શાહબાનો : ટ્રિપલ તલાક સામે કાનૂની જંગ લડનારાં પ્રથમ મહિલા

  • દિપલકુમાર શાહ
  • બીબીસી સંવાદદાતા
મુસ્લિમ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સંસદમાં મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) બિલ, 2018 પસાર કરવાના હેતુસર તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બિલને 'ટ્રિપલ તલાક બિલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મીડિયા અહેવાલ અનુસાર બિલ અંગે સંસદમાં મતદાન પણ થઈ શકે છે અને અહેવાલો અનુસાર ભાજપે તેના તમામ સંસદસભ્યોને લોકસભામાં હાજર રહેવા વ્હિપ જારી કરી છે.

બિલનું લક્ષ્ય મુસ્લિમ સમુદાયમાં ચાલતી તત્કાળ ટ્રિપલ તલાક પ્રથાને નાબૂદ કરી તેને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનાઈત કૃત્ય ગણવાનું છે.

અત્રે નોંધવું રહ્યું કે સુપ્રીમ કોર્ટ વર્ષ 2017ના ઑગસ્ટ મહિનામાં આપેલા એક ચુકાદામાં ટ્રિપલ તલાક પ્રથાને ગેરબંધારણીય ગણાવી ચૂકી છે.

ઉપરાંત મોદી સરકાર આ સમગ્ર મુદ્દાને મહિલાઓના અધિકાર સાથે જોડી રહી છે.

જ્યારે બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેને કુરાનના ધાર્મિક કાયદામાં સરકારના હસ્તક્ષેપ સમાન ગણી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક પ્રથાને પડકારનારી મુસ્લિમ મહિલાઓ (પિટિશનકર્તા) આ પ્રથાને પિતૃસત્તાક સમાજની ઉપજ અને મહિલાઓના મૂળભૂત અધિકારનું હનન ગણાવે છે.

દેશમાં જ્યારે સંવેદનશીલ ટ્રિપલ તલાક મુદ્દે આટલી ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ લડાઈની પૃષ્ઠભૂમિમાં એક બહુચર્ચિત કેસ વિશે જાણવું પણ અગત્યનું છે.

આ કેસમાં મુસ્લિમ મહિલા અદાલતમાં કેસ જીતી ગયાં હતાં પણ તેમને ન્યાય ન મળી શક્યો.

આ એ જ મહિલા છે જેમણે સૌપ્રથમ તલાક પ્રથા સામે કાનૂની જંગ છેડ્યો હતો.

શાહબાનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આ શાહબાનો કેસ તરીકે ઓળખાય છે. શાહબાનો નામનાં મુસ્લિમ મહિલાએ તલાક પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો.

શાહબાનો કેસ રાજનીતિ પર ધર્મની અસરનું એક મોટું ઉદાહરણ છે.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહેતાં પાંચ બાળકોનાં માતા શાહબાનોને સુપ્રીમ કોર્ટમાં કેસ જીતવા છતાં પતિ તરફથી ભરણપોષણનો નિભાવ ખર્ચ નહોતો મળ્યો. તેનું કારણ એ હતું કે મુસ્લિમ મુદ્દા પર થયેલી રાજનીતિ.

વર્ષ 1978ના આ કેસને પગલે દેશનો રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો હતો.

શાહબાનોનાં પતિએ તેમને તલાક આપી દીધા હતા આથી 62 વર્ષીય શાહબાનોએ ભરણપોષણના નિભાવ ખર્ચનાં ભથ્થાં માટે કોર્ટનું શરણું લીધું હતું.

આ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા આ કેસને સાત વર્ષ લાગ્યાં હતાં.

જોકે, સુપ્રીમ કોર્ટે શાહબાનોના તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમને નિભાવ ખર્ચનો અધિકાર આપ્યો હતો.

પરંતુ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ધર્મની રાજનીતિ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

શાહબાનોના કાનૂની તલાક ભથ્થાં મામલે દેશભરમાં રાજકીય હંગામો સર્જાયો હતો.

એવામાં રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ મહિલાઓને મળનારા વળતરને નિરસ્ત કરતા એક વર્ષની અંદર મુસ્લિમ મહિલા (તલાકમાં સંરક્ષણના અધિકાર) અધિનિયમ (1986) પસાર કરીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટી દીધો હતો.

રાજીવ ગાંધીએ 1986માં મુસ્લિમ ધર્મગુરુઓના દબાણમાં આવીને આ કાયદો પસાર કર્યો હતો.

વળી બિલ પસાર થયા બાદ હિંદુવાદી સંગઠનોએ રાજીવ ગાંધી પર મુસ્લિમોના તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો હતો.

તલાક પ્રથા સામેની પહેલી કાનૂની લડાઈ અને લડાઈ લડનારાં મહિલા શાહબાનોનો ઉલ્લેખ ટ્રિપલ તલાક બિલની ચર્ચાના દૌરમાં મહત્ત્વનો છે.

કેમ કે આ એ જ મહિલા છે જેમણે ટ્રિપલ તલાકની પ્રથાને સૌપ્રથમ કાનૂની રીતે પડકારી હતી. કેસ જીત્યા પણ હતા પરંતુ ધર્મની રાજનીતિએ તેમની સાથે ન્યાય ન કર્યો.

એક વાર ફરી ટ્રિપલ તલાકને ગુનો ગણતા બિલ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મોદી સરકાર વટહુકમ લાવી હતી પરંતુ તે કાયદાનું સ્વરૂપ નથી લઈ શક્યો.

રાજ્યસભામાં તે પસાર નથી થઈ શક્યો. કેન્દ્ર સરકારે તેને ફરીથી સુધારા સાથે લોકસભામાં રજૂ કરતા ચર્ચા થઈ રહી છે.

'દેશમાં ટ્રિપલ તલાક સામે કાનૂન હોવો જ જોઈએ'

ઇમેજ સ્રોત, ZAKIA SOMAN/FACEBOOK

ઇમેજ કૅપ્શન,

ઝાકિયા સોમન અને કાર્યકર્તા મહિલાઓ

બીબીસીએ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક પ્રથાને નાબૂદ કરવા પિટિશન કરનારા સંગઠનના સંસ્થાપક સાથે વાતચીત કરી.

ટ્રિપલ તલાક બિલ પર સંસદમાં ચર્ચા અને શાહબાનો કેસ મામલે વાત કરતા ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સંસ્થાપક ઝકિયા સોમનેકહ્યું,"અમે ઇચ્છીએ છીએ કે દરેક રાજકીય પક્ષ એકજૂટ થઈને આ બિલને પસાર કરે."

"પિતૃસત્તાક સમાજની ઉપજ આ પ્રથા મહિલાઓના અધિકારોનું હનન છે. વળી કુરાનમાં તત્કાળ ટ્રિપલ તલાકની વ્યવસ્થા જ નથી. માત્ર પિતૃસત્તાક વિચારધારાને પગલે તેને વ્યવહારું જીવનમાં વણી લેવાઈ છે."

દેશમાં મુસ્લિમ સમાજમાં આવા તત્કાળ ટ્રિપલ તલાકના પ્રમાણ વિશે વધુ જણાવતા તેમણે ઉમેર્યું કે,"અમે વર્ષ 2017માં એક સરવે કર્યો હતો. જેમાં 525 ડાઇવોર્સી મહિલાઓમાંથી 379 મહિલાઓ ટ્રિપલ તલાકની પીડિતા હતા."

"દેશમાં ટ્રિપલ તલાક સામે કાનૂન હોવો જ જોઈએ અને સંસદનું કામ કાનૂન બનાવવાનું છે."

'ટ્રિપલ તલાક એક તરફી પ્રથા'

ઇમેજ સ્રોત, Getty Images

સંસદમાં બિલ પેન્ડિગ હોવાની બાબત પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું,"રાજકીય પક્ષો તેમની પ્રાથમિકતાઓ અનુસાર કામ કરે છે. તેમને મહિલાઓની સ્થિતિ કેવી હોય તેનાથી ફરક નથી પડતો. આથી મહિલાઓની જાગૃતિ જરૂરી છે."

શાહબાનો કેસનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે,"એ સમયે એ માત્ર એક મહિલા હતી જેણે કાનૂની જંગ લડ્યો હતો. પણ આ વખતે હજારો મહિલાઓ અવાજ ઉઠાવી રહી છે."

"હિંદુ મૅરેજ ઍક્ટ છે, ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ છે. તો ટ્રિપલ તલાકનો કાનૂન પણ હોવો જોઈએ."

ટ્રિપલ તલાક વિશે મુસ્લિમ ધાર્મિક ગ્રંથ શું કહે છે તેના વિશે તેમણે કહ્યું,"કુરાનમાં છુટાછેડાની પ્રક્રિયા લાંબી છે. પદ્ધતિસર છે અને તેમાં પતિ-પત્ની બન્નેની ભાગીદારી જરૂરી હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

"જ્યારે માત્ર તત્કાળ ટ્રિપલ તલાક (તલાક..તલાક..તલાકની પ્રથા)એ પિતૃસત્તાક સમાજ અને વિચારધારાની ઉપજ છે. જેને સમાજે થોપી દીધી છે. આ એક તરફી છે. તેમાં ભરણપોષણના ખર્ચનો પણ અધિકાર નથી."

"જેન્ડર જસ્ટિસની પણ વાત થવી જોઈએ કેમ કે બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકાર આપેલા છે. તેમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ."

અત્રે એ પણ નોંધવું કે સરકારે લોકસભામાં જાહેર કરેલા સરકારી આંકડાઓ અનુસાર દેશમાં ટ્રિપલ તલાકના કુલ 430 મામલા પ્રકાશમાં આવ્યા હતા. જેમાં 229 મામલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ નોંધવામાં આવ્યા હતા.

જ્યારે બાકીના 201 મામલા બાદમાં નોંધવામાં આવ્યા હતા. આ મામલા જાન્યુઆરી-2017 અને સપ્ટેમ્બર 13 -2018 વચ્ચે નોંધાયા હતા.

શું છે ટ્રિપલ તલાક બિલ?

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આ પ્રથાથી તલાક આપનારને 'ટ્રિપલ તલાક બિલ'માં ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત તેને નોંધપાત્ર ગુનો ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમાં ટ્રિપલ તલાક પ્રથાને નાબૂદ કરવાનું લક્ષ્ય છે. કેન્દ્ર સરકાર સુપ્રીમના ચુકાદા બાદ ટ્રિપલ તલાક મુદ્દેનું બિલ રાજ્યસભામાં પસાર નહીં થતા વટહુકમ બહાર પાડ્યો હતો.

રાજ્યસભામાં એનડીએ (નૅશનલ ડમૉક્રેટિક ઍલાયન્સ) પાસે બહુમત નહીં હોવાથી તે પસાર નહોતો થઈ શક્યો. જ્યારે લોકસભામાં તે પસાર થઈ ગયો હતો.

વિપક્ષોએ વિરોધ કરતા તેમાં કેટલાક સુધારા સાથે તેને ફરીથી ગૃહમાં રજૂ કરી હવે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે.

નવું બિલ છેલ્લા વટહુકમની જગ્યા લેશે. અત્રે એ પણ નોંધવું કે વટહુકમની સમયાવધિ છ મહિનાની હોય છે.

શું છે તત્કાળ ટ્રિપલ તલાક?

તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે. તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે.

'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે.

સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઓગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

મુસ્લિમો ટ્રિપલ તલાકની પ્રથાને અનુસરે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભારતભરના સુન્ની મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની વિવાદાસ્પદ પ્રથાને અનુસરવામાં આવે છે.

અલબત, સુન્ની ઈસ્લામના ત્રણ પંથ આ પ્રથાને હવે પ્રમાણભૂત ગણતા નથી.

સુન્ની ઈસ્લામનો ચોથો દેવબંદ એકમાત્ર એવો પંથ છે, જે ટ્રિપલ તલાકની પ્રથા સાથે સહમત છે.

ભારતમાં કેટલા મુસ્લિમો ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે, તેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

આ સંબંધે એક ઑનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. તેના તારણ અનુસાર, સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવેલા મુસ્લિમો પૈકીના એક ટકાથી પણ ઓછા મુસ્લિમોએ ટ્રિપલ તલાકનો ઉપયોગ કર્યો હતો.

કઈ રીતે ટ્રિપલ તલાક?

મુસ્લિમ પતિ છૂટાછેડાની શરૂઆત કરે તેને 'તલાક-ઉલ-અહસાન' કહેવામાં આવે છે.

આ પ્રક્રિયા ત્રણ મહિના સુધી ચાલવી જોઇએ, જેથી સંબંધમાં સુધારાનો અને પતિ-પત્ની વચ્ચેના મતભેદના નિવારણનો પૂરતો સમય મળી રહે.

મુસ્લિમ મહિલા તલાક માગે તો તેને 'ખુલા' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તલાક ઇચ્છતી હોય, પણ તેના પતિ એ માટે સહમત ન હોય તો મુસ્લિમ મહિલા કાજી કે શરિયા કોર્ટમાં જઈ શકે છે.

આ અદાલતી પ્રક્રિયા મારફતે આપવામાં આવેલા તલાકને 'ફક્શ-એ-નિકાહ' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તેના 'મેરેજ કોન્ટ્રાક્ટ' એટલે કે 'નિકાહનામા'માં તલાકની શરતો અને પ્રક્રિયા સ્પષ્ટ રીતે જણાવી શકે છે.

તેને 'તફવીધ-એ-તલાક' અથવા તો પત્નીને તલાકના અધિકારની સોંપણી કહેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો