની બેઠકો વધશે.

આમ છતાંય મહદંશે એવું માનવામાં આવે છે કે સરકાર નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ની બનશે.

જો આ પ્રકારના સંજોગ ઊભા થાય તો ભાજપને મોદીના વિકલ્પ અંગે વિચાર કરવો પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગડકરી દ્વારા કરવામાં આવેલો અપ્રત્યક્ષ હુમલો એ તેમની દાવેદારીની અભિવ્યક્તિ છે.

ગડકરીએ પ્રધાન તરીકે તેમનું કામ સુપેરે બજાવ્યું છે. કામ કરાવવામાં નિપુણ પ્રધાન તથા જરૂર પડ્યે બાંધછોડ કરનારા પ્રધાન તરીકેની તેમણે છાપ ઊભી કરી છે.

ગડકરી ભ્રષ્ટાચાર સમર્થક નથી પરંતુ જો તેનાથી કામ થતું હોય તો તેને ખરાબ પણ માનતા નથી.

મોદી-શાહની સામે ગડકરીનાં નિવેદનોથી ભાજપમાં ચાલી રહેલી જૂથબંધી ઉઘાડી પડી છે.

હવે એ પણ સવાલ ઊભો થશે કે ગડકરી તેમની દાવેદારી કેટલી લંબાવી શકે છે.

અમિત શાહ કોઈ જવાબ આપે છે કે નહીં, તે પણ જોવું રહ્યું.

જે પણ થાય, પરંતુ તેમણે વડા પ્રધાનપદ માટેની દાવેદારી તો અભિવ્યક્ત કરી જ દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો