NIAનો દાવો: ભારતમાં ઇસ્લામિક સ્ટેટનું મોટું કાવતરું નિષ્ફળ

એન આઈ એ

ઇમેજ સ્રોત, facebook@Niaindiaofficia

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીમાં 16 સ્થળોએ પાડેલા દરોડોમાં 10 લોકોની ધરપકડ કરી ઇસ્લામિક સ્ટેટનાં મૉડ્યુલ હરકત-ઉલ-હર્બ એ ઇસ્લામ પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામને ગુરુવારે પટિયાલા કોર્ટમાં એનઆઇએની વિશેષ અદાલતમાં સમક્ષ રજુ કરવામાં આવશે.

એનઆઇએ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સમાચાર સંસ્થા પીટીઆઈને અધિકારીઓએ જણાવ્યું કે આ મૉડ્યુલ રાજધાનીમાં બ્લાસ્ટનું આયોજન કરી રહ્યું હતું.

ધરપકડ કરાયેલા દસ લોકો પૈકી પાંચ લોકોની ધરપકડ પશ્વિમી ઉત્તર પ્રદેશમાંના અમરોહા જિલ્લામાંથી જોઇન્ટ ઑપરેશનમાં યુપી એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડ દ્વારા કરવામાં આવી છે અને અન્ય લોકોની ધપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી છે.

એનઆઇએનાં પ્રવકતાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના સીલમપુર અને જાફરાબાદમાં 6 સ્થળોએ દરાડા પાડવામાં આવ્યા હતા અને યુપીમાં અમરોહા, લખનૌ, હાપુડ તેમજ મેરઠમાં કુલ 11 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

પકડવામાં આવેલા લોકોના સંગઠન હરકત-ઉલ-હર્બ-એ-ઇસ્લામ ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત માનવામાં આવે છે.

એનઆઇએ કહ્યુ કે "આ સંગઠનનો મુખિયા મુફતી સુહેલ ઇન્ટરનેટના માધ્યમથી એક વિદેશી હેન્ડલર સાથે સંપર્કમાં હતો. આ લોકો આઈએસ(ઇસ્લામિક સ્ટેટ)થી પ્રેરિત હતાં. આ લોકો આ સાજિશમાં કેમ સામેલ થયા તે સ્પષ્ટ થાય છે. આ લોકો અગાઉ પણ કોઈ સાજિશમાં સામેલ થયા છે કે નહીં તેની જાણકારી હાલ નથી. બુધવારે સવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી પાંચ-પાંચ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, આ લોકો બોમ્બ બનાવવાના એ઼ડવાન્સ સ્ટેજ પર હતા."

એનઆઈએના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

એનઆઇએ દરોડાઓ અને ધરપકડ અંગે બીજું શું કહ્યું?

  • કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી 6 લોકોની તપાસ ચાલી રહી છે. જે દસ લોકોની ધપકડ કરાઈ છે તેઓ યુપી અને દિલ્હીના છે, એમનાં વિશે વધારે વિગત પછી આપવામાં આવશે.
  • અમરોહા જિલ્લાનો 29 વર્ષનો મુફ્તી સુહેલ આ મોડ્યુલનો મુખિયા છે. એ જ તમામને પ્રભાવિત કરનાર મુખ્ય શખ્સ છે. તેણે જ આ લોકોને અલગ અલગ સામાન લાવવા માટે કહ્યું હતું. કોણે કોને મળવાનું છે અને શું વાત કરવાની છે એ તમામ સુચનાઓ આ લીડર દ્વારા આપવામાં આવતી હતી. આ ગ્રૂપ આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું હતું. તેઓ આત્મઘાતી જેકેટ બનાવી રહ્યાં હતા અને આ સામાન અમરોહામાં બની રહ્યો હતો.
  • આ માટે તેમણે પોતાના પૈસા રોકયા હતા. કેટલાક લોકોએ ઘરેથી ચોરી કરીને બજારમાં સોનું વેચ્યું હતું અને તેના દ્વારા હથિયાર અને બાકીનો સામાન ખરીદ્યો હતો.
  • અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ મોડ્યુલ 3-4 મહિના અગાઉ શરુ થયું હતું. આ લોકો કેટલાક ખાસ લોકો અને ભીડવાળી જગ્યાઓને નિશાન બનાવવા માગતા હતા.
  • કોઇ એક તબક્કે અમને આના ઇનપુટ મળ્યા હતા અને અમે તપાસ શરુ કરી હતી અને આજે આ દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આ લોકોએ સ્થાનિક સ્તરે તાલીમ લીધી છે.
  • ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મોટાભાગના લોકોની ઉંમર 20થી 30 વર્ષની છે.
  • યુપીમાં ધરપકડ કરાયેલા લોકોમાં એમિટિ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિયરિંગ કરનારા એક વિદ્યાર્થી પણ છે.
  • 100થી વધારે મોબાઇલ ફોન્સ અને એક દેસી રૉકેટ લૉન્ચર જપ્ત કરવામાં આવ્યું છે.
  • ધરપકડ કરાયેલા લોકો પાસેથી સાડા સાત લાખ રુપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
  • શોધખોળ હજી ચાલુ જ છે અને આ અભિયાનનો પહેલો દિવસ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો